જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદ કરાયેલી કલમ 370 શું છે?

કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો, જેને નાબૂદ કરવાની અમિત શાહે જાહેરાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એકસાથે રાખવામાં આવ્યાં છે.

જ્યારે 1947 ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ત્યાંના રાજા હરિસિંહ જમ્મુ કાશ્મીરને સ્વતંત્ર રાખવા માગતા હતા અને જનરલ લૉર્ડ માઉન્ટબેટને પણ ભારત અને પાકિસ્તાન બંનેના દાવાને જોતા લોકમત યોજીને નક્કી કરવાનો વિકલ્પ આપ્યો.

1949માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મામલે સંઘર્ષ થયો અને છેવટે રાજ્યનો 2/3 (બે તૃતીયાંશ) હિસ્સો ભારત પાસે રહ્યો, જેમાં જમ્મુ, લદાખ અને કાશ્મીરના ખીણ પ્રદેશનો સમાવેશ થાય છે, અને 1/3 (ત્રીજો) ભાગ પાકિસ્તાનને મળ્યો.

અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1957માં રાજ્યમાં ભારતના બંધારણીય આર્ટિકલ 370 અંતર્ગત જમ્મુ કાશ્મીરને વિશષ દરજ્જો મળ્યો.

શું છે કલમ 370?

370 અંતર્ગત સંસદને જમ્મુ કાશ્મીરની રક્ષા, વિદેશ મામલાઓ અને સંચાર વિષયક કાનૂન બનાવવાનો અધિકાર છે. પરંતુ અન્ય કોઈ વિષયક કાનૂન લાગુ કરાવવા માટે કેન્દ્રને રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે છે.

આ જ વિશેષ દરજ્જાને કારણે જમ્મુ-કાશ્મીરમાં કલમ 356 લાગુ નથી થતી અને 1976નો શહેરી જમીન કાયદો પણ લાગુ નથી થઈ શકતો.

એટલા માટે જ તો કોઈ પણ ભારતીય નાગરિક દેશના અન્ય કોઈ પણ રાજ્યમાં જમીન ખરીદી વસવાટ કરી શકે છે પણ જમ્મુ કાશ્મીરમાં નહીં.

બીજું કે ભારત બંધારણીય કલમ 360 અંતર્ગત દેશમાં નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા સરકાર પાસે છે, પરંતુ એ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નથી પડતી.

આર્ટિકલ 35A કેવી રીતે ખાસ દરજ્જો આપે છે?

આર્ટિકલ 35A કલમ 370નો ભાગ છે જે કાશ્મીરને ખાસ દરજ્જો આપે છે.

જે રાજ્યને પોતાનું અલગ બંધારણ, અલગ ધ્વજ અને વિદેશી બાબતો, સુરક્ષા અને સંચાર સિવાયની બાબતોમાં સ્વતંત્રતા આપે છે.

જે કાશ્મીરમાં રહેતા લોકોને અલગ રીતે પરિભાષિત કરી શકે છે.

કાશ્મીર માટે અલગ જોગવાઈને કારણે રાજ્યમાં રહેતા સ્થાયી નિવાસીઓ જ સંપતિ ખરીદી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો સંપત્તિ ખરીદી શકતા નથી. બહારના લોકો કાશ્મીરમાં સરકારી નોકરી કરી શકતા નથી.

14 મે, 1954થી જે લોકો કાશ્મીરમાં રહે છે અથવા જે 10 વર્ષ કે તેનાથી વધારે સમયથી રહી રહ્યા છે તેમને સ્થાયી નિવાસી ગણી શકાય છે.

રાજ્યની વિધાનસભાને હક છે કે તે સ્થાયી નિવાસીઓ માટેની જોગવાઈમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે.

કેવી રીતે આર્ટિકલ 35A અસ્તિત્વમાં આવ્યો?

કાશ્મીરના મહારાજા હરિસિંહે સૌપ્રથમ 1927માં આ પ્રકારનો કાયદો પસાર કર્યો હતો.

એ સમયે તેમની એવી દલીલ હતી કે પંજાબમાંથી કાશ્મીરમાં આવતાં લોકોને રોકવા માટે આ કાયદો પસાર કરાયો હતો.

જે બાદ 1954માં 14 મેના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો.

આ આદેશ અંતર્ગત બંધારણમાં એક નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો હતો. કલમ 370 અંતર્ગત કાશ્મીરને આ ખાસ દરજ્જો આપવામાં આવ્યો.

વર્ષ 1956માં જમ્મુ-કાશ્મીરનું બંધારણ બનાવવામાં આવ્યું જેમાં સ્થાયી નાગરિકતાની વ્યાખ્યા કરવામાં આવી.

આર્ટિકલ 35Aના વિરોધમાં દલીલો

1980ના દશકમાં કાશ્મીર ઘાટીમાં ઉગ્રવાદ વધતાં ભારત અને પાકિસ્તાન બંને દેશોથી અલગ ત્રીજા વિકલ્પની માગ ઊઠી હતી.

જેમાં સંપૂર્ણ આઝાદી માટે ફરી લોકમત દ્વારા નિર્ણય લેવો જેવાં સૂચનો આવતાં રહ્યાં, પરંતુ આ વાતને ભારતનું સમર્થન ન મળ્યું, ભારત જ નહીં કાશ્મીરમાં રહેતા લોકો પણ અલગઅલગ વર્ગોમાં વહેંચાઈ ગયા.

કેટલાક લોકો આર્ટિકલ 35Aનો વિરોધ કરી રહ્યા છે અને તેમની દલીલ છે કે અહીં કેટલાક લોકોને કોઈ અધિકાર જ નથી.

1947માં જમ્મુમાં વસેલા હિંદુ પરિવારો હજી પણ શરણાર્થી જ છે. આ શરણાર્થીઓ સરકારી નોકરીઓ હાંસલ કરી શકતા નથી. આ લોકોને સરકારી શૈક્ષણિક સંસ્થાનોમાં ઍડમિશન પણ મળતું નથી.

એવા કેટલાક લોકો છે જેમને પંચાયતની ચૂંટણીઓમાં મતદાનનો અધિકાર પણ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો