You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં તણાવ : ઇમરાન ખાને કહ્યું, 'નવું સંકટ' સર્જાઈ શકે છે
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી અને કહ્યું છે કે ભારતના આક્રમક વલણથી સંકટ સર્જાઈ શકે છે.
પાકિસ્તાને ભારત પર નિયંત્રણ રેખાને પાર ક્લસ્ટર બૉમ્બથી હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે, જે આરોપ ભારતે નકારી કાઢ્યો છે.
ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ભારત નિયંત્રણ રેખાને પાર નાગરિકોને નિશાન બનાવીને હુમલો કર્યો છે.
એક ટ્વીટમાં ઇમરાન ખાને કહ્યું, "નિયંત્રણ રેખાને પાર બેકસૂર નાગરિકો પર ભારતે કરેલા હુમલા અને ક્લસ્ટર બૉમ્બના ઉપયોગની હું નિંદા કરું છું."
"આ માનવીય કાયદા અને ભારતની 1983ની પરંપરાગત હથિયારો પર કન્વેન્શનની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન છે."
તેમણે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શાંતિ અને સુરક્ષા માટે આ આંતરરાષ્ટ્રીય ખતરાની નોંધ લેવી જોઈએ."
એક અન્ય ટ્વીટમાં ઇમરાન ખાને કહ્યું, "કબજા હેઠળના કાશ્મીરમાં રહી રહેલા લોકોની પીડાની લાંબી રાતને ખતમ કરવાનો વખત હવે આવી ગયો છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સમજૂતી અંતર્ગત પોતાનું ભવિષ્ય પસંદ કરવાના અધિકારનો ઉપયોગ કરવા દેવો જોઈએ."
તેમણે કહ્યું, "કાશ્મીરના શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમાધાનથી જ દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાનો માર્ગ પસાર થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
...તો પેદા થશે નવું સંકટ
પોતાના ટ્વીટમાં ઇમરાન ખાને એવું પણ કહ્યું છે કે ભારતનાં દળોની આક્રમક કાર્યવાહી નવું સંકટ સર્જી શકે છે.
તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાશ્મીરમાં મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો છે. હવે આ કરવાનો સમય આવી ગયો છે કેમ કે ભારતીય દળોની નવી આક્રમક કાર્યવાહીઓના કારણે કાશ્મીરમાં અને નિયંત્રણ રેખાને પાર સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ સ્થિતિ ક્ષેત્રીય સંકટમાં ફેરવાઈ શકે છે."
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો હતો.
પાકિસ્તાને આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું જ્યારે ભારતે તેને સંપૂર્ણ રીતે રદ કરી દીધું.
પાકિસ્તાન તેમના જવાનોના મૃતદેહો લઈ જાય : ભારતીય સેના
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતીય સેનાએ પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ પોતાના જવાનોનાં શબ લઈ જાય.
પીટીઆઈ પ્રમાણે પાકિસ્તાન બૉર્ડર એક્શન ટીમ એટલે કે બીએટીના જવાનો જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં બીએટીના પાંચથી સાત જવાનો માર્યા ગયા.
પીટીઆઈએ સેનાનાં સૂત્રોના હાવાલાથી જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાને તેમના જવાનોનાં શબ લઈ જવા માટે કહેવામાં આવ્યું છે, જે નિયંત્રણ રેખા પર ભારત તરફ પડ્યાં છે.
કહેવાય છે કે ભારતીય સેનાએ બીએટીના હુમલાના પ્રયાસોને નાકામ કરી દીધા અને તેમના પાંચ-સાત લોકો માર્યા ગયા.
સેનાનાં સૂત્રોના હવાલાથી પીટીઆઈએ જણાવ્યું છે કે બીએટીએ 31 જુલાઈ અને એક ઑગસ્ટે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પીટીઆઈ પ્રમાણે પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ એટલે કે એસએસજી કમાંડોના ઓછામાં ઓછા ચાર મૃતદેહો મળ્યા છે.
ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી માહોલ ગરમ છે. સરકાર તરફથી તમામ અમરનાથયાત્રીઓ અને પર્યટકોને ખાડી છોડવાનું કહેવામાં આવ્યું હતું.
આ આદેશ પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ શુક્રવારે રાત્રે તેમના નિવાસસ્થાને તાત્કાલિક એક બેઠક બોલાવી હતી.
જોકે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે ગુપ્ત સૂચનાના આધારે સુરક્ષાનાં પગલાં લીધાં છે.
રાજ્યપાલ મલિકનું નિવેદન આવ્યું કે તેમને બંધારણીય જોગવાઈમાં ફેરફાર અંગે ખ્યાલ નથી.
રાજભવન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અર્ધસૈનિક દળોની વધારાની ટુકડીઓ સુરક્ષાનાં કારણોથી તહેનાત કરવામાં આવી છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બપોર બાદ પ્રેસ કૉન્ફરન્સ કરીને ખાડીની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી અને અમરનાથ યાત્રા રોકવાના આદેશની નિંદા કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો