You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્ટિકલ 35A : અમને બંધારણીય ફેરફારો વિશે ખબર નથી - જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મલિક શનિવારે નેશનલ કૉન્ફરન્સના પ્રતિનિધમંડળને મળ્યા અને એ પછી તેમણે નિવેદનમાં કહ્યું કે તેમને બંધારણીય જોગવાઈમાં ફેરફાર અંગે કોઈ જ જાણ નથી.
રાજભવન દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું છે કે અર્ધસૈનિકદળોની વધારાની ટુકડીઓને માત્ર સુરક્ષાનાં કારણોથી જ બોલાવવામાં આવી છે.
ઓમર અબ્દુલ્લાહના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત પછી રાજ્યપાલ મલિકે તેમને કહ્યું હતું કે સુરક્ષાની સ્થિતિ બદલાઈ છે. જેથી તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે.
રાજ્યપાલે પ્રતિનિધિમંડળને કહ્યું, "સુરક્ષા એજન્સીઓ પાસે આધારભૂત માહિતી હતી કે અમરનાથ યાત્રા પર ઉગ્રવાદી હુમલો થઈ શકે છે."
"પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પર ગોળીબાર થયો હતો જેનો સેનાએ જવાબ આપ્યો હતો."
ઓમર અબ્દુલ્લાહે શું કહ્યું?
કાશ્મીરની સ્થિતિ અંગે આજે નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાહે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત પછી તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ''અમે રાજ્યપાલ સાથે આર્ટિકલ 370 કે 35એ અને કાશ્મીરને 3 ભાગમાં વહેંચવાની કોશિશ વિશે વાત કરી. એમણે ખાતરી આપી છે આમાનું કંઈ નહીં થાય. આવી કોઈ જાહેરાત નહીં કરવામાં આવે.''
''પરંતુ અમે આ સોમવારે સંસદ તરફથી આ વિશે વાત થાય એવી આશા રાખીએ છીએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું કે ''અમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જાણવા માગીએ છીએ. જ્યારે અમે અધિકારીઓને પૂછીએ છીએ ત્યારે તેઓ કહે છે કે કંઈક થઈ રહ્યું છે પણ શું થઈ રહ્યું છે એની કોઈને ખબર નથી. અમે નથી ઇચ્છતા કે ભારત સરકાર આ મુદ્દે ચૂપ રહે. આપણે એ સમજવું પડશે કે કાશ્મીરમાં અશાંતિ દેશના હિતમાં નથી.''
ઓમર અબ્દુલ્લાહે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ પણ કરી છે.
ઓમર અબ્દુલ્લાહે એમ પણ કહ્યું કે ''રાજ્યપાલે ખાતરી આપી છે પરંતુ ભારત સરકારે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ.''
અગાઉ જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ શુક્રવારે રાત્રે એમના નિવાસ્થાને એક ઇમર્જન્સી મિટિંગ બોલાવી હતી.
અબ્દુલ્લાહ બાદ કૉંગ્રેસે પ્રેસ-કૉન્ફરન્સ કરી. કૉંગ્રેસ તરફથી ગુલાબ નબી આઝાદ અને કર્ણ સિંહે સરકાર પાસે જવાબ માગ્યા હતા.
ગુલાબ નબી આઝાદે કહ્યું કે તેમની સરકાર વખતે ક્યારેય અમરનાથ યાત્રા રદ નથી થઈ પણ આ વખતે રદ કેમ કરવી પડી અને ઍડ્વાઇસડરી જાહેર કરવાના કારણે ડરનો માહોલ છે.
આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરનાં અન્ય પક્ષોના નેતાઓ, નેશનલ કૉન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાહ, પીપલ્સ કૉન્ફરન્સના સજ્જાદ લોન અને પીપલ મૂવમેન્ટના ફૈસલ શાહ પણ હાજર રહ્યાં.
બેઠક પછી મહબૂબા મુફ્તીએ કહ્યું કે તેમણે કાશ્મીર ખીણની હાલત વિશે ચર્ચા કરી છે.
મહેબૂબા મુફ્તીએ પત્રકાર પરિષદમાં કહ્યું, ''કાશ્મીરમાં જે પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી તેને લીધે વિદ્યાર્થીઓ સહિત તમામ ડરેલાં છે. જે પ્રકારનો ખોફ હું આજે જોઈ રહી છું એવો મેં અગાઉ કદી જોયો નથી.''
મહેબૂબા મુફ્તીએ સવાલ કર્યો, ''સરકાર જો એવો દાવો કરે છે કે કાશ્મીરમાં હાલત બહેતર છે તો અહીં સુરક્ષાદળોની સંખ્યા શા માટે વધારવામાં આવી રહી છે.''
એમણે કહ્યું, ''સરકાર આર્ટિકલ 35-એ અને વિશેષ રાજ્ય તરીકેના દરજ્જામાં ફેરફાર કરવા જઈ રહી છે એવી અફવાઓ છે. ઇસ્લામમાં હાથ જોડવાની પરવાનગી નથી પરંતુ તે છતાં હું હાથ જોડીને વડા પ્રધાનને અપીલ કરું છું કે આવું ન કરે.''
રાજ્યપાલ સાથે મુલાકાત
જમ્મુ-કાશ્મીરના તમામ દળોના નેતાઓએ રાજ્યપાલ સત્યપાલ મલિકની પણ મુલાકાત લીધી.
એમણે કાશ્મીર ખીણ વિસ્તારમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થા અને અફવાઓને રોકવા માટે અપીલ કરી.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ મુજબ રાજ્યપાલે આ ઘટનાક્રમ પર કહ્યું છે કે સ્થિતિ સામાન્ય છે.
સત્યપાલ મલિકે કહ્યું, ''સુરક્ષા સંબધિત સૂચના અને અન્ય મુદ્દાઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવ્યા છે અને તેને લીધે અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. મેં તમામ રાજનેતાઓને અપીલ કરી છે કે તેઓ આ બે મુદ્દાઓ ભેગા ન કરે. શાંતિ જાળવી રાખવા કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે.''
કાશ્મીર છોડવાનો આદેશ
શુક્રવારે જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક સુરક્ષા સૂચના જાહેર કરવામાં આવી.
સરકારે કાશ્મીરમાં ઉગ્રવાદી હુમલાની દહેશત વ્યકત કરી અને અમરનાથયાત્રીઓને પાછા ફરી જવાનો આદેશ કર્યો.
સરકારે અમરનાથયાત્રીઓ તેમજ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવીને શક્ય એટલી ઝડપે કાશ્મીર છોડી દે.
સરકારે આ સૂચના જાહેર કરતા અનેક પ્રકારની અફવાઓએ જન્મ લીધો છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ કરીને સવાલ કર્યો,''આખા રાજ્યમાં ડરનો માહોલ કેમ ઉભો કરવામાં આવી રહ્યો છે.''
એમણે કહ્યું,''ગુલમર્ગમાં રોકાયેલા દોસ્તોને ત્યાંથી હઠાવાઈ રહ્યાં છે. લોકોને ગુલમર્ગ અને પહેલગામથી કાઢવા માટે બસો લગાવવામાં આવી રહી છે. જો યાત્રાને લઈને ખતરો છે તો ગુલમર્ગ કેમ ખાલી કરાવાઈ રહ્યું છે?''
શ્રીનગરથી મેયર જુનૈદ અઝીમ મટ્ટુએ ટ્વીટ કરી કે આજે જાહેર કરવામાં આવેલી સૂચનાથી કાશ્મીર ખીણમાં આ વર્ષનું પર્યટન સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. મને સમજાઈ નથી રહ્યું કે આ ખોફ કેમ છે પરંતુ એટલું ચોક્કસ સમજાય છે કે અહીંની જનતાનું કોઈ મહત્ત્વ નથી.
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર બશીર અહમદ ખાનનું કહેવું છે, ''ક્યાંય પણ કરફ્યૂ લાદવાનો આદેશ આપવામાં આવ્યો નથી. શાળાઓ પણ કાલે બંધ નહીં રહે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલી સૂચનાઓને લઈને વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે ગૃહમંત્રાલયે તકેદારીરૂપે આદેશ આપેલો છે.''
આ દરમિયાન ઍર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તે શ્રીનગર અવરજવર કરનારા પ્રવાસીઓની ટિકિટોના રિશિડ્યુલિંગ કે રદ કરવા પર તમામ ચાર્જ માફ કરશે.
આટલું જ નહીં પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે પણ પઠાણકોટ જિલ્લાતંત્રને આદેશ આપ્યો છે કે તેઓ અમરનાથથી આવનારા યાત્રીઓને સુરક્ષિત પાછા મોકલવા તૈયારીઓ કરે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર #OperationKashmir, #KashmirIssue અને #AmarnathYatra પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો