You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આર્ટિકલ 35A : કાશ્મીરમાં સુરક્ષાદળોની વધુ 100 કંપનીઓથી ડર કેમ?
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, કાશ્મીરથી બીબીસી સંવાદદાતા
ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષાદળોની વધુ 100 કંપનીઓ તહેનાત કરવાના નિર્ણય બાદ કાશ્મીરના ખીણ વિસ્તારમાં ડરનો માહોલ છે.
આ મુદ્દે સામાન્ય લોકોમાં આશ્ચર્ય અને મૂંઝવણ છે અને બધા જ પોતાની રીતે તેનું અર્થઘટન કરી રહ્યા છે.
રાજકીય દળોથી લઈને સામાન્ય લોકો પણ એ કહેવાની સ્થિતિમાં નથી કે કાશ્મીરમાં વધારાની 100 કંપનીઓ આવ્યા બાદ શું થશે.
26 જુલાઈ 2019ના રોજ સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રાલયના આદેશની એક નકલ ઘણી શૅર થઈ રહી હતી.
આ આદેશમાં લખ્યું હતું કે કાશ્મીરમાં વિદ્રોહી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે અર્ધસૈનિક બળોની વધારાની 100 કંપનીઓ મોકલવામાં આવશે.
તેમાં 50 સીઆરપીએફની, 10 બીએસએફની, 30 એસએસબીની અને આઈટીબીપીની 10 કંપનીઓ સામેલ છે.
કેટલાક ન્યૂઝ રિપોર્ટ મુજબ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કાશ્મીરમાં બે દિવસ રોકાયા અને સુરક્ષા અધિકારીઓ સાથે અલગ બેઠક કરી હતી.
રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અજિત ડોભાલ ખીણ વિસ્તારની બે દિવસની મુલાકાતે ગયા હતા. ત્યાર બાદ તેમણે વધારાનાં સુરક્ષાદળોને મોકલવાનો નિર્ણય લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેવી આદેશની નકલ જાહેર થઈ કે સમગ્ર કાશ્મીર ડર અને ભયમાં જકડાઈ ગયું. કાશ્મીરમાં રાજકીય પક્ષો સુરક્ષાદળો મોકલવાના વિરોધમાં છે.
રાજકીય પક્ષોનો ડર
પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વમુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ આ નિર્ણય માટે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ કાશ્મીરનો રાજકીય મુદ્દો છે, તેનું સમાધાન રાજકીય રીતે લાવવું જરૂરી છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું, "કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખીણના લોકોમાં ડરનો માહોલ છે. કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળોની કોઈ જરૂર નથી. જમ્મુ કાશ્મીર એક રાજકીય સમસ્યા છે, જેનું સમાધાન સેના નથી. ભારત સરકારે પોતાની નીતિ પર ફરી વિચાર કરવો પડશે."
જેમ કે પીપલ્સ મૂવમૅન્ટના અધ્યક્ષ શાહ ફૈઝલે કહ્યું કે અમને ચિંતા છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાય તો કાશ્મીરની સ્થિતી વણસી શકે છે.
તેમણે બીબીસીને કહ્યું, "જ્યારથી સોશિયલ મીડિયા પર પરિપત્ર ફરતો થયો છે, ત્યારથી દરેક વ્યક્તિ ડરેલી છે. મેં આજે ઍરપૉર્ટ પર જોયું અને લોકોને લાગે છે કે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કાશ્મીરમાં કંઈક મોટું થઈ શકે છે."
"કાશ્મીર એક સંઘર્ષ ક્ષેત્ર છે જ્યાં અફવાઓ બહુ જલદી ફેલાય છે. આ એક વિચિત્ર સ્થિતિ છે. હજુ સુધી અફવાઓ સંદર્ભે કોઈ વરિષ્ઠ અધિકારીનું નિવેદન પણ આવ્યું નથી."
કેવા પ્રકારની ચિંતા છે તે અંગે શાહ ફૈઝલે કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી ચર્ચાઓ થઈ છે. જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિને ખતમ કરી શકાય છે. તાજેતરમાં જ આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી."
"એવું પણ કહેવાય છે કે સરકાર કોઈ અસામાન્ય પગલું પણ લઈ શકે છે. પરંતુ, અમારું માનવું છે કે આવા બંધારણીય મુદ્દાનું સમાધાન જલદી આવતું નથી."
વધારાના સુરક્ષાદળો મોકલવાના નિર્ણય અંગેના આક્ષેપની ટીકા કરતા પૂર્વ ધારાસભ્ય અને આવામી ઇત્તેહાદ પાર્ટીના અધ્યક્ષ એન્જિનિયર રાશિદે કહ્યું, "કાશ્મીરમાં સુરક્ષાદળોનું આવવું એ કોઈ નવી વાત નથી. પરંતુ તેઓ જે હેતુથી આવે છે તે ચિંતાજનક છે."
"અમે અહીં પકડો અને મારોની નીતિ જોઈ છે. અમે અહીં લોકોને મરતા જોયા છે. અહીં ઘણી અજ્ઞાત કબરો છે."
એન્જિનિયર રાશિદ કહે છે, "કાશ્મીરના લોકો કાશ્મીરની સમસ્યાના સમાધાન અંગે વાત કરે છે. જો કાશ્મીરીઓ પાસે 25 પૈસા છે તો એ લોકો એક રૂપિયાની માગ કરી રહ્યા છે પણ કેન્દ્ર સરકારનું કહેવું છે કે એ 25 પૈસા પણ પાછા આપી દો."
"હું ભારત સરકારને અપીલ કરું છું કે કોઈ બાલિશ પગલું ન લે, આ રીતે કાશ્મીરીઓને દબાવી શકશે નહીં."
'મનમાં ડર પેસી જાય છે'
કાશ્મીરમાં વધારે સુરક્ષાદળોને લાવવના નિર્ણયથી સામાન્ય લોકો ડરી ગયા છે. લોકોનું કહેવું છે કે શું થવા જઈ રહ્યું છે તેમને ખબર નથી.
અબ્દુલ અહદે બીબીસીને કહ્યું,"શું થવાનું છે કોઈને ખબર નથી. ત્યાં સુધી કે અમારા બે પૂર્વ મુખ્ય મંત્રીઓને પણ ખબર નથી કે આગળ શું થશે. અમે સામાન્ય લોકોએ માત્ર સાંભળ્યું છે કે વધારાના સુરક્ષાદળો આવશે. તે અમારા માટે ચિંતાની વાત છે."
"આ સ્થિતિમાં લોકોનાં મનમાં ડર પેસી જાય છે, જો કંઈક થવાનું હોય તો સરકારી અધિકારીઓને તે અંગે સ્પષ્ટ જાણકારી હોવી જોઈએ કારણ કે એમની જવાબદારી બને છે."
'આ એક નિયમિત પ્રક્રિયા છે'
જોકે, ભાજપના જમ્મુ-કાશ્મીર એકમે અનુચ્છેદ 35A દૂર કરવાની વાતને સ્પષ્ટ રીતે નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે ચૂંટણીના કારણે વધારાના દળો મોકલવામાં આવી રહ્યા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ પત્રકારોને જણાવ્યું,"આ નિર્ણય ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેના માટે વધારાના સુરક્ષાદળોની જરૂર પડશે."
"મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાહ ટ્વીટ કરીને ડર ઊભો કરી રહ્યા છે. એવું કંઈ જ નથી. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી."
આ મુદ્દે ટોચના સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે.
સીઆરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ રવિદીપ સાહીએ શ્રીનગરમાં એક સમારોહ દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું,"સુરક્ષાદળોનું આવવું અને જવું એક નિયમિત પ્રક્રિયા છે. કાયદો, વ્યવસ્થા અને ઉગ્રવાદ વિરોધી ઑપરેશનને મજબૂત કરવાની જરૂર જણાઈ છે. આ નિયમિત રીતે થતું રહે છે."
છેલ્લાં બે વર્ષોમાં ભારતની સુરક્ષા એજન્સીઓએ ઘણા ભાગલાવાદી નેતાઓ, કાર્યકર્તાઓ અને વેપારીઓને ઉગ્રવાદી ફન્ડિંગના આરોપસર પકડ્યા છે.
તાજેતરમાં જ કાશ્મીરની બે દિવસની મુલાકાત દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે 'આતંકવાદ અને અલગતાવાદને સાંખી લેવામાં આવશે નહીં.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો