ઇમરાન ખાનનો અમેરિકાનો પ્રવાસ ભારત માટે આચકો બની રહેશે?

    • લેેખક, સકલૈન ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ 2019 દરમિયાન ઘણા લોકોને લાગતું હતું કે 1992માં ઇમરાન ખાને જે રીતે પાકિસ્તાનને વર્લ્ડ કપ અપાવ્યો હતો, 2019માં પણ કંઈક એવો જ ચમત્કાર થશે.

જોકે, આ વખતે પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલ સુધી પણ ન પહોંચી શક્યું.

ઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસને એવી સફળતાની જેમ જોવાઈ રહ્યો છે જાણે તેમણે ફરી એક વખત વર્લ્ડ કપ જીતી લીધો હોય.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના અમેરિકાના પ્રવાસને લઈને એવી જ લાગણી અનુભવાઈ રહી છે, જેવી 1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને મળેલા વિજય વખતે અનુભવાઈ હતી.

આ વખતે વર્ષ 1992ની જેમ દરેક શહેરમાં ઉજવણી તો નથી કરાઈ, પણ આજે પાકિસ્તાન જે પ્રકારના રાજકીય અને આર્થિક દબાણ હેઠળ છે, એને પગલે ખાનના 'સફળ' પ્રવાસને એક મોટી રાહતના રૂપે જોવાઈ રહ્યો છે.

એક અમેરિકન થિંક-ટૅન્કને પણ ઇમરાન ખાનના આ પ્રવાસમાં 'આનંદદાયી પરિવર્તન' દેખાયું છે.

વર્લ્ડ ચૅમ્પિયન ઇમરાન?

અમેરિકન સામયિક 'ફૉરેન પૉલિસી'એ આ પ્રવાસની પ્રશંસા કરી છે.

દક્ષિણ એશિયા પર નજર રાખનાર દુનિયાનાં કેટલાંક અખબારો અને ટેલિવિઝન ચેનલોએ પણ ઇમરાન ખાનની અમેરિકા યાત્રા સફળ ગણાવી છે.

અમેરિકાના પ્રવાસમાં 'ઇમરાન ખાન ધી ક્રિકેટર'એ માત્ર 'ક્રિકેટ સેલિબ્રિટી સ્ટેટસ' વાપર્યું હોય એવું નથી. તેમણે 'ઑક્સફર્ડ યુનિવર્સિટી'ની તાલીમનો પણ ફાયદો ઉઠાવ્યો છે.

એ સ્પષ્ટ છે કે ઇમરાન ખાન અને તેમના સમર્થક સૈન્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની બેઠક પહેલાં ઘણું હૉમવર્ક કર્યું હતું.

'કૅપિટલ ઍરેના વન'માં તેમનો કાર્યક્રમ કોઈ પણ પાકિસ્તાની નેતા માટે મોટી સફળતા ગણાવવી પડે.

અમેરિકામાં કે પછી અન્ય કોઈ દેશમાં જઈને પોતાના દેશના લોકોને સંબોધિત કરવાની પરંપરા હાલમાં જ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી.

પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જે રીતે પહેલાં એક સફળ કાર્યક્રમ કર્યો અને પછી વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લૅડી મૅલેનિયા ટ્રમ્પને મળ્યા તે કંઈક એવું લાગી રહ્યું હતું કે કોઈ ચર્ચિત વિદ્યાર્થીનેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર સામે વિદ્યાર્થીઓના મુદ્દા લઈને ગયા હોય.

ઇમરાન 'વ્હાઇટ હાઉસ'માં મૅચ રમવા નહોતા ગયા અથવા સફળતાનું કોઈ અણધાર્યું નાટક કરવા પણ નહોતા ગયા.

અમેરિકા સાથે તેમના દેશના સંબંધ છેલ્લાં કેટલાંક વર્ષોથી બહુ સારા નથી રહ્યા, જેને લીધે અમેરિકાએ પાકિસ્તાનને સૈન્ય મદદ બંધ કરી દીધી હતી. પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન ભયંકર નાણાકીય સંકટમાં ઘેરાઈ ગયું.

નવા અધ્યાયની શરૂઆત

અમેરિકામાં તેમને મળેલી સફળતાને પાકિસ્તાન અને અમેરિકાના સંબંધમાં એક નવા અધ્યાયની શરૂઆત ગણવામાં આવી રહી છે.

જોકે, આ પરિવર્તન ખાનના અમેરિકા જવાથી શરૂ થયું એવું માનવું ભૂલ ભરેલું ગણાશે.

આ માટેની પૃષ્ઠભૂમિ છેલ્લા કેટલાય સમયથી તૈયાર કરાઈ રહી હતી.

જેના ભાગરૂપે અફઘાન તાલિબાનને અમેરિકા સાથે વાત કરવા માટે તૈયાર કરવામાં પાકિસ્તાને મહત્ત્વની ભૂમિકા ભજવી.

અહીં એ વાત પણ નોંધવી રહી કે બદલામાં ઇમરાન ખાનના પ્રવાસ પહેલાં અમેરિકાએ 'બલોચ લિબરેશન આર્મી'ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવાના સંકેત આપ્યા હતા.

તો પાકિસ્તાને પણ ભલે દેખાડો કરવા માટે જ પણ 'જમાત-ઉદ-દાવા'ના હાફીઝ સઈદની ધરપકડ કરી બતાવી હતી.

કાશ્મીર, ટ્રમ્પ અને મોદી

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદને પણ દક્ષિણ એશિયામાં ભારે ચર્ચા જગાવી.

ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થી બનવાની એ વાત કરી, જેની પાકિસ્તાન વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું.

જોકે, મૂળ મુદ્દો એ હતો કે આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિએ કાશ્મીરમાં મધ્યસ્થતા કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હોવાનું જણાવ્યું.

અલબત્ત, ભારત સરકારે આ વાતને રદિયો આપ્યો પણ મોદીએ આ અંગે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સાર્થક સહયોગ, આતંકવાદની પરિભાષામાં બન્ને રાષ્ટ્રો વચ્ચે ઘટી રહેલું અંતર, કાશ્મીર માટે પાકિસ્તાનના કાનમાં મીઠી વાતો કરવી(ભલે થોડા સમય માટે જ કેમ ન હોય?), આર્થિક સહયોગ, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધો અને રાજકીય સપાટી પર બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધોના નવા સંકેત જન્માવે છે. આ બધી જ હાલના પ્રવાસની મુખ્ય વાતો છે.

અસલ મુદ્દા ગાયબ?

જોકે, મૂળભૂત અને વ્યૂહાત્મક બાબતો વિશે બંને દેશોએ કંઈ કહેવાનું ટાળ્યું છે.

પાકિસ્તાને પરમાણુ સમૂહમાં સામેલ થવા બાબતે કોઈ વાત નથી કરી અને અમેરિકાએ પણ આ વિશે કોઈ સંકેત નથી આપ્યો.

એ સિવાય પાકિસ્તાનમાં ચીનના વધતા વેપારી અને સૈન્યહિતો વિશે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ચર્ચા પણ નથી થઈ.

ત્યારે આ વિશે કોઈ ચર્ચા થઈ શકે? અને જો થાય તો શું પરિણામ નીકળે?

ગ્વાદર પૉર્ટ પર ચીનના પ્રભાવને સ્વીકારવા અમેરિકા તૈયાર હોય એવું ક્યાંય નથી લાગતું.

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ભવિષ્યમાં સંબંધ કેવા રહેશે એનો આધાર વડા પ્રધાન ઇમરાન ખાનની રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મૅલેનિયા ટ્રમ્પ સાથેની ઉમળકાભેર ભેટ કરતાં વધારે પાકિસ્તાનના ચીન સાથેના નાણાકીય અને નકશો બદલી નાખનારા વ્યૂહાત્મક સંબંધોની પૃષ્ઠભૂમિ પર રહેલો છે.

પાકિસ્તાન સામે અસલ પડકાર હવે એ જોવાનો રહેશે કે ચીન સાથે તેના હિમાલયથી ઊંચા સંબંધમાં અમેરિકા અવરોધ ઊભો ન કરે.

વળી, અહીં અમેરિકા પણ પાકિસ્તાનને કેટલો અવકાશ આપશે એ પણ જોવાનું રહ્યું.

દોરીસંચાર અમેરિકાના હાથમાં

પાકિસ્તાન-અમેરિકાના સંબંધનો ઇતિહાસ જોતાં સ્પષ્ટ થાય છે ખરી તાકાત હંમેશાં અમેરિકાના હાથમાં રહી છે.

1950ના દાયકાથી લઈને 21મી સદીના પ્રથમ દાયકા સુધી અમેરિકા પોતાની જરૂરિયાતના હિસાબે પાકિસ્તાન સાથે સંબંધની પ્રકૃતિ અને શરતો નક્કી કરતું રહ્યું છે.

અમેરિકા નક્કી કરતું આવ્યું છે કે પાકિસ્તાને શું કામ કરવાનું છે અને તેની કિંમત શું હશે.

જોકે, હવે પાકિસ્તાનમાં ચીન એક નવી અને શક્તિશાળી ભૂમિકામાં ઊભર્યું છે, ત્યારે પાકિસ્તાન અમેરિકા સાથે ભાવતાલ કરવાનો પ્રયાસ કરશે. અલબત્ત, આ મામલે પાકિસ્તાનને હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી.

26 વર્ષ પહેલાં જ્યારે ઇમરાન ખાન ઇંગ્લૅન્ડને હરાવીને ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરથી વર્લ્ડ કપ જીતી પાકિસ્તાન પહોંચ્યા હતા ત્યારે જે શહેરમાં તેઓ ગયા ત્યાં તેમનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું.

પરંતુ કૅપિટલ ઍરેના વન અને વ્હાઇટ હાઉસમાં 'સફળતા' મેળવ્યા બાદ પાકિસ્તાન પરત વખતી વખતે તેમણે રાજનૈતિક શબ્દો અને વ્યૂહાત્મક અંદાજમાં વાત કરવાને બદલે પોતાની સફળતાને આંકડાઓમાં દર્શાવવી પડશે.

તેમણે જણાવવું પડશે કે અમેરિકા સાથે સંબંધ પરત મજબૂત કરવા જતા પાકિસ્તાનના ચીન સાથેના સંબંધો પર કેવી અસર પડશે?

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન અમેરિકાની કટેલી હદે મદદ કરવા માટે તૈયાર છે? શું અમેરિકા ઈરાન અને મધ્યપૂર્વમાં પાકિસ્તાન પાસેથી એવી કોઈ મદદ ઇચ્છે છે કે જે પાકિસ્તાનની પોતાની સુરક્ષા માટે હિતાવહ ન હોય?

ભારતનું મહત્ત્વ યથાવત

આ પરિસ્થિતિમાં જો પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અમેરિકાની મુલાકાત જોવામાં આવે તો આર્થિક રીતે નબળા પાકિસ્તાનની સ્થિતિ સુધરે તેમાં વાર લાગશે.

તો બીજી બાજુ, ચીનના પ્રભુત્વને કારણે અમેરિકા માટે ભારતનું મહત્ત્વ યથાવત રહેશે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસમાં પાકિસ્તાનને સામેલ કર્યું છે પણ એક વાતનો બંનેને આભાસ છે કે આ 'શીત યુદ્ધ'નો સમય નથી.

એટલે કદાચ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે બહુ સારા સંબંધનો ઇતિહાસ જોતાં આજના સમયમાં ઇમરાન ખાનનું અયુબ ખાન બનવાનું સપનું પૂરું થઈ શકે એમ નથી.

પાકિસ્તાનના અમેરિકા સાથે સંબંધ કેટલા સારા થયા તેનો અંદાજ મેળવવા માટે જોવુ રહ્યું કે પાકિસ્તાની સૈન્ય અમેરિકાને કેઈ હદ સુધી અને કયા સ્તરની સેવા આપે છે.

ઇમરાન ખાનની સફળતાની ઉજવણી કદાય પાકિસ્તાની માટે વધારે સાંપ્રત છે, જોકે એ પણ એટલું જ પ્રાસંગિક છે કે આ દરમિયાન વિપક્ષ તેમને સતત ઘેરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો