You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન-ટ્રમ્પ મુલાકાત : પાકિસ્તાન કેવી રીતે અમેરિકાને વીનવશે?
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પદ, સમાચારોનું રિપોર્ટિંગ અને વિશ્લેષણ
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. વડા પ્રધાનના રૂપમાં ઇમરાન ખાન એવા સમયે અમેરિકા ગયા છે જ્યારે બન્ને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ ખૂબ વધેલો છે.
ઇમરાન ખાનનો અમેરિકા પ્રવાસ ત્રણ દિવસનો છે, પરંતુ તેમના કાર્યક્રમનું વિવરણ સ્પષ્ટ નથી, કેમ કે આ યાત્રા વિશે ભ્રમની સ્થિતિ છે કે યાત્રા આગળ વધશે કે નહીં. પરંતુ તે છતાં આ યાત્રા મહત્ત્વપૂર્ણ બનવા જઈ રહી છે.
ઇમરાન ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે અને આશા છે કે બન્ને નેતા આતંકવાદ વિરોધી, સંરક્ષણ અને વેપાર જેવા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ક્યારેક નરમ તો ક્યારેક ગરમ સંબંધ
ટ્રમ્પ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવીને રાખ્યું છે. અમેરિકા પાકિસ્તાન પર આરોપ લગાવે છે કે તે ન માત્ર ઇસ્લામિક આંતકવાદીઓને સમર્થન આપે છે પરંતુ આ મુદ્દે અમેરિકાને ગુમરાહ પણ કરે છે.
જોકે, પાકિસ્તાને આ આરોપોને ફગાવ્યા છે.
ટ્રમ્પ અને ઇમરાન ખાનની હજુ સુધી કોઈ ઔપચારિક મુલાકાત થઈ નથી પરંતુ બન્ને નેતા એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરતા રહ્યા છે.
2018માં જાન્યુઆરી મહિનામાં ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું, "અમેરિકાએ છેલ્લાં 15 વર્ષોમાં પાકિસ્તાનને 33 બિલિયન ડૉલર કરતાં વધારે મદદ કરીને મૂર્ખામી કરી છે અને તેમણે અમારી સામે ખોટું બોલવા તેમજ દગો આપવા સિવાય કંઈ કર્યું નથી."
"તેમની નજરમાં અમારા નેતા મૂર્ખ છે. જે આતંકવાદીઓને અમે અફઘાનિસ્તાનમાં શોધતા રહીએ છીએ, તેઓ તેમને સુરક્ષિત રાખે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારબાદ અમેરિકાની નિવેદનબાજી વધી ગઈ. અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સુરક્ષા મદદમાં 2 બિલિયન ડૉલરનો કાપ મૂક્યો છે. આ કાપમાં સૈન્ય મદદના 300 મિલિયન ડૉલર પણ સામેલ હતા.
નવેમ્બર 2018માં અમેરિકાના રાષ્ટ્રપતિએ એ કહેતા ટ્વીટ કર્યું, "અમે હવે પાકિસ્તાનને અબજો ડૉલર આપતા નથી કેમ કે તેઓ અમારી પાસેથી પૈસા લઈ તો લે છે પરંતુ અમારી માટે કરશે કંઈ પણ નહીં."
"સૌથી મોટું ઉદાહરણ બિન લાદેનનું છે, અફઘાનિસ્તાન બીજું છે. તેઓ એ દેશોમાંથી એક છે કે જેઓ બદલામાં કંઈ પણ આપ્યા વગર અમેરિકા પાસેથી માત્ર લેવામાં વિશ્વાસ કરે છે. તેનો હવે અંત આવી ગયો છે."
જવાબમાં ઇમરાન ખાને કહ્યું, "અમેરિકાએ પાકિસ્તાન વિરુદ્ધ સ્પષ્ટ રેકર્ડ રાખવાની જરૂર છે."
"1. 9/11માં કોઈ પણ પાકિસ્તાની સામેલ ન હતા, તેમ છતાં પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ અમેરિકાના યુદ્ધમાં સામેલ થવાનો નિર્ણય લીધો."
"2. આ યુદ્ધમાં પાકિસ્તાનના 75 હજાર લોકો નિશાન બન્યા અને પાકિસ્તાનની 123 બિલિયન ડૉલર કરતાં વધારે અર્થવ્યવસ્થા બરબાદ થઈ. અમેરિકાની મદદ તો માત્ર 20 બિલિયનની જ હતી."
જૂની મિત્રતાના નામે
પાકિસ્તાન અને અમેરિકાના આ નાજુક સંબંધોને જોતા, પાકિસ્તાનની પહેલી પ્રાથમિકતા બન્ને દેશોના સંબંધોને ફરી પાટા પર લાવવાની છે અને ઇસ્લામાબાદને પણ એવી આશા છે.
પાકિસ્તાનના સ્થાનિક સમાચારપત્રોના આધારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોના નિવેદનને ટાંકીને કહ્યું છે, "આ યાત્રા પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે રહેલા જૂના સંબંધોને નવેસરથી મજબૂત કરવામાં મદદ કરશે."
પરંતુ પાકિસ્તાનમાં કેટલાક ટિપ્પણીકાર તેનાથી ઘણી વધારે આશા રાખી રહ્યા છે.
અંગ્રેજી સમાચારપત્ર 'ધ નેશન'ના એક લેખમાં સિરાજ એમ શાવા લખે છે કે ઇમરાન ખાનની ચીન અને મધ્ય પૂર્વ દેશોની હાલની યાત્રાઓએ પાકિસ્તાનને આર્થિક સહાયતા પ્રાપ્ત કરવામાં ઘણી મદદ કરી છે.
શાવા લખે છે, "એ વાતમાં હવે કોઈ શંકા નથી કે ઇમરાન ખાન પાસે પોતાની વાત રાખવાનું કૌશલ છે અને તેમાં તેમને મહારત પ્રાપ્ત છે."
"તેમણે 22 જુલાઈના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે યોજાનારી બેઠકમાં પાકિસ્તાનના હિતોનો મામલો મજબૂતીથી ઉઠાવવો જોઈએ."
રસ્તો સહેલો નથી
પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે આ રસ્તો સહેલો નથી.
વોશિંગટન સ્થિત થિંક ટૅન્ક યૂએસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસના ઉપાધ્યક્ષ મોઇદ યૂસુફે 'હમ ન્યૂઝ ટીવી'ને કહ્યું, "બન્ને દેશ હજુ એકબીજા સાથે વાતચીતની શૈલીને અપનાવી શક્યા નથી, જેના પગલે 'બેઝિક ડિસ્કનેક્ટ' થઈ ગયું છે."
કેટલાક ટિપ્પણીકારોનું માનવું છે કે ઇમરાન ખાનની આ યાત્રા એ સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં યુદ્ધને ખતમ કરવામાં પાકિસ્તાનની મદદ ઇચ્છે છે, અને દેશમાં પોતાની સૈન્ય હાજરીને પરત લાવવાની માગ કરી રહ્યું છે.
અમેરિકાને પાકિસ્તાનના સમર્થનની આ જરૂર કૂટનીતિના સ્તર પર પાકિસ્તાનના પક્ષમાં હશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે જુલાઈમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે ચાર દેશોની વાર્તાનો હવાલો આપતા કહ્યું, "ચીન, રશિયા અને અમેરિકાએ વાતચીતમાં સામેલ થવા માટે પાકિસ્તાનનું સ્વાગત કર્યું અને ભરોસો વ્યક્ત કર્યો છે કે અફઘાનિસ્તાનમાં શાંતિ જાળવવા માટે પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે."
સંયુક્ત ચીફ ઑફ સ્ટાફ માટે ટ્રમ્પની પસંદ જનરલ માર્ક મિલે પણ પાકિસ્તાન પર નરમ વલણ અપનાવી રહ્યા હોય એવું લાગે છે.
અંગ્રેજી સમાચારપત્ર ડૉને તેમના હવાલાથી લખ્યું, "એ વાત અલગ છે કે અમે સુરક્ષા મદદને નિલંબિત કરી દીધી અને મોટા રક્ષા મામલાઓની વાતચીતને સ્થગિત કરી દીધી છે, પરંતુ અમારે સંયુક્ત હિતોના આધારે મજબૂત સૈન્ય સંબંધ જાળવી રાખવાની જરૂર છે."
આ મહિનાની શરૂઆતમાં ઇમરાન ખાનને વધુ એક કૂટનૈતિક જીત મળી, જ્યારે બલૂચિસ્તાનમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ લડતા એક સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીને અમેરિકાએ આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું હતું.
પાકિસ્તાન લાંબા સમયથી ભારત પર બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓના સમર્થન કરવાનો આરોપ લગાવતું રહ્યું છે, જ્યારે ભારત આ દાવાનું ખંડન કરે છે.
પાકિસ્તાનના વિશ્લેષક ખાવર ગુમ્મને દુનિયા ટીવીને કહ્યું, "બન્ને નેતાઓમાંથી કોઈની કારકિર્દી રાજનેતાની રહી નથી. ટ્રમ્પ એક બિઝનેસમૅન અને ટીવી સેલેબ્રિટી રહ્યા છે, જ્યારે ઇમરાન ખાન ભલે લાંબા સમયથી રાજકારણમાં છે અને પાકિસ્તાનના સૌથી પ્રસિદ્ધ ખેલાડી રહ્યા છે, એ માટે એ જોવું રહ્યું કે આ વાતચીતથી શું પ્રાપ્ત કરી શકાય છે."
(બીબીસી મૉનિટરિંગ દુનિયાના ટીવી, રેડિયો, વેબ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત થતા સમાચારો પર રિપોર્ટિંગ અને વિશ્લેષણ કરે છે. તમે બીબીસી મૉનિટરિંગના સમાચારો ટ્વિટર અને ફેસબુક પર પણ વાંચી શકો છો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો