સૂચિત વસતિ નિયંત્રણ કાયદો મુસ્લિમો અને ગરીબોનો વિરોધી છે? દૃષ્ટિકોણ

રાજ્યસભામાં ગત સપ્તાહે જનસંખ્યા વિનિયમન વિધેયક 2019 રજૂ કરાયું હતું. જે અંતર્ગત બેથી વધારે સંતાનને જન્મ આપનારા લોકોને દંડ આપવા અને બધા જ સરકારી લાભથી વંચિત રાખવાનો પ્રસ્તાવ છે.

આ એક પ્રાઇવેટ મેમ્બર બિલ છે, જેને રાજ્યસભામાં ભાજપના સાંસદ અને આરએસએસ પ્રચારક રાકેશ સિન્હાએ રજૂ કર્યું છે.

આ બિલની ટીકા થતી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે આનાથી ગરીબો પર ખરાબ અસર થશે, તો કેટલાકનું માનવું છે કે આ બિલ મુસલમાન વિરોધી છે.

બિલમાં કઈ જોગવાઈઓ છે અને તેને કેવી રીતે લાગુ કરવાની યોજના છે. આવા જ સવાલો સાથે બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ રાકેશ સિન્હા સાથે વાતચીત કરી. વાંચો તેમનો દૃષ્ટિકોણ.

વસતિ નિયંત્રણ નહીં, વસતિ સ્થિરતા

આ બિલનો હેતુ વસતિ નિયંત્રણનો નથી, પરંતુ તેમાં સ્થિરતા લાવવાનો છે. વસતિ નિયંત્રણ અને તેમાં સ્થિરતા લાવવામાં મૂળભૂત રીતે તફાવત છે.

આ માટે ત્રણ દલીલ કરવામાં આવી છે. કોઈ દેશમાં જ્યારે વસતિ વિસ્ફોટની સ્થિતિમાં પહોંચે છે ત્યારે સંસાધનો સાથેના પ્રમાણમાં તેની બિનઅનુપાતી વૃદ્ધિ થવાનું શરૂ થાય છે, આથી તેમાં સ્થિરતા લાવવી જરૂરી બને છે.

સંસાધન એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. જે ગુણોત્તરમાં વિકાસની ગતિ હોય છે તેનાથી વધારે ગુણોત્તરમાં વસતિ વધી રહી છે. ભારતમાં આ જ દેખાઈ રહ્યું છે.

બીજો મહત્ત્વપૂર્ણ પક્ષ એ છે કે સંસાધનો સાથે ક્ષેત્રિય અસંતુલન પણ ઝડપથી વધી રહ્યું છે.

દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતમાં પ્રજનન દર એટલે કે વસતિનો જે દર છે એ તે આશરે 2.1 છે. આને સ્થિરતા દર માનવામાં આવે છે. મતલબ, પ્રજનન અવસ્થામાં એક મહિલા કેટલાં બાળકને જન્મ આપી શકે છે એ માપ.

પણ તેનાથી ઊલટું, ઉત્તર અને પૂર્વ ભારતમાં. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા જેવાં રાજ્યો છે. કેટલીક હદ સુધી મધ્ય પ્રદેશ પણ તેમાં આવે છે. આ રાજ્યોમાં કુલ પ્રજનન દર દર 4થી વધારે છે.

એ દુનિયામાં પણ અને કોઈ અન્ય દેશ વચ્ચે પણ એક ક્ષેત્રિય અસંતુલન ઊભું કરે છે.

જ્યારે કોઈ ભાગમાં વિકાસ ઓછો થાય અને વસતિ વિકાસ વધારે હોય તો ત્યાંના લોકો બીજા પ્રદેશોમાં રોજગાર માટે, પોતાના અસ્તિત્વને બચાવવા માટે જાય છે. દેશમાં તેની સ્વતંત્રતા છે.

પણ જ્યારે બોજ વધે છે તો સંઘર્ષ થાય છે. જે લોકો બીજી જગ્યા પર પ્રવાસી બનીને કામ શોધે છે તેમની સ્થિતિ તેમના પોતાના પ્રદેશથી સારી નથી થઈ શકતી. આ એક મહત્ત્વપૂર્ણ પાસું છે.

બધા જ સંપ્રદાયમાં સંતુલન બની રહે

ત્રીજું પાસું એ છે કે જે રાજ્યોમાં પ્રજનન દર 2.1 છે, તે રાજ્યની સરેરાશ છે પણ રાજ્યોની અંદર તેમાં પણ સંતુલન નથી. કોઈ જિલ્લામાં પ્રજનન દર વધારે છે તો કોઈ જિલ્લામાં તે ઓછો છે.

એટલા માટે પ્રજનન ક્ષમતા દર અને વસતિની વૃદ્ધિને સરેરાશની દૃષ્ટિએ જોવાથી સમસ્યાનું નિરાકરણ થતું નથી.

કોઈ દેશ બહુભાષી ન હોય અને ધાર્મિક વૈવિધ્ય ન ધરાવતો હોય તો તે માત્ર બે જ પરિપ્રેક્ષ્યમાં વિચારે પરંતુ જે દેશ બહુભાષી છે અને જ્યાં વિવિધ વંશના લોકો રહે છે તેણે ઔપચારિક અને અનૌપચારિક રીતે ધ્યાન રાખવું પડે કે તમામ સંપ્રદાયોમાં એક સંતુલન જળવાઈ રહે. ભલેને પછી ભલે તે દુનિયાનો કોઈ પણ દેશ હોય અને તેની સભ્યતા કોઈ પણ તબક્કામાં કેમ ના હોય.

જ્યારે કોઈપણ કારણસર કોઈની વસતિ ખૂબ વધે છે અને કોઈની નથી વધી રહી એવું થાય તો સંતુલન ખોરવાય છે અને તેની સામાજિક અને આર્થિક તેમજ અન્ય અસરો પડે છે. માટે દેશમાં ક્ષેત્રિય, સંસાધન અને ધાર્મિક

જ્યારે તે સંતુલન બગડે છે. જો કોઈની જનસંખ્યા બહુ વધી જાય અને કોઈની ઓછી વધે. કારણ ભલે ગમે તે હોય, તો તેનાં સામાજિક અને આર્થિક પરિણામો હોય છે. તેનાં અન્ય પરિણામ પણ હોય છે એટલે જ ક્ષેત્રિય, સંસાધન અને ધાર્મિક એમ ત્રણેય રીતે દેશમાં સંતુલન જળવાઈ રહે તે જરૂરી છે.

આથી વસતિની સ્થિરતા માટે એક યુનિફોર્મ પૉલિસી હોવી જોઈએ. જે ક્ષેત્ર, ધર્મ, ભાષા, જાતિથી ઉપર હોય. જે બંધારણીય રીતે નિર્ધારિત કાયદો હોય. જેનું સૌ કોઈ પાલન કરે.

'અમે બે, અમારાં બે'

1970નાં દાયકાથી "અમે બે, અમારાં બે" આપણું સૂત્ર છે તો એના આધારે જેને બે બાળકો હોય તેમને પ્રોત્સાહિત કરાય. જેમ કે,

  • બૅન્ક લોન ઓછા દરે મળે
  • ડિપૉઝિટમાં વધારે વ્યાજ મળે
  • રોજગાર અને શિક્ષણમાં પ્રાથમિકતા મળે

જ્યારે લોકોને એ કહેવામાં આવશે કે ભલે તેઓ ઓછું ભણેલા હોય જો તેમને બે બાળક હશે તો રોજગારની સુવિધા મળશે, શિક્ષણનો લાભ મળશે, લોન ઓછા વ્યાજદરે મળશે તો તેઓ આ અભિયાનમાં ભાગીદાર થશે.

અન્ય એક વાત એ છે કે ગામડાંઓમાં કે તાલુકાઓમાં જેટલાં આરોગ્ય કેન્દ્રો બધે જ ફરજિયાત રીતે પ્રસૂતિ કેન્દ્ર ખોલવામાં આવે. જેમાં દરેક મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન હેલ્થકાર્ડ આપવામાં આવે.

સમયે સમયે તેમની તપાસ થાય. તેનો એક ફાયદો એ થશે કે શિશુનું ધ્યાન રાખવામાં આવશે, ભલે તે અમીર હોય કે ગરીબ દરેક ગર્ભવતીનાં સ્વાસ્થ્યની તપાસ મફતમાં થતી રહેશે.

આનાથી એ ફાયદો થશે કે જો કોઈ મહિલા બે બાળકો પછી ત્રીજી વાર ગર્ભવતી થાય તો સ્વાસ્થ્ય કેન્દ્રને તેની જાણ થશે.

શરૂઆતના તબક્કામાં તપાસ પછી ખબર પડે તો તે મહિલાને સલાહ આપી શકાશે છે અને વિકલ્પ આપી શકાય છે.

તે વિકલ્પનું પાલન કરવાની તેની પોતાની સ્વતંત્રતા રહે છે. તો અમુક હદ સુધી આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.

બીજી એક વાત એ કે જે લોકો જાણી જોઈને આવી વાતોનું ઉલ્લંઘન કરે છે તે જન્મ અને મરણની નોંધણી નથી કરાવતા તો આ નોંધણીને ફરજિયાત કરાય અને છતાં જો કોઈ આવી નોંધણી ન કરાવે તો તેઓ રાજ્યનાં સંસાધનો પર વધારાનો બોજ નાખી રહ્યા છે અને તેમની સામે પગલાં લેવામાં આવે.

  • તેમને બૅન્ક ડિપૉઝિટ પર ઓછું વ્યાજ અપાય
  • તેઓ લોન લે તો વધારે વ્યાજ વસૂલાય
  • તેમને સાર્વજનિક વિતરણ પ્રણાલિમાંથી બહાર રખાય
  • તેમને કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવાથી વંચિત રખાય

કેટલાક લોકોની માગણી કરે છે કે બે બાળકોથી વધારે બાળકોને જન્મ આપનારનો મતદાન અધિકાર છીનવી લેવો જોઈએ પણ હું તેને ખોટું માનું છું, કારણ કે કોઈ પણ લોકતાંત્રિક દેશમાં નાગરિકનો મતદાનનો અધિકાર મૂળ બંધારણીય અધિકાર છે.

આ અધિકારથી આપણે કોઈને વંચિત ના કરી શકીએ એટલે પ્રસ્તાવિત કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી.

પરંતુ મતદાનના અધિકારથી ઉપરના અધિકાર હોય છે તે વિશેષાધિકાર હોય છે. દરેક નાગરિક ચૂંટણી નથી લડતો. ચૂંટણી લડનારા લોકોની ટકાવારી ઓછી છે.

આનાથી થશે એ કે સમાજમાં એક જાગૃતિ આવશે અને આપણે લોકશાહી ઢબે ઉકેલ લાવી શકીશું.

સ્થાયી કાયદો નહીં હોય

આ કાયદો કોઈ સ્થાયી કાયદો નહીં હોય. એ એક સનસેટ કાયદો હશે. મતલબ આ એવો કાયદો હશે જે અમુક વર્ષો પછી જાતે જ ખતમ થઈ જશે. તેને ખતમ કરવા માટે કોઈ સંશોધન કે પ્રસ્તાવની જરૂર નહીં હોય.

આ કાયદો એક વસતિ ગણતરીથી બીજી વસતિ ગણતરી સુધી રહેશે.

બીજી વસતિ ગણતરીના ડેટા પર વસતિની સ્થિતિ શું છે, યુવાનોની સંખ્યા કેટલી છે એની ચર્ચા કર્યા પછી જો આપણે આ કાયદાને આગામી દસ વર્ષ માટે બનાવીશું તો આગામી પચાસ વર્ષમાં આપણી વસતિ જનસંખ્યા પર સકારાત્મક કે નકારાત્મક શું અસર પડશે, વર્ક ફોર્સ પર શું અસર થશે.

આવી બાબતોનું ધ્યાન રાખીને જો લાગશે કે આ કાયદો આગળ વધારવો જોઈએ તો સંસદે નવો ખરડો પસાર કરી ફરી કાયદો બનાવવો પડશે.

બાંગ્લાદેશનું ઉદાહરણ

બાંગ્લાદેશમાં વસતિ વધી અને બાંગ્લાદેશ જેવો દેશ, જે એક ઈસ્લામિક દેશ છે તેમાં તકલીફ એ થાય છે કે તેમની પરંપરાઓ જટિલ હોય છે, તેને ધર્મગુરુઓ શરિયત સાથે જોડી દે છે.

આવાં રાજ્યોમાં કાયદો બનાવવાનું કામ મુશ્કેલ હોય છે તો પણ બાંગ્લાદેશની સરકારે વસતિ પર નિયંત્રણ મેળવ્યું છે. આ એક ઉદાહરણ તેમણે રજૂ કર્યું છે.

કેટલાક લોકો તર્ક આપે છે કે ભારતની વસતિ જ તેનું સંસાધન છે.

હું માનું છું કે આવું હોય છે પણ વગર યોજનાએ અને જે રીતે વસતિ વધી રહી છે તે આર્થિક-સામાજિક સંઘર્ષ તથા સંસાધનો અને વિકાસના દર વચ્ચેનું અંતર અનેક રીતે વધારી દે છે.

કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કાયદો લઘુમતી, ખાસ કરીને મુસલમાનોને નિશાન બનાવવા માટે ઘડાઈ રહ્યો છે.

તો હું કહેવા માગું છું કે આપણે બધા લોકશાહી દેશનો ભાગ છીએ અને લઘુમતી શબ્દને જે રીતે સંકુચિત કરાયો છે તે સંકુચિતતા દૂર થવી જોઈએ.

ભારતમાં પારસી જેવા સમુદાય લુપ્ત થઈ રહ્યાં છે, પરંતુ તેઓ કોઈ પણ રીતે જનસંખ્યા વધારવા માટે પ્રયત્નશીલ છે.

તેમનાં ઘરમાં આઠ બાળક પણ હોય તો અમે તેનું સ્વાગત કરીશું, કારણ કે આ વાત પારસી સમાજના અસ્તિત્વની છે.

એવી જ રીતે બૌદ્ધ, ખ્રિસ્તીઓનો જનસંખ્યા વૃદ્ધિ દર ખૂબ જ ઓછો છે. તેઓ પોતે ચિંતિત છે.

તો જે દરેક વાતમાં હિંદુ-મુસ્લિમ કરાય છે તે સામંતવાદી વાતાવરણની નીપજ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો