ભયના માહોલ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કેવું છે લોકોનું જીવન?

    • લેેખક, આમિર પીરઝાદા
    • પદ, બીબીસી સંવાદદાતા

ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં હાલ તણાવ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

અહીં દરેક વ્યક્તિના માથા પર ચિંતા સ્પષ્ટ જોવા મળી રહી છે. પર્યટન ઠપ્પ થઈ ચૂક્યું છે. સ્થાનિક લોકો પરિસ્થિતિ મામલે અસમંજસમાં છે.

આ બધું એ દિવસે શરૂ થયું જ્યારે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સુરક્ષાબળોની અતિરિક્ત 100 કંપનીઓ મોકલવાનો નિર્ણય લીધો.

આ આદેશ સાથે જોડાયેલી કૉપી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ અને સૌને ચિંતામાં મૂકી દીધા કે આખરે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે.

કાશ્મીર ખીણની અંદર અને બહાર રહેતી સામાન્ય જનતા, રાજકીય પાર્ટીઓ, પત્રકારો અટકળો લગાવવા લાગ્યા.

મહેબૂબા મુફ્તીએ રાજ્યમાંથી 35A હટાવવા પર શંકા વ્યક્ત કરી.

શુક્રવારના રોજ સરકારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકો માટે એડવાઇઝરી જાહેર કરી.

લોકોને જેમ બને તેમ જલદી ત્યાંથી પરત ફરવા કહ્યું.

ત્યારબાદ લોકોએ કાશ્મીર છોડવાનું શરૂ કરી દીધું. લોકો પોતાનો સામાન બાંધીને નીકળી પડ્યા છે.

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે સુરક્ષાબળોની અતિરિક્ત તહેનાતી માત્ર સુરક્ષા કારણોસર થઈ રહી છે.

રાજ્યપાલે કહ્યું, "સુરક્ષા એજન્સીઓને એ વિશ્વસનીય જાણકારી હતી કે અમરનાથ યાત્રા પર ઉગ્રવાદી હુમલો થઈ શકે છે."

કાશ્મીરમાં હાજર પર્યટકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. પરંતુ જે લોકોના ઘર કાશ્મીરમાં છે, તેમને કંઈ ખબર પડી રહી નથી.

સુરક્ષાબળોની અતિરિક્ત તહેનાતીથી તો તેઓ ચિંતામાં છે જ, પણ સાથે જ ભવિષ્યમાં શું થશે તે મામલે પણ તેઓને ચિંતા છે.

કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે આજની પરિસ્થિતિ 1990ની યાદ અપાવી રહી છે.

પર્યટકોનાં મનપસંદ કાશ્મીરમાં જે તણાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં સુધારો ક્યારે થશે તે અંગે કોઈને જાણકારી નથી.

મહેબૂબા મુફ્તીએ કહ્યું, "જે પ્રકારનો ડર આજે હું જોઈ રહી છું, તેવો મેં પહેલા ક્યારેય જોયો નથી."

મોટી સખ્યામાં સૈન્યબળની તહેનાતીથી સ્થાનિક લોકોમાં ગુસ્સો પણ છે અને તેમની અંદર અલગતાની ભાવના વધી રહી છે. કેમ કે તેઓ પહેલાંથી જ કેદી હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર સતત રાજ્યમાં કોઈ અપ્રિય ઘટનાની શક્યતાનો ઇનકાર કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો