કેરળમાં છ દલિતોની મંદિરોમાં પૂજારી તરીકે સત્તાવાર નિમણૂંક

    • લેેખક, ઈમરાન કુરેશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારત વિરોધાભાસોનો દેશ છે. પશ્ચિમના ગુજરાતમાં એક દલિતને મૂછ ઉગાડવા બદલ માર મારવામાં આવ્યો હતો. દક્ષિણના કેરળમાં ત્રાવણકોર દેવસોમ બોર્ડે છ દલિતોની નિમણૂક પૂજારી તરીકે સત્તાવાર રીતે કરી છે.

ત્રાવણકોર દેવસોમ બોર્ડ કેરળમાં 1,504 મંદિરોનું સંચાલન કરે છે. આ મંદિરોમાં પૂજારીઓની નિમણૂકમાં સરકારની અનામત નીતિને અનુસરવાનો ઐતિહાસિક નિર્ણય બોર્ડે કર્યો છે.

લેખિત પરીક્ષા અને ઈન્ટર્વ્યૂ જેવી પ્રક્રિયાને અનુસરવાના બોર્ડના નિર્ણયને પગલે પછાત જ્ઞાતિઓના 36 ઉમેદવારો મેરિટ લિસ્ટમાં સ્થાન પામ્યા હતા.

તેમની સાથે છ દલિતો પણ લાયક સાબિત થયા હતા.

કેવી રીતે આવ્યું પરિવર્તન

કેરળની ડાબેરી મોરચા સરકારના દેવસોમ બોર્ડ પ્રધાન કદમપલ્લી સુરેન્દ્રને આદેશ આપ્યો હતો કે પૂજારીઓની નિમણૂકમાં પણ બોર્ડે સરકારની નીતિને અનુસરવી જોઈએ.

કદમપલ્લી સુરેન્દ્રનના આદેશના આધારે બોર્ડે ઉપરોક્ત નિર્ણય કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

દલિતની મંદિરના પૂજારી તરીકે નિમણૂંકનો થોડો વિરોધ થવાની આશંકા છે, પણ આ નિર્ણય લેનારાઓને ખાતરી છે કે દલિતોને પૂજારી તરીકે સ્વીકારવા માટે ભક્તોમાં ''સર્વસંમતિ'' સધાશે.

ત્રાવણકોર દેવસોમ બોર્ડના પ્રમુખ પ્રયાર ગોપાલક્રિષ્નાએ બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે ''અત્યારે હિન્દુઓમાં પુરોહિત બ્રામ્હણ હોય કે નાયર જ્ઞાતિનો હોય એ મહત્વનું નથી, પૂજા મહત્વની છે. મુખ્ય ઉદ્દેશ છે પૂજા.''

ગોપાલક્રિષ્નાએ કહ્યું હતું કે ''બ્રામ્હણોમાં આશરે 40 અને નાયરોમાં આશરે 9-10 શાખાઓ છે.

અમારી નીતિનો અમલ સુનિશ્ચિત કરવા માટે વિવિધ જ્ઞાતિઓની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન સાધવામાં સફળ રહ્યાનો અમને આનંદ છે.''

"વિરોધ નિશ્ચિત છે"

દલિતોની નિમણૂક પૂજારી તરીકે કરવાનો ''વિરોધ નિશ્ચિત રીતે થશે'',

એવું સ્વીકારતાં ગોપાલક્રિષ્નાએ એમ પણ જણાવ્યું હતું કે જ્ઞાતિઓ વચ્ચે ભેદભાવ આચરી ન શકાય એ વાત ભક્તોના ગળે ઉતારવા માટે ''પરંપરાગત વ્યવસ્થાની સાથે આધુનિકતાનો'' ઉપયોગ કરવામાં આવશે.

સામાજિક કાર્યકર રાહુલ ઈશ્વર આ વાત અલગ રીતે રજૂ કરે છે.

તેમણે કહ્યું હતું કે ''વેદવ્યાસ માછીમારના પુત્ર હતા. વાલ્મીકિ અનુસુચિત જનજાતિના હતા.

સ્વામી વિવેકાનંદે જણાવ્યું છે તેમ હિન્દુત્વ એક તબક્કે એટલી જડ રીતે જ્ઞાતિવાદી બની ગયું હતું કે પૂજારી તરીકે માત્ર બ્રામ્હણોની નિમણૂંક જ કરવામાં આવતી હતી.

બોર્ડના નિર્ણયનો વિરોધ થશે, પણ આ આવકાર્ય પગલું છે.''

ઈશ્વરે ઉમેર્યું હતું કે ''બધા લોકો તેનો વિરોધ નહીં કરે. સાથે એ પણ નોંધવું જોઈએ કે બ્રામ્હણો પણ ગરીબીમાં સપડાયેલા છે અને તેઓ પણ સામાજિક ભેદભાવનો સામનો કરી રહ્યા છે.

"તેમની ચિંતા વાજબી છે અને તેનું નિરાકરણ થવું જોઈએ.''

ઈશ્વરને ખાતરી છે કે ''વિવિધ જ્ઞાતિઓ વચ્ચે સર્વસંમતિ સાધીને આ સુધારાનો અમલ કરવામાં આવશે.''

મંદિરોમાં દલિત પ્રવેશનો ઈતિહાસ

કર્ણાટકની માફક કેરળમાં પણ દલિતોની મંદિરોમાં પ્રવેશ આપવાના આદેશ રાજવીઓએ બહાર પાડ્યા હતા.

1936માં વાઇકોમ ચળવળને પગલે ત્રાવણકોરના મહારાજાએ આવું કર્યું હતું. નલાવડી ક્રિષ્નારાજા વુડયારના વડપણ હેઠળના તત્કાલીન મૈસુર સ્ટેટે પણ 1927માં મહાત્મા ગાંધીની હાકલને પગલે આમ કર્યું હતું.

બેન્ગલુરુની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ(એનઆઇએએસ)ની સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સના પ્રોફેસર ડો. નરેન્દ્ર પાનીએ કહ્યું હતું કે ''ભારતના અન્ય પ્રદેશોની સરખામણીએ કર્ણાટક અને કેરળમાં જ્ઞાતિ વ્યવસ્થા સામેની ચળવળ અલગ પ્રકારની છે.''

ડો. પાનીએ કહ્યું હતું કે ''કેરળમાં સમાજના નીચલા વર્ગના લોકોની ઉગ્ર ચળવળને ત્રાવણકોરના મહારાજાએ ટેકો આપ્યો હતો.

''ઓલ્ડ મૈસુરમાં નલાવડી ક્રિષ્નારાજા વુડયાર જેવા શાસકોએ અનામત નીતિનો નિર્ણય કર્યો હતો.''

"લોકોના પોતપોતાના ભગવાન"

લોકોની પૂજાને પ્રભાવિત કરનારી અન્ય બાબતનો ઉલ્લેખ કરતાં ડો. પાનીએ કહ્યું હતું કે ''લોકોની પૂજાપદ્ધતિના સંકેત આપણી સામે છે.

''દરેક જ્ઞાતિ તેના પોતાના ભગવાનની પૂજા-આરાધના કરે છે.''

ડો. પાનીએ જણાવેલી વાત કેરળના ભક્તોમાં સર્વસંમતિ સાધવામાં મદદરૂપ થઇ શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

કર્ણાટકના મેંગલુરુમાં કાદ્રોલી મંદિર છે. તેમાં માત્ર દલિતો જ નહીં, વિધવાઓ પણ પૂજારી તરીકે સેવા આપે છે.

જોકે, કેરળ જેવાં રાજ્યમાં ઉપરોક્ત નિર્ણયના રાજકીય સૂચિતાર્થો પણ છે.

"...પરંતુ આ મુદ્દે રાજનીતિ પણ થશે"

ધ હિન્દુ દૈનિકના તિરુઅનંતપુરમના સીનિયર અસોસિએટ એડિટર સી. જી. ગૌરીદાસન નાયરે કહ્યું હતું કે ''આ પગલાંથી સામાજિક વિવાદ નિશ્ચિત રીતે સર્જાશે.

''ભારતીય જનતા પાર્ટી (બીજેપી) કેરળમાં રાજકીય શક્તિ મેળવવા માટે સમાજના નીચલા તથા મધ્યમ વર્ગની જ્ઞાતિઓમાં પ્રસરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ઉપરોક્ત નિર્ણયને કારણે રાજકીય વિવાદ પણ સર્જાશે.''

નાયરે કહ્યું હતું કે ''અમે હિન્દુઓને એક કરવાના પ્રયાસ કરતા હોવાથી રાજ્યની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે આ પગલું લીધું છે એમ કહીને કેરળમાં કાર્યરત બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ નિર્ણયનો બરાબર લાભ લેશે.''

''બીજી તરફ કોમ્યુનિસ્ટ પાર્ટી આ નિર્ણયનો ઉપયોગ પછાત જ્ઞાતિઓનો ટેકો મેળવવા માટે કરશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો