You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિગ્નેશ મેવાણીએ ભાજપને વડગામમાં 19 હજાર મતથી હરાવ્યો
ગુજરાતમાં જે ખૂબ ઓછું બનતું જોવા મળે છે એવી બાબત વડગામની બેઠક પર બની છે.
અલબત્ત કોંગ્રેસના ટેકાથી પરંતુ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તીને 19 હજાર 696 મતોથી હરાવ્યા છે.
દલિતો ઉપરાંત અન્ય શોષિત વર્ગોના હક માટે લડત ચલાવવાની વાત કરનારા જિગ્નેશ પર હવે જવાબદારી વધશે કારણ કે તેમણે આપેલા વચનો પૂરા કરવા માટે તેમણે આગેવાની લેવી પડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પણ છેલ્લી ઘડી સુધી ચૂંટણી ન લડવાનું જાહેરમાં નિવેદનમાં કરી ચૂકેલા જિગ્નેશ મેવાણીએ આખરે વડગામ બેઠક પરથી કોંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર અનુક્રમે તેમના સમાજ માટે અધિકાર મેળવવા અને અધિકારોની રક્ષા કરવાના મુદ્દે રાજકારણમાં આવ્યા.
જ્યારે જિગ્નેશ મેવાણીએ તેમના સમાજના યુવાનો પર ઉનામાં થયેલા અત્યાચારોના વિરોધમાં આગેવાની લીધી અને રાજકારણમાં પ્રવેશ કર્યો.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમની આગેવાની હજી ભલે તમામ દલિત સમાજ અને અગ્રણીઓએ સ્વીકારી ન હોય, છતાં આજે જિગ્નેશે પોતાની વક્તૃત્વ શૈલી, સમૃદ્ધ વાંચન, ચોટદાર રજૂઆત અને સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દા પોતાની સભાઓમાં ઉઠાવીને દલિત અને બિન-દલિત યુવા વર્ગમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
જિગ્નેશ મેવાણીની રાજકારણમાં શું અસર?
દલિત રાજકારણમાં ગુજરાતના દલિતોના અવાજ તરીકે જિગ્નેશની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કનૈયા કુમાર સાથે મળીને દેશમાં વિવિધ સ્થળોએ જાહેર સભાઓ સંબોધી છે.
હાલ જિગ્નેશ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે જોડાયેલા છે.
આ વિધાન સભા ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી કપરા પડકારનો સામનો કરી રહેલા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારનો નામજોગ ઉલ્લેખ કરીને તેમના પર આક્ષેપ નહોતા કર્યા.
નોંધપાત્ર બાબત એ છે કે, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જિગ્નેશ મેવાણીનું નામ લઈને તેમણે રાષ્ટ્ર વિરોધી સંસ્થા પાસેથી ચૂંટણી ભંડોળ લીધું હોવાનો આક્ષેપ કર્યો હતો.
જિગ્નેશે અપક્ષ ઉમેદવાર તરીકે વડગામ બેઠકની પસંદગી કરી એના પરથી પણ તેમની રાજકીય પરિપક્વતાનો અંદાજ લગાવી શકાય છે.
વડગામ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે.
વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મણીલાલ વાઘેલાએ ભાજપના તે સમયના સામાજિક ન્યાય વિભાગના મંત્રી ફકીરભાઈ વાઘેલાને પરાજય આપ્યો હતો.
આ બેઠક પર દલિત ઉપરાંત ખોજા, મેમણ અને મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે જિગ્નેશને ટેકો આપીને પોતાનો કોઈ જ ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યો ન હતો.
આમ છતાં જિગ્નેશને આ ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય 9 ઉમેદવારો સાથે મત મેળવવાની સ્પર્ધામાં હતા. તે આ ચૂંટણી જીતી ગયા છે.
જિગ્નેશનો પરિવાર શું કરે છે?
જિગ્નેશના પિતા નટવરલાલ પરમાર મૂળ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મેઉ ગામના વતની છે. તે અમદાવાદમાં 1974માં કોલેજનો અભ્યાસ કરવા આવ્યા હતા. અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે એનટીસી (નેશનલ ટેક્સ્ટાઇલ કોર્પોરેશન)માં અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પરેશનમાં નોકરી કરી.
ત્યારબાદ તેમણે નોકરી છોડી અને સમાજસેવામાં પૂર્ણ સમય માટે જોડાયા.
જિગ્નેશના માતા ચંદ્રિકાબેન પરમાર બીએસએનએલમાં નોકરી કરતાં હતાં.
જિગ્નેશના નાના ભાઈ દર્શન મકવાણા હાલ એક સરકારી સંસ્થામાં નોકરી કરે છે.
નટવરભાઈ કહે છે, "અમે જિગ્નેશને તેના કોલેજના અભ્યાસના સમયથી જ દરેક વાતમાં પ્રોત્સાહન આપ્યું છે."
"તેણે કોલેજ બાદ જર્નાલિઝમનો અભ્યાસ પણ કર્યો અને ત્રણ વર્ષ માટે મુંબઈમાં 'અભિયાન' સાપ્તાહિક માટે કામ કર્યું."
"તેનામાં રહેલી નેતૃત્વનાં ગુણોને સ્વર્ગસ્થ મુકુલ સિંહાએ પારખ્યા હતા અને જિગ્નેશને એલએલબીનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું હતું."
જિગ્નેશનાં માતાપિતાને અન્ય કોઈ પણ માતાપિતાને હોય તેમ જિગ્નેશનાં લગ્ન થાય તેનો ઉત્સાહ છે. પરંતુ આખરી નિર્ણય તેમણે જિગ્નેશ પર જ છોડ્યો છે.
જિગ્નેશનું વ્યક્તિત્વ
જિગ્નેશના પિતાના જણાવ્યા અનુસાર તેમને સવારથી સાંજ સુધી કંઇક પ્રવૃત્તિ જોઈએ. તેમને કપડાંનો ખાસ શોખ નથી અને રહેવા-જમવા માટે કોઈ ખાસ વસ્તુ જોઈએ જ એવું કોઈ વળગણ નથી.
જોકે જિગ્નેશને તેમના મમ્મીનાં હાથની દાળ અને રોટલી ભાવે છે.
ગુજરાતમાં વિવિધ મુદ્દે લોકોનાં જન આંદોલનોના સક્રિય આગેવાન ચુનીભાઈ વૈદ્યની સાથે લાંબો સમય ગાળીને જિગ્નેશે ગુજરાતનાં વિવિધ વર્ગોના પ્રશ્નો, લાચારીઓ, સરકારની નીતિઓમાં ખામીઓનો જાત અનુભવ કર્યો છે.
તે મુકુલ સિંહા, કાયદાશાસ્ત્રી ગીરીશ પટેલ અને ચુનીભાઈ વૈદ્યને પોતાના આદર્શ માને છે.
ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ જાહેર જીવનમાં પૂરેપૂરી રીતે ઝંપલાવી ચૂકેલા જિગ્નેશ પહેલાથી જ જુદાં જુદાં આંદોલનોનો હિસ્સો રહી ચૂક્યા છે.
હાલમાં પણ તેમની લડત માત્ર દલિત સમાજમાં સંગઠનાત્મક અને તેમના પ્રશ્નો માટેના સંઘર્ષ સુધી જ મર્યાદિત નથી.
તે આંગણવાડીની મહિલા કર્મચારીઓ, આશા વર્કર્સ, ફિક્સ પગારનાં કર્મચારીઓ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સનાં જવાનો એમ સમાજનાં વિવિધ વર્ગોના અધિકારો માટેનાં આંદોલનોમાં સક્રિય છે.
પોતાની તર્કબદ્ધ દલીલો અને લોકોની સમસ્યાઓની ઊંડી સમજણને કારણે જિગ્નેશનાં પ્રશ્નોનાં જવાબો આપવા રાજકીય પક્ષો માટે મુશ્કેલ બની જાય છે.
જિગ્નેશની નેતાગીરીએ ગુજરાતના દલિતોના પ્રશ્નોને અલગ પ્રકારે રાષ્ટ્રીય સ્તરે મૂકીને દેશનાં વિવિધ જન આંદોલનોનું ધ્યાન ખેંચ્યું છે.
જિગ્નેશનાં વ્યક્તિત્વનું ઓછું જાણીતું પાસું એ છે કે, તેમણે ગુજરાતના અનોખા શાયર 'મરીઝ'નાં જીવન અને કવન પર ખૂબ જ ઊંડું સંશોધન કર્યું છે.
તેમની ગઝલો અને શાયરીએ જિગ્નેશને પોતાની તરફ આકર્ષ્યા હતા.
તેમના સંશોધનકાર્ય પરથી મરીઝ વિશે એક પુસ્તક તૈયાર થવાનું છે, પરંતુ હાલ ગુજરાતની રાજનીતિમાં અલગ ચીલો ચાતરી રહેલા જિગ્નેશ માટે પુસ્તક નહીં પોલિટીક્સ એ પ્રાથમિકતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો