You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મરાઠા અનામત : સુપ્રીમ કોર્ટે રદ કરી એ અનામતનો મામલો શું છે?
સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની યોગ્યતા અંગે સુનાવણી કરતાં કહ્યું કે આરક્ષણની 50 ટકાની સીમાને તોડી ન શકાય.
મહારાષ્ટ્ર સરકારે અલગથી કાયદો બનાવીને મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપ્યું હતું.
જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું છે કે આ મામલામાં ચાર નિર્ણય આપવામાં આવ્યા, એક નિર્ણય જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ નઝીરનો છે.
બીજો નિર્ણય જસ્ટિસ રાવનો છે, ત્રીજો નિર્ણય જસ્ટિસ ભટ્ટનો છે અને ચોથો નિર્ણય જસ્ટિસ ગુપ્તાનો છે.
મરાઠા આરક્ષણ અંગે ફેંસલો સંભળાવતાં જસ્ટિસ ભૂષણે કહ્યું, "અમે અનુભવ્યું કે ઇંદિરા સહાય જજમેન્ટની સમીક્ષા કરવાનું કોઈ કારણ નથી."
"ઇંદિરા સહાય કેસમાં જે નિર્ણય આપવામાં આવ્યો હતો, એનું પાલન કરવામાં આવે."
મરાઠાઓને અનામતનો સમગ્ર મામલો શું છે?
મહારાષ્ટ્ર વિધાનસભાએ 2018માં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાની મંજૂરી આપી હતી.
મહારાષ્ટ્રમાં આ પહેલાં અનુસૂચિત જાતિ, જનજાતિ, વિમુક્ત જનજાતિ અને પછાત જાતિઓ માટે થઈને કુલ 52 ટકા અનામતની જોગવાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે મરાઠા અનામતની સાથે વાત કરવામાં આવે તો સરકારી નોકરીઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની ટકાવારી 68 ટકા થઈ ગઈ છે.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ વિધાનસભામાં જ્યારે આ બિલ રજૂ કર્યું, ત્યારે તેને વિરોધી પક્ષોએ પણ ટેકો આપ્યો હતો.
મરાઠાઓની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.
જેમની ભલામણો સાથેનું બિલ મુખ્ય મંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું હતું.
રિપોર્ટમાં શું ભલામણો કરવામાં આવી?
આ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નીચે મુજબની ભલામણો કરવામાં આવી હતી:
- મરાઠા સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવો.
- રાજ્ય સરકાર અને યુપીએસસીની નોકરીઓમાં તેમને 16 ટકા અનામત આપવી.
- ખાનગી, સરકારી, સરકાર દ્વારા ફંડ પ્રાપ્ત કરતી સંસ્થાઓમાં તેમને અનામત આપવી. લઘુમતી સંસ્થાઓમાં તેમને અનામત નહીં મળે.
- મરાઠા સમાજને ઓબીસી કૅટેગરી અંતર્ગત અનામત આપવી નહીં.
- મરાઠા સમાજને કેન્દ્ર સરકારની નોકરીઓમાં આ આધારે નોકરીઓ મળી શકશે નહીં.
મરાઠાઓ સાથે શું થયું હતું?
વર્ષ 2014માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને 16 ટકા અને મુસ્લિમોને પાંચ ટકા અનામત આપવાની જાહેરાત કરાઈ હતી.
જોકે, મરાઠાઓને અનામતની વિરુદ્ધ ફેંસલો આપતા કોર્ટે સરકારનો આ નિર્ણય રદ્દ કરી દીધો હતો.
'મરાઠા ક્રાંતિ ઠોક મોર્ચા'એ ચીમકી આપી હતી કે 'જો મરાઠાઓને અનામત આપવાનમાં નહીં આવે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.'
જે વખતે મરાઠાઓને અનામતનું બિલ મહારાષ્ટ્ર સરકાર લાવી હતી એ વખતે પણ તેના બંધારણીય આધાર અંગે તજજ્ઞોએ સવાલ ખડા કર્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો