You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીની બે હૉસ્પિટલોમાં પીએમ કૅર ફંડમાંથી ઓક્સિજન પ્લાન્ટ લગાવાયા - BBC TOP NEWS
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દિલ્હીની ઍમ્સ અને રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં હાઈફ્લૉ મેડિકલ ઓક્સિજન પ્લાન્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.
ગત દિવસોમાં સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે પીએમ કૅર ફંડમાંથી આ પ્લાન્ટ લગાવાશે.
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ આ પ્લાન્ટ લગાવ્યા છે.
ડીઆરડીઓનું કહેવું છે કે આ પ્લાન્ટની ક્ષમતા 1000 લિટર ઓક્સિજનની છે. આનાથી એક સમયે લગભગ 190 દરદીઓને ઓક્સિજન આપવામાં આવશે.
સરકાર દિલ્હી-એનસીઆરની પાંચ હૉસ્પિટલોમાં આવા પ્લાન્ટ લગાવી રહી છે.
વિદેશથી આવેલાં ચિકિત્સા-ઉપકરણો ભંગાર બનવા માટે નથી : દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ચિકિત્સા-ઉપકરણોના મામલે મળેલી વિદેશી સહાયતા એ લોકો માટે છે જે કોરોનાથી પીડિત છે. આ સહાયતા-સામગ્રી ક્યાંય બૉક્સમાં રાખી મુકવા માટે કે ભંગાર બની જવા માટે નથી.
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે ટ્વીટ કરીને પુછ્યું હતું કે ભારતમાં અત્યાર સુધી 300 ટન વિદેશી મદદ આવી પહોંચી છે, પણ વડા પ્રધાનનું કાર્યાલય જણાવી નથી રહ્યું કે આનું શું થયું?
ઓવૈસીએ પુછ્યું હતું કે 'નોકરશાહીના ડ્રામાને લીધે કેટલી જીવનરક્ષક વિદેશી મદદ ગોદામમાં પડી છે? '
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સવાલો વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે લગભગ 40 લાખ સામગ્રી, જેમાં દવા, ઓક્સિજન સિલિન્ડર, માસ્ક અને અન્ય પ્રકારની વિદેશી મદદ 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 38 સંસ્થાનોમાં મોકલી દેવાઈ છે.
મમતા બેનરજીએ ત્રીજી વખત પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા
તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રીપદના શપથ લીધા છે.
રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને આ શપથ અપાવ્યા છે. વર્તમાન સમયમાં મમતા બેનરજી દેશનાં એકમાત્ર મહિલા મુખ્ય મંત્રી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી ફરી એક વખત મમતા બેનરજીને મુખ્ય મંત્રી બનવા પર શુભકામનાઓ પાઠવી છે.
આ શપથ સમારોહમાં કોરોનાના પગલે ખૂબ ઓછા લોકોની હાજરી રહી હતી.
બીજી બાજુ ચૂંટણીમાં સૌથી મોટા વિપક્ષ તરીકે ચૂંટાયેલા ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાના કાર્યકર્તાઓ વિરુદ્ધ હિંસા મામલે દેશમાં ધરણાંની શરૂઆત કરી દીધી છે.
રૂપાણી સરકારને ગુજરાત હાઈકોર્ટે કહ્યું, 'અમે દુખી છીએ, કોર્ટના આદેશની અવગણના કરાય છે'
ધ હિંદુના અહેવાલ પ્રમાણે ગુજરાતની વિજય રૂપાણી સરકારને આદેશોનું પાલન ન કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ઝાટકણી કાઢી હતી.
સુઓ-મોટો જાહેર હિતની અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું કે રાજ્યની દરેક મહાનગરપાલિકાઓએ રાજ્ય સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ.
કોર્ટે કહ્યું કે મહાનગરપાલિકોઓને આદેશ આપવામાં આવ્યો છે કે રિયલ-ટાઇમ ડેટા અપલોડ કરવામાં આવે પણ હજુ સુધી આ કરવામાં આવ્યું નથી.
કોર્ટે કહ્યું કે એ જોવાની રાજ્ય સરકારની ફરજ છે કે કોઈ પણ મહાનગરપાલિકા પોતાની મનમાની ન કરે અને તેઓ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે કામ કરે.
લાઇવ લૉ ડોટ ઇન લખે છે કે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમનાથે કહ્યું હતું, "અમે રાજ્ય સરકાર અને કૉર્પોરેશનના અભિગમથી બહુ દુખી છીએ. આ કોર્ટના આદેશોની અવગણના કરાય છે."
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસથી મૃત્યુદરમાં 22 ટકાના વધારો
કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની અસર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વર્તાય છે.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર કોરોના વાઇરસની બીજી લહેરમાં 37 ટકા કેસ ગ્રામ્ચ વિસ્તારોમાંથી આવે છે.
એક મહિના અગાઉ ગુજરાતમાં કોરોના વાઇરસથી થતાં મૃત્યુ પૈકી 10 ટકા મૃતકો ગ્રામ્ય વિસ્તારોમાંથી હતા, જે હવે 37 ટકા થઈ ગયા છે, એટલે કે 22 ટકાનો વધારો નોંધાયો છે.
અહેવાલમાં છેલ્લા 30 દિવસનો (માર્ચ 5થી 4 એપ્રિલ, 2021 અને 5 એપ્રિલ - 4 મે, 2021 વચ્ચે) કોરોના વાઇરસના કેસ અને તેના કારણે થતાં મૃત્યુના આંકડા સામેલ કરવામાં આવ્યા છે.
નિષ્ણાતોને ટાંકતાં અખબાર લખે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને આઇસોલેશનની પૂરતી સુવિધાઓ ન હોવાને કારણે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે.
આ વિસ્તારોમાં દરદીઓને મોટી હૉસ્પિટલોમાં લઈ જવા માટે પૂરતી સુવિધા નથી, જેના કારણે પણ મૃત્યુદરમાં વધારો નોંધાયો છે.
અહેવાલ અનુસાર મહેસાણાના કુકરવા ગામમાં 30 દિવસમાં 45 વ્યક્તિઓનાં કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં છે. રાજકોટ જિલ્લાના રાજપરા ગામમાં 30 દિવસમાં 30 લોકોનાં મૃત્યુ થયાં છે.
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસના ટેસ્ટ માટે નવા નિયમો જાહેર કર્યા
કોરોના વાઇરસના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકારે કોરોના ટેસ્ટ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે.
એનડીટીવી અનુસાર કેન્દ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડીને રાજ્યોને જણાવ્યું છે કે આંતરરાજ્ય મુસાફરી કરતી સ્વસ્થ્ય વ્યક્તિને RT-PCR ટેસ્ટ કરવામાંથી મુક્તિ આપવામાં આવે.
સાથે-સાથે હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત દરદીની સારવાર બાદ કોરોના સંક્રમણના ટેસ્ટ નહીં કરવામાં આવે.
કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે કે જો વ્યક્તિનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટીવ આવે તો ફરીથી ટેસ્ટ કરવો નહીં.
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસનાં લક્ષણો ધરાવતી વ્યક્તિને બિનજરૂરી પ્રવાસ નહીં કરવા માટે વિનંતી કરી છે.
અહેવાલ અનુસાર લૅબોરેટરી પર ભારણ ઘટાડી શકાય તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
દેશમાં 2506 લૅબોરેટરી છે, જ્યાં કોરોના વાઇરસના સૅમ્પલનો ટેસ્ટ કરવામાં આવે છે.
ઓક્સિજન કટોકટી - દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કારણદર્શક નોટિસ
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હીને નક્કી કરાયેલો ઓક્સિજનનો જથ્થો નહીં આપવાના મામલે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારે કારણદર્શક નોટીસ પાઠવી છે.
જેમાં કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું છે કે દિલ્હીને નક્કી કરવામાં આવેલો ઓક્સિજનનો પુરવઠો નહીં આપવા બદલ તમારી પર કાર્યવાહી કેમ નહીં કરવી જોઈએ.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ વિપીન સંધી અને રેખા પલ્લીએ કેન્દ્ર સરકારની દલીલ ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની ઓક્સિજનની દૈનિક જરૂરિયાત 700 મેટ્રિક ટન નથી.
કોર્ટે કહ્યું કે અમે સમજી શકતાં નથી કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં શા માટે દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવતો નથી?
દૈનિક ઓક્સિજનનો પુરવઠો જે 490 મેટ્રિક ટનથી વધારીને 590 મેટ્રિક ટન કરવામાં આવ્યો છે, તે પણ હજુ સુધી દિલ્હીને મળ્યો નથી.
હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ઑર્ડર મુજબ દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે.
અમે જોઈ રહ્યા છીએ કે દરરોજ દિલ્હીની નાની અને મોટી હૉસ્પિટલો કઈ રીતે ઓક્સિજન માટે મદદ માગી રહી છે અને ઓક્સિજનની ઘટને કારણે દરદીઓ મુશ્કેલીના સામનો કરી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો