આઠ એશિયાટિક સિંહ કોરોના પૉઝિટિવ, ગીરમાં શું થશે?

કોરોનાનો કેર માણસોને રંજાડી રહ્યો છે ત્યારે ગુજરાત માટે ખતરાની નિશાની કહી શકાય એવા સમાચાર સામે આવ્યા છે.

હૈદરાબાદના નહેરુ ઝુઓલૉજિકલ પાર્કમાં આઠ એશિયાટિક સિંહોનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવ્યો છે.

આ સિંહોને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં ઝુઓલૉજિકલ પાર્કે તેમના નમૂનાઓને 24 એપ્રિલે તપાસ માટે મોકલ્યાં હતા અને હવે તેમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

સીસીએમબી-એલએસીલોએનઇએસ આ નમૂનાઓની તપાસ કરી અને રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે હૈદરાબાદના ઝૂના આ આઠ સિંહો સાર્સ-કોવિડ-2 વાઇરસથી સંક્રમિત છે.

હાલ આ આઠ સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે અને સારવાર શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગુજરાત એક માત્ર એશિયાટિક સિંહોનું ઘર છે અને હાલ ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી કાળો કેર વર્તાવી રહી છે.

કૉંગ્રેસના ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ ઓક્સિજનની વ્યવસ્થામાં વાપરવા દેવા માગ

કોરોના મહામારીની બીજી લહેર સમયે ગુજરાત સરકારની કામગીરીને લઈને ગુજરાત કૉંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

કૉંગ્રેસ નેતાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને મળવાપાત્ર ગ્રાન્ટ 1.5 કરોડ રૂપિયા તેમના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ, સિલિન્ડર, હૉસ્પિટલ બૅડ અને દવા તેમજ આરોગ્યને લગતી અન્ય સુવિધાઓ માટે વાપરવા દેવા માટેની માગ કરી છે.

અરજીમાં કહેવાયું છે કે જ્યારે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ધારાસભ્યોને આ ગ્રાન્ટ વાપરવાની મંજૂરી મળવી જોઈએ.

આ અરજી કૉંગ્રેસના 65 ધારાસભ્યો વત્તી કરવામાં આવી છે જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા અને 2022 સુધી ધારાસભ્યો રહેશે.

65 ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ કુલ 97.50 રૂપિયા થાય છે. અરજીમાં દરેક ધારાસભ્યને મળતી વર્ષ 2021-22ની સંપૂર્ણ ગ્રાન્ટને ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ઊભી થયેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે વાપરવાની મંજૂરી માગવામાં આવી છે.

કૉંગ્રેસ નેતાઓની અરજી મુજબ ગત અઠવાડિયે1.5 કરોડ રૂપિયામાંથી માત્ર 25 લાખ રૂપિયા વાપરવાની મંજૂરી મળી હતી.

કૉંગ્રેસ નેતાઓનું કહેવું છે કે આ ખૂબ ઓછી રકમ છે એટલે ધારાસભ્યોને તેમના વિસ્તારમાં ગ્રાન્ટની સંપૂર્ણ રકમ વાપરવાની મંજૂરી મળવી જોઈએ જેથી કોરોનાની સુનામીમાં માનવીય મદદ થઈ શકે.

ભાજપનો મમતા બેનરજીની પાર્ટી TMC પર હિંસાનો આરોપ, બુધવારે દેશભરમાં ધરણાં

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પરિણામો આવ્યાં બાદ રાજકીય હિંસાના સમાચાર આવી રહ્યા છે. ભાજપે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર હિંસા કરવાનો અને ભાજપના કાર્યકરોની હત્યા કરવાનો આરોપ મૂક્યો છે.

પાર્ટીએ આના વિરોધમાં 5 મેના દિવસે દેશવ્યાપી ધરણાં યોજવાનું એલાન કર્યું છે.

ભાજપે કહ્યું છે કે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડા બે દિવસની બંગાળ મુલાકાત પર છે.

ભાજપે એક નિવેદનમાં કહ્યું છે, "બંગાળમાં તૃણમૂલ સરકારના સંરક્ષણમાં ચાલી રહેલા હિંસાના તાંડવને ધ્યાને રાખીને સ્થિતિનો અંદાજ લેવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા મંગળવાર, 4 મેથી બે દિવસના પ્રવાસ પર બંગાળમાં રહેશે."

"જ્યાં તેઓ હિંસાથી પ્રભાવિત ભાજપ કાર્યકરો તથા તેમના પરિવારજનોની મુલાકાત લેશે અને પ્રજાતાંત્રિક રીતે વિરોધ કરશે."

એક અલગ ટ્વીટમાં ભાજપે કહ્યું છે કે "બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા જારી હિંસા વિરુદ્ધ 5મી મેના રોજ દેશવ્યાપી ધરણાં કરવામાં આવશે."

"આ ધરણાં કોવિડ-19ના પ્રોટોકૉલને ધ્યાને રાખીને કરવામાં આવશે."

ઓક્સિજનની અછત અંગે ગયા વર્ષે ચેતવ્યા હતા, પણ સરકારે પરવા ન કરી : સુબ્રમણ્યન સ્વામી

ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું છે કે કેટલો ઓક્સિજન મોજૂદ છે એ માહિતી આપવાને સ્થાને સરકારે એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ઓક્સિજનનો કેટલો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે અને તે કઈ-કઈ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર તેમણે કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે "ગત વર્ષે સ્વાસ્થ્ય મામલાની સંસદીય સમિતિએ ઓક્સિજન સિલિન્ડરોના આઉટપુટ અને પુરવઠામાં ભારે અછતની ચેતવણી આપી હતી, પરંતુ સરકારે તેની પરવા ન કરી."

સ્વામીના ટ્વીટ પર અજિન થૉમસ નામની વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે તમે પણ તો આ વ્યવસ્થાનો એક ભાગ હતા?

તેના જવાબ સ્વામીએ કહ્યું, "હું સંસદીય સમિતિનો સભ્યો હતો અને સંસદ દ્વારા સરકાર સુધી રિપોર્ટ પહોંચાડીને અમે અમારું કામ કર્યું."

"વ્યવસ્થાનો ભાગ હોવાના કારણે મારું કામ ત્યાં જ પૂરું થઈ ગયું. આના કરતાં આગળ મારી કે અન્ય સાંસદોની કોઈ ભૂમિકા નથી. જો ભલામણો લાગુ કરવાનું કામ પણ સાંસદો કરી શકતા હોત તો ભારતને વડા પ્રધાનની જરૂર નહોતી."

ઉત્તરાખંડના CM રાવતે ઓક્સિજનની અછત વેઠી રહેલા ગુજરાત પાસેથી ઓક્સિજન માટે મદદ માગી

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ઉત્તરાખંડમાં પાછલા અમુક દિવસોથી સતત કોરોનાના કેસો વધી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં રાજ્યના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી પાસેથી ઓક્સિજન સિલિન્ડર પૂરા પાડવા માટેની મદદ માગી છે.

ઑફિશિયલ રિલીઝ પ્રમાણે રાવતે આ બાબતે વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી હતી.

સાથે જ રિલીઝમાં કહેવાયું હતું કે વિજય રૂપાણીએ તેમને શક્ય તમામ મદદ કરવાની બાંયધરી આપી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં પાછલા ઘણા દિવસોથી હૉસ્પિટલોમાં પૂરતો ઓક્સિજન ન હોવાની ફરિયાદો ઊઠી છે. ઓક્સિજનના રિફિલિંગ સેન્ટરો પર લાંબી લાઇનો લાગેલી જોવા મળી રહી છે.

તેમજ ઘણા પ્રસંગોએ તો ગુજરાતની હૉસ્પિટલોમાં દાખલ કોરોનાના ગંભીર દર્દીઓ ઓક્સિજનના અભાવના કારણે ગૂજરી ગયાના પણ અહેવલો જોવા મળ્યા છે.

આ સિવાય ગુજરાત હાઈકોર્ટ પણ ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા ન કરી શકવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી ચૂકી છે.

સરકારના વકીલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે ગુજરાતની જરૂર કરતાં કેન્દ્ર સરકાર દ્વારા તેને ઓછો ઓક્સિજન અપાઈ રહ્યો છે. જે કારણે ઘણાં સ્થળોએથી ઓક્સિજનની અછતની ફરિયાદો ઊઠી છે.

આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્ય મંત્રી રૂપાણી ઉત્તરાખંડના મુખ્ય મંત્રીની વિનંતી ગ્રાહ્ય રાખીને તેમને ઓક્સિજન પૂરો પાડી શકશે કે કેમ તે અંગે શંકા છે?

નોંધનીય છે કે અમુક દિવસો પહેલાં ઉત્તરાખંડના હરિદ્વારામાં કુંભ મેળો યોજાયો હતો.

જેમાં સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવ્યા હતા. અને લાખોની જનમેદની ભેગી થઈ હોવાને કારણે ઘણાએ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વણસશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.

હાલ ઉત્તરાખંડમાં ખરેખર કેસો વધી રહ્યા છે. હવે એ જોવું રહ્યું કે સરકાર આ પરિસ્થિતિને સુધારી શકશે કે કેમ?

ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘટાડા પર : આરોગ્ય મંત્રાલય

ઇન્ડિયા ટુડે ડોટઇનના એક અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત ઘણાં રાજ્યોમાં કોરોના વાઇરસના દૈનિક કેસો ઘટાડા પર છે.

નોંધનીય છે કે પાછલા એક માસથી આ તમામ રાજ્યોમાં કોરોનાના રેકર્ડ દૈનિક કેસો નોંધાઈ રહ્યા હતા. જેના કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર અભૂતપૂર્વ દબાણ સર્જાયું હતું.

જે ઘણા દર્દીઓનાં અકાળ મૃત્યુમાં પણ પરીણમ્યું. હજુ સુધી લોકોનાં મનમાં સતત બળતી ચિતાઓનાં ચિત્રો તાજાં છે.

મંત્રાલય અનુસાર એક તરફ જ્યાં ઉપરોક્ત રાજ્યો માટે રાહતના સમાચાર છે તો બીજી તરફ બિહાર, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

આ સિવાય સમગ્ર દેશના રિકવરી રેટમાં પણ સુધારા જોવા મળ્યો છે. 2 મેના રોજ આ રેટ 78 ટકા હતો. જે 3 મેના રોજ વધીને 82 ટકા થઈ જવા પામ્યો હતો.

કોરોના સામે ઝઝૂમી રહેલા ભારતની વહારે આવી ફાઇઝર ફાર્મા કંપની

દવા બનાવનાર કંપની ફાઇઝરે સોમવારે કહ્યું છે કે તેઓ કોરોના મહામારીની બીજી લહેર સામે ઝઝૂમી રહેલા ભારતને સાત કરોડ ડૉલર મૂલ્યની મફત દવાઓ મોકલશે.

કંપનીના કાર્યકારી નિદેશક એલબર્ટ બોર્લાએ કહ્યું છે કે કંપની કોરોનાની બીજી લહેરના કેરનો સામનો કરી રહેલા ભારતના લોકોને જરૂરી દવાઓ સ્વરૂપે માનવીય રાહત મોકલશે. આ કંપનીના ઇતિહાસનો સૌથી મોટો માનવીય રાહતનો પ્રયાસ હશે.

કંપની કહ્યું છે કે, "અમે મોટા પ્રમાણમાં દવાઓ દાન કરીશું જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે દેશની સરકારી હૉસ્પિટલોમાં દાખલ તમામ કોવિડ દર્દીઓને આવનારા 90 દિવસો સુધી મફતમાં દવા મળે. અમને આશા છે કે આ પ્રયત્નથી સેંકડો જીવ બચાવી શકાશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો