You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વૅક્સિનના નવા ઑર્ડર મામલે મોદી સરકારે શું ચોખવટ કરી?
ભારતમાં કોરોના મહામારીએ ચારેકોર કાળો કેર વર્તાવ્યો છે અને ઓક્સિજનની અછતથી લઈને પથારીઓની સગવડ સુધી સરકાર પર સવાલોનો મારો થઈ રહ્યો છે.
આ જ રીતે એક મુદ્દો કોરોના વૅક્સિનની અછતનો પણ સામે આવી રહ્યો છે. દેશમાં 18થી વધારે વયની વ્યક્તિઓનું રસીકરણ શરૂ થયું છે ત્યારે અનેક રાજ્યો વૅક્સિનનો સ્ટૉક નહીં હોવાનું કહી ચૂક્યા છે.
આ દરમિયાન પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ એક નિવેદન જાહેર કર્યું છે અને સરકાર વૅક્સિનનો પૂરતો ઑડર્ર કરી રહી હોવાનું કહ્યું છે.
પીઆઈબીએ માર્ચ પછી સરકારે કોરોના વૅક્સિનનો નવો ઑર્ડર નથી આપ્યો એવા સમાચારોનું ખંડન કર્યું છે.
પીઆઈબીએ કહ્યું કે, કેટલાક મીડિયા અહેવાલોમાં આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ માટે કોઈ નવો ઑર્ડર નથી આપ્યો. આ અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે બે મુખ્ય વૅક્સિન ઉત્પાદકો (સીરમ ઇન્સ્ટિટ્યૂટ 100 અને ભારત બાયોટેક 20 મિલિયન)ને અંતિમ ઑર્ડર માર્ચ 2021માં આપવામાં આવ્યો હતો.
પીઆઈબીનું નિવેદન કહે છે કે મીડિયામાં ચાલી રહેલા આ સમાચારમાં સત્ય નથી અને તે હકીકતો પર આધારિત નથી.
પીઆઈબીની અખબારી યાદી મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટને સો ટકા એડવાન્સ તરીકે 1732.50 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ રકમ 28 એપ્રિલ 2021ના રોજ કોવિશિલ્ડના વધારાના 11 કરોડ ડોઝ માટે આપવામાં આવી છે.
પીઆઈબીની અખબારી યાદી કહે છે કે આ ઉપરાંત 100 ટકા એડવાન્સ તરીકે ભારત બાયોટેકને 5 કરોડ વૅક્સિન માટે 787.50 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આમ, ભારત સરકારે માર્ચ પછી વૅક્સિન માટે ઑર્ડર નથી આપ્યો એમ કહેવું ખોટું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીરમ ઇન્સ્ટિટ્યૂટે પણ ટ્વીટ કરીને સરકારની આ વાતનું સમર્થન કર્યું છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્વીટમાં કહ્યું કે, "અમે આ કથન અને માહિતીની પ્રામાણિકતાનું સમર્થન કરીએ છીએ. અમે છેલ્લા એક વર્ષથી ભારત સરકારની સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને ભારત સરકારના સહયોગ માટે એમના આભારી છીએ. અમે લોકોની જિંદગી બચાવવા માટે રસીનું ઉત્પાદન વધારવા માટે પ્રતિબદ્ધ છીએ."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો