You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફાઇઝરની વૅક્સિનને મંજૂરી માટે ભારત સરકાર સાથે વાતચીત અને અમદાવાદમાં ખૂટી વૅક્સિન
ભારતમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ગ્લોબલ ફાર્મા કંપની ફાઇઝરે કહ્યું છે કે ભારતમાં રસીને મંજૂરી આપવાની પ્રક્રિયાને વેગ આપવા માટે તે ભારત સરકાર સાથે વાત કરી રહી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પીટીઆઈના હવાલાથી લખે છે કે કંપનીના ચૅરમૅન અને સીઈઓ આલ્બર્ટ બોરાલાએ સોમવારે કહ્યું કે ભારત સરકાર સાથે વાત ચાલી રહી છે.
અગાઉ એમણે ફાઇઝરે કહ્યું હતું કે, તેઓ ભારતને બિનનફાકારક રીતે વૅક્સિનની કિંમત ઓફર કરશે અને તે ભારત સરકારની તમામને વૅક્સિન ઉપલબ્ધ બનાવે તે માટે પ્રતિબદ્ધ છે.
કંપનીએ કહ્યું કે, ફાઇઝર એ વાતથી સુવિદિત છે કે વૅક્સિનની ઉપલબ્ધતા મહમારીનો અંત લાવવા માટે મહત્ત્વની છે. બદનસીબે અમારી વૅક્સિન ભારતમાં નોંધાઈ નથી અને એ માટેની અરજી મહિનાઓ અગાઉ કરવામાં આવી છે.
કંપનીએ કહ્યું કે હાલ તે મંજૂરીને ઝડપી બનાવવા માટે સરકાર સાથે વાત કરી રહી છે.
ગુજરાતમાં પ્રતિકલાકે 500 કોરોના કેસ અને પાંચ લોકોનાં મૃત્યુ
ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ હજી શમ્યો નથી. જોકે, રાજ્યમાં સતત બીજા દિવસે કેસની સંખ્યા ઘટી છે અને પ્રતિદિન કેસનો આંકડો 13 હજારથી નીચે રહ્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ ગુજરાતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 12,820 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે તો એ સાથે 140 લોકો મૃત્યુ પામ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 11,999 લોકો સાજા થયાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 6,07,422 થઈ છે તો સાજા થનાર લોકોની સંખ્યા 4,52,275 થઈ છે. રાજ્યમાં કુલ 1,47,499 ઍક્ટિવ કેસ છે અને કુલ 7,648 લોકો કોરોનામાં મૃત્યુ પામ્યાં છે.
આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક અખબારી યાદી મુજબ આવતીકાલ 4 મેથી અર્બન હેલ્થ સેન્ટર, કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ હૉસ્પિટલો, કૉમ્યુનિટી હોલ ખાતે હેલ્થ કેર વર્કસ, ફ્રન્ટલાઇન વર્કસ તથા 45 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોનું રસીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે. અખબારી યાદી જણાવે છે વૅક્સિનનો જથ્થો મળ્યા પછી 45 વર્ષથી વધારે વયના નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે.
જોકે, 18થી 44 વયજૂથમાં કોવિન અથવા આરોગ્ય સેતુમાંમાં નોંધણી મુજબ રસીકરણ ચાલુ રહેશે એમ અખબારી યાદી જણાવે છે.
મમતા બેનરજી 5 મેના રોજ મુખ્ય મંત્રીપદના શપથ લેશે
પશ્ચિમ બંગાળમાં પોતાની પાર્ટીને ભવ્ય વિજય અપાવનાર મુખ્ય મંત્રી મમતા બેનરજી ત્રીજી વાર 5 મેના રોજ મુખ્ય મંત્રીપદે શપથ લેશે.
સતત એક મહિનો આઠ તબક્કામાં થયેલા મતદાન બાદ ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે.
મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસનો 292 બેઠકો પૈકી 213 બેઠકો પર વિજય થયો છે. ભાજપને 77 બેઠકો મળી છે તો અપક્ષને એક અને રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટીને એક બેઠક મળી છે.
જોકે, મમતા બેનરજી નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારી સામે હારી ગયા છે. એમણે આ હારને પડકારવાની વાત પણ કહી છે.
KKRના આ બે ખેલાડી કોરોના સંક્રમિત, અમદાવાદમાં રમાનારી IPL મૅચ રદ
કોરોના વાઇરસનું સંક્રમણ હવે આઈપીએલમાં રમી રહેલા ખેલાડીઓ સુધી પહોંચી ગયું છે.
કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
જેના પગલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આજની મૅચ રદ કરી દેવાઈ છે. આ અંગે IPLએ ટ્વિટર પર માહિતી શૅર કરી છે
બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ આપીને આ અંગે જાણકારી આપી છે.
તેમણે લખ્યું છે, "સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ વચ્ચ રમાનારી મૅચ રિ-શિડ્યુલ કરાઈ રહી છે."
"વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર સિવાયના KKRના ખેલાડીઓના કોવિડ રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. બંને ખેલાડીઓએ પોતાને આઇસોલેટ કરી દીધા છે."
"મેડિકલ ટીમ ખેલાડીઓના સંપર્કમાં છે અને તેમની તંદુરસ્તીનું ધ્યાન રખાઈ રહ્યું છે. કોલકાતાના ટીમના ખેલાડીઓની દરરોજ તપાસ કરાઈ રહી છે, જેથી જલદીથી જલદી સંક્રમણ અંગે જાણી શકાય."
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસો ઘટ્યા, હવે સારવાર સરળતાથી મળશે?
રવિવારે ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસો મળી આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે 153 લોકો મૃત્યુ પામ્યા હતા.
આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 5,94,602 થઈ ગઈ હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર રાજ્યમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે 1,46,818 ઍક્ટિવ કેસો છે. જે પૈકી 732 દર્દીઓ વૅન્ટિલેટર સપોર્ટ પર છે.
નોંધનીય છે કે રાજ્યમાં પાછલા ઘણા સમયથી દરરોજ વધુ ને વધુ કેસો સામે આવવાને કારણે રાજ્યની ખાનગી અને સરકારી હૉસ્પિટલોની બહાર ઍમ્બુલન્સો અને દર્દીઓની લાઇનો લાગેલી હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં.
કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓ સારવારના અભાવે હૉસ્પિટલોની બહાર જ મૃત્યુ પામ્યા હતા.
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના પરિણામે તમામ હૉસ્પિટલોમાં ઓક્સિજનનું સંકટ પેદા થયું હતું. અને પથારીઓની અછત સર્જાઈ હતી.
હવે અહીં પ્રશ્ન એ છે કે હવે જ્યારે દૈનિક કેસોમાં ઘટાડો થવાનું વલણ દેખાઈ રહ્યું છે ત્યારે ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં પણ સુધારો લાવી શકાશે કે કેમ?
ગુજરાત : નિવૃત્ત થતાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને ત્રણ મહિનાનું ઍક્સટેન્શન
ઇન્ડિયન એક્સપ્રેસના ડોટકૉમના એક અહેવાલ પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 30 એપ્રિલથી 30 જૂન સુધીના ગાળામાં નિવૃત્ત થનારા તમામ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને 31 જુલાઈ સુધીનું ઍક્સટેન્શન આપવાની જાહેરાત કરાઈ છે.
હાલ રાજ્યમાં કોરોના મહામારીના પગલે સ્ટાફની જરૂરિયાત હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે.
અગાઉ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ તમામ કર્મચારીઓને 'કૉન્ટ્રેક્ટ આધારિત ફેર-નિયુક્તિ' આપવાની જાહેરાત કરાઈ હતી.
જેમાં ફેરફાર કરીને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સેવાવિસ્તરણમાં ફેરવી દેવાઈ છે.
નવી શરતો પ્રમાણે આ તમામ કર્મચારીઓને 31 જુલાઈ સુધી હાલના તમામ લાભો મળવાનું ચાલુ રહેશે.
જોકે, આ સમયગાળાની ગણતરી પેન્શન સર્વિલ માટે ગણતરીમાં લેવામાં આવશે નહીં.
પાક લૉનની ભરપાઈ માટે રાજ્ય સરકારે ડેડલાઇન વધારી
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટકૉમના એક અહેવાલ અનુસાર રાજ્ય સરકારે કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને જોતાં રવિવારે નાની મુદ્દતની પાક લૉનની રકમની ભરપાઈ કરવાની ડેડલાઇન 30 જૂન સુધી લંબાવી દીધી છે.
આ સિવાય લૉનની ચૂકવણીના વિલંબના કારણે કેન્દ્ર સરકારના વ્યાજ કમ્પોનન્ટની ચૂકવણી પણ ખેડૂતો વતી કરી આપવાની જાાહેરાત કરાઈ છે.
ગુજરાત સરકાર દ્વારા આ અંગેની જાહેરાતમાં જણાવાયું હતું કે "રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ચાર ટકા અને રાજ્ય સરકારના ત્રણ ટકાની વ્યાજની ચૂકવણી જાતે ખેડૂતો વતી કરશે."
આ જાહેરાતમાં જણાવાયું હતું કે "રાજ્ય સરકાર આ નિર્ણયથી ખેડૂતો પર 16.30 કરોડનો બોજો હળવો કરશે."
'સમગ્ર દેશમાં મફત સામૂહિક રસીકરણની શરૂઆત થાય'
વિપક્ષી દળોના 13 નેતાઓએ કેન્દ્ર સરકાર સમક્ષ આગ્રહ કર્યો છે કે તેઓ કોવિડ-19ના મામલાઓને જોતાં સમગ્ર દેશમાં મફત સામૂહિક રસીકરણની શરૂઆત કરે.
એક સંયુક્ત નિવેદન જારી કરીને આ નેતાઓએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે સમગ્ર દેશમાં તમામ હૉસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર ઓક્સિજન પૂરો પાડવામાં આવે.
વિપક્ષી દળોના આ નેતાઓમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, JDS નેતા અને પૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડા, NCP નેતા શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, સમાજવાદી પ્રમુખ અખિલેશ યાદવ, BSP પ્રમુખ માયાવતી, DMK પ્રમુખ એમ. કે. સ્ટાલિન અને TMC પ્રમુખ મમતા બેનરજી સામેલ છે.
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "આપણા દેશમાં મહામારીના આ તબક્કામાં કેન્દ્ર સરકારને અમે માગ કરીએ છે કે તેઓ સમગ્ર દેશની હૉસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કોઈ પણ મર્યાદા વગર ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા પર ધ્યાન આપે."
"અમે કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ધોરણે સમગ્ર દેશમાં મફત સામૂહિક રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો