પિનરાઈ વિજયન : કેરળમાં ફરીથી સત્તા સ્થાપનારા 'ધોતીધારી મોદી' કોણ છે?

    • લેેખક, ઇમરાન કુરેશી
    • પદ, બીબીસી માટે

સીપીએમની આગેવાની હેઠળના ડાબેરી લોકતાંત્રિક મોરચા (એલડીએફ)ને વિજય અપાવનારા કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનની ગણતરી હવે બે શક્તિશાળી નેતાઓ સાથે થવા લાગી છે.

આ નેતાઓ માત્ર ભારતના નહીં, પણ તેમાં એક ભૂતપૂર્વ સોવિયેટ સંઘના નેતા પણ છે.

મજાની વાત એ છે કે ટીકાકારો અને પ્રસંશકો બન્ને પિનરાઈ વિજયનને 'ધોતીધારી મોદી' અથવા તો 'કેરળના સ્ટાલિન' કહે છે.

એટલે કે સોવિયેત સંઘના એક જમાનાના શક્તિશાળી નેતા જૉસેફ સ્ટાલિન સાથે તેમની સરખામણી પણ થઈ રહી છે.

ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો હતો તે વખતે પણ તેમના જ પક્ષના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી કે પિનરાઈ વિજયનને 'કૅપ્ટન' શા માટે કહેવામાં આવી રહ્યા છે?

સામ્યવાદી વિચારધારામાં કોઈ નેતા માટે આવાં વિશેષણો વાપરવામાં આવે તેને કલંક સમાન જ ગણવામાં આવે છે.

સીપીએમના એક સિનિયર નેતાએ પોતાના પક્ષના કાર્યકરોને વારંવાર યાદ અપાવ્યું હતું કે ડાબેરી પક્ષોમાં બધાનો દરજ્જો એક સમાન જ હોય છે.

પક્ષમાં નિર્ણયો કરનારી પક્ષના ટોચના પોલિટ બ્યૂરોમાં કોઈ સભ્ય હોય કે પાયાનો કાર્યકર હોય સૌનો દરજ્જો સમાન હોય છે.

સામ્યવાદી પક્ષમાં સભ્યો સૌ એક બીજાને 'કૉમરેડ' કહેતા હોય છે.

કેરળની જનતા

સિનિયર નેતાઓએ આવી સલાહો કાર્યકરોને આપી, પણ દેખીતી રીતે જ તેની અવગણના થતી રહી.

આખરે કૉમરેડ પિનરાઈ વિજયનને 'કપ્તાન'માં કહેવામાં આવી રહ્યા હતા અને તેમણે સાબિત પણ કર્યું કે પોતે કૅપ્ટન છે.

આ એક ઉદાહરણ પરથી સમજી શકાય છે કે કેરળમાં પાંચ વર્ષ સુધી મુખ્ય મંત્રી તરીકે કામગીરી બજાવનારા પિનરાઈ વિજયનને તેમના પ્રસંશકો કેટલી માનથી જુએ છે.

પિનરાઈ વિજયનના સમર્થકો અને વિરોધીઓ બંને એ વાત જણાવશે કે કેરળની જનતા માટે તેમણે ઘણી કલ્યાકારી યોજનાઓ શરૂ કરી હતી. પેન્શનની વ્યવસ્થા અને મફતમાં રાશન આપવાની યોજનાઓનો તેમાં સમાવેશ થતો હતો.

વિજયને પોતાનું નેતૃત્ત્વ ખાસ કરીને કેરળમાં કુદરતી આફતો આવી ત્યારે સાબિત કરી બતાવ્યું હતું. નીપા વાઇરસ વખતે અને હાલમાં કોરોના વાઇરસ વખતે તેમની સરકારે અસરકારક રીતે કામગીરી કરી હતી.

કેરળ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રાજકીય વિશ્લેષક પ્રોફેસર જે. પ્રભાષે બીબીસીને જણાવ્યું, "વિજયને જનતાને દેખાડ્યું કે તેઓ એક મજબૂત નેતા છે, કર્મઠ મુખ્ય મંત્રી છે. તેમના વ્યક્તિત્વનું આ એક પાસુ છે."

એક મજબૂત નેતાનો ઉદય

વિજયનના વ્યક્તિત્વનો બીજું એક પાસું એ છે કે જે તેમને ડાબેરી વિચારધારાના બીજા નેતાઓથી અલગ પાડે છે.

તેમનું વ્યક્તિત્વનું આ બીજું પાસુ એટલે લોકો એવું કહેવા મજબૂર થાય છે કે વિજયનમાં નેતૃત્ત્વની એવી કેટલીક ખૂબીઓ છે, જે નરેન્દ્ર મોદી અને જૉસેફ સ્ટાલિન જેવા નેતાઓમાં જોવા મળે.

આપણે પ્રથમ એ જોવું પડે કે પિનરાઈ વિજયનની મજબૂત નેતા તરીકેની આવી છાપ કેવી રીતે ઉપસી.

નરેન્દ્ર મોદીની જેમ જ પિનરાઈ વિજયન સામાન્ય પરિવારમાંથી આવે છે. વિજયનનાં માતાપિતા કન્નૂર જિલ્લાના પિનરાઈ ગામમાં રહેતાં હતાં. તેઓ તાડી બનાવનારી એલ્વા જ્ઞાતિના છે.

પિનરાઈ વિજયન ભણતા હતા ત્યારે ફેરીનું ભાડું વધારવામાં આવ્યું ત્યારે તેમણે વિદ્યાર્થીઓને એકઠા કરીને તેની વિરુદ્ધમાં આંદોલન કર્યું હતું.

સરકાર સામે પડવાનો એ તેમનો પ્રથમ અનુભવ હતો. તે વખતે તેઓ કેરળ સ્ટુડન્ટ ફેડરેશનના સભ્ય હતા. સામ્યવાદી પક્ષની આ વિદ્યાર્થી પાંખને બાદમાં સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા તરીકે વિકસાવવામાં આવી હતી.

ઇમરજન્સી વખતે ધરપકડ

પિનરાઈ વિજયને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને તે પછી તેમણે મજૂરીનું કામ પણ કર્યું હતું.

પિનરાઈ વિજયન યુવાન હતા ત્યારે તેમના પર અને સીપીએમના બીજા કેટલાક કાર્યકરો પર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સભ્યની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યા હતો.

જોકે સંઘના સભ્ય વડ્ડીકલ રામાકૃષ્ણનની હત્યાના આ કેસમાં એક માત્ર સાક્ષી હતા, જેમણે 1969માં પોતાનું નિવેદન બદલી નાખ્યું તે પછી પિનરાઈ વિજયનને અદાલત દ્વારા છોડી મૂકવામાં આવ્યા હતા.

પિનરાઈ વિજયનની છાપ એક સારા સંગઠનકર્તા તરીકેની છે. 1975માં દેશમાં કટોકટી લાગી ત્યારે વિજયનની પણ ધરપકડ થઈ હતી અને જેલમાં ગયા હતા.

એવો આરોપ છે કે તે વખતે તેમના પર બહુ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. કેરળના એક નિવૃત્ત અધિકારીએ નામ ના છાપવાની શરતે જણાવ્યું હતું કે પોલીસનો અત્યાચાર સહન કરવો પડ્યો તેના કારણે વિજયનના માનસ પર બહુ ઊંડી અસર પડી હતી.

તાનાશાહી જેવું વર્તન

જાણીતા મલયાલમ કવિ ઉમેશ બાબુ એક જમાનામાં સીપીએમના સાંસ્કૃતિક મોરચાના સભ્ય હતા.

તે વખતના દિવસોને યાદ કરતાં ઉમેશ બાબુએ બીબીસીને જણાવ્યું કે, ''ભારતીય લોકતાંત્રિક યુવા સંઘ (DYFI)ના નેતા તરીકે પિનરાઈ વિજયન તાનાશાહી જેવું વર્તન કરતા હતા. તેમને પોતાની ટીકા થાય તે બિલકુલ સહન થતું નહોતું.''

જોકે કન્નૂર જિલ્લામાં પક્ષના મંત્રી તરીકે પિનરાઈ વિજયને સારું કામ કર્યું તેના કારણે સામ્યવાદી પક્ષના સિનિયર નેતા વી. એસ. અચ્યૂતાનંદની તેઓ બહુ નજીક આવી ગયા હતા.

ભારતીય સામ્યવાદી પક્ષનું વિભાજન થયું તે પછી સીપીઆઈ (એમ)ના સ્થાપકોમાં અચ્યૂતાનંદ પણ એક હતા.

સીપીએમના રાજ્યમંત્રી તરીકે ચદાયન ગોવિંદન કામ કરતા હતા. 1998માં તેમના અચાનક નિધન પછી તે હોદ્દા પર વિજયનની નિમણુક કરવામાં આવી. વિજયને 17 વર્ષ સુધી પક્ષના રાજ્યમંત્રી તરીકે વિક્રમજનક સમય સુધી કામ કર્યું. 2015 સુધી તેઓ સીપીએમના સ્ટેટ સેક્રેટરી હતા.

ઉમેશ બાબુ કહે છે, "...જ્યારે વિજયને સ્ટેટ સેક્રેટરી બનાવાયા, ત્યાર પછી અચ્યૂતાનંદ સામે અસંતોષ શરૂ થઈ ગયો હતો. તેમની સામે પક્ષમાંથી જ પ્રહારો થવા લાગ્યા હતા. સ્થિતિ એટલી બગડી હતી કે 2006માં પિનરાઈ વિજયને અચ્યૂતાનંદને ચૂંટણી લડતા રોકવાની પણ કોશિશ કરી હતી. તેના કારણે ભારે વિવાદ થયો હતો. જોકે પક્ષે વિજયનના નિર્ણયને ફગાવી દીધો હતો."

'મુંડૂ પહેરતા મોદી'

ઉમેશ બાબુ કહે છે, "વિજયને જે રીતે અપનાવી હતી તે સ્ટાલિનથી બહુ અલગ નહોતી. સ્ટાલિન સોવિયેટ સંઘના સામ્યવાદી પક્ષના મંત્રી બન્યા ત્યારે તેમણે ભવિષ્યમાં પોતાને નડે તેવા એક પછી એક બધા નેતાને કાઢી મુક્યા હતા. તે પછી પક્ષમાં માત્ર તેમનો જ પ્રભાવ રહી ગયો હતો."

પિનરાઈના દોસ્તમાંથી દુશ્મન અને ફરી દુશ્મનમાંથી દોસ્ત બનેલા (બર્લિન નાયરના નામે જાણીતા) કુનાહાનંદા નાયરે બીબીસીને જણાવ્યું કે 'હું હંમેશાં તેમને કેરળના સ્ટાલિન કહીને બોલાવતો. સ્ટાલિને ડાબેરી વિચારધારા માટે ઘણું કર્યું હતું. પિનરાઈ વિજયન કોમળ દિલના માણસ છે. એ રીતે તેમની સરખામણી સ્ટાલિન સાથે થઈ શકે. મારો કહેવાનો મતલબ એ છે કે આ સરખામણી સકારાત્મક છે, નકારાત્મક નહીં.'

જોકે કેરળના જાણીતા રાજકીય વિશ્લેષક બીઆરપી ભાસ્કર આનાથી જુદો અભિપ્રાય ધરાવે છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "વિજયન પર એવો આરોપ મુકાયો છે કે તેઓ મુંડૂ પહેરનારા મોદી (ધોતીધારી મોદી) છે. તેઓ આપખુદ સ્વભાવ ધરાવે છે એટલે આવું કહેવાય છે."

વિજયને પક્ષનો વ્યાપ વધાર્યો

આ બધી ટીકાઓ છતાં એ વાતનો ઇનકાર ના કરી શકાય કે વિજયને પક્ષનો વ્યાપ વધાર્યો છે. સીપીએમને કેરળમાં હંમેશાં 'હિન્દુ પક્ષ' તરીકે જ જોવામાં આવે છે.

ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સામાન્ય રીતે કૉંગ્રેસની આગેવાની હેઠળના સંયુક્ત લોકતાંત્રિક મોરચા (યુડીએફ)ને ટેકો આપતા આવ્યા છે. આ મોરચામાં સૌથી મોટો ભાગીદાર પક્ષ ઇન્ડિયન મુસ્લિમ લીગ પણ છે. તે જ રીતે ખ્રિસ્તીઓના પ્રતિનિધિ તરીકે કેરળ કૉંગ્રેસ (મણિ) પક્ષ છે, તે પણ આ મોરચામાં છે.

કેરળની રાજનીતિ બહુ અગત્યના વળાંકે આવીને ઊભી રહી ત્યારે વિજયને સીપીએમની 'હિન્દુ પક્ષ' તરીકેની છાપ બદલવા માટે કોશિશ કરી હતી. એવો પણ સમય આવ્યો હતો કે સીપીએમ પોતાના સભ્યો ગુમાવી રહ્યું છે તેવું કહેવાવા લાગ્યું હતું. જોકે તેના સભ્યોની સંખ્યામાં મોટો ઘટાડો થયો નહોતો.

આવી સ્થિતિમાં તેમણે પક્ષ સાથે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકોને પણ જોડવા માટેની કોશિશ શરૂ કરી હતી.

ભાસ્કર કહે છે, "વિજયને આ કામ બહુ ચાલાકીપૂર્વક કર્યું. હવે સીપીએમ જૂના નેતાઓનો પક્ષ રહ્યો નથી. પક્ષમાં નવા સભ્યોને કારણે આ સ્થિતિ આવી છે. તેઓ એક વ્યૂહકાર છે એમાં કોઈ બેમત નથી. આ બાબતમાં વિજયન અને મોદી બંનેમાં સમાનતા છે."

બજારવાદ સાથેનો સામ્યવાદી પક્ષ

વિજયને પક્ષ માટે ભંડોળ એકઠું કરવા માટે બહુ સિફતપૂર્વક 'ચીન જેવી લાઇન' પકડી હતી.

ભાસ્કર કહે છે, "કૈરાલી ટીવી ચેનલ તેનું એક ઉદાહરણ છે. તેમણે એક જ વર્ષમાં તે માટેની કલ્પના કરી અને તેને સાકાર કરી. તે માટે તેમણે અખાતના દેશોમાં વસેલા મલયાલી લોકોની મદદ લીધી હતી."

વિજયને તે વખતે ક્રાઉડ ફંડિગની રીત અપનાવી હતી. તે વખતે ભારતીય ઉદ્યોગજગતમાં તે હજી એટલી પ્રચલિત બની નહોતી. ચીનમાં મૂડીવાદી અર્થતંત્ર અપનાવાયું છે તે રીતે વિજયને પણ પોતાના સામ્યવાદી પક્ષને એક મૂડીવાદી પક્ષ બનાવી દીધો છે.

મુખ્ય મંત્રીનાં મીડિયા સલાહકાર અને પુરસ્કાર વિજેતા કવયિત્રી ડૉક્ટર પ્રભા વર્માએ બીબીસીને જણાવ્યું કે, "વિજયન હંમેશાં કોઈ પણ નિર્ણય કરે તેને પક્ષની નીતિને ધ્યાનમાં રાખીને કરે છે. તેઓ પોલિટ બ્યૂરોના સભ્ય છે અને પાર્ટી લાઇનને સારી રીતે સમજે છે."

પિનરાઈ વિજયન અને તે વખતના મુખ્ય મંત્રી અચ્યૂતાનંદ વચ્ચે લાંબો સમય ખેંચતાણ ચાલતી રહી હતી. તેના કારણે વિખવાદ એટલો વધી પડ્યો હતો કે પક્ષના ટોચના નેતૃત્ત્વએ બંનેને થોડા સમય માટે પોલિટ બ્યૂરોમાંથી હઠાવી દીધા હતા.

અચ્યૂતાનંદ રાજ્યમાં બહુ લોકપ્રિય નેતા હતા, પરંતુ તેમણે કોઈ નિર્ણય લેતા પહેલાં પક્ષના વડા તરીકે રહેલા વિજયનની સહમતી લેવી પડતી હતી.

2016માં વિધાનસભાની ચૂંટણી પછી સીપીએમના કેન્દ્રીય નેતૃત્ત્વે મુખ્ય મંત્રી તરીકે આખરે વિજયનને પસંદ કર્યા. તે વખતે અચ્યૂતાનંદની ઉંમર 72 વર્ષની થઈ ગઈ હતી, જ્યારે વિજયન તેમનાથી 20 વર્ષ નાના હતા.

કુદરતી આપત્તિમાં તારણહાર

મુખ્ય મંત્રી બન્યા પછી વિજયને પોતાને સારા વહિવટકર્તા પણ સાબિત કર્યા. શરૂઆતમાં લોકોને લાગતું હતું કે તેઓ મુખ્ય મંત્રીના બદલે પક્ષના મંત્રી તરીકે વધારે વર્તન કરે છે. પરંતુ આ લોકોમાં પણ વિજયનની છાપ બહુ ઝડપથી બદલાઈ ગઈ.

કેરળમાં જ્યારે પણ કુદરતી આપત્તિ આવી ત્યારે વિજયને કુશળ શાસક તરીકેનો પરિચય આપ્યો. તેના કારણે જ લોકો હવે તેમને 'કૅપ્ટન' તરીકે ઓળખવા લાગ્યા હતા.

માછીમારોને ભારે નુકસાન કરનારું વાવાઝોડું હોય કે 2018માં આવેલું ભયંકર પૂર કે પછી 2019માં નીપા વાયરસનો પ્રકોપ ફેલાયો, તે દરેક વખતે તેમણે કુશળ કામગીરી બજાવી હતી. આ વખતે કોરોના રોગચાળામાં પણ વિજયને મુખ્ય મંત્રી તરીકે નક્કર કામગીરી બજાવી હતી.

2018માં મોટું પૂર આવ્યું ત્યારે તેમણે નિર્ણય કર્યો હતો કે નિર્ણય લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરાશે.

લોકોને સાથે રાખીને નિર્ણયો લેવાશે અને તે રીતે તેમણે સંકટમાં સૌને જોડીને કામ કર્યું. આફતના એ સમયે વિજયને પંચાયતના અધિકારીઓને પણ પોતાની રીતે નિર્ણયો લેવાનો અધિકાર આપી દીધો હતો.

કેરળમાં પૂર આવ્યું ત્યારે મુખ્ય મંત્રીના કાર્યાલયના અધિકારીઓ સાથે મારે વાતચીત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તે વખતે તેઓ સવારે નવ વાગ્યે ઓફિસે આવી જતા હતા અને રાત્રે દોઢ વાગ્યા સુધી હાજર રહેતા હતા.

સામાન્ય દિવસોમાં પણ તેઓ સવારે નવ વાગ્યે આવ્યા પછી રાતના સાડા દસ વાગ્યા સુધી કામગીરી કરતા રહે છે.

વ્યક્તિત્વ અને લોકપ્રિયતા

આફતના સમયે વિજયન રોજેરોજ પોતાની રીતે પત્રકારો સામે હાજર થઈને માહિતી આપતા હતા. તેના કારણે તેમનું વ્યક્તિત્વ અને લોકપ્રિયતા બંને વધારે ધારદાર બન્યા હતા.

એક પત્રકારે નામ ના આપવાની શરતે જણાવ્યું કે, "તેમના પર લોકોનો વિશ્વાસ વધ્યો, કેમ કે તેમને લાગ્યું કે કાળજી લેવા માટે ઉપર કોઈ બેઠું છે. તેમની ઓળખ એક નિર્ણાયક નેતા તરીકેની ઊભી થઈ છે."

જોકે સબરીમાલા વિવાદ વચ્ચે તેમની સ્થિતિ હચમચી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટેની મંજૂરી આપી દીધી, ત્યારે તેમના માટે મુશ્કેલી ઊભી થઈ હતી.

એક પૂર્વ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, 'આ વિવાદ પોલીસે ઊભો કર્યો હતો. તેમણે પોલીસ અધિકારીઓની સલાહ પર કામ કર્યું હતું. તેમણે ઉમેન ચાંડીની જેમ સર્વપક્ષીય બેઠક બોલાવી હોત તો વિવાદની આગ શાંત થઈ ગઈ હોત.'

કેરળના અન્ય એક પૂર્વ અધિકારી કહે છે, "મારી જેવા ઘણા છે જે માને છે કે વિજયન સ્ટૉકહોમ સિન્ડ્રોમ ધરાવે છે. તેનું કારણ એ કે કટોકટી વખતે તેમણે બહુ ત્રાસ સહન કરવો પડ્યો હતો."

"પૂર્વ મુખ્ય મંત્રી કરુણાકરણ જાણતા હતા કે પોલીસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. પરંતુ પોલીસનો મામલો આવે ત્યારે વિજયન એકદમ અતાર્કિક થઈ જતા હતા."

સામાજિક કલ્યાણ માટે કામગીરી

વિજયન પર પોલીસ અધિકારીઓનો ઘણો પ્રભાવ હતો તે વાતને બાજુએ રાખવામાં આવે તો તેઓ મૂળભૂત રીતે આરોગ્ય, પાયાની સુવિધાઓ અને સામાજિક કલ્યાણની બાબતો પર ભાર મૂકતા હતા.

આ ઉપરાંત વિજયનની છાપ બહુ કડક તરીકેની હતી એટલે તેના કારણે અધિકારીઓ જ નહીં, પણ બીજા નેતાઓ પણ તેમની સામે ખુલીને વાત કરતા નહોતા.

જોકે કેટલાક અધિકારીઓ કહે છે, "તેમણે ક્યારેય પ્રામાણિક લોકો પર કશું ખોટું કરવા માટે દબાણ કર્યું નહોતું. સામાન્ય ધારણા એવી છે કે તેઓ કોઈની સલાહ માનતા નથી. પણ એવું નથી. તેઓ લોકોની વાત સાંભળતા હતા, પણ નિર્ણયો તેઓ જાતે જ કરતા હતા."

જોકે નિર્ણયો લેવાની બાબતમાં પિનરાઈ વિજયનની જુદી જ છાપ પ્રોફેસર જે. પ્રભાષ ધરાવે છે.

પ્રોફેશર પ્રભાષ કહે છે, "વિજયન પોતાની રીતે એક સત્તાનું કેન્દ્ર બની ગયા હતા. સામ્યવાદી પક્ષમાં સામુહિક નેતાગીરી હોય તેનાથી આ સ્થિતિ વિપરિત હતી. "

"જો આવું જ થવાનું હોય તો પછી સીપીએમ અને બીજા પક્ષો વચ્ચે શું ફરક રહી ગયો? આવી જ સ્થિતિ આપણને ભાજપમાં પણ જોવા મળે છે. ફરક એટલો છે કે ભાજપમાં નિર્ણયો કરનારી બે વ્યક્તિઓ છે, જ્યારે કેરળમાં માત્ર એક જ માણસ નિર્ણયો કરે છે."

પ્રોફેસર પ્રભાષ વધુમાં જણાવે છે કે "કલ્યાણ એ સુરક્ષા આપનારું હોય છે. પરંતુ કોઈ સમાજમાં જરૂર હોય છે સામાજિક પરિવર્તનની. મને નથી લાગતું કે સામાજિક પરિવર્તનની બાબતમાં વિજયનની સરકાર પાસ થઈ શકે. "

"વિજયન એક એવી સરકારનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પરિવર્તન લાવવા માટે નહીં, પણ માત્ર વહિટવ કરવા પર ધ્યાન આપતી હોય."

સવાલ એ છે કે શું પિનરાઈ વિજયન બીજી મુદતમાં પોતાના પક્ષના હિત ખાતર પોતાની કાર્ય પદ્ધતિમાં પરિવર્તન લાવશે ખરા?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો