You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : ન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગે ઓક્સિજન માટે કૉંગ્રેસની મદદ માગીને સૉરી કેમ કહ્યું?
રવિવારે દિલ્હીસ્થિત ન્યૂઝીલૅન્ડના ઉચ્ચાયોગ તરફથી કરાયેલા એક ટ્વીટની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
ન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગના ટ્વિટર હેન્ડલ તરફથી ઓક્સિજન માટે યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવી પાસે મદદની વિનંતી કરાઈ હતી.
ઉચ્ચાયોગ તરફથી ટ્વીટ કરાયું, શ્રીનિવાસજી શું તમે ન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગ માટે તત્કાળ એક ઓક્સિજન સિલિન્ડરની મદદ કરી શકો છો?"
જોકે આ ટ્વીટને થોડી વારમાં ડિલીટ મારી દેવામાં આવ્યું હતું.
કેટલીક મિનિટ બાદ ઉચ્ચાયોગે એક નવું ટ્વીટ કર્યું, જેમાં લખવામાં આવ્યું કે "અમે દરેક રીતે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં લાગ્યા છીએ. કમનસીબે અમારી અપીલને ખોટી રીતે લેવામાં આવી, જેના માટે અમે ક્ષમા માગીએ છીએ."
પરંતુ ટ્વીટ દૂર કર્યા બાદ પણ થોડી વારમાં યૂથ કૉંગ્રેસની ટીમ ન્યૂઝીલૅન્ડ ઉચ્ચાયોગ પર ઓક્સિજન સિલિન્ડર લઈને પહોંચી. આ મદદનો ઉચ્ચાયોગે સ્વીકાર પણ કર્યો.
વિદેશ મંત્રાલયનું નિવેદન
આ મામલે વિદેશ મંત્રાલય પોતાનું નિવેદન જાહેર કરીને કહ્યું કે ઉચ્ચાયોગ કે દૂતાવાસ ઓક્સિજન સહિત આવશ્યક સામાનનો સંગ્રહ ન કરે.
નિવેદનમાં કહેવાયું- "પ્રોટોકૉલના પ્રમુખ અને અધિકારી સતત ઉચ્ચાયોગ અને દૂતાવાસના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય તેમની જરૂરિયાતો પર ધ્યાન રાખી રહ્યું છે. ખાસ કરીને કોવિડ સાથે જોડાયેલી જરૂરિયાતો પર. બધાને વિનંતી છે કે ઓક્સિજન સહિત આવશ્યક સામાનને ભેગો કરીને ન રાખે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ફિલિપાઇન્સના ઉચ્ચાયોગે પણ યૂથ કૉંગ્રેસ પાસે ઓક્સિજન સિલિન્ડરની મદદ માગી હતી.
જેના પર વિદેશમંત્રી એસ. જયશંકર અને યુપીએ સરકારમાં પર્યાવરણમંત્રી રહી ચૂકેલા જયરામ રમેશ વચ્ચે ટ્વિટર પર જામી હતી અને વિદેશમંત્રીએ તેને 'સસ્તી પબ્લિસિટી સ્ટન્ટ' કહ્યો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની ભારે ઘટ છે, દરરોજ હૉસ્પિટલો ઓક્સિજનની ઘટ માટે એસઓએસ મૅસેજ કરે છે, ગત શનિવારે બત્રા હૉસ્પિટલમાં 12 લોકોનાં ઓક્સિજનની કમીને લીધે મોત થયાં હતાં.
દિલ્હીમાં ઓક્સિજનની ઘટને લીધે મોત થયાની આ ત્રીજી ઘટના હતી.
આ અગાઉ દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલ અને જયપુર ગોલ્ડન હૉસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય રોકાવાથી દર્દીઓનાં મોત થયાં હતાં.
યૂથ કૉંગ્રેસની ટીમ દિલ્હીમાં ઓક્સિજન સિલિન્ડર અને જરૂર દવાઓની વ્યવસ્થા માટે લોકોની મદદ કરી રહી છે.
એવામાં ઘણા સામાન્ય અને ખાસ લોકો શ્રીનિવાસ બીવી પાસે ટ્વિટરના માધ્યમથી મદદ માગી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો