કોરોના : સાઇકલ પર પત્નીનો મૃતદેહ લઈ જતી વ્યક્તિની તસવીરનું સમગ્ર સત્ય

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના મડિયાહુ થાણા ક્ષેત્રમાં અંબરપુર ગામની એક તસવીર ઇન્ટરનેટ પર શૅર કરવામાં આવે છે અને ઘણા લોકોએ તે અંગે અફસોસની સાથે ટિપ્પણી કરી છે.

આ તસવીરમાં એક વૃદ્ધ પોતાનાં પત્નીના મૃતદેહને સાઇકલ પર ઉઠાવીને લઈ જતા જોવા મળે છે. બીજી કેટલીક તસવીરોમાં તેઓ શબની નજીક માથું પકડીને બેઠા છે.

આ વ્યક્તિ 55 વર્ષીય તિલકધારી સિંહ છે. તેમનાં પત્ની રાજકુમારી દેવી કોરોનાગ્રસ્ત હતાં અને મંગળવારે જોનપુરની સરકારી હૉસ્પિટલની બહાર કોરોનાના કારણે મૃત્યુ પામ્યાં હતાં.

સરકારી ઍમ્બ્યુલન્સે રાજકુમારીના મૃતદેહને તેમના ગામે તો પહોંચાડી દીધો. પરંતુ કોરોનાના ભયથી ગામની કોઈ વ્યક્તિ અંતિમસંસ્કાર માટે આગળ ન આવી.

ત્યારપછી જોનપુર પોલીસે આ મહિલાના અંતિમસંસ્કાર કરાવ્યા હતા.

અંતિમસંસ્કારનો વિરોધ થયો

જોનપુરના અધિક પોલીસ અધીક્ષક (રૂરલ) ત્રિભુવન સિંહે બીબીસીને જણાવ્યું કે, "તે તસવીર પોલીસ પાસે પહોંચી હતી. ત્યારબાદ મડિયાહુ થાણાની પોલીસ ગામે પહોંચી અને અંતિમસંસ્કાર કરાવ્યા. અફસોસની વાત એ છે કે ગામની કોઈ વ્યક્તિ અંતિમસંસ્કાર કરાવવા માટે આગળ આવી ન હતી."

ત્રિભુવન સિંહે જણાવ્યા પ્રમાણે, "પોલીસે ગામ નજીકથી પસાર થતી એક નાનકડી નદીના કિનારે મહિલાના અંતિમસંસ્કાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગામના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારપછી જોનપુર રામઘાટ પર મહિલાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા."

ત્રિભુવન સિંહ જણાવે છે, "પોલીસ જ્યારે ગામમાં પહોંચી ત્યારે તિલકધારી સિંહ શબની પાસે બેઠા હતા. ગામના કેટલાક લોકો પણ ત્યાં હાજર હતા."

ગામના એક રહેવાસી યુવાન ચંદન સિંહે બીબીસીને જણાવ્યું કે તિલકધારી સિંહ ગામમાં બધાથી અલગ રહે છે. તેમણે પોતાની પત્નીના મૃત્યુની જાણ પણ કોઈને કરી ન હતી.

પત્નીને લઈને હૉસ્પિટલે આવ્યા હતા

ચંદન સિંહે જણાવ્યા પ્રમાણે રાજકુમારી દેવીની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી. સોમવારે તિલકધારી સિંહ તેમને લઈને જોનપુરની સદર હૉસ્પિટલે પહોંચ્યા પરંતુ ત્યાં તેઓ તેમને દાખલ કરાવી ન શક્યા.

ચંદને બીબીસીને જણાવ્યું, "તિલકધારી પાસે કોઈ ફોન પણ નથી. તેમનાં પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેઓ તેને ઍમ્બ્યુલન્સમાં લઈને ઘરે પહોંચ્યા. તે સમયે દિવસના લગભગ સાડા 11 વાગ્યા હશે. ગામના મોટા ભાગના લોકો કોરોનાના કારણે ઘરમાં જ હતા અને તેમને આ મૃત્યુની ખબર ન પડી."

ચંદન જણાવે છે, "તેઓ કોઈને જણાવ્યા વગર જ મૃતદેહને સાઇકલ પર લઇ જતા હતા. તે સમયે લગભગ અઢી વાગ્યા હશે. તેમની સાઇકલ પડી ગઈ હતી. ગામના લોકોએ આ જોયું તો તેમણે અંતિમસંસ્કારમાં મદદ કરવાની ઑફર કરી. ગામની નજીક નદી કિનારે અંતિમસંસ્કાર માટે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ પડોશના ગામના લોકોએ તેનો વિરોધ કર્યો."

ચંદનનો દાવો છે કે તેમણે સ્વયં અંતિમસંસ્કાર માટે લાકડાની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી.

ચંદન કહે છે, "ગામના 20થી 22 લોકો આવી ગયા હતા. મહિલાને કાંધ આપવામાં આવ્યો અને મૃતદેહને નદીકિનારા સુધી લઈ જવાયો. પરંતુ ત્યાં બીજા ગામના લોકોએ વિરોધ કર્યો."

તેઓ કહે છે, "ત્યાર પછી પોલીસને બોલાવવામાં આવી. પોલીસે નક્કી કર્યું કે કોઈ વિવાદ ન થાય તે માટે જોનપુરમાં જ મહિલાના અંતિમસંસ્કાર કરવામાં આવે. ત્યારપછી પોલીસે જ જોનપુરમાં તેમના અંતિમસંસ્કાર કર્યા."

વિરોધાભાસી દાવા

પરંતુ સ્થાનિક પત્રકાર અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રાજકુમારીના અંતિમસંસ્કાર માટે પોલીસ આવી ત્યાં સુધી કોઈ આગળ આવ્યું ન હતું. પોલીસે ગામમાં અંતિમસંસ્કાર કરવાનો પ્રયાસ કર્યો તો ગામના લોકોએ કોરોના વાઇરસનું કારણ આપીને વિરોધ કર્યો.

અધિક પોલીસ અધીક્ષક ત્રિભુવન સિંહ જણાવે છે કે "પોલીસની ટીમ જ્યારે ગામમાં પહોંચી ત્યારે કોઈ અંતિમસંસ્કાર માટે આગળ આવ્યું ન હતું. પોલીસ ટીમે જ વિધિવત્ રીતે અંતિમસંસ્કાર કરાવ્યા છે."

સ્થાનિક પત્રકાર આરિફ હુસૈની જણાવે છે, "સાઇકલવાળી તસવીરો વાઇરલ થઈ તો પોલીસે આ વાતની નોંધ લીધી. ગામની કોઈ વ્યક્તિ આગળ ન આવી. હવે ગામના લોકોને આ ઘટના અંગે શરમ અનુભવાય છે.

આરિફ કહે છે, "જોનપુરમાં અગાઉ ક્યારેય આ પ્રકારની ઘટના નથી થઈ. આ ઘટનાએ સાબિત કરી દીધું કે કોરોના મહામારીએ માનવ સંબંધો અને સંવેદનાઓને પણ ખતમ કરી દીધી છે."

ચંદન સિંહના જણાવ્યા પ્રમાણે અંબરપુર એક નાનકડું ગામ છે, જેમાં લગભગ 450 લોકો રહે છે.

તેમના જણાવ્યા મુજબ અત્યારે ગામમાં પાંચ વ્યક્તિ એવી છે જેના કોરોના રિપોર્ટ પૉઝિટિવ છે.

ચંદન કહે છે, "આખા ગામમાં ટેસ્ટ કરવામાં આવે તો આ સંખ્યા વધારે હોઈ શકે છે. અહીં લોકોમાં કોરોના મહામારીનો બહુ ભય છે. મોટા ભાગના લોકો ખેતી અને ઘરનું કામ પતાવ્યા પછી ઘરમાં જ રહે છે."

તેઓ કહે છે, "અમારા ગામમાં હજુ વૃદ્ધોનું રસીકરણ પણ નથી થયું. જેઓ સક્ષમ હતા તેમણે જોનપુર જઈને રસી મુકાવી દીધી. પરંતુ ગામમાં રસીકરણ કરવા માટે કોઈ ટીમ નથી આવી."

તસવીર વાઇરલ થયા પછી ગામવાસીઓ અંગે પેદા થયેલા સવાલો વિશે ચંદન કહે છે કે, "આ પ્રકારની તસવીરોથી છબિ ખરાબ થાય છે. પરંતુ આ તસવીર સંપૂર્ણ સત્ય નથી. ગામના લોકોને મહિલાના મોતની ખબર પડતા જ તેમણે અંતિમસંસ્કાર કરાવવા પ્રયાસ કર્યો હતો."

તિલકધારી સિંહ ગામમાં પોતાની પત્ની સાથે એકલા જ રહેતા હતા. તેમની પુત્રીઓનાં લગ્ન થઈ ગયાં છે. તેમને એક પુત્ર છે જે હાલમાં પોતાની બહેનના ઘરે જ રહે છે.

તિલકધારી સિંહની આર્થિક સ્થિતિ સારી નથી. તેમની પાસે મોબાઇલ ફોન પણ નથી. અત્યારે તેઓ ઘરમાં બિલકુલ એકલા છે.

ચંદન સિંહ કહે છે કે, "કોરોનાનો ડર એવો છે કે કોઈ તેમના ઘરે જઈને હાલચાલ પણ પૂછતું નથી. તેઓ પણ ગામમાં બધાથી અલગ રહેતા હતા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો