પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસા યથાવત્, 17 લોકોનાં મૃત્યુ

    • લેેખક, પ્રભાકરમણિ તિવારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ રવિવારથી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં બંગાળના વિભિન્ન પ્રાંતોમાં વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક 17 થયો છે.

ભાજપનો દાવો છે કે મૃતકો પૈકી નવ તેમના કાર્યકર હતા, જ્યારે સામા પક્ષે તૃણમૂલ કૉંગ્રેસે તેમના સાત કાર્યકરોની હત્યા ભાજપ દ્વારા કરાઈ હોવાનો આરોપ મૂક્યો છે.

મૃતકો પૈકી એક ઇન્ડિયન સેક્યુલર ફ્રંટના કાર્યકર હોવાનું કહેવાય છે.

આ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ ઘટી છે.

આ વચ્ચે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા બે દિવસની મુલાકાતે કોલકાતામાં છે.

તેમણે મંગળવારે સાંજે આ હિંસામાં કથિત રીતે ટીએમસીના કાર્યકરોના હાથે માર્યા ગયેલા પાર્ટીના બે કાર્યકર્તાના ઘરે જઈને પરિવારની મુલાકાત લીધી હતી.

બીજી તરફ મમતા બેનરજીનો આરોપ છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં થયેલી શરમજનક હારને પચાવી નથી શકતો, એટલે જ સાંપ્રદાયિક હિંસા ભડકાવીને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાના પ્રયાસ કરી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પૂર્વ મેદનીપુર સિવાય, પશ્ચિમ મેદનીપુર, વીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ દિનાજપુરથી હિંસાની માહિતી મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો

રવિવારે ચૂંટણીપરિણામો બાદ સોશિયલ મીડિયામાં મોટા પાયે હિંસાની તસવીરો અને વીડિયો સાથે દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. આવી પોસ્ટ અને ટ્વિટ્સ એટલી સંખ્યામાં છે કે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ સંભવ નથી.

પરંતુ આને કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ અને આતંકનો માહોલ ઊભો થયો છે. આ મુદ્દે વિવાદાસ્પદ ટ્વિટને કારણે અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

પોલીસના કહેવા મુજબ રવિવાર રાતથી અત્યાર સુધી અલગ અલગ વિસ્તારમાં થયેલી હિંસક ઝડપમાં કમ સે કમ 12 લોકોનાં મૃત્યુ થયાં છે.

પોલીસે એ નથી કહ્યું કે આ મૃત્યુ પામનાર લોકો કઈ પાર્ટીના હતા.

જોકે, ભાજપનો દાવો છે કે એમના કમ સે કમ છ લોકો ટીએમસી કાર્યકરોને હાથે માર્યા ગયા છે.

ટીએમસીએ પણ પોતાના ચાર કાર્યકરો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.

એક વ્યક્તિ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટની સમર્થક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પાર્ટીના કાર્યાલયો અને ઘરોમાં તોડફોડની ખબરો પણ આવી રહી છે.

હિંસાના આરોપમાં પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અત્યાર સુધી 26 લોકોની ધરપકડ કરી છે.

કેન્દ્ર સરકારે માગ્યો રિપોર્ટ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકાર પાસે આનો અહેવાલ માગ્યો છે. રાજ્યપાલ જગદીપ ધનખડે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી અને પોલીસતંત્રને આના પર અંકુશ લગાવવાનું કહ્યું છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ચૂંટણી બાદ સ્થિતિની સમીક્ષા કરવા માટે મંગળવારે બે દિવસની મુલાકાતે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. બીજી તરફ મમતા બેનરજીએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.

મમતા બેનરજીએ કહ્યું કે, બુધવારે તેઓ શપથગ્રહણ કરે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ચૂંટણીપંચની છે. હિંસા પર અંકુશ આવવો જોઈએ.

આ દરમિયાન ભાજપે હિંસાના વિરોધમાં 5 મેના રોજ આખા દેશમાં ધરણાંનું એલાન કર્યું છે.

હિંસાના સમાચાર બાદ રાજ્યપાલે સોમવારે સાંજે પોલીસ મહાનિર્દેશક નીરજ નયન પાંડે અને કોલકાતા પોલીસ અધિક્ષક સૌમેન મિત્ર તથા ગૃહસચિવ હરિકૃષ્ણ દ્વિવેદી સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી અને યોગ્ય પગલાં લેવા કહ્યું હતું.

આ પછી મમતા બેનરજી સાથે પણ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ.

એ પછી મમતા બેનરજીએ પત્રકારોને કહ્યું, "ભાજપ અને કેન્દ્રીય સુરક્ષાદળોએ ચૂંટણી દરમિયાન ખૂબ અત્યાચાર કર્યો છે પરંતુ હું લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરું છું."

"આપણી પ્રાથમિકતા કોરોના સામેની લડાઈ છે. પરસ્પર શાંતિ જાળવી રાખો."

મમતા બેનરજીએ દાવો કર્યો કે, બંગાળમાં અને ખાસ કરીને કૂચબિહાર વિસ્તારમાં ભાજપ હિંસા ફેલાવી રહ્યો છે. એના કાર્યકરો ચૂંટણી હારી ગયાની હતાશામાં ટીએમસીના લોકો પર હુમલાઓ કરી રહ્યા છે.

ભાજપનો આરોપ - પોલીસ બની મૂકદર્શક

બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ સવાલ કરે છે કે, "આખરે આટલી મોટી જીત પછી હિંસા કેમ થઈ રહી છે?"

"પોલીસની સામે જ હુમલાઓ થઈ રહ્યા છે પણ તે મૂકદર્શક બની છે. જો મુખ્ય મંત્રી જવાબદારી નથી લેતા તો કોણ લેશે?"

ભાજપના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને હિંસાની ફરિયાદ કરી છે અને આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ પત્ર લખ્યો છે.

ટીએમસી નેતા શોભદેવ ચેટરજી કહે છે કે, "ભાજપે પૂર્વ બર્દવાનમાં અમારા ત્રણ સમર્થકોની હત્યા કરી દીધી છે. આ ઉપરાંત હુગલી જિલ્લાના ખાનાકૂલમાં ટીએમસી નેતા દેબૂ પ્રામાણિકની હત્યા કરવામાં આવી છે."

પૂર્વ બર્દવાનમાં ભડકેલી હિંસામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. આ મહિલા ભાજપ સમર્થકનાં માતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દરમિયાન મૃતક ગણેશ મલિકના પુત્ર મનોજ કહે છે કે "મારા પિતા ટીએમસીના કાર્યકર હતા. ભાજપના લોકોએ એમની સાથે મારપીટ કરી અને એ પછી બર્દવાન મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં એમણે દમ તોડી દીધો."

બર્દવાનના અધિક પોલીસ અધિક્ષક કલ્યાણ સિંહ કહે છે "હિંસામાં એક મહિલા સમેત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. હાલ અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે."

હિંસાની ખબરો રાજ્યના વિવિધ ભાગોમાંથી આવી રહી છે. આમાં નદિયા, બર્દવાન ઉપરાંત હુગલી અને મેદિનીપુર જેવા જિલ્લાઓ સામેલ છે.

ભાજપ નેતા દિલીપ ઘોષ કહે છે કે "ટીએમસી સમર્થકોએ નદિયામાં ઉત્તમ ઘોષ નામના એક કાર્યકરની હત્યા કરી દીધી છે." જોકે, ટીએમસી એમનો દાવો નકારે છે.

જિલ્લા પોલીસના એક અધિકારી કહે છે કે "મૃતક અનેક સમાજવિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. એમની હત્યાનું કારણ અંગત દુશ્મની હોઈ શકે છે."

ઉત્તરી બંગાળમાં પણ હિંસા

કૂચબિહાર જિલલાના શીતલકૂચી વિસ્તારમાં માનિક મૈત્ર નામના એક વીસ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.

એ પછી ભાજપ અને ટીએમસી બેઉ એ યુવક પોતાનો કાર્યકર હોવાનો દાવો કરે છે.

જોકે, મૃતકના કાકા કાર્તિક મૈત્રે કહ્યું કે, "માનિક કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હતો."

જિલ્લાના દિનહાટામાં એક કથિત ભાજપ સમર્થકના મૃત્યુ બાદ તણાવ છે.

ભાજપ નેતા માલતી રાભા કહે છે કે "ટીએમસીના ગુંડાઓએ હારાઘનને ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા અને તેમની હત્યા કરી દીધી. પોલીસ અને તંત્ર આ બાબતે મૌન છે."

જોકે, જિલ્લા ટીએમસી નેતા અબ્દુલ જલીલ અહમદ દાવો કરે છે કે "ચૂંટણીના પરિણામો પછી જ ભાજપ આ વિસ્તારમાં આતંક ફેલાવ્યો છે. ભાજપના પોતાના આંતરકલહને કારણે જ કાર્યકરો મરી રહ્યા છે. અમારી પાર્ટીને આ સાથે કોઈ લેવા-દેવા નથી."

મમતા બેનરજીએ કહ્યું- હાલ ચૂંટણીપંચની જવાબદારી

પોલીસે કહ્યું છે કે ઉત્તર 24 પરગણા જિલ્લાના કદમગાછી વિસ્તારમાં હસનૂર જમાન નામના એક આઈએસએફ કાર્યકરની હત્યા થઈ ગઈ છે. જોકે, હજી આ મામલે કોઈ ધરપકડ થઈ નથી. જિલ્લાના અનેક ઘરોમાં લૂંટના પણ સમાચાર સામે આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે.

ભાજપ નેતા દિલીપ ઘોષ કહે છે કે, "ચૂંટણી પરિણામો પછી ટીએમસીના લોકોએ આખા રાજ્યમાં આતંક મચાવ્યો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પીડિત પરિવારોની મુલાકાત કરશે. અમે આ આંતક સામે મોટા પાયે આંદોલન કરીશું."

સીપીએમએ આ હિંસા સામે અવાજ ઉઠાવ્યો છે. જેએનયુ છાત્રસંઘની અધ્યક્ષ અને ચૂંટણી લડનાર આઇષી ઘોષે એક ટ્વિટમાં કહ્યું કે, ટીએમસીએ જનાદેશનું સન્માન કરવું જોઈએ. એને લોકોનાં હિતમાં કામ કરવા માટે જનાદેશ મળ્યો છે. લોકો વિરુદ્ધ હિંસા કરવા માટે નહીં. ટીએમસીની કૅડર અન્ય દળો અને સમર્થકો પર હુમલા કરી રહી છે જે કોઈ પણ કિંમતે સાંખી નહીં લેવાય.

સીપીએમના અન્ય નેતાઓએ પણ પાર્ટીની ઑફિસમાં કથિત તોડફોડની તસવીરો ટ્વિટ કરી છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિંસાની લાંબી પરંપરા રહી છે.

આ ચૂંટણી દરમિયાન જેટલી આશંકા હતી એટલી હિંસા જોવા નથી મળી. હવે ગ્રામીણ વિસ્તારોમાંથી હિંસાની ખબરો આવી રહી છે.

પ્રોફેસર સમીરન પાલ કહે છે કે, "રાજ્યમાં હાલ પણ કેન્દ્રીય સુરક્ષાદળોની 200થી વધારે કંપનીઓ તહેનાત છે અને તે છતાં હિંસા એ ચિંતાનો વિષય છે."

"આ માટે આરોપ-પ્રત્યારોપને બદલે તમામ દળોએ શાંતિ બહાલ કરવાની દિશામાં કામ કરવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો