યોગી આદિત્યનાથની CM તરીકે આજે શપથવિધિ, અખિલેશ, માયાવતીને પણ આમંત્રણ - પ્રેસ રિવ્યૂ

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ભાજપના વિજય બાદ આજે યોગી આદિત્યનાથ મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે બીજી વખત શપથ લઈ રહ્યા છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, યોગી આદિત્યનાથની શપથવિધિ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે એવા અહેવાલો છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો જોડાઈ શકે છે. કાર્યક્રમમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ચર્ચાસ્પદ ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર પણ યોગી આદિત્યનાથના શપથવિધિના કાર્યક્રમના આમંત્રિતોમાં સામેલ છે.

યોગી આદિત્યનાથે તેમના પ્રતિસ્પર્ધીઓ અખિલેશ યાદવ અને માયાવતીને પણ શપથવિધિ માટે આમંત્રિત કર્યાં છે. જોકે, તેઓ હાજર રહેશે કે કેમ? તે હજુ સુધી સ્પષ્ટ નથી.

જંગલ વિસ્તારમાંઘર બનાવતાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને હાઇકોર્ટની નોટિસ

હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી સંદર્ભે કોર્ટે ભાજપના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડ, વનવિભાગ અને પંચમહાલ જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે.

ડૅક્કન હેરાલ્ડના અહેવાલ પ્રમાણે, ભાજપ ધારાસભ્ય જેઠા ભરવાડે વર્ષ 2019માં પંચમહાલમાં સૂચિત વનવિસ્તારમાં આવતા ચંદનગઢમાં પોતાના ટ્રસ્ટ મારફતે એક મંદિર અને તેની આસપાસમાં રહેણાક બાંધકામ ઊભું કર્યું હતું.

મંદિર સાથે બનાવેલ મકાનનો ઉપયોગ તેઓ પોતાના પરિવારના રહેવા માટે, મંદિરમાં આવતા લોકો માટે અને પોતાની રાજકીય કામગીરીઓ માટે કરતા હોવાનું જાહેરહિતની અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

આ અંગે વનવિભાગ દ્વારા પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાથી પંચમહાલની શહેરા તાલુકાપંચાયતના વિરોધ પક્ષના નેતા જશવંત સોલંકી અને દુષ્યંત ચૌહાણ દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.

તેમના દ્વારા મૂકવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા જેઠા ભરવાડ, વનવિભાગના અધિકારી અને પંચમહાલ જિલ્લા કલેક્ટરને નોટિસ આપવામાં આવી છે.

પરિવહનમંત્રીનું નિવેદન, સ્ક્રૅપ પૉલિસીની રાજ્યમાં 41 લાખથી વધુ વાહનો ભંગારમાં જશે

ગુજરાતમાં વિવિધ 70 પ્રકારના 2.28 કરોડથી વધુ વાહનોની નોંધણી થયેલી છે. જેમાંથી લગભર 41.20 લાખ વાહનો સ્કૅપ પૉલિસીના કારણ ભંગારમાં જશે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, રાજ્યના પરિવહનમંત્રી પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

અહેવાલ પ્રમાણે, રાજ્યમાં નોંધાયેલા કૂલ 2.28 કરોડ વાહનોમાંથી 18 ટકા એટલે કે 41.20 વાહનો 15 વર્ષ કે તેથી જૂનાં છે.

ઑગસ્ટ 2021માં વડા પ્રધાન મોદી દ્વારા જારી કરવામાં આવેલ સ્ક્રૅપ પૉલિસીની સૌથી વધુ અસર જે રાજ્યોમાં પડશે એમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

પરિવહનમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે, સ્ક્રૅપ પૉલિસીથી અસર પામનારા વાહનોમાં 6.34 લાખ કાર, 11.15 લાખ ટ્રેક્ટર, 1.74 લાખ થ્રી-વ્હિલર અને 1.76 લાખ ટ્રકોનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો