દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની જિતુ વાઘાણીને ચેલેન્જ, 'મારી સાથે ડિબેટ કરો, સમય અને જગ્યા તમારાં'

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના દિલ્હીના શાસનની ટીકા કરાઈ રહી છે. જેના જવાબમાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને ડિબેટ કરવા ચેલેન્જ આપી છે.

દિલ્હી અને ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવેલા કેટલાંક ટ્વીટમાં દિલ્હીમાં શિક્ષકોની હડતાલ તેમજ બેરોજગારોને ભથ્થું ન મળતા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. આ સાથે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનું કાર્ટૂન બનાવીને શૅર કરવામાં આવ્યું હતું. જેનો દિલ્હીના નાયબ મુખ્ય મંત્રીએ જવાબ આપ્યો છે.

મનીષ સિસોદિયાએ ભાજપની પંજાબમાં હાર અને ગુજરાતમાં વધી રહેલા પ્રભાવને આ પાછળનું કારણ ગણાવ્યું હતું અને ગુજરાતના મુખ્ય મંત્રી જિતુ વાઘાણીને તેમની પસંદના સ્થળ અને સમયે ડિબેટ માટે ચેલેન્જ આપી હતી.

ભાજપ દ્વારા કરાયેલા ટ્વીટમાં શું હતું?

ભાજપ દ્વારા કરાયેલાં કેટલાંક ટ્વીટમાં દિલ્હીની શિક્ષણવ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

એક ટ્વીટમાં 'આપ'ની સરકારે લોકોને ઠગ્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેમાં લખ્યું હતું કે એક પણ બેરોજગરોને ભથ્થું ન આપ્યું, સાથે પ્રવાસી શિક્ષકોને કાયમી ન કરીને 20 હજાર જેટલા શિક્ષકોને છૂટા કરાયા અને આંગણવાડી કર્મચારીઓનો પગાર ન વધાર્યો. આ ટ્વીટને ગુજરાત ભાજપે રિટ્વીટ કર્યું હતું.

જ્યારે ગુજરાત ભાજપ દ્વારા 'કેજરીવાલજીની ઍજ્યુકેશન સિસ્ટમ ફેલ' થઈ હોવાનું ટ્વીટ કરવામાં આવ્યું છે.

તેમાં એવો પણ આરોપ મૂક્યો કે દિલ્હીમાં સાત વર્ષમાં એક પણ પ્રવાસી શિક્ષકને કાયમી નથી કરવામાં આવ્યા.

આ સિવાય એક ટ્વીટમાં ભાજપે પ્રશ્ન પૂછ્યો કે "AAP સરકારે 20 હજાર પ્રવાસી શિક્ષકોને શા માટે છૂટા કર્યા?"

ગુજરાત ભજપે આ સિવાય પણ ટ્વીટ કર્યાં છે.

'સમય અને જગ્યા તમારી, ચાલો ડિબેટ કરીએ'

ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર સતત કરવામાં આવી રહેલા પ્રહારોનો દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જવાબ આપ્યો છે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, "કાલથી ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યો છે. ગુજરાતમાં 'આપ'નો વધતો પ્રભાવ અને પંજાબ ચૂંટણીનાં પરિણામોથી રઘવાયા થયા છો."

તેમણે આગળ લખ્યું કે ભાજપ શિક્ષણની વાત કરે જ નહીં તો સારું. હું ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને ડિબેટ માટે ચેલેન્જ કરું છું. સમય અને જગ્યા તમારી.

મનીષ સિસોદિયાની ચેલેન્જને જવાબ આપતા જિતુ વાઘાણીએ કહ્યું કે "લોકશાહીમાં મેદાનમાં આવવાની બધાને છૂટ છે. જનતા સામે પોતાના મુદ્દા મૂકે, જનતા જ કહેશે કોણ સાચું છે."

આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર ઍકાઉન્ટ પર પણ ગુજરાતની શિક્ષણવ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. જેમાં તાજેતરમાં જ વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા દર્શાવવામાં આવ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહે ટ્વીટ કર્યું કે "શિક્ષણવ્યવસ્થા પર દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રીને આપી ચેલેન્જ. સમય અને જગ્યા જણાવો, શિક્ષણ પર વાત કરવા તૈયાર. જવાબની રાહ જોઈશું..."

ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી રાજેશ શર્માએ ટ્વીટ કર્યું હતું કે, "ગુજરાતમાં 700 શાળાઓ એક જ શિક્ષકના ભરોસે ચાલે છે. છ હજાર શાળાને મર્જરના નામે બંધ કરી દેવાઈ છે અને ભાજપ દિલ્હીના શિક્ષણ પર સવાલ ઉઠાવી રહ્યો છે. જિતુ વાઘાણી, જો હિંમત હોય તો મનીષ સિસોદિયાજીની ડિબેટની ચેલેન્જ સ્વીકારો."

મનીષ સિસોદિયાના ટ્વીટ બાદથી ટ્વિટર પર '#JituBhaiDebateKaro' હૅશટૅગ ટ્રૅન્ડ થઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો