You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL : ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કપ્તાની છોડી, જાડેજાને કૅપ્ટન કેમ બનાવાયા?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અંગે ગુરુવારે એક મોટો ફેરફાર જોવા મળ્યો. મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કપ્તાની છોડી દીધી છે. તેમની જગ્યાએ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.
ધોની એક સિનિયર ખેલાડી તરીકે ટીમની સાથે જ રહેશે. આઈપીએલમાં આ વખતે બે નવી ટીમો ઉમેરાતાં ફરીથી ખેલાડીઓની હરાજી થઈ હતી. દરેક ટીમને ચાર ખેલાડીઓને રિટેન કરવાની તક આપવામાં આવી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સે આ વર્ષે ધોની અને જાડેજા સહિત ચાર ખેલાડીઓને રિટેન કર્યા હતા.
જાડેજાને ચેન્નઈની ફ્રેન્ચાઇઝીએ ધોની કરતાં પણ વધારે રકમ આપીને રિટેન કર્યા હતા. જાડેજાને ચેન્નઈ સુપર કિંગ્સે 16 કરોડ તથા ધોનીને 12 કરોડ રૂપિયા આપ્યા હતા.
ધોની અને જાડેજા સિવાય ચેન્નઈએ મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડને પણ રિટેન કર્યા હતા.
જાડેજાને આપવામાં આવેલી સૌથી વધારે રકમને કારણે જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે તેનું સ્થાન આગળ જતાં ખૂબ મહત્ત્વનું બનવાનું છે.
ટીમ દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ સિઝન અને એ સિવાય પણ ધોની ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરતા રહેશે.
રવીન્દ્ર જાડેજાને કપ્તાન બનાવવાનું શું છે કારણ?
ધોનીએ જાડેજાને કૅપ્ટનશિપ હૅન્ડ ઓવર કરી હોવાનું માનતાં વરિષ્ઠ ખેલ પત્રકાર તુષાર ત્રિવેદીએ જણાવ્યું છે કે "ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પહેલાંથી જ નિવૃત્તી લઈ લીધી છે. એટલે આઈપીએલમાં પણ તે હવે લાંબું નહીં ખેંચે. હવે કદાચ તે એકાદ સિઝન રમશે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વળી, આઈપીએલમાં એક ટીમ 12-13 મૅચ તો રમતી જ હોય છે. એટલે અત્યારે કૅપ્ટનશિપ બીજા કોઈને આપવામાં આવે તો એને ધોનીની હાજરીમાં જ ઘડી શકાય એવી પણ ગણતરી હોઈ શકે."
"જાડેજામાં સામર્થ્ય તો છે જ અને એટલે ક્યારેક તો કૅપ્ટશનશિપ આપવાની જ હતી. પણ ટીમમાં ધોનીની હાજરી નવા કૅપ્ટન માટે પણ મદદરૂપ થઈ શકે. ધોનીની હાજરીમાં એને ઘડવો હોય તો ઘડી પણ શકાય એવી પણ શક્યતા રહે છે."
આઈપીએલની શરૂઆતથી જ ધોની ચેન્નઈના કૅપ્ટન છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેમણે નિવૃત્તિ જાહેર કરી હતી.
આઈપીએલમાં ધોનીની કપ્તાની હેઠળ કુલ 204 મૅચ રમાઈ છે. જેમાંથી 121માં તેમણે વિજય હાંસલ કર્યો હતો, જ્યારે 82 મૅચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એક મૅચનું કોઈ પરિણામ નહોતું આવ્યું.
આમ ધોનીની કપ્તાનીમાં રમાયેલી મૅચોની જીતની ટકાવારી 59.60% છે.
ધોનીની કપ્તાનીમાં સીએસકે ચાર વખત આઈપીએલમાં ચૅમ્પિયન જાહેર થઈ છે. જે માત્ર મુંબઈ ઇન્ડિયન્સ કરતાં જ પાછળ છે.
આપીએલમાં સીએસકેની જીતની ટકાવારી (64.83%) તમામ ટીમોમાં સૌથી વધુ છે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો