You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં વિપક્ષ ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવી દેશે?
- લેેખક, શુમાએલા જાફરી
- પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
આજકાલ આખી દુનિયાની નજર રશિયા અને યુક્રેન યુદ્ધ પર મંડાયેલી છે. બીજી તરફ પાકિસ્તાનામાં રાજકીય ઘટનાક્રમો ઝડપથી બદલાઈ રહ્યા છે.
પાકિસ્તાનનાં વિપક્ષી દળોએ ઇમરાન ખાન સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી કરી લીધી છે.
સરકાર પર બિનકાર્યક્ષમતા અને અવ્યવસ્થાના આરોપ મૂકીને વિપક્ષી દળોએ પોતાના હુમલા વધારી દીધા છે. પરંતુ એના બચાવમાં ઇમરાન ખાને પેટ્રોલ અને વીજળીના દર ઘટાડી દીધા છે.
પરંતુ સવાલ એ છે કે શું ઇમરાન ખાન વિપક્ષના રાજકીય હુમલાથી પોતાની સરકારને બચાવી શકશે?
આવા વાતાવરણમાં પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં ઓછી ઉંમરના લોકોના એક વિસ્તારમાં શહઝાદ લારી પરની પોતાની દુકાનમાં ફળો ગોઠવી રહ્યા છે.
દિવસનો મોટા ભાગનો સમય વીતી ચૂક્યો છે . ગ્રાહકોની રાહ જોવાઈ રહી છે, પરંતુ હજુ સુધી ખૂબ ઓછા ગ્રાહક આવ્યા છે.
શાહઝાદે કહ્યું કે, "વેપાર પહેલાં ક્યારેય આટલો મંદ નથી થયો. પહેલાં લોકો ફૂટપાથની નજીક પોતાની કાર રોકીને ફળ ખરીદતા હતા. પરંતુ હવે એ એટલાં મોંઘાં થઈ ગયાં છે કે મોટા ભાગના લોકોને પોસાય એવાં નથી રહ્યાં."
શાહઝાદ એક સમયે ઇમરાન ખાનના કટ્ટર સમર્થક અને વોટર હતા, પરંતુ હવે એમનો એમના પરથી મોહભંગ થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે, "મેં પાકિસ્તાનમાં તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ને વોટ આપ્યો હતો. ઇમરાન ખાન પાસેથી અમને ઘણી અપેક્ષા હતી. પરંતુ હવે પરિસ્થિતિ જુઓ, જીવન ખૂબ મુશ્કેલીભર્યું થઈ ગયું છે. એમણે અમને નિરાશ કરી દીધા છે. સત્તામાં આવ્યા પહેલાં તેઓ દાવો કરતા હતા કે ગરીબોની સાથે છે, પરંતુ એમણે અમારી માટે કશું કર્યું નથી."
વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ
પાકિસ્તાનમાં આજકાલ મોંઘવારી એની ચરમસીમાએ છે. એની સાથે જ ઇમરાન ખાનની લોકપ્રિયતામાં પણ ઉતારચઢાવ થઈ રહ્યા છે.
વિપક્ષી પાર્ટીઓ ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાનું એલાન કરી ચૂકી છે. અવિશ્વાસના પ્રસ્તાવની આગેવાની વિપક્ષી દળોનું ગઠબંધન પાકિસ્તાન ડેમૉક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) કરી રહ્યું છે.
લાહોરમાં કેટલાંક અઠવાડિયાં પહેલાં મળેલી પીડીએમની એક બેઠકમાં પીડીએમના પ્રમુખ મૌલાના ફઝલુર્રહમાને એલાન કર્યું હતું કે, "પીડીએમ સાથે જોડાયેલી બધી પાર્ટીઓ આ ગેરમાન્ય શાસકની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા અંગે સહમત થઈ ગઈ છે."
એમણે કહ્યું કે, "એ માટે આપણે ગઠબંધન સરકારમાં સામેલ બધી પાર્ટીઓ સાથે સંપર્ક કરીશું. એમની વિનંતી કરીશું કે તેઓ જનતા પર દયા કરે અને સરકારને સમર્થન આપવાનું બંધ કરે."
અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાના એલાન પછી વિપક્ષી દળોએ સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીને સમર્થન આપતા ગઠબંધનના સહયોગીઓનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું.
વાસ્તવમાં અવિશ્વાસનો પ્રસ્તાવ પારિત કરાવવા માટે વિપક્ષી દળો પાસે પર્યાપ્ત વોટ નથી, તેથી સરકારનાં સહયોગી દળોને પોતાના પક્ષે જોડવાની કોશિશો થઈ રહી છે.
પાકિસ્તાનના સંવિધાન અનુસાર, અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરાવવા માટે માત્ર સામાન્ય બહુમતની જ જરૂર પડે છે.
પાકિસ્તાનની સંસદ નૅશનલ એસેમ્બ્લીમાં 342 સાંસદ છે. એનો અર્થ એ થયો કે અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કરાવવા માટે માત્ર 172 સાંસદોએ પ્રસ્તાવના પક્ષમાં વોટ આપવો પડશે.
ઇમરાન ખાનની સત્તાધારી પાર્ટીની 155 સીટો છે. તે સહયોગી દળો સાથે મળીને સરકાર ચલાવી રહી છે. એક સામાન્ય ધારણા એવી છે કે બધાં દળને સૈન્ય સાથે નજીકના સંબંધ છે.
માર્ચ અને બેઠકોનો સિલસિલો ચાલુ
પાકિસ્તાની મુસ્લિમ લીગ કાયદે-એ-આઝમ (પીએમએલ-ક્યૂ) અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (એમક્યૂએમ) ઇમરાન ખાન સરકારનાં મુખ્ય સહયોગી દળ છે.
બંને પાર્ટી પહેલાં જ સાર્વજનિક રીતે ઇમરાન સરકારની વિરુદ્ધ પોતાનો અસંતોષ પ્રકટ કરી ચૂકી છે. એમનું કહેવું છે કે સરકારમાં એમને યોગ્ય હક્ક અને મહત્ત્વ નથી મળતાં.
અવિશ્વાસના પ્રસ્તાવને પાસ કરાવવા માટે વિપક્ષી દળો પાસે ઇમરાન સરકારની સમર્થક પાર્ટીઓને પોતાના પક્ષમાં લેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી, એ પાર્ટીઓ હાલના સંજોગોમાં કિંગ મેકર બની ગઈ છે.
પીએમએલ-એનના નેતા શહબાઝ શરીફે 14 વર્ષ પછી પીએમએલ-ક્યૂના નેતૃત્વ સાથે મુલાકાત કરી છે. જોકે, સરકારમાં સામેલ સહયોગી દળ અસમંજસમાં છે. એમના તરફથી હજુ સુધી સ્પષ્ટ સંકેતો નથી મળ્યા.
એક તરફ તેઓ ઇમરાન ખાનને ભરોસો આપે છે કે તેમને સમર્થન આપવાનું ચાલુ રહેશે, બીજી તરફ વિપક્ષી દળોને પણ તેઓ મિશ્ર સંકેતો આપે છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને પીડીએમમાંથી પહેલાં જ હઠાવી દેવાઈ હતી, પરંતુ હવે એને ફરીથી મોરચામાં સામેલ કરી દેવાઈ છે.
બિલાવલ ભુટ્ટોએ ઇમરાન સરકારને હઠાવવા માટે કરાચીથી પીપલ્સ પાર્ટીની માર્ચ આરંભી અને 10 દિવસ પછી તેઓ ઇસ્લામાબાદ પહોંચ્યા. એમણે કહ્યું કે ઇમરાન ખાન સત્તા છોડી દે, નહીંતર એમને ગાદી પરથી ઉતારી દેવામાં આવશે.
પીડીએમએ 23 માર્ચે મોંઘવારી રેલીનું એલાન કર્યું છે જેથી ઇમરાન સરકાર પર સત્તા છોડવાનું દબાણ વધારી શકાય.
સરકાર બેપરવા
ઇમરાન ખાન સરકારનું કહેવું છે કે વિપક્ષી દળોના એલાનની એમના પર કશી અસર નહીં થાય.
માહિતીમંત્રી ફવાદ ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ 13મી વાર છે જ્યારે વિપક્ષી પાર્ટીઓ ઇમરાન સરકારને હઠાવવાની કોશિશ કરી રહી છે.
એમણે દાવો કર્યો કે પીટીઆઇ હવે આ પ્રકારની ધમકીઓથી 'ઇમ્યૂન' થઈ ગઈ છે.
જોકે, વિપક્ષી દળોના એલાન પછી પીએમ ઇમરાન ખાન સમેત પીટીઆઇના નેતૃત્વએ પોતાનાં સહયોગી દળોને મળીને એમનું સમર્થન જાળવી રાખવાના પ્રયત્નો વધારી દીધા છે.
એ ઉપરાંત, એમણે આભને આંબતી મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા માટે રાહત પૅકેજનું પણ એલાન કર્યું છે.
વડા પ્રધાને વીજળી અને પેટ્રોલ-ડીઝલની કિમત ઘટાડવાની જાહેરાત કરી છે. સાથે જ, સામાજિક કલ્યાણની પોતાની મુખ્ય યોજના 'એહસાસ' અંતર્ગત વધારાની સબસિડી આપવાનો પણ વાયદો કર્યો છે.
અગ્રિમ મીડિયા સંસ્થા 'ડૉન'નાં એક કૉલમનિસ્ટ આરિફા નૂરનું કહેવું છે કે સરકાર જોરદાર રીતે હલબલી ગઈ છે.
તેમણે કહ્યું કે, "વિપક્ષ પર્સેપ્શનની લડાઈ જીતતો દેખાય છે. એનું ખૂબ સામાન્ય કારણ છે. સરકાર જે રીતે પ્રતિક્રિયા આપે છે એનાથી લોકોની એ ધારણા મજબૂત થઈ છે કે વિપક્ષી દળ એમ જ હવામાં તીર નથી છોડતાં. વિપક્ષી દળ પોતાના ઉદ્દેશમાં સફળ થવાની નજીક છે."
પક્ષપલટુઓનું શું થશે?
સરકારે સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડેન્શિયલ રેફરન્સ રજૂ કરીને બંધારણની કલમ 63-એના સંદર્ભમાં ચાર મૂળ પ્રશ્નો સામે નિર્દેશો માગ્યા છે.
એ સવાલો છે, "શું પક્ષપલટો કરનારાની સંસદીય સીટ ઝૂંટવી લેવાશે? જો પાર્ટી બદલનારાને અયોગ્ય ઠરાવાય, તો તેઓ હવે પછીની ચૂંટણી લડી શકશે કે નહીં?"
શું અનુચ્છેદ 63-એ અંતર્ગત પાટલીબદલુ સાંસદ સંસદની સદસ્યતા માટે આજીવન અયોગ્ય ઠરશે? જો કોઈ સાંસદ પોતાની પાર્ટીની નીતિની વિરુદ્ધ વોટ આપે તો શું તે માન્ય ગણાશે?
હાલ તો, નૅશનલ એસેમ્બ્લીના સ્પીકરે વિપક્ષની માગણી મુજબ 25 માર્ચે સત્ર જાહેર કર્યું છે જેથી ઇમરાન ખાન વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકાય.
વિપક્ષી દળોએ આ નિર્ણયને ગેરબંધારણીય ઠરાવ્યો છે, કેમ કે અવિશ્વાસના પ્રસ્તાવ માટે નોટિસ આપ્યાના 14 દિવસમાં એસેમ્બ્લીનું સત્ર યોજવાનું હોય છે. વિપક્ષી દળે આ બાબતને કોર્ટમાં પડકારી છે.
હિતોનો સંઘર્ષ
ઘણા જાણકારોનું માનવું છે કે, સેના અને ઇમરાન ખાનના સંબંધ હવે પહેલાં જેવા કૂણા નથી રહ્યા. ખાસ કરીને આઇએસઆઇના ડીજીના નોમિનેશનને ઇમરાન ખાને લટકાવ્યું ત્યારથી આ બાબત વધારે ચગી રહી છે.
આ પદ માટે લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમની નિયુક્તિ કરવામાં ઇમરાન ખાને મોડું કર્યા બાદ એ વાત ફેલાવા લાગી કે સેના અને ઇમરાન ખાન વચ્ચે ખટપટ છે. નદીમ અંજુમની ભલામણ સેનાએ જ કરી હતી.
પાકિસ્તાનમાં હાલના સમયે ઇમરાન ખાનની લોકપ્રિયતામાં પણ ચઢાવઉતાર જોવા મળી રહ્યો છે. સાથે જ, જે સેના પર એમને સત્તામાં લાવ્યાનો આરોપ છે એ સેના સાથે પણ ઇમરાનના સંબંધો સારા નથી દેખાતા.
એ જોતાં, વિપક્ષી દળોને એમની સામે મોરચો માંડવાની સારી તક દેખાય છે. વિપક્ષી દળોને લાગે છે કે લોઢું ગરમ છે, ઘણ મારી દેવો જોઈએ.
પરંતુ રાજનીતિ વિજ્ઞાનના જાણકાર સલમાન ખાનનું માનવું છે કે વિપક્ષી દળોમાં એકતા નથી કે નથી એમની પાસે કોઈ એજન્ડા કે રણનીતિ. એમના પોતપોતાના સ્વાર્થ છે. એમનાં હિતો અંદરોઅંદર ટકરાય છે.
તેમણે જણાવ્યું કે, "અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઘણી બેઠકો અને વાટાઘાટ થઈ રહી છે, પરંતુ મારું માનવું છે કે એ જનતાને સપનું બતાવવા માટે છે. વિપક્ષ ઇમાનદારીથી પ્રયત્ન કરતા નથી દેખાતા. જોકે, મીડિયામાં એ ખૂબ ચગ્યું છે."
આરિફા નૂર પણ એમની સાથે સંમત થાય છે.
તેમણે કહ્યું કે, "અવિશ્વાસ પ્રસ્તાવ માટેની ચર્ચા એના ચરમ પર છે, પરંતુ અંદરખાને જે વાતો થઈ રહી છે એનાથી ભ્રમ ઊભો થયો છે. જ્યારે સવાલો પૂછવામાં આવશે ત્યારે આ ઉત્સાહ વધારે નહીં ટકે. સવાલ એ છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવનું ટાર્ગેટ કોણ છે? એના સમર્થનમાં વોટ કોણ આપશે?"
"સૌથી મોટી વાત તો એ છે કે એના પછી શું થશે? હજુ પણ ઘણું બધું અસ્પષ્ટ છે. એનાથી જ અવિશ્વાસ પ્રસ્તાવ અંગેનો ઉત્સાહ ઓછા થઈ જાય છે."
જોકે, તેઓ માને છે કે આ તમામ પાસાં હોવા છતાં હવે શું થશે, એ કહેવું ઘણું અઘરું છે. એવું એટલા માટે કેમ કે, પાકિસ્તાનનું રાજકારણ કોઈ મહામારીના વેરિયન્ટ કરતાં પણ વધારે અનિશ્ચિત છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો