જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ : જ્ઞાનવાપી મસ્જિદને મંદિર ફેરવી શકાય? શું કહે છે કાયદો?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ બહુ જૂનો છે, પણ હાલમાં તેમાં નવેસરથી ઊભરો આવ્યો છે.

બાબરી મસ્જિદના વિધ્વંસ પહેલાં 1991માં બનેલા એક કાયદાને સમજ્યા વિના જ્ઞાનવાપી મસ્જિદના વિવાદને સમજવો મુશ્કેલ છે.

1999ના એ સમયકાળમાં દેશભરમાં અયોધ્યા શ્રીરામ જન્મભૂમિમાં મંદિર બનાવવા માટેનું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું હતું.

1990માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ દેશભરમાં રામ રથયાત્રા કાઢી હતી. બિહારમાં તેમની અટકાયત કરવામાં આવી હતી.

તે વર્ષે કારસેવકો પર ગોળીબાર થયો હતો. સમગ્ર દેશમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં કોમી તણાવ વધી ગયો હતો.

આવા સમયે 18 સપ્ટેમ્બર 1991ના રોજ એક કાયદો બનાવવામાં આવ્યો હતો.

ઉપાસનાસ્થળ કાયદો છે શું?

તે વખતે કેન્દ્રમાં નરસિમ્હા રાવની સરકાર હતી અને તેમણી સરકારે પૂજાસ્થળ કાયદો સંસદમાં પસાર કર્યો હતો.

પૂજાસ્થળ વિશેનો આ કાયદો કહે છે ભારતમાં 15 ઑગસ્ટ, 1947ના રોજ જે પણ ધાર્મિકસ્થળ જે પણ સ્થિતિમાં હતું તેને જૈસે થે રાખવું અને તેમાં કોઈ ફેરફાર કરવો નહીં.

આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત દેશનાં બધાં જ ધાર્મિકસ્થળોને લાગુ પડે છે.

તે વખતે ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓએ આ નવા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ રીતે કાયદો બનાવીને આ પ્રકારના મામલા સામે આંખ મીચી શકાય નહીં.

આ કાયદાની કલમ (3) અનુસાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સંપ્રદાય કે તેના કોઈ પંથના પૂજાસ્થળમાં કોઈ પણ રીતે કશો પણ ફેરફાર કરી શકે નહીં.

આ કાયદાની કલમ 4(1)માં લખ્યું છે કે - આથી જાહેર કરવામાં આવે છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ પૂજાસ્થળનું ધાર્મિક સ્વરૂપ જેવું હોય તેવું જ યથાવત રાખવામાં આવશે.

આ કાયદાની કલમ 4(2) જણાવે છે કે - આ અધિનિયમ લાગુ પડે તે પહેલાં 15 ઑગસ્ટ, 1947ના રોજમાં ઉપસ્થિત હતા તેવા પણ કોઈ પણ પૂજાસ્થળના ધાર્મિક સ્વરૂપમાં ફેરફાર માટે કોઈ દાવો, અપીલ કે કોઈ કાર્યવાહી કોઈ અદાલત, કે અધિકારી સમક્ષ પેન્ડિંગ હશે તો તે રદ થઈ જશે. અને આવો કોઈ મામલો, દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી કોઈ અદાલત કે અધિકારી સમક્ષ શરૂ કરી શકાશે નહીં.

આ કાયદાની કલમ (5) અનુસાર અયોધ્યાનો વિવાદ આમાંથી બાકાત રખાયો હતો, કેમ કે તેનો મુકદમો આઝાદી પહેલાથી જ અદાલતમાં હતો. આમાં બીજો એક અપવાદ એ રખાયો હતો, જે સ્થળો પુરાતત્ત્વ વિભાગની હેઠળ હતો અને તેની જાળવણી માટે કોઈ રોકટોક નહોતી.

1991માં મામલો ક્યાં અને કાયદા બાદ શું થયું?

1991ના વર્ષ પહેલાંથી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ હતો, જેમાં સૌથી વધુ જાણીતો વિખવાદ 1809માં થયો હતો. તે વખતે તેના કારણે કોમી રખમાણો પણ થયાં હતાં.

1991ના પૂજાસ્થળનો કાયદો બન્યો તે પછી આ મસ્જિદમાં સરવે કરાવવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી.

અરજી કરનારા હરિહર પાંડેયે બીબીસીને જણાવ્યું કે 'સન 1991માં ત્રણ લોકોએ આ મુકદ્દમો દાખલ કર્યો હતો. મારા ઉપરાંત સોમનાથ વ્યાસ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રામરંગ શર્મા તેમાં સાથે હતા. આ બંને લોકો આજે જીવિત નથી'.

આ મુકદ્દમો દાખલ કરાયો તેના થોડા દિવસ પછી જ્ઞાનવાપી મસ્જિદ વ્યવસ્થાપક સમિતિએ 'પૂજાસ્થળ કાયદો, 1991'નો હવાલો આપીને સરવે માટેની અરજીને રદ કરવાની માગણી કરી હતી. અલાહાબાદ હાઈકોર્ટે 1993માં સ્ટે આપીને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.

ત્યારબાદ 2017માં હરિહર પાંડેય ફરીથી વારાણસી સિવિલ કોર્ટમાં પહોંચ્યા હતા. દરમિયાન અન્ય કોઈ મામલામાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ સ્ટે ઑર્ડર છ મહિનાથી વધુ સમય માટે લાગુ પડી શકે નહીં. 6 મહિના બાદ સ્ટે ઑર્ડરને રિન્યૂ કરવો જરૂરી છે.

સર્વોચ્ચ અદાલતના આ હુકમને આધાર બનાવીને હરિહર પાંડેયે જ્ઞાનવાપીમાં સરવે સામેના સ્ટે ઑર્ડર સામે સવાલ કર્યો હતો. 2019માં તેમણે વારાણસી સિવિલ કોર્ટમાં ફરીથી અરજી કરી હતી. આ વખતે તેમણે મસ્જિદ પરિસરમાં પણ સરવે કરવા માટેની માગણી ઉમેરી હતી.

આ અરજીની સુનવાણી શરૂ થઈ અને સુનાવણી બાદ મસ્જિદ પરિસરમાં પણ પુરાતત્ત્વીય સરવે માટેની મંજૂરી આપવામાં આવી છે. જોકે મસ્જિદ પક્ષ તરફથી ફરીથી 1991ના કાયદાને આધાર રાખીને હાઈકોર્ટમાં અરજી કરી અને સરવેના આદેશ પર ફરીથી હાઈકોર્ટે મનાઈ હુકમ આપી દીધો.

હરિહર પાંડેય તરફથી કરવામાં આવેલી અરજી હજીય અલાહાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને તેના પર કઈ કાનૂની નિર્ણય લેવાયો નથી.

2020માં કાયદાને પડકાર

સન 2020ના ઑક્ટોબરમાં ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી કરીને 1991ના પૂજાસ્થળના કાયદાની બંધારણીય યોગ્યતા સામે સવાલ કર્યો છે.

તેમણે ત્રણ બાબતોના આધારે પોતાની દલીલો રજૂ કરી છે.

પહેલી દલીલ એ કે કેન્દ્ર સરકાર પાસે આવો કાયદો બનાવવાનો કોઈ અધિકાર નથી. તેમની દલીલ છે કે 'પબ્લિક ઑર્ડર' એટલે કે 'કાયદો-વ્યવસ્થા' રાજ્ય સરકારનો વિષય છે. નરસિમ્હા રાવની સરકારે જ્યારે આ કાયદો બનાવ્યો ત્યારે દેશ અને રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે તેમ જણાવીને તેને આધાર બનાવાયો હતો.

અશ્વિની ઉપાધ્યાયે બીજી દલીલ એ કરી હતી કે 'પિલગ્રિમેજ' એટલે કે 'તીર્થસ્થળ' પર કાયદો બનાવવાનો અધિકાર કેન્દ્ર અને રાજ્ય બંનેને છે. પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય મામલો હોય, જેમ કે કૈલાસ માનસરોવર અથવા નાનકાના સાહિબ તો તે કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે, જ્યારે મામલો રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળનો હોય ત્યારે રાજ્યોના અધિકાર ક્ષેત્રમાં તે આવે.

આ જ દરમિયાન આવા જ પ્રકારની એક અરજી લખનૌસ્થિત વિશ્વ ભદ્રા પૂજારી પુરોહિત મહાસંઘ તરફથી પણ દાખલ કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતમાં બંને અરજીઓની અલગ-અલગ સુનાવણી થઈ હતી અને કેન્દ્ર સરકાર પાસે તેના જવાબો મંગાયા હતા. કેન્દ્ર સરકારે હજી સુધી પોતાનો જવાબ રજૂ કર્યો નથી. સર્વોચ્ચ અદાલતે હવે આ બંને અરજીઓની સુનાવણી એક સાથે કરવાનું નક્કી કર્યું છે.

વર્ષ 2021માં ફરી કેમ મામલો કોર્ટમાં પહોંચ્યો?

18 ઑગસ્ટ, 2021ના રોજ પાંચ મહિલાઓએ બનારસની એક અદાલતમાં એક નવી જ અરજી દાખલ કરી હતી.

આ મહિલાઓની આગેવાની લીધી છે રાખી સિંહે, જે દિલ્હીમાં રહે છે. અન્ય ચાર મહિલા અરજદારો બનારસની રહેવાસી જ છે.

આ મહિલાઓએ માગણી કરી છે કે તેમને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં આવેલી માં શ્રૃંગાર ગૌરી, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, આદિ વિશેષ અને નંદી, મંદિર પરિસરમાં દેખાઈ રહેલી અન્ય દેવી દેવતાઓની મૂર્તિના દર્શન, પૂજન અને ભોગ ચડાવવાની મંજૂરી આપવામાં આવે.

અરજદારોનો દાવો છે કે મા શ્રૃંગાર ગૌરી, ભગવાન હનુમાન, ગણેશ, અને અન્ય દેવી દેવતાઓ દશાશ્વમેઘ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં પ્લૉટ નંબર 9130માં આવેલા છે, જે કાશી વિશ્વનાથ મંદિરને અડીને જ આવેલો છે.

તેમની માગણી છે કે અંજુમન ઈન્તેજામિયા મસાજિદને દેવી દેવતાની મૂર્તિઓ તોડે, હટાવે કે નુકસાન પહોંચાડે તેમ કરતા રોકવી જોઈએ. તેમજ ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપવો જોઈએ કે આ "પ્રાચીન મંદિર"ના પ્રાંગણમાં દેવી દેવતાઓની મૂર્તિઓના દર્શન, પૂજન માટે સુરક્ષાની વ્યવસ્થા કરે.

આ અરજી સાથે આ મહિલાઓએ અલગથી પણ અરજી કરી છે અને માગણી કરી છે કે કોર્ટ એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરે, જે આ બધી દેવી દેવતાઓની મૂર્તિઓની સલામતી સુનિશ્ચિત કરે.

આ માગણી પ્રથમ જિલ્લા અદાલતમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. બંને અદાલતોએ તેને યોગ્ય ગણીને મસ્જિદ પરિસરમાં નિરિક્ષણ કરવાની કામગીરીને મંજૂરી આપી છે.

2022માં શું-શું થયું?

આ મહિલાઓની અરજી પર 8 એપ્રિલ, 2022ના રોજ નીચલી અદાલતે સ્થાનિક વકીલ અજય કુમારને એડવોકેટ કમિશનર તરીકે નિમ્યા હતા. તેમને વીડિયો કેમેરા સાથે જ્ઞાનવાપી પરિસરનું નિરિક્ષણ કરીને અહેવાલ આપવા જણાવ્યું હતું.

વારાણસીની અંજુમન ઇન્તેજામિયા મસાજિદએ એડવોકેટ કમિશનરની નિમણૂંક અને તેમના દ્વારા સૂચિત નિરિક્ષણના હુકમને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈ કોર્ટે 21 એપ્રિલ 2022ના રોજ મસ્જિદ વ્યવસ્થાપકોની અરજીને કાઢી નાખી હતી.

મહિલાઓએ કરેલી અરજી પર આ મહિને જ્ઞાનવાપી મસ્જિદ (પ્લૉટ નંબર 9130)નું નિરિક્ષણ કરવામાં આવ્યું, જે 16 મેના રોજ પૂરું થયું હતું.

17 મેના રોજ નિરિક્ષણનો અહેવાલ સ્થાનિક અદાલતમાં રજૂ કરવાનો હતો, પણ તે થઈ શક્યો નહોતો અને એડવોકેટ કમિશનરે બે દિવસનો સમય માગ્યો હતો.

જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં નિરિક્ષણ માટેની આ મંજૂરી સામે હવે મસ્જિદ વ્યવસ્થાપકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેના પર મંગળવારથી સુનાવણી શરૂ થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો