You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્ઞાનવાપી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'શિવલિંગ'વાળી જગ્યા સીલ રહેશે, મસ્જિદમાં નમાજ પણ પઢાશે
જ્ઞાનવાપી કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે મસ્જિદ પરિસરમાં જે જગ્યાએ 'શિવલિંગ' મળ્યું હોવાની વાત કરાઈ રહી છે, તે જગ્યાને સંરક્ષિત રાખવામાં આવે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે મુસ્લિમ પક્ષ માટે ત્યાં નમાજ પઢવામાં કોઈ રોક નહીં લગાવવામાં આવે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે.
જોકે, નીચલી કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કોઈ રોક લગાવી નથી. મુસ્લિમ પક્ષ તરફથી માગ કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી મસ્જિદમાં સ્થિતિ યથાવત્ રાખવામાં આવે.
આ પહેલાં સોમવારે વારાણસીની કોર્ટે જિલ્લા પ્રશાસનને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં એ જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો, જ્યાં સર્વે કરનારી ટીમને 'કથિત શિવલિંગ' મળ્યું હતું.
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને પી. એસ. નરસિમ્હાની ખંડપીઠ સમક્ષ અંજુમન ઇંતેજામિયા મસાજિદની પ્રબંધ કમિટીની અરજી પર સુનાવણી થઈ. આ જ કમિટી જ્ઞાનવાપી મસ્જિદની દેખરેખ રાખી રહી છે.
શુક્રવારે ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાની આગેવાનીવાળી બેન્ચે પોતાના લેખિત આદેશમાં આ મામલે જસ્ટિસ ચંદ્રચૂડની નેતૃત્વની બેન્ચને સુનાવણી માટે કહ્યું હતું.
શુક્રવારે ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાવાળી બેન્ચે મુસ્લિમ પક્ષની અરજી પર જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં ચાલી રહેલા સર્વે વિરુદ્ધ યથાસ્થિતિ જાળવી રાખવા વચગાળાનો આદેશ રજૂ કરવાથી ઇનકાર કરી દીધો હતો.
શુક્રવારની સુનાવણીમાં શું થયું?
શુક્રવારની સુનાવણીમાં કોર્ટે કહ્યું, "અરજદારો તરફથી હાજર વકીલ હુઝેફા અહમદીની દલીલ સાંભળ્યા બાદ અમારું એ માનવું છે કે આ મામલે અદાલતની રજિસ્ટ્રીને જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેન્ચ સમક્ષ સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંજુમન ઇંતેજામિયા મસાજિદની પ્રબંધ કમિટીનો પક્ષ રાખતા વકીલ હુઝેફા અહમદીએ બેન્ચને કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલા સર્વે વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે અને તેમણે આ મામલે અદાલત સમક્ષ વચગાળાનો આદેશ રજૂ કરવા માગ કરી.
તેમણે કહ્યું કે "જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરાવવાના આદેશ વિરુદ્ધ અમે એક અરજી દાખલ કરી છે. આ જગ્યાએ જૂના સમયથી મસ્જિદ રહેલી છે અને ધાર્મિક ઉપાસના સ્થળ કાયદા અંતર્ગત આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી બાધિત છે.
મુસ્લિમ પક્ષ તરફથી પ્લેસ ઑફ વરશિપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) ઍક્ટ, 1991 અને તેના સૅક્શન નંબર ચારને ટાંકવામાં આવ્યું છે. આ જોગવાઈ 15 ઑગસ્ટ 1947ના રોજ વિદ્યમાન કોઈ પણ ઉપાસના સ્થળના ધાર્મિક ચરિત્રમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે કોઈ ફરિયાદ દાખલ કરવા કે કોઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા પર રોક લગાવે છે.
વારાણસીની જિલ્લા કોર્ટમાં શું થયું?
વારાણસીની જિલ્લા કોર્ટે 12 મેના રોજ એ અરજી રદ કરી નાખી હતી, જેમાં કોર્ટ દ્વારા નિયુક્ત ઍડવૉકેટ કમિશનરને બદલવાની માગ કરવામાં આવી હતી.
અદાલતે ઍડવોકેટ કમિશનરને જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરની વીડિયોગ્રાફીના કામ માટે નિયુક્ત કર્યા હતા. કોર્ટે સર્વેનું કાર્ય 17 મે સુધી પૂરું કરવાનો આદેશ આપ્યો હતો.
જિલ્લા કોર્ટે ઍડવૉકેટ કમિશનરની સર્વેમાં મદદ માટે બે વકીલોને પણ નિયુક્ત કર્યા હતા.
કોર્ટે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં ચાલી રહેલા સર્વેના કામમાં અવરોધ ઊભો કરનારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
વારાણસીની કોર્ટે 12 મેના રોજ આ નિર્ણય મહિલાઓના એક સમૂહની અરજી પર આપ્યો હતો. આ અરજદારોનો દાવો હતો કે જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં હિંદુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ છે અને તેમની પૂજા માટે મંજૂરી આપવામાં આવે.
મસ્જિદ પ્રબંધ સમિતિએ મસ્જિદ અંદર વીડિયોગ્રાફીનો વિરોધ કર્યો અને તેમણે કોર્ટ દ્વારા નિયુક્ત ઍડવૉકેટ કમિશનર પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો. જોકે, આ વિરોધ વચ્ચે સર્વેનું કામ કેટલાક દિવસો માટે રોકી દેવાયું હતું.
હિંદુ પક્ષના વકીલે કહ્યું કે સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રવિકુમાર દિવાકરે પણ મસ્જિદના બે બંધ ભોંયરાને સર્વે માટે ખોલવાના વિરોધમાં આવેલી આપત્તિઓને ફગાવી દીધી હતી.
કોર્ટે જિલ્લા પ્રશાસનને સર્વેની દેખરેખ અને તેમાં અવરોધો ઊભા કરનારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો