અમદાવાદમાં રસ્તે રઝળતાં બાળકોને નશાનાં બંધાણી બનાવી કેવી રીતે ડ્રગ્સના વેપલામાં ધકેલાય છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં અમદાવાદની કારંજ પોલીસે એક રૅકેટ ઝડપી પાડ્યું જેમાં રસ્તા પર રહેતા ગરીબ બાળકોને નશાના બંધાણી બનાવીને તેમની પાસે ડ્રગ્ઝનો વેપલો કરાવતી ગૅંગ પકડાઈ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, બાતમીના આધારે જે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાં એક 12 વર્ષના બાળક પાસેથી સૉલ્યુશનની કેટલીક ટ્યૂબ્સ મળી આવી હતી.

આ સૉલ્યુશન હતું, પંચર બનાવવાની ટ્યૂબનું. જેનો ઉપયોગ પંચર બનાવવાની સાથેસાથે નશા માટે પણ થાય છે.

દરોડો પાડ્યો ત્યારે બાળક પાસેથી કેટલાક લોકો આ ટ્યૂબ ખરીદવા માટે આવેલા હતા પણ પોલીસને જોઈને તમામ લોકો નાસી છૂટ્યા હતા. જોકે, બાળક નશામાં હોવાથી ભાગી શક્યું ન હતું.

જોકે, આ બાળક થકી તેની જેમ સંખ્યાબંધ બાળકોને આ 'સૉલ્યુશન'નાં બંધાણી બનાવીને તેમના દ્વારા ડ્રગ્ઝનો કારોબાર ચલાવતી ગૅંગને પોલીસે ઝડપી પાડી છે.

કઈ રીતે બાળક નશાના રવાડે ચડે છે?

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, "આ બાળકનો પરિવાર ઉત્તર પ્રદેશમાં રહે છે અને મજૂરીકામ કરે છે."

પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન પકડાયેલા બાળકની હાલ અમદાવાદમાં એક ડિએડિક્શન સેન્ટરમાં સારવાર ચાલી રહી છે. આ બાળકે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેના પિતા મજૂરીકામ કરે છે અને ઘરમાં બે ટંકનું ભોજન પણ ન મળતું હોવાથી તે અન્ય કેટલાંક બાળકો સાથે મજૂરીની શોધમાં અમદાવાદ સુધી પહોંચ્યો હતો.

વધુમાં તેણે કહ્યું કે 'અમદાવાદ પહોંચ્યા પછી શરૂઆતમાં તેણે એક ચાની લારી પર કામ કર્યું હતું પણ તે બંધ થઈ જતા બાદમાં છૂટક મજૂરી કરવા શહેરમાં જ્યાં-ત્યાં ભટકવા લાગ્યો.'

'આ સમય દરમિયાન ફૂટપાથ પર રહેતાં અન્ય બાળકો સાથે પરિચય થયો અને તેમના થકી સંગીતાતાઈનો સંપર્ક થયો.'

બાળકના જણાવ્યા પ્રમાણે, 'સંગીતાતાઈ ફૂટપાથ પર રહેતાં બાળકોને જમવાનું આપતાં અને સાથેસાથે કેટલીક ટ્યૂબ આપતાં. જે નિયતસ્થળે પહોંચાડ્યા બાદ બાળકોને પૈસા મળતા હતા.'

'આ સંગીતાતાઈએ જ આ બાળકને પહેલીવખત સૉલ્યુશનનો નશો કરાવ્યો હતો. જ્યાર બાદ તે તેનો બંધાણી બની ગયો હતો અને જે દિવસે તે પોલીસના હાથે પકડાયો ત્યારે સંગીતાતાઈએ આપેલી ટ્યૂબ વેચવા માટે જ ત્યાં ગયો હતો.'

'જોકે, સૉલ્યુશન ખરીદવા આવેલા લોકો તો ત્યાંથી ભાગી ગયા પરંતુ ભરપૂર નશામાં હોવાને કારણે તે ત્યાંથી ભાગી શક્યો નહીં.'

'અમને ખ્યાલ પણ નહોતો કે બાળક નશો કરતું હશે'

આ ગૅંગને પકડનારા કારંજ પોલીસમથકના પીએસઆઈ એસ. આઈ. મકરાણી કહે છે, "આ ટ્યૂબના સૉલ્યુશનને વધારે માત્રામાં રૂમાલમાં લઈને સૂંઘવાથી નશો થાય છે. કારણ કે તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે."

તેઓ આગળ કહે છે, "આ બાળક જ્યારે પકડાયું ત્યારે તેની જીભ લથડતી હતી. તે છોકરો સીધો ઊભો પણ રહી શકતો ન હતો. અમે તેને પોલીસસ્ટેશન લાવ્યા, જમાડ્યો અને બેસાડી રાખ્યો."

"જોકે, સાંજ પડતા જ તે બેચેન થવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો અને તેણે ભાગવાનો પણ પ્રયાસ કર્યો. જેથી શંકા ગઈ કે આ પણ ચોક્કસ નશાનો બંધાણી હશે."

"શરૂઆતમાં અમને ખ્યાલ જ ન હતો કે આવું કંઈ પણ હોઈ શકે. પણ જ્યારે ડૉક્ટર અને કાઉન્સેલરની મદદ લીધી ત્યારે સામે આવ્યું કે આ છોકરાને પણ નશામાં ધકેલી દેવામાં આવ્યો છે."

પોલીસને કાઉન્સેલિંગ દરમિયાન ધીરેધીરે બાળક પાસેથી ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી મળી હતી. જેના કારણે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસે જણાવ્યું કે સંગીતાતાઈ દ્વારા જ નશાના બંધાણી બનાવવામાં આવ્યાં હોય તેવા 21 બાળકોને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યાં છે અને આ તમામ બાળકો હાલ ડિ-ઍડિક્શન સેન્ટરમાં સારવાર મેળવી રહ્યાં છે.

પીએસઆઈ મકરાણી કહે છે, "આ બાળકો મુખ્યત્વે બીજાં રાજ્યોમાંથી આવેલાં છે. અહીં આવીને ચા-નાસ્તાની લારીઓ પર કે પાથરણાવાળાને ત્યાં 25થી 30 રૂપિયામાં મજૂરી કરે છે."

"સંગીતાતાઈ આ બાળકોને તેનાંથી વધુ રૂપિયા અને ભોજન પણ આપતાં હતાં. સરળ કામ કરીને પહેલાંની સરખામણીએ સારા પૈસા મેળવવા સાથેસાથે ભોજન અને નશો કરવા મળે તેથી આ બાળકો સરળતાથી તેમની ચુંગાલમાં ફસાઈ જતાં હોય છે."

કોણ છે આરોપીઓ?

આ મામલે અત્યાર સુધી સંગીતા દંતાણી, હિતેષ બાબુ અને અબ્દુલ કરીમ વિરુદ્ધ જુવેનાઇલ ઍક્ટ અને ઇન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, "અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતાં સંગીતા દંતાણીના પતિ જેલમાંથી બહાર આવ્યા બાદ નશાના કારણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. જેથી તેણીએ આ હિતેષ બાબુ સાથે મળીને આ ધંધો શરૂ કર્યો હતો."

"અમદાવાદમાં આ સૉલ્યુશનની ટ્યૂબ સરળતાથી જથ્થાબંધ મળે તેમ ન હોવાથી અબ્દુલ કરીમ આણંદ અને નડિયાદથી આ સૉલ્યુશનની ટ્યૂબ લાવીને આ બન્નેને વેચતો હતો."

"અબ્દુલ આ ટ્યૂબ 36 રૂપિયામાં ખરીદીને સંગીતા અને હિતેષને 60 રૂપિયામાં વેચતો હતો. જ્યારે બાળકો થકી આ ટ્યૂબ 120 રૂપિયામાં વેચવામાં આવતી હતી."

ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવે છે કે, "બાળકો ડ્રગ્ઝનાં બંધાણી ન થાય તે માટે સરકાર કામ કરી રહી છે. રાજ્યમાં ડ્રગ્ઝનો ઉપયોગ બંધ થાય તે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ છે. તેથી જ અમે ડ્રગ્ઝ માફિયાઓને પકડવાનું નક્કી કર્યું છે."

'ફૂટપાથ પર રહેતાં બાળકોમાં ડર અને અસમાનતાની ભાવના વધુ'

પોલીસે સંગીતાતાઈના ચુંગાલમાંથી બચાવેલાં 21 બાળકો હાલ જ્યાં ડિ-ઍડિક્ટશન સેન્ટરમાં રહી રહ્યાં છે તે પ્રયાસ સંસ્થા સાથે જોડાયેલા ડૉ. ઍઝાઝ શેખ કહે છે, "અમદાવાદમાં રાજ્ય બહારથી મજૂરી કરવાં આવતાં લગભગ છ હજાર બાળકો છે, જે બેઘર છે. આ બાળકો દિવસે મજૂરી કરે છે અને રાત્રે ફૂટપાથ પર સૂઈ જાય છે."

તેઓ આગળ કહે છે, "આ બાળકો ચિંતાતુર રહેતાં હોય છે. તેમનામાં ડર અને અસમાનતાની ભાવના વધુ હોય છે."

"અસામાજિક તત્ત્વ આવાં બાળકોને લૂંટી લે છે, તેમને ગોરખધંધામાં સામેલ કરે છે.અમે લોકોએ એક સરવે કર્યો હતો જેના પરથી જાણવા મળ્યું કે છ હજારમાંથી 600 જેટલાં બાળકોએ તમાકુ સિવાયનો નશો કર્યો હતો."

પંચર બનાવવાની ટ્યૂબ વિશે વાત કરતા ડૉ. શેખ જણાવે છે કે, "પંચર બનાવવાની ટ્યૂબમાં હાઇડ્રોકાર્બોનિક કૅમિકલ હોય છે. જે સૂંઘવાથી તેની સીધી અસર મગજના ફૅટ ટિશ્યૂ પર પડે છે."

"જેના કારણે હાર્ટ અને લીવર ધીમું કામ કરવા માંડે છે, જેનાંથી નશો થાય છે. ઘણી વખત ડરપોક અને ચિંતાતુર બાળકો તેના બંધાણી બની જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો