'મારું લીવર આખું દારૂથી ભરાઈ ચૂક્યું હતું'

વિશ્વના ખતરનાક રોગચાળાઓ પૈકીના એચઆઈવીથી માંડીને ઈબોલા સામેની લડાઈમાં માઇક્રોબાયૉલૉજિસ્ટ ફ્રૅન્ક પ્લમર હંમેશાં મોખરે રહ્યા છે, પણ તેમની ઝળહળતી કારકિર્દીને આલ્કૉહૉલ એટલે કે દારૂના વ્યસનનું ગ્રહણ લાગ્યું હતું. હવે તેઓ, દારૂનું વ્યસન છોડવામાં બ્રેઇન ઇમ્પ્લાન્ટ્સ મદદરૂપ થાય કે નહીં એ વિશેના પ્રાયોગિક પરીક્ષણનો હિસ્સો બન્યા છે.

આલ્કૉહૉલ હંમેશાં ફ્રૅન્ક પ્લમરના જીવનનો મોટો હિસ્સો બની રહ્યો હતો.

ફ્રૅન્ક પ્લમરે 1980ના દાયકામાં નાઇરોબીમાં સંશોધક તરીકેની કારકિર્દીના આરંભે રીલેક્સ થવા, સ્ટ્રેસનો સામનો કરવા અને કામ સંબંધી નિરાશા તથા વ્યથા ખંખેરવા માટે સ્કૉચ પીવાનું શરૂ કર્યું હતું.

એચઆઈવીએ આફ્રિકાને ભરડો લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ અને તેમના સાથીઓ કામ પ્રત્યે પારાવાર સંવેદના અનુભવવા લાગ્યા હતા.

67 વર્ષની વયના ફ્રૅન્ક પ્લમરે બીબીસીને કહ્યું હતું, "મને ફાયર ફાઇટર કે તેના જેવી અનુભૂતિ થતી હતી પણ આગ બુઝાતી ન હતી."

"આપણે કંઈક કરવું જોઈએ અને દુનિયાએ પણ કશુંક કરવું જોઈએ એવી લાગણી સાથે હું આગળ વધતો જ રહ્યો હતો. હું એ માટે લોકોનું ધ્યાન ખેંચવા અને અમારું કામ ચાલુ રાખવા માટે નાણાં મેળવવાના પ્રયાસ કરતો હતો. એ સમય જોરદાર દબાણનો હતો."

એચઆઈવી પર અભૂતપૂર્વ સંશોધન અને દારૂની ટેવ

કેન્યાની મહિલાઓ તથા સેક્સવર્કર્સ પૈકીની કેટલીક વાઇરસના ચેપથી કુદરતી રીતે મુક્ત રહી હતી અને એ સ્ત્રીઓ ફ્રૅન્ક પ્લમરના સંશોધનનો વિષય હતી.

એ પાયારૂપ સંશોધન હતું અને એ માટે ફ્રૅન્ક પ્લમરે કેન્યામાં 17થી વધુ વર્ષ ગાળ્યાં હતાં.

એચઆઈવી કઈ રીતે ફેલાય છે એ વિશે તેમણે અને તેમના સાથીઓએ અભૂતપૂર્વ સંશોધન કર્યું હતું. એ સંશોધનને કારણે આપણે એ જાણી શક્યા હતા કે એચઆઈવીનો ફેલાવો કઈ રીતે રોકી શકાય.

વાઇરસના ઉપચાર માટેની વૅક્સિન એક દિવસ શોધાશે એવી આશા પણ એ સંશોધનને કારણ બંધાઈ હતી.

જોરદાર માનસિક તાણનાં એ વર્ષોમાં ફ્રૅન્ક પ્લમર રોજ રાતે છ ગ્લાસ સ્કૉચ પીતા હતા. અત્યંત વ્યસ્તતાભર્યા દિવસો અને સપ્તાહો પછી એ સ્કૉચ તેમને મોકળાશ આપતો હતો.

તેઓ કૅનેડા પાછા ફર્યા પછી તેમણે વિન્નિપેગમાં આવેલી ઈબોલા જેવા રોગજનક જોખમી વાઇરસ સામે જંગ ખેલતી વિશ્વની જૂજ લૅબોરેટરીઓ પૈકીની એક નેશનલ માઇક્રોબાયૉલૉજી લૅબોરેટરીનું વડપણ સંભાળ્યું હતું.

એ લૅબોરેટરીમાં 2003માં તેમણે સાર્સના અને 2009માં એચવનએનવન ઇન્ફ્લ્યુએન્ઝાના રોગચાળા સામે કામ પાર પાડ્યું હતું.

આ લૅબોરેટરીમાં કૅનેડાની ઈબોલા વૅક્સિન વિકસાવવામાં ફ્રૅન્ક પ્લમરે યોગદાન આપ્યું હતું.

એ કામ અત્યંત મહત્ત્વનું, ઉત્તેજનાપૂર્ણ અને માનસિક તાણભર્યું હતું. એ કામના 12 કલાકના દિવસની શરૂઆત કૉફી સાથે થતી હતી અને તેનો અંત સ્કૉચના અનેક ગ્લાસ સાથે આવતો હતો. તેઓ રોજ રાતે 20 આઉન્સ જેટલા મોટા પ્રમાણમાં દારૂ પીતા થઈ ગયા હતા.

'મારું લીવર દારૂથી ભરાઈ ચૂક્યું હતું'

શરૂઆતમાં એ આદતની તેમના કામ પર કોઈ અસર થઈ ન હતી, પણ 2012માં વાત વણસી હતી.

ફ્રૅન્ક પ્લમરે કહ્યું હતું, "મારું લીવર દારૂથી ભરાઈ ચૂક્યું હતું. બહુ પીઉં છું એ હું પહેલાં જાણતો હતો, પણ મને કોઈ તકલીફ છે એ હું જાણતો નહોતો."

લીવર નકામું થઈ ગયાના નિદાન પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. નવા લીવરની સ્વસ્થતા માટે તેમણે આલ્કૉહૉલ અત્યંત મર્યાદિત પ્રમાણમાં લેવાનો હતો, પણ દારૂ તેમની જોરદાર પિપાસા બની ચૂક્યો હતો.

તેમાંથી છૂટવા માટે ફ્રૅન્ક પ્લમરે નશામુક્તિ કાર્યક્રમો, સપોર્ટ ગ્રૂપ્સ, કાઉન્સેલિંગ, દવાઓ એમ તમામ પ્રકારની સારવાર લીધી હતી, પરંતુ બધામાંથી મળતી રાહત કામચલાઉ સાબિત થઈ હતી. થોડો સમય દૂર રહ્યા પછી તેઓ ફરી દારૂ પીવા લાગતા હતા.

ફ્રૅન્ક પ્લમરે કહ્યું હતું, "એ નિરર્થક ચક્ર હતું. મારા પરિવાર, મારાં પત્ની જો અને મારાં બાળકો તથા સાવકાં સંતાનો માટે અત્યંત આકરો સમય હતો. હું લાંબો સમય હૉસ્પિટલમાં રહ્યો હતો અને અનેક વખત મરવાની અણીએ પહોંચી ગયો હતો."

તેઓ નક્કર નિરાકરણની, કદાચ નહીં શોધાયેલા કાયમી નિરાકરણની શોધમાં હતા અને કોઈએ તેમને ટૉરોન્ટોની સન્નીબ્રૂક હૉસ્પિટલમાં કાર્યરત બે ન્યૂરોસર્જન પાસે મોકલ્યા હતા.

સારવારને પ્રતિસાદ ન આપતા હોય તેવા દારૂના બંધાણી દર્દીઓને ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન (ડીબીએસ) વડે મદદરૂપ થવાના નૉર્થ અમેરિકાના સૌપ્રથમ પ્રયોગ માટે એ બન્ને સર્જનો દર્દીઓની ભરતી કરી રહ્યા હતા.

દારૂના બંધાણ સામે ડીબીએસ કેટલું સલામત અને અસરકારક છે તેનું પરીક્ષણ એ પ્રયોગમાં કરવાનું હતું.

પાર્કિન્સન્સ ડિસીઝ જેવા હલનચલન સંબંધી રોગની સારવાર માટે ડીબીએસનો ઉપયોગ 25થી વધારે વર્ષથી થતો રહ્યો છે.

કેવી રીતે સર્જરી કરવામાં આવે છે?

વિશ્વમાં લગભગ બે લાખ ડીબીએસ સર્જરી કરવામાં આવી છે, જે પૈકીની ઘણી મજ્જાતંત્ર સંબંધી બીમારી માટે કરવામાં આવી હતી.

તાજેતરનાં વર્ષોમાં ડીબીએસનો ઉપયોગ અન્ય રોગોની સારવાર માટે પણ કરવામાં આવી રહ્યો છે.

પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર, ઑબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસોર્ડર, મેજર ડિપ્રેસિવ ડિસોર્ડર અને દારૂના વ્યસનસંબંધી બીમારી વગેરેની સારવારમાં ડીબીએસના ઉપયોગની શક્યતા ચકાસવા સન્નીબ્રૂક ખાતે પરીક્ષણ ચાલી રહ્યું છે.

મુખ્ય પરીક્ષણકર્તા અને ફ્રૅન્ક પ્લમર પર જેમણે સર્જરી કરી હતી એ ડૉ. નિર લિપ્સમેને જણાવ્યું હતું કે બીમારી અનુસાર મગજના ચોક્કસ હિસ્સાઓને ટાર્ગેટ કરવામાં આવે છે.

ડૉ. નિર લિપ્સમેને કહ્યું હતું, "પાર્કિન્સન્સ ડિસીઝ માટે અમે મગજમાંની મોટર સર્કિટને ટાર્ગેટ કરીએ છીએ. દારૂ કે અન્ય વ્યસનની સારવાર માટે અમે રિવોર્ડ, પ્લેઝર સર્કિટને ટાર્ગેટ કરીએ છીએ."

ડીબીએસ સારવારમાં દર્દીના મગજમાં, અસાધારણ ઍક્ટિવિટી થતી હોય કે અયોગ્ય 'વાયરિંગ' હોય તેને ઠીક કરવા માટે ઇલેક્ટ્રિકલ ડિવાઈસ બેસાડવામાં આવે છે અને તેને ફરી કાર્યરત કરવામાં આવે છે. ડીબીએસને મગજના 'પેસમેકર'ના નામે પણ ઓળખાવવામાં આવે છે.

ઇલેક્ટ્રિકલ આવેગ મારફત પ્રવૃત્તિના પુનઃસંચાર માટે મગજના લક્ષ્યાંકિત હિસ્સામાં ઇલેક્ટ્રોડ્ઝ ઘૂસાડવામાં આવે છે, જેનું નિયંત્રણ દર્દીની છાતીની ચામડી નીચે મૂકવામાં આવેલા પેસમેકર જેવું ઉપકરણ કરે છે.

નશો કરવાની દર્દીની તીવ્ર ઇચ્છાને આ પ્રક્રિયા વડે શમાવવામાં આવે છે.

'સર્જરી કરાવવામાં લોકો અચકાય છે'

ફ્રૅન્ક પ્લમર આ પ્રયોગના પહેલા દર્દી હતા અને તેમણે એક વર્ષ પહેલાં જ પ્રાયોગિક સર્જરી કરાવી હતી. જેમનું દારૂનું વ્યસન છોડાવવામાં અન્ય પ્રકારની સારવાર નિષ્ફળ રહી હોય એવા કુલ છ દર્દીઓ આ પ્રયોગમાં ભાગ લેવાના છે.

સર્જરીની પ્રક્રિયા દરમિયાન દર્દી જાગૃત અવસ્થામાં હોય છે.

ફ્રૅન્ક પ્લમરે જણાવ્યું હતું કે ડૉક્ટરોએ આ સર્જરી દરમિયાન મસ્તકમાં ઇલેક્ટ્રોડ ઇમ્પ્લાન્ટ કરવા માટે તેમની ખોપરીમાં ડ્રિલિંગ કર્યું હતું. એ ડ્રિલિંગનો અવાજ અને ધ્રુજારી સમગ્ર પ્રક્રિયાનો સૌથી ખરાબ અનુભવ હતા.

ફ્રૅન્ક પ્લમરે કહ્યું હતું, "એક મોટી ડ્રિલ દ્વારા ખોપરીમાં બન્ને બાજુ 25 સેન્ટના સિક્કાના કદનું કાણું પાડવામાં આવે છે. એ પીડાદાયક ન હતું, પણ સંતાપજનક હતું."

આ અભ્યાસમાં મગજનાં પ્લેઝર સેન્ટર્સ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે, જેમાં મૂડ, ચિંતા અને અવસાદનો પણ સમાવેશ થાય છે.

ન્યૂરોસર્જન્સના જણાવ્યા અનુસાર, આ બાબત સંભવતઃ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વ્યસનસંબંધી ઘણા વિકારોનો સંબંધ મોટા ભાગે મૂડસંબંધી વિકારો સાથે હોય છે. ફ્રૅન્ક પ્લમરની નશાની તલબ અને તેમના મૂડ બન્નેમાં સુધારો જોવા મળ્યો છે.

ડૉ. નિર લિપ્સમેને કહ્યું હતું, "જેમણે સર્જરી કરાવી છે એવા દર્દીઓમાં અમારી અપેક્ષા અનુસારનું પરિણામ જોવા મળી રહ્યું છે."

સર્જનોને આશા છે કે વ્યસનસંબંધી રોગો સાથે સંકળાયેલું થોડું કલંક દૂર થશે. વ્યસનોને આજે પણ વ્યક્તિની ઇચ્છાશક્તિની નિષ્ફળતા કે નબળાઈ ગણવામાં આવે છે. એ કારણે લોકો સારવાર લેતાં ખચકાતા હોય છે.

અને જિંદગીની ગાડી ફરી પાટે ચડી ગઈ

ફ્રૅન્ક પ્લમરે કહ્યું હતું, "આપણે આપણો વ્યસનસંબંધી દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. દારૂના વ્યસનના વિકારને અગ્રિમ તબક્કાની એક સ્થિતિ ગણવો જોઈએ. સારવારની અસર ન થતી હોય એવા તબક્કાને દિમાગમાંની સર્કિટમાંની ગડબડ ગણવી જોઈએ."

તેમણે ચેતવણી આપી હતી કે આ સંશોધન હજુ પ્રાથમિક તબક્કામાં છે અને કશું નક્કર સિદ્ધ થયું નથી.

તેમણે કહ્યું હતું, "માત્ર ઇમ્પ્લાન્ટ મૂકી દેવાથી વાત પૂરી થતી નથી. દર્દીએ તેનું દારૂનું વ્યસન છોડવા માટેની પરંપરાગત સારવાર ચાલુ રાખવી જરૂરી છે."

"આ ખરેખર તો અત્યંત સંકુલ અને પડકારજનક સ્થિતિની સારવારની વ્યાપક વ્યૂહરચનાનો એક હિસ્સો ગણવાની વાત છે."

ડીબીએસ સર્જરીનું એકેય પરિણામ તત્કાળ મળતું નથી. ફેરફારની અનુભૂતિ થવામાં અનેક સપ્તાહોનો સમય લાગી શકે છે.

ફ્રૅન્ક પ્લમરના જણાવ્યા મુજબ, "થોડા સમય પછી જિંદગી ઘણી બહેતર અને વધારે સમૃદ્ધ બની જાય છે."

તેમણે કહ્યું હતું, "એક વિજ્ઞાની તરીકેના અને કેન્યામાં રહેવાના મારા અનુભવ વિશે એક પુસ્તક લખવાનો નિર્ણય મેં અચાનક કર્યો હતો."

તેઓ રોજ સવારે વહેલા ઊઠી જાય છે, રોજ લખે છે અને એચઆઈવી સંશોધનના કામમાં ફરી લાગી ગયા છે. તેમને એચઆઈવી માટે એક વૅક્સિન વિકસાવવાની આશા છે.

તેઓ પ્રસંગોપાત મદ્યપાન કરે છે, પણ તેમને પહેલાં જેવી તલબ હવે નથી.

તેમણે કહ્યું હતું, "જિંદગીની ગાડી ફરી પાટા પર ચડી ગઈ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો