જામનગરનો ડબલ મર્ડર કેસ જેમાં ગણતરીની મિનિટોમાં પ્રેમલગ્ન કરનાર યુવક અને સાસુની હત્યા થઈ

જામગનરમાં એક યુગલનાં પ્રેમલગ્નનો કરુણ અંત આવ્યો. કથિત ઑનર કિલિંગના આ મામલામાં ડબલ મર્ડર થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રેમલગ્ન કરનાર યુવક પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો અને તેનું મૃત્યુ નીપજ્યું ત્યારે યુવતીનાં માતાની પણ હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જે પ્રમાણે આ યુગલે એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં જેની સામે ખાર રાખીને બેઠેલા યુવતીના પિતાએ યુવક પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો અને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું.

જામનગર પોલીસે જણાવ્યું કે, "આ મામલામાં યુવક સોમરાજ અને તેમનાં સાસુનું મર્ડર થયું છે. પોલીસની કાર્યવાહી ચાલુ છે અને આરોપી પકડાઈ ગયા છે."

પોલીસ મુજબ 'મૃત્યુ પામનાર યુવકે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં જેનાથી યુવતીના પરિવારજનો નારાજ હતા.'

જામનગરથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરે જણાવ્યું કે ''બે જુદાજુદા સમાજના પ્રેમીઓએ એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા બાદ રવિવારે યુવતીના પિતાએ યુવકની જાહેરમાં હત્યા કરી હતી. જેની ગણતરીની મિનિટોમાં જ યુવકના પરિવારજનોએ યુવતીનાં માતાની હત્યા કરી હોવાની ઘટના બની છે.''

'''જામનગર શહેરના છેવાડે આવેલ હાપા યોગેશ્વરધામ સોસાયટીમાં પ્રેમલગ્ન કરનાર સોમરાજ અને સતુભાની દીકરી જુદાજુદા સમાજના હોવાથી પરિવાર વચ્ચે ખટરાગ સર્જાયો હતો.''

મૃતક સોમરાજના પરિવારજનો દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર 'રવિવારે બપોરે સોમરાજ રાજકોટ રોડ પર જોવા મળતાં યુવતીના પિતા ત્યાં પહોંચ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે તેની પર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.'

ત્યારે સામે પક્ષે યુવતીના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 'યુવતીના પિતા સતુભા ભાઈજી ઝાલાએ સોમરાજની હત્યા કર્યા બાદ તેનો વેર રાખીને લગધીર રણસુરભાઈ સોરીયાએ યુવતીનાં માતા આશાબાની હત્યા કરી હતી.'

આશાબાનાં પુત્રી આનંદબાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ''સવારે 11.30 વાગ્યે જામનગરસ્થિત હાપા ચાંદની ચોકની બાજુમાં લગધીરભાઈ સોરીયા આશાબાને પેટ અને સાથળના ભાગે છરીના ઘા મારીને નાસી ગયા હતા. જ્યાર બાદ એકત્ર થયેલા ટોળાએ ઍમ્બ્યુલન્સ બોલાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં.''

આરોપીઓ ઝડપાયા

પ્રેમલગ્નનો આ મામલો ડબલ મર્ડર સુધી પહોંચતા જામનગર જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ તેમજ મૃતદેહોને કબજે કર્યા હતા.

એક તરફ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી અને બીજી તરફ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે ખસેડીને ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મામલે બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મૃતક યુવક અને તેની પત્નીના પરિવારજન સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના જણાવ્યા પ્રમાણે, "બન્ને હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલમાં તેમની પૂછપરછ હાથ ધરાઈ રહી છે."

તાજેતરમાં જ રાજકોટમાં બની હતી આવી એક ઘટના

થોડા દિવસ અગાઉ રાજકોટના ઉપલેટામાં પણ ઑનર કિલિંગની ઘટના બની હતી. પરિવારની મરજી વિરુદ્ધ જઈને અનુસૂચિત જાતિમાંથી આવતા અનિલ મનસુખભાઈ મહિડા અને રીના સોમજીભાઈ શિંગરખિયાની રીનાના પિતા અને ભાઈએ હત્યા કરી નાંખી હતી.

2600ની વસતિ ધરાવતા ખીરસરા ગામથી અનિલ અને રીના દાંતનો ઇલાજ કરાવવા માટે ઉપલેટા આવ્યાં હતાં. તેઓ બજારમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક કાર તેમને આંતરીને ઊભી રહી ગઈ.

કારમાંથી સૌપ્રથમ રીનાના ભાઈ ઊતર્યા અને એમની પાછળ રીનાનાં પપ્પા સોમજીભાઈ ઊતર્યા. અનિલ અને રીના કંઈ સમજે તે પહેલાં જ એમની પર ચાકૂ અને પાઇપથી હુમલો કરી દેવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પ્રેમલગ્ન હોવાથી રીનાનાં પિતા સોમજી શિંગરખિયા અને ભાઈ સુનિલ શિંગરખીયાને આ લગ્ન સામે વાંધો હતો અને અવાર નવાર ઝગડાં પણ થયાં હતાં. રીનાનાં પિતા સોમજીભાઈ અને ભાઈ સુનિલે હુમલો કરી મોત નિપજાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો