You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્લડ મૂન: ચંદ્રગ્રહણ ક્યારે યોજાશે અને ભારતમાં ક્યારે જોઈ શકાશે?
15-16 મેના દિવસે આ વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણ દરમિયાન દુનિયાના કેટલાક ભાગોમાં બ્લડ મૂન જોવા મળશે જે વિશ્વના અલગઅલગ ભાગોમાં જુદાજુદા સમયે જોઈ શકાશે.
સામાન્ય રીતે ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાતું હોય છે.
એ તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી આ એક ખગોળીય ઘટના છે.
આ પહેલાં 30 એપ્રિલે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ યોજાયું હતું.
આજે યોજાઈ રહેલું ચંદ્રગ્રહણ સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે અને તેના લીધે 'સુપર મૂન' નામની ખગોળીય ઘટના પણ સર્જાશે.
પૃથ્વની ધૂરીથી એકદમ નજીક આવતી જતાં, ચંદ્ર હોય એના કરતાં મોટો દેખાતો હોય છે, જેને 'સુપર મૂન' તરીકે ઓળખવામાં આવે છે.
આ વખતે પૂર્ણ ચંદ્રગ્રહણ અમેરિકાના પૂર્વમાં આવેલા કેટલાક વિસ્તારો, દક્ષિણ અમેરિકા, આફ્રિકાના કેટલાક ભાગો અને પશ્ચિમ યુરોપમાં દેખાશે.
આ ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે?
ભારતીય સમયાનુસાર સોમવારે સવારે 7.02 વાગ્યે ગ્રહણની શરૂઆત થશે. જ્યારે 7.57 વાગ્યે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાનું શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
8.59 વાગ્યે ચંદ્ર ઘાટા કેસરી રંગનો દેખાવા લાગશે. જ્યારે 12. 20 વાગ્યે ગ્રહણ પૂર્ણ થશે.
આ ગ્રહણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ રીતે ઢંકાઈ જશે અને ગ્રહણનો કુલ સમય પાંચ કલાકનો રહેશે.
આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. જોકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં તેને જોઈ શકાશે.
ચંદ્રગ્રહણ એટલે શું?
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે.
તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.
બ્લ્ડ મૂન ક્યારે થાય?
બ્લ્ડ મૂન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય.
સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લ્ડ મૂન દેખાતો હોય છે. એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણથી પડતાં પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે.
આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર પર પડે છે.
જોકે, બ્લ્ડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી પણ ચંદ્ર લાલ દેખાતો હોવાથી એને આવું હુલામણું નામ અપાયું છે.
ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ
ભારતીય સમાજમાં ચંદ્રગ્રહણ સાથે કેટલીક માન્યતા-ગેરમાન્યતાઓ વણાયેલી છે. અનેક માન્યતાઓ અનેક લોકો માટે શ્રદ્ધાનો વિષય હોય છે અને તેનું પાલન પણ કરાતું હોય છે.
ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે, ઘણા લોકો ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે એવું માને છે.
તેમજ ગ્રહણ દરમિયાન ઘરની બહાર નીકળવાથી મહિલાઓને ગર્ભપાત થઈ શકે એવી ગંભીર પ્રકારની માન્યતાઓ પણ લોકોમાં જોવા મળે છે.
ખોરાક અને તેની કેટલીક સામગ્રીને ગ્રહણ દરમિયાન ઢાંકી દેવામાં આવે છે.
વળી, ગ્રહણ દરમિયાન કંઈ પણ ખાવાનું નહીં અને ઉપવાસ કરવાની માન્યતા પણ પ્રવર્તે છે.
આ સમય દરમિયાન પૂજાપાઠ પણ કરવામાં આવે છે. કેમ કે માન્યતા અનુસાર આ સમયને ધાર્મિક ગણવામાં આવે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો