You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ અને કાશ્મીરઃ માખનલાલ બિંદ્રુથી રાહુલ ભટ્ટ સુધી, હત્યાની આ ઘટનાઓ પછી રાજ્યમાં ઊકળતો રાજકીય ચરુ
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી, શ્રીનગરથી
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા થયાના માત્ર 18 કલાક પછી જમ્મુ અને કાશ્મીર પોલીસના રિયાઝ ઠોકરની સંદિગ્ધ ચરમપંથીઓએ પુલવામામાં હત્યા કરી દીધી છે.
છેલ્લા 8 મહિનામાં કાશ્મીર ખીણમાં ઓછામાં ઓછા 6 કાશ્મીરી પંડિત અને એક હિન્દુ રાજપૂતને સંદિગ્ધ ચરમપંથીઓએ નિશાન બનાવ્યા છે. એમાંના ચારનાં મૃત્યુ થયાં છે.
હુમલાની આ ઘટનાઓ કાશ્મીર ખીણના અલગ અલગ જિલ્લામાં થઈ છે. ઑક્ટોબર, 2021માં ખીણમાં પાંચ દિવસની અંદર 7 સામાન્ય નાગરિકોની હત્યા થઈ.
એમાં એક શિખ શિક્ષકા અને એક કાશ્મીરી પંડિત શિક્ષકા ઉપરાંત કાશ્મીરના એક જાણીતા કૅમિસ્ટ માખનલાલ બિંદ્રુ પણ સામેલ હતાં.
રિપોર્ટ્સ અનુસાર, ઑગસ્ટ, 2029થી માર્ચ, 2022 સુધીમાં 14 કાશ્મીરી પંડિત/હિન્દુ અને બિનકાશ્મીરી મજૂરોને ચરમપંથીઓએ ગોળી મારી છે. ઑગસ્ટ, 2019માં રાજ્યનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લેવાયા પછી આવા ચરમપંથી હુમલાઓ વધી ગયા છે.
ગુરુવારે બડગામના ચાડોરાની એક સરકારી કચેરીમાં ઘૂસી જઈને રાહુલ ભટ્ટને નજીકથી ગોળી મારવામાં આવી. તેઓ ત્યાં કામ કરતા હતા.
36 વર્ષના ભટ્ટ છેલ્લાં 10 વર્ષથી ચાડોરામાં મામલતદાર કચેરીમાં કાર્યરત હતા. એમને પંડિતોના વિશેષ પુનર્વાસ પૅકેજ હેઠળ આ નોકરી મળી હતી.
1990ના દાયકામાં રાજ્યમાં સશસ્ત્ર આંદોલન શરૂ થયા પછી ખીણમાં રહેનારા ઘણા બધા કાશ્મીરી પંડિતે પલાયન માટે મજબૂર થવું પડ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકીય પક્ષોએ સરકાર પર નિશાન તાક્યું
ત્યાર પછી તેઓ ભારતના અલગ અલગ ભાગોમાં વસી ગયા. કાશ્મીરમાં હાલના સમયે અંદાજે 9 હજાર કાશ્મીરી પંડિત રહે છે. એમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે ઊથલપાથલના દોરમાં પણ કાશ્મીર નહોતું છોડ્યું.
રાહુલ ભટ્ટની હત્યા થયા બાદ કાશ્મીરમાંના રાજકીય પક્ષોએ સવાલ ઊભો કર્યો છે કે, ભારત સરકાર અનુસાર કાશ્મીરમાં બધું સામાન્ય છે, તો પછી આ હત્યાઓ કેમ થઈ રહી છે?
જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (પીડીપી)ના મહાસચિવ ડૉ. મહેબૂબ બેગે સવાલ કર્યો કે, સરકારનો દાવો હતો કે 370ની કલમના કારણે કાશ્મીરમાં પરિસ્થિતિ સારી નહોતી, પરંતુ એને હઠાવ્યા બાદ પણ કાશ્મીરમાં રહેનારા પંડિતોને નિશાન બનાવાઈ રહ્યા છે. રાજકીય કાર્યકર્તા અને પોલીસકર્મી પણ નિશાન પર છે.
તેમનું કહેવું છે કે, "ભારત સરકારનો દાવો હતો કે 370ની કલમના કારણે કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય નહોતી. પણ હવે તો તે હઠી ગઈ છે. પરંતુ આજે પણ ઍન્કાઉન્ટર્સ થઈ રહ્યાં છે. પંડિતોને નિશાન બનાવાઈ રહ્યા છે. પોલીસવાળાને મારી નાખવામાં આવે છે. સરપંચોને મારી નંખાય છે."
એમના કહ્યા અનુસાર, "સરકાર તો કહે છે કે કાશ્મીરમાં બધું બરાબર છે. જો બધું ઠીકઠાક છે તો આ બધું શું થઈ રહ્યું છે? વાસ્તવિક સ્થિતિ એમ નથી દર્શાવતી કે પરિસ્થિતિ સારી છે. આર્ટિકલ 370ને હઠાવીને કાશ્મીરમાં પરિસ્થિતિ સુધારવાનો દાવો ખોટો સાબિત થયો છે."
'આ નવું કાશ્મીર છે'
કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાથી શું હાંસલ કરવામાં આવી રહ્યું છે, એવું પૂછતાં મહેબૂબ બેગે કહ્યું, "એનો જવાબ તો સરકારે આપવો જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે? સરકારે એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું થઈ રહ્યું છે અને એ લોકો કોણ છે જે આવું કરી રહ્યા છે."
બીજી તરફ, નૅશનલ કૉંગ્રેસના પ્રવક્તા ઇમરાન નબી ડારે સવાલ કર્યો કે આખરે આ હત્યાઓને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કેમ થઈ રહી છે?
તેમણે કહ્યું કે, "આજે સવારે દક્ષિણ કાશ્મીરમાં એક મુસલમાન પોલીસ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. લોકો એ વિશે શા માટે વાત નથી કરતા? વાત માત્ર કાશ્મીરી પંડિતની નથી, બલકે એક માનવ જિંદગીની છે. છેલ્લાં 30 વર્ષથી કાશ્મીરી મુસલમાન હિંસા સહન કરી રહ્યા છે. હું એમ નથી કહેતો કે અમારી હત્યાઓ વધારે થઈ છે અને એમની (પંડિતોની) ઓછી."
એમણે કહ્યું કે, "બીજી એક વાત છે, તે એ કે, સરકાર દરરોજ કહે છે કે પરિસ્થિતિ સામાન્ય છે. આ નવું કાશ્મીર છે. શું આનું જ નામ નવું કાશ્મીર છે! રાજકીય હત્યાઓ બંધ કેમ નથી થતી. આપણે સુરક્ષિત નથી અનુભવતા. બધી બાજુ ભય છે અને આ ડરે દરેક કાશ્મીરીને પોતાની ભીંસમાં લીધા છે. હું તો એમ કહીશ કે કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ છે."
ટાર્ગેટ કિલિંગ
ઇમરાન નબી ડારનું કહેવું છે કે, "એ વાત સાચી કે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવાય છે, પરંતુ એ જ રીતે કાશ્મીરી મુસલમાનને પણ નિશાન બનાવાય છે. એ વહીવટી તંત્રની સદંતર નિષ્ફળતા છે કે તે લોકોને સુરક્ષા આપવામાં સફળ નથી થયું."
આ વિશે કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રૉફેસર નૂર અહમદબાબાએ બીબીસીને જણાવ્યું કે આ પ્રકારની હત્યાઓ ચોક્કસપણે ટાર્ગેટ કરાયાનું પરિણામ છે.
નૂર અહમદનું એમ પણ કહેવું હતું કે જે જગ્યાએ કાલે કાશ્મીર પંડિત મરાયા, ત્યાં આસપાસ ઘણા લોકો હતા, પરંતુ જેમને મારવામાં આવ્યા એમની ઓળખ કરવામાં આવી અને પછી ગોળી મારવામાં આવી.
તેમણે જણાવ્યું કે હત્યાઓ ટાર્ગેટેડ એટલા માટે છે કેમ કે કોઈ બૉમ્બ ફેંકવામાં નથી આવ્યો અને તેઓ મરી ગયા.
નૂર અહમદે જણાવ્યું કે જે રીતે આખા દેશના ભાગલા પાડવાનું કામ થઈ રહ્યું છે અને સમસ્યાઓને બળજબરીથી હલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ એનું પણ એક પરિણામ છે.
કાશ્મીરી પંડિતોના સંગઠનનો મત
કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સંજય ટિક્કુ પણ પંડિતોની હત્યાઓને ટાર્ગેટ કર્યા પછી કરવામાં આવેલી હત્યાઓ માને છે. એમનું એમ પણ કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓ એમને અટકાવવામાં નિષ્ફળ નીવડી છે.
ટિક્કુએ જણાવ્યું કે, કાશ્મીરી પંડિતો ઉપરાંત રાજ્ય પોલીસના માણસો અને બિનકાશ્મીરી મજૂરો પણ નિશાન પર છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના પૂર્વ ડાયરેક્ટર જનરલ શેષ પૉલ વેદના જણાવ્યા અનુસાર, પંડિતો, પોલીસવાળા અને રાજકીય કાર્યકર્તાઓની હત્યાઓ એક પૉલિસી અંતર્ગત કરવામાં આવી રહી છે.
શેષ પૉલ વેદે કહ્યું કે, "પોલીસકર્મીઓને એ માટે મારવામાં આવે છે કેમ કે ચરમપંથીઓ વિરુદ્ધનાં અભિયાનોમાં એમનો રૉલ હોય છે. તેથી એમનો આત્મવિશ્વાસ તોડવા માટે એમને નિશાન બનાવાય છે. કાશ્મીરી પંડિત હિન્દુસ્તાનનો જખમ છે અને એ ઘાને પાકિસ્તાન ખોતરતું રહ્યું છે. અને રાજકીય હત્યાઓથી ભારત સરકારને પણ પરેશાન કરતા રહેવાનો ઇરાદો હોય છે. આ બધું ટાર્ગેટેડ કિલિંગ છે."
જોકે, પોલીસનો સંપર્ક કરવાના બીબીસીના પ્રયાસો સફળ નથી થયા. આઇજી વિજયકુમારને કરવામાં આવેલા કોલ્સ કે વૉટ્સઍપ મસેજનો પણ કોઈ જવાબ નથી આવ્યો અને ડીજીપી દિલબાગસિંહ તરફથી પણ નહીં.
ગયા ઑક્ટોબરમાં સામાન્ય નાગરિકોની હત્યાઓ પછી પોલીસે એ હત્યાઓને ટાર્ગેટેડ ગણાવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો