You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફહદ શાહ : 'દેશવિરોધી કન્ટેન્ટ' શૅર કરવા બદલ ધરપકડ થઈ એ 'ધ કશ્મીરવાલા'ના સંપાદક કોણ છે?
- લેેખક, આમિર પીરજાદા અને માજિદ જહાંગીર
- પદ, શ્રીનગર
સોશિયલ મીડિયા પર કથિત દેશવિરોધી કન્ટેન્ટ શૅર કરવાના આરોપસર વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ પૉર્ટલ 'ધ કશ્મીરવાલા'ના મુખ્ય સંપાદક ફહદ શાહની ભારતશાસિત કાશ્મીરના પુલવામામાં પોલીસે ધરપકડ કરી છે.
અદાલતે શાહને 10 દિવસના પોલીસ રિમાન્ડમાં રાખવાનો આદેશ આપ્યો છે.
પુલવામા પોલીસ અનુસાર, "કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાના ગુનાકીય ઇરાદાથી, લોકોમાં ભય ફેલાવવા અને એમને ઉશ્કેરવા માટે દેશવિરોધી કન્ટેન્ટ (ફોટોગ્રાફ, વીડિયો અને પોસ્ટ) શેર કરવા બદલ ફહદ શાહ સહિત ફેસબુકનાં ઘણાં અન્ય યૂઝર્સ અને પૉર્ટલને શોધી કાઢવામાં આવ્યાં છે."
એમ પણ કહેવાયું કે, "એવું જોવા મળ્યું છે કે ચરમપંથી પ્રવૃત્તિઓનો મહિમા કરવા અને કાયદો અમલમાં મૂકનારી સંસ્થાઓની છબિ ખરાબ કરવા માટે આ ફેસબુક યૂઝર્સ એવી પોસ્ટ્સ અપલોડ કરી રહ્યા છે."
આ કેસમાં પોલીસે ઘણી કલમો હેઠળ એફઆઈઆર ક્રમાંક 19/2022 નોંધીને તપાસ શરૂ કરી છે.
"ખોટા રિપૉર્ટિંગ"નો આરોપ
પોલીસે પોતાના બયાનમાં જણાવ્યું કે તપાસ દરમિયાન 33 વર્ષના ફહદ શાહ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, જોકે તપાસ હજુ ચાલુ છે.
આ બનાવ પહેલાં, પોલીસે 30 જાન્યઆરીએ પુલવામાંના નાઈરા વિસ્તારમાં થયેલી એક અથડામણમાં ચરમપંથી સંગઠન જૈશ–એ–મોહમ્મદના કમાન્ડર સમેત ચાર ચરમપંથીઓને ઠાર માર્યા હોવાનો દાવો કર્યો હતો.
ત્યાર બાદ પોલીસે એ ઍન્કાઉન્ટરનું કથિત રીતે "ખોટું રિપૉર્ટિંગ" કરવાના આરોપસર ફહદ શાહ ઉપરાંત બીજા ત્રણ પત્રકારોને પોલીસથાણે બોલાવીને પૂછપરછ કરી હતી. એ ત્રણ પત્રકારોમાં મજીદ હૈદરી, કામરાન યુસુફ અને વકાર સઈદનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહની ધરપકડ કરતાં પહેલાં પોલીસે વધુ બે વાર પોલીસથાણે બોલાવ્યા હતા, પરંતુ બંને વખત પૂછપરછ કર્યા બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ 4 ફેબ્રુઆરી, શુક્રવારે સાંજે જ્યારે એમને ત્રીજી વાર પુલવામા પોલીસ સ્ટેશને બોલાવાયા ત્યારે એમની ધરપકડ કરવામાં આવી.
દેશ–વિદેશમાં ધરપકડની થઈ રહી છે નિંદા
જમ્મુ–કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તીએ આ બાબતે કટાક્ષમાં ટ્વિટ કરી છે. એમણે સરકારની નિંદા કરતાં લખ્યું છે કે સત્યના પક્ષે ઊભા રહેવું હવે "દેશવિરોધી હોવું" માનવામાં આવી રહ્યું છે.
એમણે કહ્યું છે કે સરકાર કેટલા ફહદ શાહની ધરપકડ કરશે.
રાજ્યના વધુ એક સિનિયર પત્રકાર સજ્જાદ લોને રાજ્ય વહીવટીતંત્રને સંબોધીને કહ્યું છે કે, "આ કાશ્મીરમાં જોયેલો અમારો સૌથી ખરાબ સમય નથી. અમે આના કરતાં વધારે ખરાબ સમય 90ના દાયકામાં જોયો હતો. ત્યારે પણ કશું નહોતું બદલાયું અને અત્યારે પણ કશું નહીં બદલાય. તમે મારા શબ્દો યાદ રાખજો."
તો, અમેરિકાસ્થિત પત્રકારોના આંતરરાષ્ટ્રીય સંગઠન 'કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ' (સીપીજે)એ શાહની ધરપકડ અંગે ચિંતા પ્રકટ કરતાં એક બયાન જારી કર્યું છે.
આ બિનસરકારી સંસ્થાના એશિયા પ્રોગ્રામ કો-ઑર્ડિનેટર સ્ટીવન બટલરે કહ્યું કે, "શાહની ધરપકડ દર્શાવે છે કે પ્રેસની આઝાદી અને પત્રકારોના મૂળભૂત અધિકારો અંગે ત્યાંના વહીવટીતંત્રનો વ્યવહાર કેટલો અનાદરભર્યો છે."
બટલરે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સામે શાહ અને બીજા બધા પત્રકારોને તરત જ છોડી મૂકવાની માગ કરી છે.
સીપીજેએ એમ પણ કહ્યું કે, "એમણે એફઆઇઆર જોઈ, જેમાં શાહ પર આઇપીસીની કલમ હેઠળ દેશદ્રોહ અને લોકોને ઉશ્કેરવાના કથિત આરોપ કર્યા છે. એ ઉપરાંત યુએપીએ કાયદા અંતર્ગત ગેરકાયદે કામ કરવાનો આરોપ પણ કર્યો છે. જો આ આરોપ સાબિત થઈ ગયા તો એમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે."
પરિવારજનો શું કહે છે?
ફહાદ શાહના પરિવારજનોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે એમની ધરપકડનો અર્થ એ છે કે કાશ્મીરના એક આઝાદ અવાજને દબાવાઈ રહ્યો છે.
એમના ભાઈ આકિબે જણાવ્યું કે, "આ બધું, જે એક પત્રકાર સાથે થઈ રહ્યું છે એ સત્યને દબાવવાની કોશિશ છે. 'ધ કશ્મીરવાલા' કશા ડર અને પક્ષપાત વગર રિપોર્ટિંગ કરતું રહ્યું છે અને અત્યારે પણ એવું જ કરે છે."
"આ 'ધ કશ્મીરવાલા'નો અવાજ શાંત કરી દેવા માટે ભરાયેલું પગલું છે. જ્યારે કોઈ સ્વતંત્ર રિપોર્ટિંગ કરે છે, તો એમની સાથે આવું ન થવું જોઈએ. ફહદને આ રીતે ડરાવવાનો પ્રયાસ પહેલાં પણ થઈ ચૂક્યો છે. પહેલાં નાના નાના સમન્સ મોકલાતા હતા. ફહદે સ્વતંત્રપણે કામ કરવા ઇચ્છ્યું, એનું પરિણામ તમારી સામે છે."
તેમણે ઉમેર્યું કે, "મારા ભાઈએ કોઈના સપૉર્ટ વગર 'ધ કશ્મીરવાલા' એ માટે શરૂ કર્યું જેથી તેઓ પક્ષપાત વગરના સમાચારો લોકો સુધી પહોંચાડી શકે. એમ પણ 'આર્ટિકલ 370' હઠી ગયા બાદ અહીં રાજકીય ફેરફારો થઈ ચૂક્યા છે. ફહદની ધરપકડ કાશ્મીરમાં સત્યના અવાજને બંધ કરવાના આદેશ જેવી છે."
પુલવામાની અથડામણમાં શું થયેલું?
પુલવામાના નાઈરા વિસ્તારમાં અથડામણ પૂરી થયા પછી પોલીસે 30 જાન્યુઆરીએ જણાવેલું કે એમાં ચરમપંથી સંગઠન જૈશ–એ–મોહમ્મદના ચાર ચરમપંથી ઠાર મરાયા છે.
એ ઍન્કાઉન્ટરમાં મરનારા ચોથા શખ્સ ઇનાયત અહમદ મીર હતા. પોતાના બયાનમાં પોલીસે જણાવેલું કે ઇનાયત તાજેતરમાં જ ચરમપંથી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. જોકે, પોલીસે ઇનાયતના રેકૉર્ડ વિશે કશું જણાવ્યું નહોતું.
પોલીસના બયાન પછી, જેમના ઘરે અથડામણ થઈ હતી એ ઇનાયત અહમદ મીરના પરિવારજનોએ શ્રીનગર પોલીસ કન્ટ્રોલરૂમની બહાર દેખાવો કરીને ઇનાયતનો મૃતદેહ આપી દેવાની માગ કરી હતી. ઇનાયતનાં માતાએ મીડિયાને કહેલું કે એમનો દીકરો 'બેકસૂર' છે.
પરિવારજનોના આ દાવાને સ્થાનિક મીડિયાએ પ્રકાશિત કર્યો હતો. 'ધ કશ્મીરવાલા'એ પણ એ દાવાની સાથે પોલીસના બયાનને પણ પ્રકાશિત કર્યું હતું.
ઇનાયતની બહેને કેસની દિશા બદલી
જોકે, ઇનાયતની બહેનનો વીડિયો જ્યારે વાઇરલ થયો ત્યારે આ કેસે એક નવી દિશા પકડી. એમના પરિવારના બીજા સભ્યોથી ઊલટી તે કંઈક જુદી જ વાર્તા કહી રહી હતી. જોકે, એ સ્પષ્ટ ન થઈ શક્યું કે એ વીડિયો ક્યાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.
એ વીડિયોમાં એમનું કહેવું હતું કે ઇનાયત પણ ઘરમાં હાજર હતા અને એમણે ઘરની બહાર નીકળવાની ના પાડી દીધી હતી. એ વીડિયોમાં એમની બહેનનું કહેવું એમ હતું કે એમના ભાઈ ચરમપંથીઓ સાથે જ બેઠા હતા અને એમની સાથે જ મરવા માગતા હતા.
એ વીડિયોમાં ઇનાયતની બહેનને સવાલ પૂછનારા અવાજ પુરુષોના હતા. વીડિયોમાં છોકરી સિવાય બીજા કોઈનો ચહેરો દેખાતો નહોતો.
પોલીસ આઇજી વિજયકુમારે અથડામણ પછી પ્રેસ કૉન્ફરન્સમાં જણાવેલું કે ઇનાયતને આત્મસમર્પણ કરવાની તક અપાઈ હતી, પરંતુ તેઓ બહાર ન આવ્યા. એમણે એમ પણ કહેલું કે ઘરના લોકોએ પણ એમને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ એમની વાત પણ એમણે ન માની. સાથે જ તેઓ સુરક્ષા દળો પર ગોળીઓ છોડતા રહ્યા અને ચરમપંથીઓની સાથે મકાનમાં ફરતા રહ્યા.
ફહદ શાહ કોણ છે?
ફહદ શાહે 2010માં 'ધ કશ્મીરવાલા' મૅગેઝિન અંગ્રેજીમાં શરૂ કર્યું હતું. પાછળથી એમણે એ જ નામે ન્યૂઝ પૉર્ટલ પણ શરૂ કર્યું.
તેઓ ઘણી આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ માટે પણ લખતા રહ્યા છે. એ પ્રકાશનોમાં ટાઇમ, અલ જઝીરા, ધ ગાર્ડિયન, ધી નૅશન, ફૉરેન અફેર્સ, ફૉરેન પૉલિસી, ધ અટલાન્ટિક, ધ ડિપ્લોમેટ, વગેરે મુખ્ય છે.
શાહે કાશ્મીરની એક કૉલેજમાંથી પત્રકારત્વની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ 2009માં એમણે શ્રીનગરના અંગ્રેજી દૈનિક ‘ગ્રેટર કશ્મીર’માં ટ્રેની રિપૉર્ટર તરીકે પોતાની સફર શરૂ કરી હતી.
ત્યાર બાદ 2013માં તેમને લંડન યુનિવર્સિટીના છ ફેલિક્સ વિદ્વાનોમાં પસંદ કરવામાં આવ્યા. 2017માં ફહદ શાહ અમેરિકાના એક ફૅલોશિપ પ્રોગ્રામ માટે પણ પસંદ થયા હતા.
શાહના એ પૉર્ટલ પર છપાયેલા ઘણા રિપૉર્ટ્સ માટે અગાઉ ઘણી વાર પોલીસ એમને બોલાવી ચૂકી છે. કેટલાક દિવસ પહેલાં ‘ધ કશ્મીરવાલા’ના એક ટ્રેની રિપૉર્ટર સજ્જાદ ગુલની પણ એમની એક વીડિયો ટ્વિટ માટે પોલીસે ધરપકડ કરી હતી.
કેટલાક દિવસ પહેલાં, કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પોલીસે સજ્જાગ ગુલની બીજા એક કેસમાં પબ્લિક સેફ્ટી ઍક્ટ (પીએસએ) હેઠળ ધરપકડ કરીને જમ્મુના કોટ ભલવાલની જેલમાં મોકલી દીધા છે.
ઑગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પૂરો થયા બાદ પોલીસે અત્યાર સુધીમાં કાશ્મીરના ઘણા પત્રકારોને એમના રિપોર્ટિંગ માટે બોલાવ્યા છે અને એમનાં ઘરો પર છાપા પણ માર્યા છે.
બીજી તરફ, 'ધ કશ્મીરવાલા'ના એક કર્મચારી જુનૈદ કાટજૂએ બીબીસીને જણાવ્યું કે તેઓ પોતાના સંપાદકને છોડાવવા માટે કાયદાકીય રસ્તા શોધી રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો