લૉકડાઉન ગુજરાત : 15 જૂનથી શું ફરીથી લૉકડાઉન લાગુ કરાશે?

અનલૉક-1 પછી ભારતમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધ્યા છે. હવે ભારત કોરોના વાઇરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયું છે.

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ આંકડાની વાત કરીએ તો હાલ કુલ આંક 3,08,993 છે, જેમાંથી 1,45,779 ઍક્ટિવ કેસ છે.

એ સિવાય દેશમાં એક લાખ 54 હજાર કરતાં વધારે લોકો સંક્રમણમાંથી સાજા થયા છે અને કોવિડ-19ને કારણે 8,884 લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવતા આંકડા મુજબ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ 22,527 કેસ છે. જેમાંથી 5,619 ઍક્ટિવ કેસ છે અને મરણાંક 1,415 છે.

ગુજરાતના કુલ ચેપગ્રસ્તોમાંથી 70 ટકા જેટલા ચેપગ્રસ્તો અમદાવાદમાં છે.

નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં હજી કોરોના વાઇરસના સંક્રમણમાં પીક આવવાની બાકી છે, પરંતુ ત્યાર પહેલાં લૉકડાઉન ખોલી નાખવા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

આઈસીએમઆરે કહ્યું હતું ભારતે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં સફળતા હાંસલ કરી છે અને પિક પણ હજી દૂર છે.

દિલ્દીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ હાલમાં કહ્યું હતું કે જુલાઈ 31 સુધીમાં દિલ્હીમાં કોવિડ-19ના સાડા પાંચ લાખ કેસ જોવા મળી શકે છે. મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે 80 હજાર જેટલા બેડ્સની જરૂર પડી શકે છે.

હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના હૉસ્પિટલોમાં બેડ્સ માત્ર દિલ્હીવાસીઓ માટે જ રિઝર્વ રાખવાની જાહેરાત કરી હતી. જોકે દિલ્હીના લેફ્ટનન્ટ જનરલ અનિલ બૈજલે આ નિર્ણય રદ કર્યો હતો.

ત્યાર બાદ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે 15 જૂન સુધી કોવિડ-19ના દિલ્હીમાં 44 હજાર કેસ આવી શકે છે અને 6,600 બેડ્સની જરૂર પડશે.

તેમણે કહ્યું કે 15 જુલાઈ સુધીમાં 2.5 લાખ અને 31 જુલાઈ સુધીમાં સાડા પાંચ લાખ કેસ હોઈ શકે છે.

પરિસ્થિતિ ગંભીર બનતાં ભારતમાં ફરી લૉકડાઉન લાગુ થવાની અટકળોએ પણ જોર પકડ્યું હતું.

સોશિયલ મીડિયા અને ગૂગલ સર્ચમાં પણ 15 જૂનથી લૉકડાઉન લાગુ થવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું.

લૉકડાઉન ફરી લાગુ થવાની અટકળો

લૉકડાઉન ખતમ થયા પછી ગુજરાતમાં તો અનલૉક-1 કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ લાગુ કરી દેવામાં આવ્યું પરંતુ મહારાષ્ટ્રમાં હજી પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે અનલૉક-1ની બધી ઢીલ આપવામાં આવી નથી.

એ સિવાય હાલમાં જ રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સડક પરિવહન પર નિયંત્રણ વધાર્યું છે અને કહ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેને જોતાં સાત દિવસ માટે આંતરરાજ્ય સડક પરિવહન પર નિયંત્રણ મૂકવામાં આવશે.

રાજસ્થાન સરકારની આ જાહેરાત પછી ગુજરાત અને રાજસ્થાનની સરહદે પણ પોલીસ ચેકપોસ્ટ સીલ કરાઈ હતી. હવે રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે પાસની જરૂર પડશે અને રાજસ્થાનથી અન્ય રાજ્યમાં જવા માટે પણ યોગ્ય પરવાનગીની જરૂર પડશે.

સોશિયલ મીડિયામાં અનેક લોકો કથિત ઝીટીવીનું એક ગ્રાફિક શૅર કરી રહ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે “15 જૂનથી ફરી સંપૂર્ણ લૉકડાઉન લાગુ થઈ શકે છે. દેશમાં હવાઈ અને રેલયાત્રા પર ફરી બ્રેક લાગી શકે છે.”

વૉટ્સઍપ ગ્રૂપ્સમાં આ સમાચાર અનેક વખત શૅર થયા હતા અને અટકળો હતી કે ફરી લૉકડાઉન જાહેર કરવામાં આવશે.

આ સમાચારનું ખંડન ઝી ન્યૂઝે કર્યું હતું.

ઝી ન્યૂઝની વેબસાઇટ પર પ્રકાશિત એક આર્ટિકલમાં કહેવામાં આવ્યું હતું કે ઝી ન્યૂઝ પર આ પ્રકારના કોઈ સમાચાર દેખાડવામાં નથી આવ્યા અને આવી કોઈ બ્રેકિંગ ન્યૂઝ પણ ચલાવવામાં નથી આવી.

તેમાં નોંધ્યું છે કે ઝી ન્યૂઝના નામથી ફેલાવવામાં આવી રહેલા સ્ક્રીનશૉટ્સ ખોટા છે.

પીઆઈબીએ પણ આનું ખંડન કર્યું હતું.

ગુજરાતમાં ફરી લૉકડાઉન લાગશે?

જોકે ગુજરાતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે આ માત્ર અફવા છે. ગુજરાતમાં 15 જૂનથી લૉકડાઉન થવા નથી જઈ રહ્યું.

સંદેશ ટીવીને આપેલ નિવેદનમાં તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 15 દિવસમાં પ્રવાસી મજૂરોને તેમનાં વતન મોકલવાની વ્યવસ્થા કરવાના સૂચનો કર્યાં હતાં.

તેમણે કહ્યું હતું કે પ્રવાસી મજૂરોને લઈને એડ્વાઇઝરી જાહેર કરવામાં આવી હતી જેને લૉકડાઉનનો સંકેત સમજ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો