ગુજરાત : પુત્રની હત્યાની એ કરૂણ કહાણી જેમાં માતાપિતા જ નીકળ્યાં આરોપી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમને ડૅમમાંથી હાથપગ અને માથું કપાયેલા એક જુવાનનો મૃતદેહ મળ્યો ત્યારે કલ્પના પણ નહોતી કે એની હત્યા કરનારા એનાં માબાપ અને સગો ભાઈ હશે. તપાસમાં માત્ર બે કડી એવી મળી કે જેના આધારે હત્યારાં માબાપ અને એના સગાભાઈ સહિત ચારની ધરપકડ કરી છે."

આ શબ્દો છે સળંગ સાત મહિના સુધી એક લાવારિશ મૃતદેહના હત્યાના આરોપીઓને પકડનારા સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એમ. ઢોલના.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડી. એમ. ઢોલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું તેમને 27 જાન્યુઆરીએ મૅસેજ મળ્યો કે થોરીયાવી ડૅમમાં હાથપગ અને માથું કપાયેલું ધડ મળ્યું છે .

તેઓ કહે છે, "અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે મૃતદેહને ઓળખવો મુશ્કેલ હતો. "

"પંચનામું કરીને મૃતદેહ પોસ્ટમૉર્ટમ કરવા મોકલી આપ્યો. મૃતદેહને જોયો ત્યારથી મારા મગજમાં એક વાત રમી રહી હતી કે હત્યા કોઈ સ્થાનિક વ્યક્તિએ જ કરી હોવી જોઈએ કારણ કે જે જગ્યાએ મળ્યો એ થોરિયાળી ડેમ સુધી જવાનો રસ્તો સ્થાનિક માણસ સિવાય કોઈને ખબર પડે એવો નથી."

પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં મોટરસાઇકલ સિવાય કોઈ વાહનનાં નિશાન પણ મળતાં નહોતાં. હાથપગ અને માથા વગરનો મૃતદેહ કોનો છે એ શોધવું અઘરું હતું.

ઢોલ કહે છે, "હું પોસ્ટમૉર્ટમના સ્થળે હતો ત્યારે સ્થાનિક લોકો પણ આવ્યા હતા એમાં એક જણ પોલીસને પૂછતો હતો કે મૃતદેહ કોનો છે અને કોણ મર્યું છે. સામાન્ય રીતે આવી કોઈ પૂછપરછ કરે નહીં. એટલે મારા મગજમાં અમસ્તો જ ચહેરો અંકાઈ ગયો હતો."

તેઓ વધુમાં કહે છે, "ત્રણ દિવસ પછી અચાનક એ માણસ એનાં માતાપિતાને લઈને એનો નાનો ભાઈ ગૂમ થયો હોવાની ફરિયાદ નોંધાવવા આવ્યો પણ મને ત્યારે પણ એના પર શંકા ગઈ નહોતી."

પછી આ મામલે પોલીસે ફરિયાદ લીધી હતી.

પોલીસને શંકા કેવી રીતે ગઈ?

પોલીસ કહે છે કે બાદમાં બરાબર 15 દિવસે ડૅમમાંથી કપાયેલા હાથ અને પગ મળી આવ્યા અને એક મહિનો થયો અને એ ભાઈના ખેતરના કૂવામાંથી કોઈનું ફુગાઈ ગયેલું અને ઓળખી ના શકાય એવી હાલતમાં માથું મળી આવ્યું."

"અહીં મારી શંકા હવે પ્રબળ બની કે એનો સંબંધ એક મહિના પહેલાં મળેલા હાથપગ અને માથા વગરના મૃતદેહ સાથે છે."

બાદમાં પોલીસે પથાભાઈ કટોસણની ગૂમ થયાની ફાઇલ કાઢી અને તપાસ ફરી શરૂ કરી.

તો જાણવા મળ્યું કે જેના ખેતરમાંથી કપાયેલું માથું મળ્યું હતું, એ ઠાકરશી કટોસણ કે એના પિતા સાગર કટોસણ કયારેય પથાભાઈની પૂછપરછ કરવા આવ્યા નહોતા.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એમ. ઢોલ કહે છે, "મેં એના ભાઈ ઠાકરશી અને પિતા સાગરભાઈને બોલાવ્યા. એમના દીકરાની ભાળ મળી કે નહીં એની પૂછપરછ કરી તો એમણે કહ્યું કે એ સાયલાથી ટ્રકમાં બેસી બીજા રાજ્યમાં જતો રહ્યો છે અને અમારા સગાએ જોયો છે"

"એના ભાઈ ઠાકરશીએ એવું કહ્યું કે એ એના સાળા માવજી મારુનિયા સાથે જમ્યો હતો, એટલે મારી શંકા દ્રઢ બની કે પથા કટોસણના ગૂમ થવામાં આ લોકોનો હાથ છે."

પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે બાદમાં તેઓએ ટોલનાકાથી પસાર થયેલા અને વચ્ચે રોકાયેલા ટ્રક ડ્રાઈવર અને અન્ય વાહનોની તપાસ કરી. પથાભાઈનો ફોને છેલ્લે ક્યાં બંધ થયો એની તપાસ કરી તો ફોન એના ઘરે જ મદારગઢ સાયલામાં બંધ થયાનું દેખાતું હતું.

તેઓ વધુમાં કહે છે, "મારી શંકા પાકી થઈ ગઈ પણ પુરાવા નહોતા. નાનકડા ગામમાંથી અમે કેટલાક લોકોની પૂછપરછ કરી તો ખબર પડી કે 26 જાન્યુઆરીએ ગૂમ થયેલા પથાભાઈનું ઘર વહેલી સવારે ધોઈને સાફ કરવામાં આવ્યું હતું."

"પથાને દારૂ પીવાની ટેવ હતી અને એ પૈસા માટે એનાં માતાપિતાને પણ મારતો હતો."

"થોડા સમય પહેલાં એણે એની પત્ની સાથે માબાપે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. એટલું જ નહીં એના મોટા ભાઈ ઠાકરશીના તલની ખેતીમાંથી બચેલા પૈસાની એ પણ ચોરી કરી ચૂક્યો હતો."

પી. આઈ. ઢોલ આગળ ઉમેરે છે કે આ વિગતો ભેગી કર્યા બાદ ગુમ થયેલા પથાભાઈ વિશે માહિતી મેળવી તો ખબર પડી કે એ અવારનવાર લોકો સાથે ઝઘડા કરતો અને પૈસા ખૂટે ત્યારે એનાં માતાપિતાને માર મારી પૈસા લઈ જતો હતો."

"ઘરમાંથી કાઢી મુકાયા બાદ પણ પથો છાશવારે ઘરે આવી માબાપ અને ભાઈએ બચાવેલા પૈસા ચોરી જતો હતો."

પોલીસે બીજી કડી કઈ રીતે મળી?

પી. આઈ. ઢોલ તપાસની વાતને આગળ વધારતા કહે છે કે, "આ તપાસ દરમિયાન અમને બીજી મહત્ત્વની કડી એ મળી કે પથાના પિતા સાગરભાઈ અને માતા મધુબહેને એમની પુત્રવધુ અને પથાની પત્નીને કહી દીધું હતું કે એમનો દીકરો પાછો આવવાનો નથી એટલે એ પિયરમાં જ રહે."

"બસ આ વાત અમારા માટે મહત્ત્વની હતી. 28 વર્ષના દીકરાની પરત આવવાની આશા કોઈ માબાપ છોડી ના દે."

"અમે પથાના ભાઈ ઠાકરશી અને એના સાળા મારુનિયા પર નજર રાખી. બંનેના ફોનની ડિટેઇલ કાઢી તો 26મી જાન્યુઆરીએ બંને જણા એના ગામમાં જ હતા."

"અમે પહેલાં પથાના ભાઈ ઠાકરશીની તપાસ આદરી અને અમારી શંકા પાક્કી થઈ ગઈ."

"એની પૂછપરછ શરૂ કરી તો એણે પહેલાં તો સહકાર ન આપ્યો પણ એના સાળાને સામે બેસાડી દીધો એટલે એ ભાંગી પડ્યો એને પોતાનો ગુનો કબૂલી લીધો કે એણે જ એનાં માતાપિતાના કહેવાથી એના ભાઈનું ખૂન કર્યું હતું."

કેવી રીતે હત્યા કરી?

પોલીસ જણાવે છે કે "લાકડા કાપવાની આરીથી એના ભાઈનું ગળું અને હાથપગ કાપી નાખ્યાં હતાં અને મૃતદેહ ઓળખાય નહીં એ માટે એના અલગઅલગ ભાગ અલગઅલગ જગ્યાએ નાખી દીધા હતા. "

"એના ભાઈનાં કપડાં પણ સળગાવી દીધાં હતાં જેથી પોલીસ એમને પકડી ના શકે."

ધરપકડ પહેલાં કોરોના ટેસ્ટ માટે સિવિલ હૉસ્પિટલ લવાયેલા ઠાકરશીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારા ભાઈ પથાનો ત્રાસ વધી ગયો હતો અને એણે મારાં માતાપિતાને મારી પૈસા લેવાનું શરૂ કર્યું હતું."

તેઓ વધુમાં કહે છે, "એટલું જ નહીં મારી મહેનતના પૈસા ચોરી જતો હતો. મેં અને મારા સાળાએ એણે ઘરે બોલાવી સબક શીખવવા મારવાનું નક્કી કર્યું હતું પણ એ મરી ગયો."

"પોલીસમાં પકડાઈ ન જઈએ એટલે મેં, મારા સાળા, મારાં માતા મધુબહેન અને પિતા સાગરભાઈએ લાકડા કાપવાની આરીથી એના હાથપગ કાપ્યા અને પછી એનું ગળું કાપી માથું અલગ કર્યું."

"એના ધડને ડૅમમાં નાખી દીધું. હાથ અને પગ ડૅમમાં દૂર નાખ્યા અને એનું માંથું મારા ખેતરના કૂવામાં નાખી દીધું. "

"26 જાન્યુઆરીએ આખું ઘર ધોઈને સાફ કર્યું હતું. લાકડા કાપવાની આરી પણ સાફ કરી હતી પણ પોલીસની નજરમાંથી બચી ના શક્યા."

પોતાના સગા દીકરાની હત્યા કરનાર સાગરભાઈ કંઈ પણ કહેવા તૈયાર નથી પણ એમનાં પત્ની મધુબહેને કહ્યું કે પથાનો એટલો ત્રાસ હતો કે તેઓ સહન કરી શકે એમ નહોતાં.

"એનો ત્રાસ અમે સહન કરી શકીએ એમ નહોતાં એટલે અમે એને સબક શીખવાડવા ગયાં અને ચારેયે ભેગા થઈને એને માર માર્યો અને એ મરી ગયો."

"મારા પેટનો જણ્યો મારા હાથે મરી ગયો એનું મને દુઃખ છે પણ જે થઈ ગયું એ થઈ ગયું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો