અમેરિકા : પોલીસના હાથે થયેલી એ હત્યા જેના લીધે આખો દેશ સળગ્યો

અમેરિકાનાં અલગ-અલગ શહેરોમાં પ્રદર્શનો દરમિયાન હિંસા ફાટી નીકળી છે અને 40થી વધારે શહેરોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

વૉશિંગ્ટનમાં પણ કર્ફ્યુ લાદી દેવાયો છે અને ન્યૂ યૉર્કમાં પણ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

રવિવારે વૉશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓ વ્હાઇટ હાઉસની બહાર એકઠા થઈ ગયા હતા અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો.

જે શહેરોમાં હિંસા, આગચંપી નથી ત્યાં પણ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ પ્રદર્શનોને નાથવા માટે સશસ્ત્ર સૈનિકોને ઉતારી રહ્યા છે.

પ્રદર્શન, હિંસા, આગચંપીનો આ ઘટનાક્રમ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહ્યો છે.

આ ઘટનાક્રમની શરૂઆત એક અશ્વેત વ્યક્તિના મૃત્યુથી થઈ હતી.

એ મૃત્યુ જેના લીધે પ્રદર્શનો શરૂ થયાં

અમેરિકાના મિનેસોટામાં એક અશ્વેત વ્યક્તિની પોલીસના હાથે થયેલી હત્યા બાદ અહીં વિરોધપ્રદર્શનો શરૂ થયાં છે.

સોમવારની રાત્રે પોલીસને એક ગ્રૉસરી સ્ટોરમાંથી ફોન આવ્યો કે જ્યૉર્જ ફ્લૉયડ નામની એક વ્યક્તિએ 20 ડૉલરની ખોટી નોટ આપી છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જ્યારે જ્યૉર્જને પોલીસવાનમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહી ત્યારે જ તેઓ જમીન પર પડી ગયા.

પોલીસના જણાવ્યા પ્રમાણે ફલૉયડે અધિકારીઓનો વિરોધ કર્યો હતો, જેના કારણે તેમના હાથે હાથકડી પહેરાવી દેવાઈ હતી.

જોકે, પોલીસ અને ફ્લૉયડ વચ્ચે ઘર્ષણ થયું હોય એવું આ ઘટનાના વીડિયોમાં ક્યાંય જોવા મળ્યું નથી.

આ ઘટનામાં શૉવિન નામના પોલીસઅધિકારીએ ગોઠણ વડે ફ્લૉયડનું ગળું દબાવ્યું હતું. આ સમયે ફ્લૉયડ કહી રહ્યા છે, 'પ્લીઝ, હું શ્વાસ નથી લઈ શકતો' અને 'મને મારી ના નાખશો.'

પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે પોલીસઅધિકારીએ ફ્લૉયડનું ગળું ગોઠણ વડે લગભગ 8 મિનિટ અને 46 સેકંડ સુધી દબાવી રાખ્યું હતું. ફ્લૉયડ હાલા-ચાલતા બંધ થઈ ગયા બાદ પણ ત્રણેય મિનિટ સુધી તેમનું ગળું દબાવી રાખવામાં આવ્યું હતું.

બાદમાં પોલીસ અધિકારીએ તેમનો ગોઠણ હઠાવ્યો અને તેમના સાથી અધિકારીઓએ ફ્લૉયડનું કાડું દબાવી ધબકારા ચેક કર્યાં પરંતુ કોઈ ધબકાર ન જણાતાં તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

હત્યા બાદ હિંસા

અમેરિકામાં આ ઘટના બાદ લૉસ એન્જલસ શહેરમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. કેલિફોર્નિયાનાના ગવર્નરે અહીં સ્ટેટ ઇમરજન્સી લાગુ કરી દીધી છે અને નેશનલ ગાર્ડને સ્થિતિને કાબૂમાં કરવા માટે ઉતારવામાં આવ્યા છે.

ન્યૂયૉર્ક શહેરમાં 20 જેટલાં પોલીસવાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે. જ્યારે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રંગભેદ સામે લોકો રસ્તા પર

પોલીસ અધિકારી શૉવિન પર હાલ હત્યા અને માનવવધના ગુના હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

જોકે, ફ્લૉયડના પરિવારજનોએ હજુ વધુ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ મામલે શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ફ્લૉયડના મૃત્યુએ અમેરિકનોમાં ભય, ક્રોધ અને દુઃખની લાગણી પેદા કરી છે.

ઉપરાંત તેમણે પ્રદર્શનકારીઓ સામે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે તેઓ ક્યારેય ગુસ્સે ભરાયેલા ટોળાને પ્રભાવી નહીં થવા દે.

આ ઘટના બાદ અમેરિકાનાં ન્યૂયૉર્ક, વૉશિંગ્ટન સહિતનાં શહેરોમાં રેલીઓ નીકળી, પ્રદર્શનો થયાં અને લોકોએ રંગભેદનો વિરોધ કર્યો.

અનેક પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અમેરિકામાં જેટલી ગોરા લોકોની જિંદગી મહત્ત્વની છે એટલી શ્યામવર્ણના લોકોની નથી.

આ પહેલાં પણ અમેરિકામાં શ્યામવર્ણના લોકોને પોલીસે માર માર્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

એક એવો પણ વીડિયો વાઇરલ થયો છે જેમાં પોલીસ અધિકારી વિરોધ કરનારા લોકોના ટોળામાં કાર ઘુસાડી દે છે. આ વીડિયો પર અહીં પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપો થઈ રહ્યા છે.

શિકાગોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અહીં પણ સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

ઍટલાન્ટામાં કર્ફ્યુ લાગુ કર્યા બાદ પણ પ્રદર્શનકારીઓ રસ્તા પરથી હઠ્યા નથી. અહીં અનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યાં છે, જ્યારે જાહેર સંપત્તિને પણ ઘણું નુકસાન કરવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી છે. પોલીસે અહીં અનેક લોકોની ધરપકડ કરી છે.

સાન ફ્રાન્સિસ્કો શહેરમાં પણ કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે. મેયરે શહેરમાં દુકાનોમાં તોડફોડ અને વાહનો સળગાવવાની ઘટના બાદ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો