You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુગરા હુમાયુ મિર્ઝા : પડદામાં કેદ જિંદગી છોડીને સ્ત્રીઓનો અવાજ બનવાની કહાણી
- લેેખક, નસિરુદ્દીન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
તેમના વ્યક્તિત્વની ઓળખ મહિલાઓ અને ખાસ કરીને મુસલમાન મહિલાઓનું જીવન બહેતર બનાવવા માટે અવાજ ઉઠાવનારાં લેખિકા, તંત્રી, સંગઠનકર્તા, સમાજસુધારક, સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી તરીકેની છે.
તેમણે પડદામાં કેદ જિંદગીથી ખુદને આઝાદ કર્યાં હતાં.
તેમને, બુરખા વિના ઘરની બહાર નીકળનારાં હૈદરાબાદ દખ્ખણનાં સૌપ્રથમ મહિલા માનવામાં આવે છે.
એ વખતે આવું કરવું એ સરળ તો નહીં જ હોય એ દેખીતું છે. ઘણો સંઘર્ષ કરવો પડ્યો હશે.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
સ્ત્રીશિક્ષણની હિમાયત
સુગરા હુમાયુ મિર્ઝાના સંઘર્ષે સ્ત્રીઓની આવનારી પેઢીઓ માટે મજબૂત પાયો નાખ્યો હતો.
તેમના લેખન, સામાજિક કામકાજ અને સંગઠનક્ષમતાનો ખાસ કરીને દખ્ખણ પ્રદેશમાં છોકરીઓ પર વ્યાપક પ્રભાવ પડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું હતું. અનેક મહિલાઓએ પોતાની વાત કહેવા માટે કલમનો માર્ગ પસંદ કર્યો હતો. અનેક મહિલાઓ સામાજિક કામકાજમાં જોડાયાં હતાં. તેઓ આજે પણ પ્રેરણાસ્રોત બની રહ્યાં છે.
પ્રગતિશીલ માતાપિતા અને પતિનો સાથ
સુગરાનો જન્મ હૈદરાબાદમાં 1884માં થયો હતો. તેઓ મરીયમ બેગમ અને ડૉ. સફદર અલીનાં પુત્રી હતાં.
તેમના પૂર્વજો ઈરાન તથા તુર્કીથી આવ્યા હતા, પણ તેમણે દખ્ખણ પ્રદેશને પોતાનું વતન માન્યું હતું. તેની સેવામાં સમગ્ર જીવન કુરબાન કર્યું હતું.
તેમનાં માતા, દીકરીઓને શિક્ષિત કરવાના હિમાયતી હતાં. સુગરાએ ઉર્દૂ તથા ફારસીનું શિક્ષણ ઘરમાં લીધું હતું.
તેમનાં લગ્ન પટનાના સૈયદ હુમાયુ મિર્ઝા સાથે 1901માં થયાં હતાં. હુમાયુ મિર્ઝા બૅરિસ્ટર હતા અને લંડનથી અભ્યાસ કરીને આવ્યા હતા.
તેઓ હૈદરાબાદમાં વકીલાત કરવા આવ્યા હતા. ત્યાં તેમણે કેટલાક અન્ય બૅરિસ્ટરોની મદદથી અંજુમન-એ-તરક્કી-એ-નિસ્વાંનો પાયો નાખ્યો હતો.
સુગરા વિશે તેમને ત્યાંથી માહિતી મળી હતી. તેઓ સુગરાથી ઘણા પ્રભાવિત હતા. લગ્ન પછી તેઓ સુગરા હુમાયુ મિર્ઝાના નામે ઓળખાતાં થયાં હતાં.
સ્ત્રીઓના શિક્ષણ અને સામાજિક કામોમાં તેમની ભાગીદારીની મિર્ઝા હુમાયુ હિમાયત કરતા હતા.
એ કારણે સુગરાને અભ્યાસ કરવામાં કોઈ અડચણ આવી ન હતી.
તેઓ સામાજિક કામોમાં જોરશોરથી ભાગ લેવા લાગ્યાં હતાં. સુગરાને હુમાયુ મિર્ઝા પ્રત્યે કેટલો લગાવ હતો તેનો ખ્યાલ તેમણે એમના મૃત્યુ વિશે લખેલી એક કવિતા પરથી આવે છે. તેમણે લખ્યું હતું, 'મોત ને કર દિયા બરબાદ મુઝે, ઐ લોગો...'
સંગઠક અને પત્રકાર
તેમને હૈદરાબાદ દખ્ખણનાં પહેલાં મહિલા તંત્રી માનવામાં આવે છે. તેમણે અન-નિસા (સ્ત્રી) અને ઝેબ-ઉન-નિસા નામનાં સામયિકોનું તંત્રીપદ સંભાળ્યું હતું.
મહિલાઓનાં જીવનસંબંધી એ સામયિકો હૈદરાબાદ અને લાહોરથી પ્રકાશિત થતાં હતાં. તેમાં મહિલાઓની સામાજિક હાલત બહેતર બનાવવા બાબતે ચર્ચા કરવામાં આવતી હતી.
તેમાં મોટાભાગના લેખો મહિલાઓ જ લખતી હતી. તેમાં સુગરાના સફરનામાનું પ્રકાશન પણ થતું હતું. અન-નિસાનું તમામ કામ સુગરા જ કરતાં હતાં.
તેમણે 1919માં તૈયબા બેગમ સાથે અંજુમન-એ-ખવાતીન-એ-દક્કન નામના સંગઠનની રચના કરી હતી. એ સંગઠન મહિલાઓ માટે કામ કરતું હતું.
એ ઉપરાંત તેમણે અંજુમન-એ-ખવાતીન-એ-ઇસ્લામ, ઑલ ઇન્ડિયા વીમન્સ કૉન્ફરન્સ જેવાં સંગઠનો મારફત મહિલાઓને સંગઠીત કરવાનું કામ કર્યું હતું.
સ્ત્રીઓના અધિકારો માટે ઉઠાવ્યો અવાજ
આઝાદીના આંદોલનના અનેક નેતાઓ-ખાસ કરીને સરોજિની નાયડુને તેમની સાથે ગાઢ સંબંધ હતો. તેમણે 1931માં લાહોરમાં યોજાયેલી ઑલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સ ભાગ લીધો હતો.
તેમાં તેમણે જણાવ્યું હતું કે છોકરીઓને પણ છોકરાઓ જેટલું જ શિક્ષણ મળવું જોઈએ.
એક પત્ની હયાત હોય ત્યારે પુરુષે બીજા લગ્ન ન કરવાં જોઈએ, તેવી માગણી પણ કરી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલી પત્ની હયાત હોય તેવા પુરુષની સાથે વાલીઓએ પોતાની પુત્રીને પરણાવવી જોઈએ નહીં.
ઉમદા પ્રવાસલેખો
તેમણે એકલાં અને હુમાયુ મિર્ઝા સાથે વિશ્વમાં વ્યાપક પ્રવાસ કર્યો હતો. દુનિયાને એક સ્ત્રીની નજરે નિહાળી હતી. યુરોપ, ઈરાક, દિલ્હી, ભોપાલનાં અનેક સફરનામાં લખ્યાં હતાં. નવલકથાઓ લખી હતી. શાયરી લખી હતી.
તેમણે 1934માં હૈદરાબાદમાં આપબળે છોકરીઓ માટે 'મદરસા સફદરિયા' શરૂ કરી હતી.
એ સ્કૂલ આજે પણ 'સફદરિયા ગર્લ્સ હાઇસ્કૂલ'ના નામે ચાલી રહી છે અને સ્ત્રીઓનું જીવન બહેતર બનાવવાના સુગરા હુમાયુ મિર્ઝાના સપનાને સાકાર કરવામાં આવી રહ્યું છે.
તેમની મુખ્ય કૃતિઓમાં 'મુશીરેનિસ્વાં મોહિની', 'સરગુઝશ્તે હાજરા', 'સફરનામા યુરોપ', 'રોઝનામા દેહલી વ ભોપાલ', 'સફરનામા વોલ્ટર વગૈરહ', 'સૈરે બિહાર બંગાલ', 'સફરનામા ઈરાક, અરબ' અને 'મકાલાત એ સુગરા'નો સમાવેશ થાય છે.
વર્ષ 1958માં તેમનું અવસાન થયું હતું. અલબત્ત, આ બધું કરવા માટે સુગરા હુમાયુ મિર્ઝાએ પોતાના જીવનમાં અનેક અડચણોનો તથા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તેમના જેવા પૂર્વજોને ઇતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ એ આજ સુધી મળ્યું નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો