You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના રસી લીધા બાદ બેનાં મૃત્યુની વાત સરકારે નકારી, શું રસીની આડઅસર જોખમી છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાઇરસની રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. રસીકરણ બાદ કેટલાક લોકોને આડઅસર થઈ હોવાના અહેવાલો પણ આવી રહ્યા છે.
દેશમાં કોરોના વાઇરસ સામેની રસી લીધા બાદ બે વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં એક વ્યક્તિ ઉત્તર પ્રદેશની છે.
ઉત્તર પ્રદેશના મહિપાલ સિંહ નામના 52 વર્ષના વ્યક્તિને 16 જાન્યુઆરીએ રસી આપવામાં આવી હતી. જેમનું મૃત્યુ 17 જાન્યુઆરીએ થયું હતું.
વૅક્સિન લીધા બાદ જે બીજી વ્યક્તિ મૃત્યુ પામી છે તે કર્ણાટકની છે. 43 વર્ષીય નાગાર્જુન કર્ણાટકના બેલ્લારી જિલ્લાના સ્વાસ્થયકર્મી હતા. તેમને વૅક્સિન મળી તેના બે દિવસ પછી તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
જોકે, સરકારે આ મામલે કહ્યું કે જે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તે રસીને લીધે નથી થયું. જ્યારે બીજી વ્યક્તિનાં મૃત્યુ બાદ પોસ્ટમૉર્ટમની પરવાનગી આપી દેવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ ડૉ. મનોહર અગનાનીએ કહ્યું, "ઉત્તર પ્રદેશમાં જે વ્યક્તિ મૃત્યુ પામી હતી તેનું પોસ્ટમૉર્ટમ ત્રણ ડૉક્ટરોએ કર્યું હતું. જેમાં ખ્યાલ આવ્યો કે આ મૃત્યુ કાર્ડિયોપલ્મૉનરી ડિસિઝના કારણે થયું છે. તેમના ફેફસાંમાં પરૂં હતું અને હૃદય મોટું થયું હતું. તેમનાં મૃત્યુને વૅક્સિન સાથે કોઈ સંબંધ નથી."
કર્ણાટકની 43 વર્ષની વ્યક્તિનું અવસાન અંગે મંત્રાલયે કહ્યું, "એ વ્યક્તિનું પોસ્ટમૉર્ટમ કરવાનું વિજયનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, બેલ્લારીમાં કહેવામાં આવ્યું છે જે આજે કરવામાં આવશે."
ગઈકાલ રાત સુધીમાં દેશમાં 3.81 લાખ લોકોને કોરોના વાઇરસની રસી આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને કહ્યું હતું કે 580 લોકોને આડઅસર હાલ સુધી જોવા મળી છે પરંતુ કોઈને સિરિયસ આડઅસર જોવા મળી નથી.
રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઇરસની રસી આપ્યા બાદ 16 અને 17 જાન્યુઆરીએ 447 એઈએફઆઈ (એડવર્ડ ઇવેન્ટ ફૉલોઇંગ ઇમ્યુનાઇઝેશન) કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ ડૉક્ટર મનોહર અગનાનીએ જણાવ્યું કે મોટા ભાગના કેસમાં તેની અસર સામાન્ય સ્તરની હતી.
રસીની આડઅસર અંગે સ્વાસ્થ્ય સચિવ ડૉક્ટર મનોહર અગનાનીએ જણાવ્યું કે મોટા ભાગના કેસમાં સામાન્ય તાવ, માથામાં દુખાવો અને ઊબકાની ફરિયાદ રહી છે.
જો રસીકરણ બાદ કોઈને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તો તેને સિરિયસ એઈએફઆઈમાં નોંધ કરવામાં આવે છે.
તેઓએ જણાવ્યું કે માત્ર ત્રણ એવા મામલા સામે આવ્યા છે, જેમાં લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય.
ધ હિંદુના એક અહેવાલ મુજબ મોરાદાબાદમાં રસી લેનાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પરિવારજનોનો આરોપ છે કે રસીને કારણે મૃત્યુ થયું જોકે હૉસ્પિટલ તેમનું મૃત્યુ હાર્ટ ઍટેકને કારણે થયું હોવાનું કહે છે.
રસીકરણ બાદ આડઅસર થતાં કેટલાક લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય કે આ આડઅસર કેટલી જોખમી છે, આડઅસર કેટલા સમય સુધી રહે છે?
આ તમામ સવાલના જવાબ આપવા માટે કેટલાક નિષ્ણાતો સાથે કરેલી વાતને અહીં રજૂ કરવામાં આવી છે.
રસીકરણ બાદ આડઅસર કેમ થાય છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, રાષ્ટ્રીયસ્તરે રસીકરણના કાર્યક્રમમાં સૂચવેલા નિયમો પ્રમાણે જો રસી આપવામાં આવે તો તે રસીનાં પરિણામો સુરક્ષિત અને અસરકારક હોય છે.
WHO અનુસાર, હકીકતમાં કોઈ પણ રસી સંપૂર્ણ રીતે આડઅસરથી મુક્ત હોતી નથી. અને કેટલાક પ્રતિકૂળ સંજોગોમાં રસીનું પરિણામ ગંભીર પણ આવી શકે છે.
ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે કે રસીની આડઅસર દર્શાવે છે કે રસી કામ કરી રહી છે અને રસીની ટ્રાયલમાં પણ આડઅસર આવતી હોય છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. માવળંકર કહે છે, "અમેરિકાના ડેટા છે, તેમાં 10 લાખમાંથી 11 લોકોને આડઅસર થઈ છે, જેમને હૉસ્પિટલમાં સારવાર લેવી પડી છે, પણ દાખલ કરવા પડ્યા હોય એવું નથી."
તેમના મતે સામાન્ય આડઅસર તો અન્ય રસીઓની જેમ આમાં પણ થવાની છે.
રસી લેવાથી જીવને કેટલું જોખમ હોઈ શકે એ સવાલના જવાબમાં તેઓ કહે છે, "એક જ આડઅસર એવી છે, જેમાં જીવને જોખમ હોઈ શકે છે અને એ છે એનાફાયલેક્સિસ. જો આવું થાય તો તાત્કાલિક સારવાર લેવી પડે છે. તેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે, શ્વાસ રૂંધાય એવું થતું હોય છે."
આડઅસર અંગે તેઓ કહે છે, "જે જગ્યાએ ઇંજેક્શન લીધું હોય ત્યાં સામાન્ય દુખાવો થાય, થોડો થાક લાગે, ઝીણો તાવ આવે અને કેટલાકને સામાન્ય શરદી થાય છે. કેટલાકને પેટમાં ગરબડ પણ થઈ શકે છે. આના સિવાય મોટી આડઅસર જોવા મળતી નથી."
તેઓ વધુમાં કહે છે કે આ રસી નવી છે એટલે લોકોમાં ભય જોવા મળે એ સ્વાભાવિક છે. એટલે લોકોને સમજાવીને એ ભય દૂર કરવો પડે.
તો પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનનાં ઉપાધ્યક્ષ ડૉ. પ્રીતિ કુમારે બીબીસીને જણાવ્યું હતું કે રસી આપ્યા બાદ સામાન્ય તાવ, માથામાં દુખાવો કે ઇંજેક્શન આપ્યું હોય એ જગ્યાએ દુખાવો થાય છે.
તેઓએ કહ્યું હતું કે જો કોઈ રસી 50 ટકા સુધી અસરકારક રહે તો તેને સફળ માનવામાં આવે છે.
ડૉ. પ્રીતિ કુમારના મતે પહેલો ડોઝ આપ્યાના 10-14 દિવસ બાદ રસીની અસર થવાની શરૂઆત થઈ જાય છે અને પછી વધતી જાય છે.
ભારતમાં કેટલા લોકોને રસી અપાઈ?
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, બે દિવસ એટલે કે 16 અને 17 જાન્યુઆરી સુધી કુલ બે લાખ 24 હજાર લોકોને રસી અપાઈ છે.
રસીકરણ બાદ તેની આડઅસરના 447 કેસ સામે આવ્યા છે.
તો કોવિડ-19ની રસીને લઈને આગળની રણનીતિ માટે સોમવારે સરકારની એક મહત્ત્વની બેઠક પણ થઈ શકે છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સરકારી અધિકારીઓ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ અને તેમની સાથે જોડાયેલી પાર્ટીઓ સાથે બેઠક કરી શકે છે, જેથી રસીકરણ માટે આગળની યોજના પર ચર્ચા કરી શકાય.
સરકારની જુલાઈ 2021 સુધીમાં 30 કરોડો લોકોને કોવિડની રસી આપવાની યોજના છે અને તેને વિશ્વનું 'સૌથી મોટું રસીકરણ અભિયાન' પણ કહેવામાં આવે છે.
જિનીવાસ્થિત ગ્લોબલ વૅક્સિનેશન ઍૅલાયન્સનું કહેવું છે કે ભારતમાં રસીને લઈને જે આંશકા સેવાઈ રહી છે, એવું પહેલાં પણ થયું છે. ફ્રાન્સમાં પણ 50 ટકા લોકો આવા સવાલ કરી રહ્યા હતા.
ગ્લોબલ વૅક્સિનેશન ઍૅલાયન્સનાં ડેપ્યુટી સીઈઓ ડૉ. અનુરાધા ગુપ્તાનું કહેવું છે કે ભારતમાં પહેલા જથ્થામાં જે 60 કરોડ ડોઝ અપાઈ રહ્યા છે, તેમાંથી 20 કરોડ ગાવી તરફથી આવશે.
શું કોવિડ-19ની રસી સુરક્ષિત છે?
મોટા ભાગના નિષ્ણાતોનો અભિપ્રાય છે કે કોરોના સામે લડવા માટે અત્યાર સુધીમાં તે રસીઓ તૈયાર થઈ તે બધાના સલામતીના રિપોર્ટ સારા છે.
ડૉક્ટરોનું કહેવું છે કે કોઈ રસી 50 ટકા સુધી પણ અસરકારક હોય તો તેને સફળ રસીની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
ડૉક્ટરો જણાવે છે કે રસી અપાવ્યા પછી વ્યક્તિની તબિયતમાં થતા મામૂલી ફેરફાર પર પણ નજર રાખવી પડશે.
કોઈ પણ અસર દેખાય તો તરત ડૉક્ટરને તેની જાણ કરવાની રહેશે.
આરોગ્યમંત્રી હર્ષવર્ધને કૉવેક્સિનના નિર્માણને "રસીની સુરક્ષા માટે એક સમજી વિચારીને લેવાયેલું પગલું" ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, "જે વ્યક્તિને આ રસી અપાશે તેને ટ્રેક અને મૉનિટર કરવામાં આવશે અને તેનું મેડિકલ ફૉલોઅપ પણ કરવામાં આવશે."
કોવિશિલ્ડ અને કૉવેક્સિન કેવી અસર કરશે?
ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની રસીને ભારત અગાઉ બ્રિટન, આર્જેન્ટિના અને અલ સાલ્વાડોરમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.
આ રસી કૉમન કોલ્ડ એડેનેવાયરસમાંથી વિકસાવવામાં આવી છે. ચિમ્પાન્ઝીને સંક્રમિત કરતા આ વાઇરસમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેથી તે માનવીને સંક્રમિત કરી ન શકે. સાથેસાથે આ રસીનું 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા 23,745 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે.
જ્યારે કૉવેક્સિનને ભારતીય ચિકિત્સા પરિષદ (આઈએમસીઆર) અને હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેકે સંયુક્ત રીતે વિકસાવી છે.
તેને બનાવવા માટે મૃત કોરોના વાઇરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે લોકોને નુકસાન ન પહોંચાડે.
નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે આ રસી શરીરમાં પ્રવેશ્યા બાદ કોરોનાના ચેપ વિરુદ્ધ ઍન્ટીબોડી પેદા કરે છે. આ રસીની અસર થવા માટે તેના બે ડોઝ લેવા જરૂરી છે.
ભારતમાં કોવિડ-19ની કઈ રસીને માન્યતા મળી?
ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છેઃ કોવિશિલ્ડ અને કૉવેક્સિન.
કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.
કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે.
આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું કે અત્યારે કોવિશિલ્ડની રસીની 110 લાખ (1.1 કરોડ) શીશી ખરીદવામાં આવી રહી છે.
બીજી તરફ કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે.
સરકારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કૉવેક્સિનની કુલ 55 લાખ રસી ખરીદવામાં આવી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો