You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ.કે. શર્મા : નરેન્દ્ર મોદીના એ ખાસ IAS અધિકારી જેમણે નોકરી છોડી ઉત્તર પ્રદેશ ભાજપમાં એન્ટ્રી કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી અંગત વ્યક્તિ અને જેઓ છેલ્લાં 20 વર્ષથી તેમની સાથે કામ કરે છે તેવા સનદી અધિકારી એ.કે.શર્મા વી.આર.એસ લઈને ગુરુવારે ઉત્તર પ્રદેશ ભાજપમાં જોડાઈ ગયા છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એ.કે.શર્મા મુખ્ય મંત્રી કાર્યાલયમાં જોડાયા હતા. ત્યારબાદ 2014માં વડા પ્રધાન બનતા મોદી પોતાની સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં લઈ ગયા હતા. તેઓ 2014થી કેન્દ્ર સરકારમાં જોડાયા.
ઉત્તર પ્રદેશમાં ભાજપમાં જોડાવાના કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચહલ પહલ મચી ગઈ છે. ઉત્તર પ્રદેશના તમામ મોટા નેતાઓ કાંઈ બોલી રહ્યા નથી.
ઉત્તર પ્રદેશમાં આગામી 28 જાન્યુઆરીએ એમએલસીની ચૂંટણી યોજાવાની છે. સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર એ.કે.શર્મા આ ચૂંટણી લડવાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એકદમ વિશ્વાસુ અને અનુભવી અધિકારી હોવાના કારણે એવી ચર્ચા ચાલી છે કે તેમને માત્ર એમએલસી બનાવવામાં નહીં આવે પરંતુ સરકારમાં મોટું પદ આપવામાં આવી શકે છે. મોટું પદ એટલે ડેપ્યુટી મુખ્ય મંત્રી અથવા તો મંત્રી બનાવવામાં આવી શકે છે.
કોણ છે આ મોદીના વિશ્વાસુ અધિકારી?
અરવિંદ શર્મા ઉર્ફે એ.કે.શર્મા તરીકે ઓળખાતા આ અધિકારી 1988ની બૅચના આઈએએસ અધિકારી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સતત 20 વર્ષથી કામ કર્યું છે.
નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે એ.કે. શર્મા મુખ્ય મંત્રી કાર્યાલયમાં જોડાયા હતા.
ત્યારબાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે એ.કે. શર્માને ગુજરાતથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને તે વડા પ્રધાન કાર્યાલયમાં જોડાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરવિંદ શર્મા મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના મોહમ્મદાબાદ ગોહના તાલુકાના કાઝાખુર્દ ગામમાં રહેનારા છે. તેમણે પ્રાથમિક શિક્ષણ ગામમાં જ લીધું છે.
તેઓ ભૂમિહાર સમાજમાંથી આવે છે જેનું ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ વિસ્તારમાં પ્રભુત્વ છે.
ઇન્ટરમીડિએટ સુધી સ્થાનિક કૉલેજમાં અભ્યાસ કર્યા પછી તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે પૉલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
વર્ષ 1988માં તેમની પસંદગી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં કરવામાં આવી ત્યારપછી તેમને ગુજરાત કૅડરમાં મૂકવામાં આવ્યા હતા જ્યાં તેમણે આસિસ્ટન્ટ ક્લેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.
વર્ષ 1995માં તે મહેસાણાના ક્લેક્ટર બન્યા હતા. એબીપીના એક અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે તેમને ત્રણ આઈએએસ અધિકારીઓનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું, મુખ્ય મંત્રી કાર્યાલયમાં કામ કરવા માટે મોદીએ એ.કે. શર્માની પસંદગી કરી હતી.
નરેન્દ્ર મોદી જ્યારે ભાજપના સંગઠન મંત્રી હતા ત્યારથી તેમને એ.કે. શર્માના કામનો ફીડબેક મળતો રહેતો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર તેમને મોદીના ખૂબ જ અંગત સર્કલના અધિકારીઓમાંના એક માનવામાં આવે છે.
એ.કે. શર્મા 2006માં ઑસ્ટ્રેલિયા ટ્રેનિંગમાં ગયા ત્યારે જ નરેન્દ્ર મોદીથી દૂર થયા હતા ત્યાંથી પરત આવ્યા પછી તેઓ ફરીથી મુખ્ય મંત્રી કાર્યાલયમાં જોડાઈ ગયા હતા.
વર્ષ 2013-14માં તેઓ મુખ્ય મંત્રી કાર્યાલયમાં કામ કરતાં કરતાં અધિક મુખ્ય સચિવના પદ સુધી પહોંચી ગયા હતા.
સામાન્ય રીતે ચર્ચામાં ખૂબ ઓછા રહેતાં અરવિંદ શર્માને ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતની અને કોરોના વાઇરસના સમયમાં પણ મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયમાં રહીને નરેન્દ્ર મોદીના મહત્ત્વના પ્રોજેક્ટ “વાઇબ્રન્ટ ગુજરાત” સમિટ માટે કામગીરી એ.કે.શર્માએ સંભાળી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતની ઇમેજ હિંસાના રાજ્યમાંથી રોકાણકારોના સ્થાન તરીકેની બનાવવામાં આ પ્રોજેક્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ઉત્તર પ્રદેશમાં શું બદલાશે?
ઉત્તર પ્રદેશમાં તેમની નિમણૂકનું એક કારણ ઉત્તર પ્રદેશમાં રોકાણકારોને આકર્ષવાનું પણ ગણવામાં આવે છે.
લૉકડાઉન દરમિયાન લાખો શ્રમિકોની સામે રોજગારીનું સંકટ ઊભું થયું અને સ્થળાંતર કરી રહેલાં મજૂરોને રોજગાર આપવો એ સરકારનો સૌથી મોટો પડકાર હતો. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વડા પ્રધાન કાર્યાલયમાંથી હઠાવીને એમએસએમઈ (સુક્ષ્મ,લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગના)મંત્રાલયમાં સચિવના પદ પર મૂક્યા હતા.
ઉત્તર પ્રદેશના લખનઉમાં પાર્ટીમાં સામેલ થયા પછી મીડિયામાં તેમણે સંક્ષેપમાં વાતચીતમાં તેમણે એટલું જ કહ્યું કે પક્ષે જે જવાબદારી આપી છે, તેને નિભાવવા માટે પ્રયત્ન કરશે.
તેમનું કહેવું હતું, “મહેનત અને સંઘર્ષના બળે મેં આઈએએસની નોકરી મેળવી. કોઈપણ પ્રકારના રાજકીય બેકગ્રાઉન્ડ વિનાની વ્યક્તિને રાજકીય પાર્ટીમાં લાવવાનું કામ માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદી જ કરી શકે છે. પાર્ટી મને જે પણ કામ આપશે, તેની પર ખરા ઉતરવા પ્રયત્ન કરીશ.”
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ કહે છે કે અરવિંદ શર્મા સનદી અધિકારી રહેવા છત્તાં ગુજરાત અને પોતાના ગામમાં પણ સામાજિક રૂપથી ઘણા સક્રિય રહ્યા છે.
તેમના કહેવા પ્રમાણે, “તેમની છબિ એક ઈમાનદાર અધિકારીની છે અને ભાજપનો આ ઇતિહાસ છે. અમારું નેતૃત્વ એવા નેતાઓએ કર્યું છે કે જે ઈમાનદારની પ્રતિમૂર્તિ રહ્યા છે. દેશમાં રાજકીય પક્ષ ઘણા હશે પરંતુ અમારા નેતાની ઉપર કોઈ દાગ લાગ્યા નથી. અરવિંદ શર્માએ આજે તે પાર્ટીમાં આવ્યા છે તે આનંદની વાત છે. સારા અધિકારી અને ઈમાનદાર લોકો પાર્ટીમાં તો આવે છે તો પાર્ટીનું પણ કદ વધે છે અને એવા લોકોનું પણ કદ વધે છે.”
બીબીસી હિંદી માટે સમિરાત્મજ મિશ્ર લખે છે કે વીઆરએસ લીધા પછી એવી માનવામાં આવતું હતુ કે તેમને સરકારમાં મોટી જવાબદારી આપી શકાય છે. પાર્ટીમાં સામેલ થયા પછી એ નક્કી માનવામાં આવે છે કે આગામી એમએલસી (વિધાન પરિષદ)ની ચૂંટણીમાં પાર્ટી તરફથી તેઓ ઉમેદવાર રહેશે અને પછી મંત્રીપદ પણ મેળવશે.
પરંતુ રાજ્યના ભાજપના વરિષ્ઠ નેતાઓ અરવિંદ શર્માની આ ભૂમિકાને લઈને ઘણા બેચેન છે કારણ કે જો તેમને મંત્રીપરિષદમાં સામેલ કરવામાં આવે છે તો તે એક માત્ર વ્યક્તિ હશે જેમની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી આટલી સરળ અને સ્વભાવિક પહોંચ હોય.
વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર કહે છે, “નેતાઓ માટે પડકાર જ છે. મંત્રીઓના પર્ફોમન્સથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુશ નથી, એ તમામ લોકો જાણે છે. અરવિંદ શર્મા રાજકારણમાં ભલે રહ્યા નથી પરંતુ વહીવટી અનુભવની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અંદાજે 20 વર્ષથી રહ્યા છે તો રાજકીય રીતે અનુભવ વિનાના તો નથી. એવું લાગે છે કે અમલદારી અને રાજકારણના સમન્વયની ભૂમિકા માટે તેમને અહીં મોકલવામાં આવ્યા છે. બીજું કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને તેમના કારણે એ સમજવામાં સરળતા રહેશે કે વડા પ્રધાનને શું પસંદ છે અને શું નથી.”
ભાજપના કેટલાંક નેતાઓને એમ પણ લાગી રહ્યું હતું કે તેમને પહેલાં રાજ્યપાલ બનાવવામાં આવશે અથવા પછી સલાહકારની ભૂમિકામાં સરકાર સાથે જોડાયેલાં રહેશે પરંતુ પાર્ટીમાં સામેલ થવાના કારણે સરકાર અને પાર્ટીમાં તેમની મહત્ત્વપૂર્ણ જગ્યાને લઈને કોઈ આશંકા રહી નથી.
વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલાં એક મોટા નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે સરકાર અને પાર્ટીમાં કેન્દ્રિય નેતૃત્વ એક પ્રકારે જ ચાલે છે પરંતુ હવે સીધી રીતે પીએમઓના અધિકારીને રાજ્યના રાજકારણમાં મોકલવાનો અર્થ છે કે રાજ્ય નેતૃત્વની બચેલી ભૂમિકા પર પણ ગાળિયો કસવામાં આવી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો