You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Syed Mushtaq Ali Trophy : મોટેરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમની પાંચ ખાસ વાતો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે પંજાબ અને કર્ણાટકની વચ્ચે સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની પહેલી ક્વાર્ટર ફાઇનલ મૅચ રમાઈ રહી છે જે સ્ટેડિયમ બન્યા પછીની પહેલી મૅચ છે.
આ પહેલાં બીસીસીઆઈની એન્યુઅલ જનરલ મિટિંગ અગાઉ જય શાહ ઇલેવન અને સૌરવ ગાંગુલી ઇલેવન વચ્ચે એક ફ્રેન્ડલી મૅચ રમાઈ હતી.
મોટેરા સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાવાની છે.
મંગળવારથી શરૂ થઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટ્રૉફીની ચાર ક્વાટર્ર ફાઇનલ, બે સેમિફાઇનલ અને એક ફાઇનલ મૅચ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે.
ક્વાટર્ર ફાઇનલમાં ગુજરાતની બરોડા ક્રિકેટ ઍસોસિયેશનની ટીમ રમી રહી છે. જ્યારે પંજાબ, કર્ણાટક, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને બિહારે ક્વૉલિફાય કર્યું છે.
ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનની ટીમ પહેલાં જ બહાર નીકળી ગઈ છે.
સરદાર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જેની દર્શક ક્ષમતા એક લાખ 10 હજાર લોકોની છે.
આજે આપણે વાત કરીશું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની પાંચ વિશેષતાઓ વિશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીચની વિવિધતા
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ક્રિકેટરોને વૈવિધ્ય મળે તે માટે વિવિધ પ્રકારની પીચ બનાવવામાં આવી છે.
સ્ટેડિયમના મુખ્ય એરિયામાં કુલ 11 પીચ આવેલી છે. જેમાં છ લાલ માટીની પીચ છે જ્યારે પાંચ કાળી માટીની પીચ છે.
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે લાલ માટીની પીચ સોફ્ટ હોય છે તેના પર સ્પીન બૉલરને ફાયદો મળતો હોય છે. જ્યારે કાળી માટીની પીચ પર પેસ બૉલરને ફાયદો મળે છે.
આ ઉપરાંત પ્રૅક્ટિસ સ્ક્વેરમાં પણ આ પ્રકારની 11 પીચ બનાવવામાં આવી છે. જેથી ખેલાડીઓ સારી રીતે સ્પીન અને પેસ બૉલિંગના ટ્રૅક પર પ્રૅક્ટિસ કરી શકે.
ખેલાડીઓ માટે વિશેષ સુવિધાવાળાં ડ્રેસિંગરૂમ
સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ખેલાડીઓના ડ્રેસિંગ રૂમને વિશેષ સુવિધાવાળા બનાવવામાં આવ્યાં છે.
ખેલાડીઓ માટે મેડિકલ રૂમની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે. આ ઉપરાંત બંને ટીમનાં જિમ પણ અલગઅલગ બનાવવામાં આવ્યાં છે.
ટીમ સાથે જોડાયેલા ઍનાલિસ્ટ માટે ઍનાલિસ્ટ રૂમ, કોચ માટે અલાયદો રૂમ ઉપરાંત લૉંજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બંને ટીમના સૅપરેટ જિમ ઉપરાંત તેમના માટે વૉર્મઅપ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ ચાર ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યાં છે. બે મુખ્ય અને બીજા બે રૂમને બૅકઅપ તરીકે પણ વાપરી શકાય છે.
ખેલાડીઓની સિક્યૉરિટી માટે ત્યાં બે લિફ્ટ મૂકવામાં આવી છે. એક લિફ્ટનો ઉપયોગ માત્ર ખેલાડીઓ અને સપૉર્ટ સ્ટાફ કરશે. જ્યારે બીજી લિફ્ટનો ઉપયોગ માત્ર સર્વિસ ટીમ કરશે.
દર્શકોને મળશે 360 ડિગ્રી વ્યૂ
મોટેરા સ્ટેડિયમની વિશેષતાઓ વિશે વાત કરતાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મહત્ત્વની વાત એ છે કે આ સ્ટેડિયમમાં દર્શકોને 360 ડિગ્રી વ્યૂ મળશે.
સામાન્ય રીતે સ્ટેડિયમમાં દર્શકો માટે અમુક વખતે વ્યૂ કપાતો હોય છે. જ્યારે આ ક્રિકેટ સ્ટેડિયમમાં વ્યૂ નહીં કપાય.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રિ ક્રિકેટ મૅચ માટે ફ્લડ લાઇટ લગાવવામાં નથી આવી પણ તેના સ્થાને 580 રૂફટોપ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્ટેડિયમની છતની ફરતે એલઈડી લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલઇડી લાઇટના કારણે સ્ટેડિયમમાં વીજળી ઓછી ખર્ચાવાનો અંદાજ છે.
ડૉમેસ્કિટ અને સ્થાનિક ક્રિકેટ મૅચ માટે અલગ ગ્રાઉન્ડ
સરદાર પટેલ સ્ટેડિયમમાં મુખ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ સિવાય પણ બે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલા છે. આ બે ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ સ્થાનિક અને ડૉમેસ્ટિક મૅચ માટે પણ કરી શકાય છે.
આ ઉપરાંત 76 કૉર્પોરેટ બૉક્સ અને મીડિયા માટે લક્ઝુરિયસ સેન્ટર પણ તૈયાર કરાયું છે.
સ્ટેડિયમના પરિસરની અંદર જ છ પીચની ઇન્ડોર ક્રિકેટ એકૅડેમી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ક્લબ હાઉસ પણ બનાવવામાં આવી છે, જેમાં 55 રૂમ, સ્વિમિંગ-પૂલ, જિમ અને ફૂડ કોર્ટ આવેલાં છે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પર નોંધાયેલા આંતરરાષ્ટ્રીય રેકૉર્ડ
નવેમ્બર 1983માં સુનીલ ગાવસ્કરે મોટેરા ખાતે 90 રન નોંધાવ્યા તે સાથે તેમણે જોફરી બોયકોટનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. આમ આ મેદાન પર સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રનનો રેકૉર્ડ નોંધાવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર સુનીલ ગાવસ્કર પ્રથમ બૅટ્સમૅન બન્યા અને તેનું સાક્ષી મોટેરા સ્ટેડિયમ બન્યું હતું.
1994ના ફેબ્રુઆરીમાં કપિલ દેવે શ્રીલંકાના હસન તિલકરત્નેની વિકેટ ઝડપી તે તેમની કારકિર્દીની 432મી વિકેટ હતી અને ન્યૂઝીલૅન્ડના રિચર્ડ હેડલીનો 431 વિકેટનો વિક્રમ વટાવ્યો હતો.
આમ કપિલ દેવના નામે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટનો રેકૉર્ડ લખાઈ ગયો અને એ પણ મોટેરાના મેદાન પર જ.
સચીન તેંડુલકરે ક્રિકેટ ઇતિહાસમાં 100 ઇન્ટરનેશનલ સદી ફટકારી છે અને કદાચ વિશ્વનું કોઈ મેદાન બાકી નહીં હોય, જ્યાં તેમણે સદી ફટકારી ન હોય, પણ તેમની સૌથી યાદગાર સદી મોટેરામાં નોંધાઈ હતી.
1999માં ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ દરમિયાન સચીન તેંડુલકરે તેમની કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી ફટકારી હતી. એ વખતે તેમણે 217 રન ફટકાર્યા હતા.
1996ના નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ તે સાથે અઝહર એવા પ્રથમ ક્રિકેટર બન્યા હતા, જે તમામ દેશ સામે પોતાના દેશમાં અને એ દેશના મેદાન પર ટેસ્ટ રમ્યા હોય.
એ વખતે નવ દેશો ટેસ્ટ ક્રિકેટ રમતા હતા અને અઝહર આ તમામ આઠ હરીફ સામે ભારતીય ધરતી પર અને વિદેશમાં જે તે દેશની ધરતી પર ટેસ્ટ રમ્યા હતા.
2008ના એપ્રિલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ, જેના પ્રથમ દિવસે લંચ પહેલાં તો ભારત 76 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર ટીમ પહેલા દિવસે લંચ પહેલાં આઉટ થઈ ગઈ હતી. ફરીથી ગ્રાઉન્ડ મોટેરાનું હતું.
2009ના એપ્રિલમાં રાહુલ દ્રવિડે આ મેદાન પર જ શ્રીલંકા સામેની ટેસ્ટમાં 177 રન ફટકારીને તેમની કારકિર્દીના 11000 રન પૂરા કર્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો