FinCEN Files : દાઉદ ઇબ્રાહિમ, લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ માટે કરોડોની હેરાફેરી કરનાર અલ્તાફ ખનાનીના રહસ્યનો પર્દાફાશ

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

અનેક મોટી બૅન્કો દ્વારા દુનિયાના અનેક દેશોમાં ચાલતા મની લૉન્ડરિંગના જટિલ નેટવર્કનો પર્દાફાશ ઇન્વેસ્ટિગિવ જર્નલીસ્ટોએ કર્યો છે.

મનીલૉન્ડ્રિંગ પર અંકુશ મુકતી અમેરિકાની સંસ્થા ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક (FinCEN) અથવા ફિનસેનની સંદિગ્ધ ગતિવિધિઓના અહેવાલો અથવા એસએઆરથી પાકિસ્તાથી દુબઈ અને અમેરિકા સુધી ફેલાયેલા હેરા-ફેરીના એક મોટા નેટવર્કની ખબર પડે છે.

'સ્પિશસ ઍક્ટિવિટી રિપોર્ટ'ને સંક્ષેપમાં એસએઆર કહેવામાં આવેછે. આવી હજાર ફાઇલોને ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોની આંતરાષ્ટ્રીય સંસ્થા ઇન્ટરનેશનલ કન્શોર્શિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ (આઈસીઆઈજે)એ ફંફોસી છે અને એમાંથી અનેક રહસ્યો સામે આવ્યા છે. બીબીસી પણ આઈસીઆઈજે સાથે જોડાયેલી છે.

આર્થિક હેરાફેરીનું આ નેટવર્ક અલ્તાફ ખનાની નામની એક પાકિસ્તાનની વ્યક્તિ ચલાવી રહી હતી. આ અલ્તાફ ખનાનીને ફરાર માફિયા દાઉદ ઇબ્રાહિમના પૈસાની લેવડ-દેવડને જોનાર મુખ્ય વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

ન્યૂયોર્કના સ્ટાન્ડર્ડ ચાટર્ડ બૅન્ક તરફથી દાખલ કરવામાં આવેલા આ એસએઆર રિપોર્ટ્સની તપાસ ભારતના અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે કરી જે આઈસીઆઈજેમાં સામેલ છે.

ફિનસેન ફાઇલો થકી જે ગુપ્ત દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના દ્વારા મોટી બૅન્કોએ કેવી રીતે અપરાધીઓને આખી દુનિયામાં પૈસાની લેવડ-દેવડની અનુમતી આપી રાખી હતી તેની ખબર પડે છે.

આ જ સિલસિલામાં એસઆર ખનાનીની નાણાકીય હેરફેરની તપાસ એ દર્શાવે છે કે દાયદાઓ સુધી એમણે ડ્રગ માફિયાઓની સાથોસાથ તાલિબાન અને અલ કાયદા જેવા ચરમપંથી સંગઠનો માટે પણ આશરે 14થી 16 ટ્રિલિયન ડૉલરની હેરાફેરી કરી છે. ખનાનીના આ ધંઘાને અમેરિકન અધિકારીઓએ મની લૉન્ડ્રિંગ ઑર્ગનાઇઝેશ નામ આપ્યું છે જેને સંક્ષિપ્તમાં એમએલઓ લખવામાં આવ્યું છે.

દુનિયાભરમાં તપાસ પછી 11 ડિસેમ્બર 2015ના રોજ ખનાનીની પનામા ઍરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી અને મિયામી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પછી જુલાઈ 2020માં કારાવાસ પૂર્ણ થયા પછી નિર્વાસન માટે અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા. જોકે, એ પછી અમેરિકાએ એને નિર્વાસિત કરી પાકિસ્તાન મોકલ્યા કે સંયુક્ત આરબ અમિરાત એ સ્પષ્ટ નથી.

અમેરિકાના ફૉરેન ઍસેટ કંટ્રોલની કચેરી(ઓએફએસી)એ ખનાનીની ધરપકડ બાદ એમના પર પ્રતિબંધ લાદી, દાઉદ ઇબ્રાહિમ સાથેના સંબંધો પર દસ્તાવેજ તૈયાર કર્યા હતા.

11 ડિસેમ્બર 2015ના રોજ જારી કરવામાં આવેલી એક નોટિસમાં ઓએફએસી કહે છે, "ખનાનીના એમએલઓએ આતંકવાદીઓ, ડ્રગ તસ્કરો અને અપરાધિક સંગઠનો માટે વિશ્વભરમાં ખરબો ડૉલરની ગોઠવણ કરવા માટે અનેક નાણાકીય સંસ્થા સાથે પોતાના સંબંધોનો ઉપયોગ કર્યો. ખનાની એએલઓ અને અલ જૂરાની એક્સચેંજના પ્રમુખ અલ્તાફ ખનાની આ મામલામાં તાલિબાન સુધી પૈસાની હેરાફેરીમાં સામેલ મળ્યા છે. સાથે જ લશ્કર-એ-તૈબા, દાઉદ ઇબ્રાહિમ, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદ સાથે પણ એમના સંબંધો છે."

ખનાની ધરપકડને ભારતીય સુરક્ષા એજન્સીઓ એક મોટી સફળતા તરીકે જોઈ રહી છે. ખાસ કરીને એ કારણે કે ઓફએસીએ ખનાનીનો દાઉદ ઇબ્રાહિમ સાથે સીધો સંબંધ ઉપરાંત લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે પણ તાર જોડાયેલા ગણાવ્યા છે.

એક મહત્ત્વપૂર્ણ તથ્ય એ પણ છે કે ખનાનીની પર પ્રતિબંધોની ઘોષણા કરનારી એ મૂળ નોટિસ જારી થયાના ઠીક એક વર્ષ બાદ 10 ઓક્ટોબર 2016ના રોજ ઓએફએસીએ ખનાની અને ખનાની એમએલઓ સાથે સંબંધિત કેટલાક અન્ય લોકોના નામની યાદી જાહેર કરી. આ લિસ્ટમાં ખનાની પરિવારના અનેક લોકો અને કેટલીક સંસ્થાઓના નામ સામેલ હતા જેઓ પાકિસ્તાનમાં રહીને ખનાની અને તેમના નેટવર્કની મદદ કરી રહ્યા હતા.

આ સંસ્થાઓના લિસ્ટમાં સૌથી ઉપર દુબઈસ્થિત મઝાકા જનરલ ટ્રેડિંગ લિમિડેટ કંપનીનું નામ આવે છે. આજે એ પ્રતિબંધો લાગુ થવાના 4 વર્ષ પછી ફિનસેન ફાઇલ દર્શાવે છે મૉસ્કો મિરર નેટવર્કમાં ખનાની એમએલઓની આર્થિક પહોંચ કેટલી ઊંડી હતી.

'મિરર ટ્રેડિંગ' વ્યવસાયની એક એવી અનૌપચારિક રીત છે જેમાં વ્યક્તિ કે સંસ્થા એક જગ્યાએથી અસ્કયામત ખરીદીને વગર કોઈ આર્થિક લાભે બીજી જગ્યાએ વેચી દે છે. આ રીતે રકમના મૂળ સ્રોત અને અંતિમ ગંતવ્ય સ્થાનની જાણકારી સંતાડી દેવામાં આવે છે.

ફિનસેન ફાઇલોમાં 54 શેલ કંપનીઓનાં નામવાળો વીસ પાનાંનો એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ સામેલ છે. જે ખરેખર વાસ્તવિક કારોબાર નથી કરતી પંરતુ લેવડ-દેવડ માટે કાગળ પર ઊભી કરવામાં આવેલી કંપનીઓને શેલ કંપનીઓ કહેવાય છે.

આ રિપોર્ટ કહે છે કે 2011થી જ આ 54 કંપનીઓએ રશિયા અને યુરોપના બજારોમાં વર્ષે ખરબો ડૉલરની હેરફેરમાં સામેલ રહી છે.

ફિનસેન ઇન્ટેલિજન્સની રિપોર્ટ મુજબ મઝાકા જનરલ ટ્રેડિંગ લિમિટેડ કંપનીને માર્ચ 2013થી ઓક્ટોબર 2016 વચ્ચે મૉસ્કો મિરર નેટવર્ક સંસ્થાઓ થકી 49.78 મિલિયન ડૉલરની રકમ મળી હતી. આ ઉપરાંત મઝાકાએ સિંગાપોરની આસ્ક ટ્રેડિંગ પીટીઈ નામની એક કંપની સાથે પણ લેવડદેવડ કરી હતી.

અહીં રસપ્રદ વાત તો એ પણ છે કે ઓએફએસીએ આતંકવાદીઓને ગેરકાયદેસર પૈસા પહોંચાડનારી 'ખનાની મની લૉન્ડ્રિંગ ઑર્ગનાઇઝેશન'ની મદદ કરવાને કારણે જ મઝાકાને પ્રતિબંધિત કરી હતી.

બૅન્ક ઑફ બરોડાની શાખાની કડી

ખનાની અને મઝાકાની કહાણીમાં ભારતીય કડીઓ પણ જોડાતી દેખાય છે. લીક દસ્તાવેજો મુજબ ન્યૂયોર્કના જેપી મૉર્ગન અને સિંગાપોરના કે ઓવરસિઝ બૅન્ક સાથોસાથ બૅન્ક ઑફ બરોડાની દુબઈ શાખાનો ઉપયોગ મઝાકા જનરલ ટ્રેડિંગ અને આસ્ક ટ્રેડિંગ પીટીઈ વચ્ચેની લેણ-દેણ માટે થયો હતો.

આ ઉપરાંત મઝાકા જનરલ ટ્રેડિંગના ખાતાઓની તપાસ કરવા પર નવી દિલ્હીની રંગોલી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું નામ પણ સામે આવે છે. કાપડનો જથ્થાબંધ વેપાર કરનારી આ કંપનીની સ્થાપના 2009માં થઈ હતી.

ફિનસેન ફાઇલોમાં રંગોલી ઇન્ટરનેશનલના નામ સાથે અંદાજે 70 લેણ-દેણ નોંધાયેલી છે. આ લેણ-દેણ પંજાબ નેશનલ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, વિજયા બૅન્ક અને ઑરિએન્ટલ બૅન્ક ઑફ કોમર્સ જેવી અનેક ભારતીય બૅન્કો થકી યુએઈ પહોંચતી હતી.

17 સ્થળોએથી થઈ રહેલી આ હેરા-ફેરીનો આંકડો 10.65 મિલિયન ડૉલર સુધી જાય છે. આમાં એક મહત્ત્વની લેવડ-દેવડ 18 જૂન 2014ના રોજ થઈ જેમાં મઝાકા જનરલ ટ્રેડિંગને પંજાબ નેશનલ બૅન્ક થકી 136,254 ડૉલર મોકલવામાં આવ્યા.

રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (આરઓસી)ના દસ્તાવેજો મુજબ માર્ચ 2014ની આસપાસ રંગોલી ઇન્ટરનેશનલના નફામાં ભારે ઘટાડો નોંધાયો હતો. એ સમયે 339.19 કરોડના રાજસ્વ પર કંપનીને 74.87 કરોડનું નુકસાન વેઠ્યું હતું. 2015 પછી કંપનીએ આજ સુધી ન તો શેરહૉલ્ડરોની વાર્ષિક બેઠક બોલાવી છે અને ન તો પોતાની વાર્ષિક બેલન્સશીટ જમા કરાવી છે.

અનેક ભારતીય બૅન્કોએ રંગોલીની ચૂક પર ઍલર્ટ પણ જાહેર કર્યા છે. ભારતીય યુનિયન અને કૉર્પોરેશન બૅન્કોએ વસૂલી માટે રંગોલી ઇન્ટરનેશનલની અચલ સંપત્તિની હરાજી માટે નોટિસ જારી કરી હતી.

અલાહાબાદ બૅન્કે તો 2015માં જ આ કંપનીને પોતાની 50 નૉન પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ)ની યાદીમાં સામેલ કરી હતી.

ખનાનીના વકીલે આપ્યો જવાબ

ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેશન જર્નલિસ્ટ્સ (આઈસીઆઈજે) દ્વારા સંપર્ક કરવા પર અલ્તાફ ખનાનીના વકીલ મેલ બ્લૈકે કહ્યું કે, મિસ્ટર ખનાનીએ પોતાની ભૂલો માની લીધી છે અને એની લાંબી સજા પણ જેલમાં ભોગવી ચૂક્યા છે. આ સમય દરમિયાન તેઓ એમના પરિવારથી અલગ હતા અને એમના ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું છે. એમની પાસે હવે કોઈ પૈસા નથી બચ્યા, તમામ અકાઉન્ટસ ફ્રિઝ કરી દેવામાં આવ્યા છે અને આગળ ઓએફએસીના બ્લૉકને કારણે ફરી પૈસા કમાવવાની તમામ સંભાવનાઓ ખતમ થઈ ચૂકી છે. છેલ્લા 5 વર્ષથી તેઓ કોઈ પણ વેપારી ગતિવિધિમાં સામેલ નથી. તેઓ આગળ કાયદાને માનનાર એક સાધારણ નાગરિકનું જીવન જીવવા ઇચ્છે છે.

સંપર્ક કરવા પર રંગોલી ઇન્ટરનેશનલના મુખ્ય નિદેશર લવ ભારદ્વાજે કહ્યું કે, "2013થી 2014ની વચ્ચેના જે 70 ટ્રાન્ઝેક્શન અંગે આપ પૂછો છો એનો અમારી પાસે કોઈ રૅકર્ડ નથી એટલે એના વિશે કંઈ પણ કહેવું સંભવ નહીં રહે."

"અમે કાપડનાં વેપારમાં છીએ અને માલ વેચ્યા પછી ચૂકવણીની રકમ અમારા ખાતામાં આવવી રૂટિન વાત છે. 18 જૂન 2014ના રોજ પંજાબ નેશનલ બૅન્ક સાથે થયેલ ટ્રાન્ઝેક્શનની જે વાત આપ કરો છો એનો અમારી પાસે કોઈ રૅકર્ડ નથી. મઝાકા જનરલ ટ્રેડિંગ અને અલ્તાફ ખનાની સાથે ન તો અમારો કોઈ વેપારી સંબંધ છે અને ન તો અમે તેમને જાણીએ છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો