ડૉ. બાબાસાહેબ આંબેડકર : જ્યારે સેક્સ એજ્યુકેશન અને અભિવ્યક્તિની આઝાદીનો ઐતિહાસિક કેસ હારી ગયા

    • લેેખક, મયુરેશ કોણ્ણૂર
    • પદ, બીબીસી સંવાદદાતા

આજે "અભિવ્યક્તિની સ્વતંત્રતા" એક ચર્ચા અને વાદવિવાદનો મુદ્દો બની ગયો છે. 1934માં પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી. તે સમયે એક વકીલ તરીકે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એક ઐતિહાસિક કેસ લડ્યા હતા.

અદાલતમાં આંબેકરે જે વિચારો રજૂ કર્યા હતા, તે આજની તારીખે પણ લાગુ પડે છે. આ કેસ "સમાજ સ્વાસ્થ્ય" નામના મૅગેઝિન માટે લડવામાં આવ્યો હતો.

20મી સદીની શરૂઆતમાં મહારાષ્ટ્રના રઘુનાથ ધોંડો કર્વે પોતાના મૅગેઝિન "સમાજ સ્વાસ્થ્ય"ના કારણે રૂઢિચુસ્ત લોકોના નિશાન પર રહેતા હતા.

પોતાના મૅગેઝિનમાં કર્વે જાતિય શિક્ષણ, કુટુંબનિયોજન, નગ્નતા, નૈતિકતાની સાથેસાથે એવા વિષયો વિશે લખતા હતા, જેની ભારતીય સમાજમાં મોકળાશથી ચર્ચા થતી નહોતી.

તંદુરસ્ત જાતિય જીવન અને તે માટેના તબીબી સલાહ પર કેન્દ્રિત પોતાના મૅગેઝિનમાં, કર્વેએ બહુ હિંમતભેર આ સંવેદનશીલ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી.

તેઓ તર્કસંગત અને વૈજ્ઞાનિક વાતો લખતા હતા.

લોકોના સામાન્ય જીવન પર વધુ પડતો ધાર્મિક પ્રભાવ ધરાવતા સમાજના રૂઢિચુસ્તોને તેમના મૅગેઝિનના લેખ સામે સખત વાંધો હતો. આ દરમિયાન અનેક લોકો તેમના દુશમન બની ગયા હતા પરંતુ કર્વે નિરાશ ન થયા.

કર્વેએ લખાણ થકી પોતાની લડત ચાલુ રાખી. તે સમયે ભારતનું રાજકીય અને સામાજિક નેતૃત્વ એટલું મજબૂત નહોતું કે તે કર્વેની તરફેણ કરી શકે અને તેમના લેખોનું સમર્થન કરી શકે.

આ સમયે બાબાસાહેબ આંબેડકર કર્વે માટે એક મસીહા બનીને આવ્યા અને અદાલતમાં તેમના વતી કેસ લડ્યા.

ભારતના સામાજિક સુધારાઓના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ કાનૂની લડત છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે લડવામાં આવી હતી અને સેક્સ એજ્યુકેશનની આસપાસ હતી.

'વ્યભિચારના પ્રશ્નો'

1931માં રૂઢિચુસ્ત લોકોનું એક જૂથ કર્વેને તેમના લેખ "વ્યભિચારનો પ્રશ્ન" માટે અદાલતમાં ઢસડી ગયું હતું.

કર્વેની ધરપકડ કરવામાં આવી અને દોષી પુરવાર થયા બાદ 100 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.

કર્વેએ જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરી ત્યારે જજ ઇન્દ્રપ્રસ્થ મહેતાની અદાલતમાં આ કેસની સુનાવણી થઈ હતી અને ન્યાયાધીશ મહેતાએ કર્વેની અપીલ ફગાવી દીધી હતી.

ત્રણ વર્ષની અંદર જ ફ્રેબુઆરી 1934માં કર્વેની ફરીથી ધરપકડ કરવામાં આવી.

"સામાજિક સ્વાસ્થ્ય"ની ગુજરાતી આવૃત્તિમાં વાચકો દ્વારા ખાનગી જાતિય જીવન વિશે જે પ્રશ્નો કરવામાં આવ્યા હતા, તેના જવાબો રૂઢિવાદીઓને પસંદ નહોતા.

"સામાજિક સ્વાસ્થ્ય"ની ગુજરાતી આવૃત્તિમાં હસ્તમૈથુન અને સમલૈંગિકતા વિશે પ્રશ્નો કરવામાં આવ્યાં હતા, જે વિશે કર્વેએ મુક્ત રીતે જવાબ આપ્યા હતા. તે સમયે સમાજમાં આવી વાતોને અશ્લીલ અને હાનિકારક માનવામાં આવતી હતી.

જોકે, કર્વે આ વખતે એકલા નહોતા. તે સમયના મુંબઈના નામાંકિત વકીલ બી. આર. આંબેડકર તેમના વતી હાઈકોર્ટમાં કેસ લડવા તૈયાર હતા.

મહાડ અને નાસિક સત્યાગ્રહ બાદ આંબેડકર વંચિતો માટે લડતા રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા હતા.

તેમણે લંડનની રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં અનામતની માગણી કરવાની સાથેસાથે મહાત્મા ગાંધી સાથેના પ્રખ્યાત પૂના કરાર પર સહી કરી હતી.

આંબેડકરે કર્વેનો કેસ કેમ લીધો?

આંબેડકર પોતાના રાજકીય અને સામાજિક મિશનમાં બહુ વ્યસ્ત હતા, તેમ છતાં તેમણે કર્વેનો કેસ કેમ હાથમાં લીધો? અને મુદ્દો પણ એવો કે જેનું સમાજમાં અસ્તિત્વ નહોતું અને એ પણ નક્કી હતું કે મુદ્દા પર બહુ ખરાબ પ્રતિક્રિયા મળશે. આખરે તેમને કર્વેનો કેસ હાથમાં લેવાની જરૂર છે એવું તેમને કેમ લાગ્યું?

આંબેડકરના આ કેસ પર મરાઠી નાટ્યલેખક પ્રોફેસર અજિત દલવીએ સમાજ સ્વાસ્થ્ય નાટક નામનું નાટક બનાવ્યું હતું જેનું મંચન સમગ્ર દેશમાં કરવામાં આવ્યું હતું.

એ નાટકના લેખક પ્રોફેસર દલવી કહે છે, "આંબેડકર ચોક્કસપણે દલિતો અને વંચિત લોકોના નેતા હતા, પરંતુ તેઓ આખા સમાજ માટે વિચારતા હતા. બધા વર્ગોના લોકોથી બનેલો આધુનિક સમાજ એ તેમનું સ્વપ્ન હતું અને એ દિશામાં તેઓ આગળ વધી રહ્યા હતા."

ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર કહે છે, "1927માં આંબેડકરે મનુસ્મૃતિ કેમ સળગાવી, કેમ કે તેઓ માનતા હતા કે આવું સાહિત્ય વ્યક્તિગત સ્વતંત્રતાને દબાવી નાંખે છે. અને એટલા માટે જ્યાં પણ વ્યક્તિગત સ્વતંત્રતા માટેની લડત ચલાવવામાં આવી ત્યાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે એને ટેકો આપ્યો."

તેઓ કહે છે કે, "સામાજ સ્વાસ્થ્યની બાબતમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં કટ્ટરપંથ બ્રાહ્મણવાદ એ વ્યક્તિગત સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સામે હતો. એટલા માટે તેમણે આ કેસ હાથમાં લીધો."

આંબેડકરે પોતાનો સંપૂર્ણ અભ્યાસ અને સંશોધન યુરોપ અને અમેરિકામાં કર્યું. તેથી તેઓ ભારતમાં ઉદારવાદી પરંપરાઓ તેમજ આધુનિક પશ્ચિમી ઉદાર વિચારોથી પ્રભાવિત થયા હતા.

કર્વેના લેખોમાં જે તર્કવાદી વિચારો છે, તે આપણે આંબેડકરના લેખોમાં પણ જોઈ શકીએ છીએ. અને એટલા માટે જે વિષય વિશે બોલવા માટે મોટા-મોટા નેતા અચકાતા હતા, આંબેડકરે બહુ સહેલાઈથી તેને પોતાના હાથમાં લઈ લીધો.

જાતિય બાબતો પર લખવું અશ્લીલતા નથી

કર્વેએ વાચકોના વાસ્તવિક શંકાઓના માત્ર જવાબ આપ્યા હતા અને રૂઢિવાદી લોકોને ખુશ કરવા માટે સરકારે તેમની ધરપકડ કરી હતી.

આનાથી આંબેડકરને આશ્ચર્ય થયું. તેમનો સીધો પ્રશ્ન હતો કે જો "સમાજ સ્વાસ્થ્ય"નું વિષય જાતિય શિક્ષણ અને જાતિય સંબંધ છે અને જો સામાન્ય વાચક તે વિશે પ્રશ્નો પૂછે છે તે જવાબ કેમ ન આપવો જોઈએ?"

"જો કર્વેને આ પ્રશ્નોના જવાબ ન આપવા દેવામાં આવે તો અર્થ મૅગેઝિન બંધ કરી નાંખવું જોઈએ એવો થાય."

દલવી કહે છે, "આંબેડકર માટે કર્વેને સમાજના કહેવાતા નૈતિક માન્યતાઓ મુજબ જવાબ આપવા માટે દબાણ કરવું એ પણ અન્યાય છે."

કેસમાં 28 ફ્રેબુઆરીથી 24 એપ્રિલ 1934 સુધી બૉમ્બે હાઈકોર્ટના જજ મહેતા સામે દલીલો રજુ કરવામાં આવી.

કર્વે સામે મુખ્ય આરોપ હતો કે તેઓ જાતિય વિષયો પર પ્રશ્નોના જવાબ આપીને અશ્લીલતા ફેલાવી રહ્યા છે.

પ્રોફેસર દલવી કહે છે, "આંબેડકરની દલીલ હતી કે જો કોઈ જાતિય વિષય પર લખે છે તો તેને અશ્લીલતા કહી શકાય નહીં. દરેક જાતિય વિષયને અશ્લીલ તરીકે રજૂ કરવાની આદત છોડી દેવી જોઈએ. આ કેસમાં માત્ર કર્વેના જવાબો વિશે ન વિચારીને સામૂહિક રીતે વિચાર કરવો જોઈએ. આપણાં રાજકીય નેતાઓ આજે પણ આ વિશે કંઈ બોલવા તૈયાર નથી, જ્યારે 80 વર્ષ પહેલાં આંબેડકર આ વિષય ઉપર એક નિર્ણાયક સ્થિતિમાં હતા."

તેઓ કહે છે, "જજે આંબેડકરને પ્રશ્ન કર્યો કે આવા વિકૃત પ્રશ્નો છાપવાની કેમ જરૂર પડી અને જો આ પ્રકારના પ્રશ્નો કરવામાં આવે છે તો જવાબ કેમ આપવમાં આવે છે.

"જવાબમાં આંબેડકરે જણાવ્યું કે વિકૃતિને માત્ર જ્ઞાનથી હરાવી શકાય છે. એ સિવાય તેને કઈ રીતે હરાવી શકાય? અને એટલા માટે કર્વેએ દરેક પ્રશ્નોના જવાબ આપવા જોઈએ."

જાતિય શિક્ષણનો અધિકાર

અદાલતમાં આંબેડકરે આ વિષય પર આધુનિક સમાજમાં ઉપલબ્ધ સાહિત્ય અને સંશોધનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સમલૈંગિકો પર હેવલૉક એલિસના સંશોધનને તેમણે અદાલતમાં રજૂ કર્યું હતું.

તેમનું માનવું હતું કે જો લોકોમાં આ પ્રકારની ઇચ્છા થાય છે તો તેમાં કંઈ ખોટું નથી. તેમને પોતાની રીતે ખુશી મેળવવાનો હક છે.

પ્રોફેસર દલવી કહે છે, "જ્યારે જાતિય સંબંધ વિશે કોઈ વાત કરતું નહોતું તે સમયે સમલૈંગિકતા પર આંબેડકરના વિચારો ક્રાંતિકારી છે."

આંબેડકર બે અધિકારો માટે એકદમ દૃઢ હતા. એક હતો જાતિય શિક્ષણનો અધિકાર. તેની સામે તેઓ કોઈ પણ ધાર્મિક રૂઢિવાદી વિચારને આવવા દેવા માંગતા નહોતા. આ પારંપારિક અડચણ હતી. બીજું તે કર્વેનો જવાબ આપવાનો અધિકાર યાને કે વ્યક્તિગત આઝાદી.

પ્રકાશ આંબેડકર કહે છે, "જેમ કે હું જોઈ રહ્યો છું ભારતીય સમાજમાં કામુક્તાનો પ્રશ્ન વૈદિક પરંપરાઓ સાથે સંબંધિત છે. સમાજનો એક વર્ગ ઉદાર વિચારો સાથે ચાલવા રાજી હતો. પરતું વૈદિક પરંપરાઓ માનનાર ઉચ્ચ વર્ગ રૂઢિવાદી વિચારો છોડવા માટે રાજી નહોતો. બાબાસાહેબ આ પરંપરાગત ધારણાની વિરુદ્ધમાં હતા."

આંબેડકરના તર્ક આજે પણ પ્રભાવ ધરાવે છે

દલવી કહે છે કે, બાબાસાહેબ આંબેડકરની સ્થિતિ માત્ર અદાલતમાં દલીલ કરવા પૂરતી નહોતી પરતું આ તેમના રાજકીય કાર્યમાં દેખાતી હતી. પોતાના લેખન વડે કર્વેએ કુટુંબનિયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો. જ્યારે આંબેડકરે એક સાંસદ તરીકે આ વિષય પર કામ કર્યું. 1937માં બૉમ્બેની ક્ષેત્રિયસભામાં આંબેડકર કુટુંબનિયોજન પર બિલ લાવ્યા. આ વિષય પર તેમનું વિસ્તૃત ભાષણ પણ હાજર છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા એ બીજો અધિકાર હતો, જેમના માટે તેઓ લડ્યા.

જો સમાજનો કોઈ વર્ગ ખાસ વિષય ઉપર કોઈ વાત સાંભળવા માંગતો નથી અથવા પંસદ કરતો નથી, એટલે કોઈ બીજા આવું કરવાની પરવાનગી નથી, એ વાતથી તેઓ સહમત નહોતા.

ઉદારવાદી અભિગમ અપનાવતા તેમણે દૃઢતાથી કહ્યું હતું કે જ્યારે આપણે દરેક વિષય પર મુક્ત રીતે ચર્ચા અને વાદવિવાદ કરીશું, ત્યારે જ સમાજમાંથી વિકૃતિ બહાર જશે, જ્ઞાન જ આનો એકમાત્ર ઉપાય છે.

પ્રોફેસર દલવી છેલ્લે કહે છે, "શું આજે આપણા સમાજમાં સમાજ સ્વાસ્થ્ય જેવું કોઈ મૅગેઝિન છે? પાછલાં વર્ષોમાં મોટા મોટા નેતાઓ કામુકતા છોડીને બધા વિષયો પર ખુલીને વાત કરી છે. બહુ ઓછાં લોકો આ વિષય પર વાત કરવાની હિંમત ધરાવે છે. મને લાગે છે આજે પણ આની જરૂરિયાત છે."

આર. ડી. કર્વે અને ડૉ. બી. આર આંબેડકર 1934માં અદાતમાં લડાઈ હારી ગયા. અશ્લીલતા ફેલાવવા માટે કર્વેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. પરતું આવી લડાઈઓ વર્તમાન અને ભવિષ્યને અસર કરતી હોય છે અને તેમની આ અસર કોઈ એક કેસના નિર્ણયથી વધારે હોય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો