You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનિલ વિજ : ટ્રાયલમાં રસી લેનારા મંત્રીને થયો કોરોના, પરીક્ષણમાં ભાગ લેનારે શું ધ્યાન રાખવું જોઈએ?
હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. અનિલ વિજે ટ્વિટર પર સંબંધિત જાણકારી આપી છે.
તેમણે ટ્વિટર પર લખ્યું છે, "મારો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. હું અંબાલા કૅન્ટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ છું."
"ગત દિવસોમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને હું સલાહ આપું છું કે તેઓ પોતાની તપાસ કરાવી લે."
આ પહેલાં 20 નવેમ્બરે તેમણે અંબાલાની એક હૉસ્પિટલમાં કોવૅક્સિન રસી લગાવીને રસીની ત્રીજી ટ્રાયલ શરૂ કરાવી હતી.
અનિલ વિજ એ વૉલન્ટિયરોમાં સામેલ હતા, જેમણે ભારત બાયૉટેકની કોવૅક્સિનની ત્રીજી ટ્રાયલ દરમિયાન ડોઝ લીધા હતા.
ત્રીજા રાઉન્ડ માટે અનિલ વિજે જાતે જ પોતાનું નામ આપ્યું હતું. કોવૅક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ હરિયાણામાં શરૂ કરાઈ હતી અને મંત્રી અનિલ વિજને રસીનો પહેલો ડોઝ અપાયો હતો. બીજો ડોઝ આપવાનો બાકી હતો.
શું ધ્યાન રાખવું જોઈએ?
કોવેક્સિન રસી આપ્યા પછી હરિયાણાનાં આરોગ્ય પ્રધાન અનિલ વીજને કોરોનાનો ચેપ લાગી શકતો હોય તો ગુજરાતમાં પણ કોવેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
આ વિશે અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ડૉ. કિરિટ ગઢવીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "એક તો રસીની ટ્રાયલ એટલે કે પરીક્ષણ માટે લોકો તરત સામે આવતા નથી. એવામાં એ રસી આપ્યા પછી કોઈને કોરોના થાય તો પરીક્ષણ માટે નવા આવનારા લોકોની સંખ્યા ઘટે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વાત જો પરીક્ષણની કરીએ તો કોવેક્સિન રસીનું જેમના પર પરીક્ષણ થતું હોય છે તેમના પર મેડિકલ ટીમ નિરીક્ષણ રાખી રહી હોય છે. પરીક્ષણ માટેનાં ધારાધોરણ અને અસર તેઓ સતત ચકાસતા રહે છે. રસીની આડઅસર થઈ હોય કે કોઈને કોરોના થઈ જાય તો એ રસી પરિક્ષણનાં ભાગરૂપે જ એ નિરીક્ષણ હોય છે."
"અત્યાર સુધી જે કોઈ રસીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે એમાં કોઈનું પરિણામ સો ટકા સધીનું નથી. કોવેક્સિન 75 ટકા સુધીનું જ પરિણામ આપી શકે છે."
"તમે રસીની ટ્રાયલમાં ભાગ લો છો તેનો મતલબ એ નથી કે એ ટ્રાયલ પછી તમને કોરોના ન થઈ શકે? ટ્રાયલમાં રસીકરણ કરાવ્યા પછી પણ માસ્ક તો પહેરવું જ પડે, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું જ પડે અને વારંવાર હાથ ધોવા જ જોઈએ. કોરોના નાબૂદ ન થાય ત્યાં સુધી તો એ છોડવાનું જ નથી."
પરંતુ રસી લીધા પછી કોરોના થાય તો એની પરીક્ષણ વિશ્વસનીયતા સામે તો સવાલ ઊભા થાય જ ને?
"એમાં સવાલ ઊભા થવાનું કારણ નથી. કારણકે, કોરોના વાઇરસની પેટર્ન સતત બદલાતી રહે છે. એ પેટર્ન હજી સુધી પૂરેપૂરી કોઈને સમજાતી નથી. તેથી ટ્રાયલ અને એરર પર જ બધું ચાલે છે."
કોવેક્સિન રસીની ટ્રાયલ અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. એક હજાર લોકો પર એનું પરીક્ષણ થવાનું છે. 18થી 60 વર્ષની વ્યક્તિ એ ટ્રાયલમાં ભાગ લઈ શકે છે.
મોદીએ લીધી હતી મુલાકાત
ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ 'કોવૅક્સિન' નામની આ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. જેનાં પરિણામો ઉત્સાહજનક ગણાવાઈ રહ્યાં છે.
આ સ્વદેશી રસીને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયૉટેક સાથે મળીને વિકસાવી રહ્યાં છે.
આ રસી માટે 25 કેન્દ્રોના 26 હજાર વૉલન્ટિયરો પર ટ્રાયલ ચાલી રહી છે.
જે વૉલન્ટિયરોને રસી અપાઈ રહી છે, એ તમામને આગામી વર્ષ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ રસીનો પ્રથમ ડોઝ આપવાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવાનો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત શનિવારે હૈદરાબાદમાં આવેલી ભારત બાયૉટેક ફૅસિલિટીની મુલાકાત લીધી હતી.
મોદીએ જાતે આ મુલાકાત અંગે ટ્વિટર પર જાણકારી આપી હતી અને કહ્યું હતું કે તેમને રસીના વિકાસસંબંધે માહિતગાર કરાયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ભારત બાયૉટેકે પ્રેરણાદાયી ગણાવી હતી.
ભારત માટે કઈ રસી સૌથી વધુ યોગ્ય?
ભારતમાં ઝાયડસ કૅડિલા, ભારત બાયોટૅક અને સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા કોરોનાની રસી માટે પરીક્ષણો ચાલી રહ્યાં છે. જે હાલ વિકાસના જુદાજુદા તબક્કામાં છે.
ભારતમાં અત્યાર સુધી જેટલી પણ રસીનાં પરિણામો સામે આવ્યાં છે, તેમાં ઑક્સફર્ડની રસી બધાથી યોગ્ય છે, એવું માનવામાં આવી રહ્યું છે અને નિષ્ણાતો તેની પાછળ આ દલીલ આપી રહ્યા છે કે ઑક્સફર્ડની રસીને સરળતાથી સ્ટોર કરી શકાય છે
જો ભારત સરકાર ઑક્સફર્ડની રસી ખરીદવાનું નક્કી કરે છે, તો સરકારને રસીને સ્ટોર કરવા માટે અલગથી વધારાની મહેનત કરવાની જરૂર નથી.
ઑક્સફર્ડની રસીને સામાન્ય ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. જ્યારે ફાઈઝર અને મોડર્નાની રસીને સ્ટોર કરવા માટે કૉલ્ડ સ્ટોરેજ પર અલગથી કામ કરવાનું રહેશે.
આ બંને રસીને સ્ટોર કરવા માટે માઇનસ 20 ડિગ્રીથી માઇનસ 70થી ડિગ્રી તાપમાનની જરૂર પડશે.
જોકે સ્ટોર કરવા માટેની રીત બહુ ચોક્કસ છે, તો એવી સ્થિતિમાં ખોટી રીતે સ્ટોર કરવાથી રસીનો બગાડ થવાની શક્યતા વધી જાય છે.
કોઈ પણ કારણથી જો યોગ્ય તાપમાન ન મળે તો રસીની આખી ખેપ બગડી શકે છે. રસીની સાથેસાથે પૈસાનો પણ બગાડ થશે.
ભારતના પ્રમાણમાં ઑક્સફર્ડ રસીની કિંમત ઓછી છે
બધા જાણે છે કે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઑક્સફર્ડની રસી સાથે ઉત્પાદન માટેના કરાર પર સહી કરી છે.
કોઈ પણ દેશ કરતાં ભારતમાં બનનાર રસી સસ્તી પડશે. ભારતની વસ્તીના હિસાબે રસીનું ઉત્પાદન વધારવામાં સરકાર સફળ રહેશે.
ભારતમાં રસી ઉત્પાદન કરવાનો એ રીતે પણ ફાયદો મળી શકે છે કે બીજા દેશો કરતાં ભારતને રસી પહેલા મળી જશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો