You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી દુર્ઘટનામાં નવો ખુલાસો, 'કેબલ જ નહોતા બદલાવાયા, ફ્લોરના ભારથી તૂટ્યો પુલ '
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના મુદ્દે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પુલની મરામતમાં તેનાં તળિયાનાં પતરાં જ બદલવામાં આવ્યાં હતાં, જ્યારે પુલને ટેકો આપતા કેબલને બદલવામાં નહોતા આવ્યા.
સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર જે કૉન્ટ્રાક્ટરે ઝૂલતા પુલનું રિપેરિંગ કર્યું હતું તેમની પાસે આ પ્રકારની કામગીરી કરવાની યોગ્ય લાયકાત નથી.
ધરપકડ કરવામાં આવેલા નવ આરોપીઓને મંગળવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકીલ દ્વારા આ વિગતો કોર્ટને આપવામાં આવી હતી.
ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને સરકારી વકીલ એચએસ પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે જે પુલનું તળિયું બદલી નાખવામાં આવ્યું હતું, પરંતુ તેના કેબલ બદલવામાં નહોતા આવ્યા અને તેમાં બદલાયેલા તળિયાનું વજન સહન કરી શકે તેવી ક્ષમતા નહોતી.
રવિવારે તૂટી પડેલા ઝૂલતા પુલની દુર્ઘટનામાં કુલ 135 લોકોનાં મોત થયાં છે.
ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ એમજે ખાને ધરપકડ કરાયેલા નવ આરોપીઓમાંથી ચારના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં ઓરેવા ગ્રૂપના બે મૅનેજર અને પુલનું સમારકામ કરનારા બે પેટા કૉન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે. તેમને શનિવાર સુધી પોલીસ હિરાસતમાં રાખવામાં આવશે.
ધરપકડ કરાયેલા અન્ય પાંચ આરોપીઓ ત્રણ સુરક્ષા કર્મચારીઓ અને બે ટિકિટ બુકિંગ ક્લાર્કને જ્યુડિશિયલ હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ પોલીસે સોમવારે નવ આરોપીઓની ભારતીય દંડસંહિતાની કલમ 304 હેઠળ ધરપકડ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવેલા આરોપીઓમાં દીપક પારેખ અને દિનેશ દવે ઓરેવા ગ્રૂપના મૅનેજર છે. જ્યારે પ્રકાશ પરમાર અને દેવાંગ પરમાર પુલનું સમારકામ કરનારા પેટા-કૉન્ટ્રાક્ટર છે, જેમને ઓરેવા ગ્રૂપ દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી.
એફએસએલનો રિપોર્ટ ટાંકતા સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે "ફોરેન્સિક વિશેષજ્ઞોના મતે પુલનો મુખ્ય કેબલ પુલના નવા તળિયાનું વજન સહન ન કરી શકવાને કારણે તૂટી પડ્યો હતો.
તળિયામાં ચાર સ્તરનાં એલ્યુમિનિયમનાં પતરાં નાખવામાં આવ્યાં હોવાથી પુલનું વજન વધી ગયું હતું અને તેને કારણે કેબલ કપાઈ ગયો હતો અને પુલ તૂટી પડ્યો હતો. "
કેબલ સ્ટૅય્ડ બ્રિજ કેવો હોય છે?
આ ઝૂલતા પુલને ઇજનેરીની ભાષામાં કેબલ સ્ટૅય્ડ બ્રિજ અથવા સસ્પેન્શન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. દેશના ખ્યાતનામ યાત્રાધામ ઋષિકેશમાં આવેલા લક્ષ્મણઝૂલા અને રામઝૂલા એ આ પ્રકારના સસ્પેન્શન બ્રિજનાં ઉદાહરણ છે. જે વર્ષોથી દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે.
રાજકોટના સ્ટ્રક્ચરલ ઇજનેર જયંતભાઈ લખલાણી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "આ પ્રકારના કેબલ બ્રિજમાં બંને કિનારા પર ઊંચા ટેકા ઊભા કરેલા હોય છે.
જે સિમેન્ટ, લોખંડના કે પછી લાકડાના ઊંચા થાંભલા હોય છે. તેને ટેકવવા માટે કેબલને જમીનમાં ઊંડે સુધી ટેકો મજબૂત રહે તે રીતે ઍન્કર કરવામાં આવે છે." તેમણે વધુમાં કહ્યું, "આ થાંભલા સાથે કેબલ જોડવામાં આવે છે. જેના ઊભી દિશામાં ટેકા ધરાવતા કેબલ હોય છે. જેનો ઉપરનો છેડો થાંભલાને જોડતા કેબલો સાથે જોડાયેલો હોય છે અને નીચલો છેડો જેના પર લોકો ચાલવાના હોય છે તેવા લાકડાના કે કાચના કે પછી લોખંડના વૉક-વે સાથે જોડાયેલા હોય છે." રાજકોટના આર્કિટેક્ટ સુરેશ સંઘવીના જણાવ્યા પ્રમાણે જે કેબલ કે રોપ સસ્પેન્શન બ્રિજમાં વપરાય છે તેની લોડ બિયરિંગ (ભાર સહન કરવાની) ક્ષમતા પણ તપાસવી પડે છે.
બાંધકામની જાળવણી માટેની વહીવટી પ્રક્રિયા શું હોય છે?
સ્ટ્રક્ચરલ ઇજનેર જયંતભાઈ લખલાણીના જણાવ્યા અનુસાર આખું બાંધકામ બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે થાય છે. તે મુજબ પહેલાં તો તેની ડિઝાઇન બનાવવામાં આવે છે. ખાસ કરીને એવા સ્ટ્રક્ચર કે જ્યાં વધુ લોકો ભેગા થવાના હોય અને મોટી જાનહાનિ થવાનો ભય હોય ત્યાં વિશેષ કાળજી રાખવામાં આવે છે. તેની સ્ટ્રક્ચરલ ડિઝાઇન તૈયાર કર્યા બાદ માન્યતાપ્રાપ્ત સ્ટ્રક્ચરલ ઇજનેર દ્વારા તે ડિઝાઈનની ચકાસણી (વેરિફિકેશન) થાય છે. વેરિફિકેશન થયા બાદ તેને સરકારી સત્તામંડળ મંજૂરી આપે છે. ત્યાર બાદ પણ તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે કે તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં? ત્યારબાદ તેમાં વાપરવામાં આવતી સામગ્રી (મટિરિયલ) યોગ્ય ગુણવત્તાયુક્ત અને બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે છે કે નહીં તેની ચકાસણી થાય છે. ત્યાર બાદ તેના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે.