અમરેલીના મીતિયાળા ગામમાં એક વર્ષમાં ભૂકંપના 225 આંચકા કેમ આવ્યા?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમરેલી જિલ્લાના મીતિયાળા ગામમાં મંગળવારે એક જ દિવસમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

મહિનાભરના સમય દરમિયાન ત્રીસથી વધુ આંચકા અનુભવાતા ગ્રામજનો હવે કડકડતી ઠંડીમાં રાત્રે ઘર બહાર સૂવા મજબૂર બન્યા છે.

મીતિયાળા ગામના સરપંચે પ્રશાસનને આ અંગે ઘટતું કરવાની રજૂઆત કરી છે. પ્રશાસન પણ માને છે કે ગામની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો સતત અનુભવ થઈ રહ્યો છે.

જોકે પ્રશાસનનું કહેવું છે કે ભલે અહીં નાના-નાના આંચકા અનુભવાતા હોય પરંતુ મોટા ભૂકંપની શક્યતા નહીંવત છે.

ઘરમાં ભૂકંપનો અને બહાર હિંસક જાનવરનો ડર

મીતિયાળા ગામના રહેવાસી સવિતાબહેને બીબીસીના સહયોગી ફારૂખ કાદરી સાથે વાત કરતાં કહ્યું કે તેમને હવે વારંવારના ભૂકંપના આંચકાને પગલે ઘરમાં જતા બીક લાગે છે. સવિતાબહેન કહે છે, “નળિયા ખખડે છે, ઠંડીમાં બાળકો રાત્રે ઘર બહાર સુવા મજબૂર છે. અમારે કેવી રીતે જીવવું? સરકાર કંઈ ધ્યાન આપતી નથી.”

ગામના અન્ય રહેવાસી રહીમ રાઠોડ ભૂકંપની વાતને આગળ વધારતા કહે છે કે છેલ્લા દોઢેક માસથી આંચકાની સંખ્યા વધી છે. તેઓ કહે છે, “ગામમાં ભયનો માહોલ છે. કેટલાક કાચાં મકાનો છે તેમના ઘરમાં તીરાડો સુદ્ધા પડી ગઈ છે.”

મીતિયાળા ગામની વસ્તી 1800ની આસપાસ છે. આ ગામ ગીર અભયારણ્યની નજીક આવેલું છે. તેથી ગામમાં સિંહ અને દિપડા જેવા હિંસક પ્રાણીઓનો પણ ભય છે. રાતે ઘર બહાર સુતા મીતિયાળા ગામવાસીઓને જંગલી જાનવરોથી બચાવવા માટે રાત્રે પુરુષો ચોકી કરે છે અને બાળકો અને મહિલાઓ સુઈ જાય છે.

ગામના સરપંચ મનસુખ મોલાડિયા કહે છે કે, "અમારે બંને બાજુ ભયમાં જીવવાનું છે, ઘરમાં ધરતીકંપનો ભય અને બહાર જંગલી જનાવરનો. અમારૂ જીવન દુષ્કર થઈ ગયું છે." તેઓ ઉમેરે છે, “આ પ્રકારના આંચકા મીતિયાળા ગામમાં જ કેમ આવે છે. અન્ય જગ્યાએ કેમ આ આંચકાનો અનુભવ થતો નથી તેની તપાસ કરવા અમે સરકારને રજૂઆત કરી છે.”

જોકે પ્રશાસનનું કહેવું છે કે તેઓ ગ્રામવાસીઓની તકલીફની દરકાર લઈ રહ્યા છે. આ અંગે અમે સાવરકુંડલાના મામલતદાર પ્રદિપસિંહ વાઘેલા સાથે વાત કરી તો તેમણે કહ્યું, “તંત્ર સજાગ છે, આટલા બધા આંચકા કેમ આવે છે તેની તપાસ કરવા ગાંધીનગરથી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજી રિસર્ચની ટીમ મીતિયાળા જઈ રહી છે.”

વધુ વિગતો માટે અમે અમરેલીના ઇન્ચાર્જ કલૅક્ટર દિનેશ નિર્વે સાથે વાત કરી. તેમણે મીતિયાળામાં મોટા ભૂકંપની શક્યતાને નકારતા કહ્યું, “ છેલ્લા છ મહિનામાં 172 જેટલાં આંચકાઓ નોંધાયા છે. જોકે તે બધા રિક્ટર સ્કૅલ પર ત્રણથી નીચે નોંધાયા છે. જે તજજ્ઞોનો અહેવાલ છે તે પ્રમાણે અહીં મોટા ભૂકંપની શક્યતા નહીંવત છે.”

“મોટા ભૂકંપની શક્યતા નહિંવત”

ભૂકંપ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા અમે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજીકલ સર્વે (આઈએસઆર)નો સંપર્ક કર્યો.

આઈએસઆરના જણાવ્યા અનુસાર, મીતિયાળા ગામ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 225 જેટલાં ભૂકંપના આંચકા નોંધાયા છે. જે પૈકી 200 આંચકા તો રિક્ટર સ્કૅલ પર બેની તિવ્રતાથી પણ ઓછા છે. અને એક જ આંચકો ત્રણથી વધુની તીવ્રતાનો છે. બાકી બધા હળવા આંચકા છે.

આઈએસઆરના ડિરેક્ટર જનરલ ડૉ. સુમેર ચોપરા બીબીસી સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે, “નાના આંચકાનો અનુભવ માત્ર મીતિયાળા ગામમાં જ થાય છે એનું કારણ એ છે કે આ ગામ અહીંથી પસાર થતી ફોલ્ટલાઈનની બરાબર ઉપર આવેલું છે.”

ડૉ. સુમેર ચોપરા વધુ વિગતો આપતા કહે છે, “અહીંનું સ્થાનિક ફૉલ્ટ સ્ટ્રક્ચર નબળું છે. અહીં ઘણા નાના-નાના ફૉલ્ટ આવેલા છે. અને મીતિયાળા ગામ બરોબર આ ફૉલ્ટલાઈન ઉપર છે. જેને કારણે અહીં સ્વૉર્મ અર્થક્વૅકનો અનુભવ થાય છે. જે હળવો હોય છે. જ્યાં ઍપી સેન્ટર હોય ત્યાં આ આંચકો અનુભવાય છે પરંતુ તેનાથી ચાર-પાંચ કિલોમીટર દૂર લોકોને આંચકાનો અનુભવ પણ નથી થતો.”

તેઓ ઉમેરે છે, “અહીં પાતાળના દબાણનું જોખમ છે. અહીંથી ભૂકંપના આંચકા મારફતે ઊર્જા છૂટી પડે છે. હવે તેની હકારાત્મક બાબત એ છે કે જ્યારે સ્વૉર્મ અર્થક્વૅક મારફતે આ ઊર્જા છૂટી પડતી હોય ત્યારે મોટા ભૂકંપની શક્યતા નહીંવત હોય છે.”

ડૉ. ચોપરાના કહેવા પ્રમાણે, સાવરકુંડલા પંથકમાં આવતા આ પ્રકારના આંચકા મામલે જે વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ તે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજીકલ સર્વેએ કરી છે.

તેઓ કહે છે, “ગુજરાતમાં છેલ્લા 15 વર્ષોમાં જ્યાં પણ ભૂકંપ આવ્યો હોય તેની તીવ્રતા અને તેના ઍપી સેન્ટર સહિતના તમામ ડૅટા અમારી પાસે છે. આઈએસઆર પાસે આ ડૅટા લાઈવ આવે છે. આઈએસઆર ધરતીની અંદર 100 કીમી દૂર થયેલી હિલચાલને માપી શકે છે. અમે INSAR સેટેલાઈટ મારફતે પણ આ જગ્યાનો સર્વે કરાવ્યો છે. આ તમામ તપાસને આધારે એટલું જરૂર કહી શકાય કે અહીં મોટા ભૂકંપની શક્યતા નહિવત્ છે.”

ડૉ. સુમેર ચોપરાએ એમ પણ જણાવ્યું કે ભૂકંપની આગાહી કરી શકાતી નથી પરંતુ તેની વૈજ્ઞાનિક તપાસ કરીને તેનાથી બચવાની સમજ જરૂર કેળવી શકાય છે.

ભૂકંપ આવે તો શું કરવું, શું ન કરવું?

  • ભૂકંપ આવ્યે ડરવું નહીં.
  • જેવા ભૂકંપના આંચકા આવે કે તરત જ ઘર, ઓફિસ કે કોઈપણ ઇમારતની બહાર નીકળી જવું
  • વીજળીના થાંભલા, ઝાડ કે ઊંચી ઇમારતોથી દૂર ઊભા રહેવું.
  • ઘર કે ઑફિસ જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ મેદાન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન, કાચથી દૂર રહેવું જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ કે ડૅસ્ક જેવી મજબૂત જગ્યાની નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યાં ઊભા ન રહેવું જેથી દરવાજો તૂટે તો વાગે નહીં.
  • પરિવારના તમામ સભ્યોને ભૂકંપની જાણકારી આપો.
  • ભૂકંપવિરોધી ટેકનોલૉજીની મદદથી ઇમારતોનું નિર્માણ કરવું.
  • ઘરનો, ખુદનો અને પરિવારજનોનો વીમો કરાવવો.
  • પ્રાથમિક ઉપચાર અને ફાયર ફાઇટિંગની તાલીમ લેવી. જરૂરી દસ્તાવેજો, રોકડ અને અન્ય ચીજવસ્તુઓને બૅગમાં ભરીને હાથવગી રાખવી.
  • વાહન ચલાવતા હોવ તો તમે વાહનને એવી જગ્યાએ ખસેડો જ્યાં તમે રસ્તાને અવરોધતા ન હોવ.
  • વાહનને અંડરપાસ, ઇમારતો, ઓવરબ્રિજ, કે પૂલની આસપાસ પાર્ક કરવાનું ટાળવું
  • કટોકટીની સૂચનાઓ અપડેટ્સ માટે રેડિયો સાંભળવો
  • વગર કારણે ફોનની લાઇનોને વ્યસ્ત ન રાખવી.

ગુજરાત ઝોન-4માં

ભૂકંપની સંવેદનશીલતાની દૃષ્ટીએ ગુજરાત ઝોન-4માં મૂકવામાં આવે છે.

સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ અને જામનગરનો સમાવેશ ઝોન- IVમાં કરવામાં આવે છે. ગુજરાત એ 'હિમાલયન કૉલિશન ઝોન'માં આવેલું છે, પેટાળમાં યુરેશિયન પ્લેટની નીચે ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ સરકી રહી છે, જેના કારણે પેટાળમાં ઍક્ટિવ ફૉલ્ટલાઇન સર્જાય છે.

આઈએસઆર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપને લઈને કચ્છ જિલ્લો ભારે સંવેદનશીલ છે અને તેને ઝોન પાંચમાં મુકવામાં આવ્યો છે.

જામનગર, રાજકોટ, પાટણ અને બનાસકાંઠાને ઝોન ચારમાં મુકવામાં આવ્યા છે.

ગુજરાતનો 32 ટકા વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ જોખમીથી અતિજોખમી ઝોનમાં આવે છે. દાહોદને ઓછી સંભાવના ધરાવતા ઝોન બેમાં મૂકવામાં આવ્યો છે જ્યારે બાકીનો ગુજરાતનો 66 જેટલો ભાગ ઝોન ત્રણમાં છે.