You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅમ્બ્રિજના ભારતીય વિદ્યાર્થીએ અઢી હજાર વર્ષે સંસ્કૃત વ્યાકરણનો કોયડો કેવી રીતે ઉકેલ્યો?
કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના પીએચડી વિદ્યાર્થીએ સંસ્કૃત વ્યાકરણનો 2,500 વર્ષ જૂનો કોયડો ઉકેલ્યો છે.
27 વર્ષીય ઋષિ રાજપોપટે ઇસા પૂર્વ પાંચમી સદીના સંસ્કૃત વિદ્વાન પાણિનીનો એક નિયમ ઉકેલી લીધો છે. પાણિની પ્રાચીન સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા.
ઋષિ રાજપોપટે કહ્યું કે તે છેલ્લા નવ મહિનાથી આ કોયડાને ઉકેલવામાં ફસાઈ ગયો હતો અને કોઈ ઉકેલ પર પહોંચી શકતો નહોતો.
પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તે ક્ષણ આવી જ્યારે તેમણે ઉકેલ શોધી કાઢ્યો.
ઋષિ કહે છે, "મેં મારી જાતને એક મહિના માટે પુસ્તકોથી અળગી રાખી અને ઉનાળામાં સ્વિમિંગ, સાયકલિંગ, રસોઈ, પ્રાર્થના અને ધ્યાનનો આનંદ માણતો રહ્યો."
"પછી હું અનિચ્છાએ કામ પર પાછો ગયો અને થોડી મિનિટોમાં, જેમ જેમ હું પાના ફેરવતો ગયો તેમ આ પેટર્ન દેખાવાની શરૂ થઈ અને પછી બધું મારી સમજમાં આવવા લાગ્યું."
ઋષિ કહે છે કે આ રહસ્ય ઉકેલવા માટે તેઓ કલાકો સુધી લાઈબ્રેરીમાં બેસી રહેતા. ઘણી વખત આખી રાત લાઈબ્રેરીમાં બેસી રહેતા હતા.
શું કોયડો હતો?
ભારતમાં સંસ્કૃત બહુ પ્રચલિત નથી પરંતુ તેને હિંદુ ધર્મની પવિત્ર ભાષા માનવામાં આવે છે. તેનો ઉપયોગ ભારતના વિજ્ઞાન, તત્વજ્ઞાન, કવિતા અને ધર્મનિરપેક્ષ સાહિત્યમાં થતો રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાણિનીના વ્યાકરણને અષ્ટાધ્યાયી કહેવાય છે. તે એક એવી સિસ્ટમ પર આધારિત છે જે અલ્ગોરિધમની જેમ કામ કરે છે અને કોઈપણ શબ્દોના મૂળ અને પ્રત્યયને વ્યાકરણની રીતે સાચા શબ્દો અને વાક્યોમાં રૂપાંતરિત કરી દે છે.
જોકે, પાણિનીના બે કે તેથી વધુ નિયમો એકસાથે લાગુ પડે છે ત્યારે વિવાદ ઊભો થઈ જાય છે.
પાણિનીએ આ નિયમોનો પણ એક નિયમ બનાવ્યો હતો, જે પરંપરાગત રીતે વિદ્વાનો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો કે "જ્યારે એક જેવી શક્તિવાળા બે નિયમો વચ્ચે વિવાદ થાય ત્યારે વ્યાકરણમાં પાછળથી આવેલો નિયમ અસરકારક ગણવો જોઈએ."
જોકે, આ વ્યાખ્યાને કારણે ઘણી વખત વ્યાકરણના હિસાબે ખોટાં પરિણામો મળતાં હતાં.
ઋષિ રાજપોપટનો ઉકેલ
ઋષિ રાજપોપટે આ નિયમોના પેટા નિયમની પરંપરાગત વ્યાખ્યાને ફગાવી દીધી છે. ઋષિએ તર્ક આપ્યો છે કે પાણિનીનો મતલબ એવો હતો કે નિયમ શબ્દની ડાબી અને જમણી બાજુ અનુસાર લાગુ પડે છે. અહીં પાણિનીનો મત હતો કે જમણી બાજુથી લાગુ થયેલ નિયમ પસંદ કરવામાં આવે.
આ વ્યાખ્યા લાગુ કર્યા પછી ઋષિ રાજપોપટે અવલોકન કર્યું કે પાણિનીનું "ભાષા મશીન" વ્યાકરણની રીતે સાચા શબ્દો બનાવે છે અને તેમાં કોઈ અપવાદ નથી.
મૂળ ભારતના ઋષિ રાજપોપટ કહે છે, "હું આશા રાખું છું કે આ શોધ ભારતના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ગર્વની ભાવના જગાડશે અને આશા છે કે તેઓ પણ મહાન લક્ષ્યો હાંસલ કરી શકશે."
કૅમ્બ્રિજ ખાતે તેમના સુપરવાઈઝર અને સંસ્કૃતના પ્રોફેસર વિન્સેન્ઝો વર્ઝિયાનીએ જણાવ્યું હતું કે, "ઋષિ રાજપોપટે એવી સમસ્યાનું અસાધારણ સમાધાન શોધી કાઢ્યું છે કે જેણે સદીઓથી વિદ્વાનોને મૂંઝવણમાં મૂક્યા હતા."
"સંસ્કૃત ભાષાના અભ્યાસમાં રસ વધી રહ્યો છે ત્યારે આ શોધ ક્રાંતિ લાવનારી નિવડશે."