ઉર્દૂ ભાષા : ભારતના જમણેરી પક્ષો શું ઉર્દૂ ભાષાથી ડરે છે?

    • લેેખક, ઝોયા માતીન
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉર્દૂ ભાષા કોની છે? અનેક લોકોને અનેક વખત એવો અહેસાસ થાય છે કે ભારતમાં જમણેરી પક્ષો માટે આ વિદેશી ભાષા છે અને ભૂતકાળમાં આવેલા કથિત ઇસ્લામી આક્રમણકારીઓએ તેમના પર થોપી હતી.

ઉર્દૂને લઈને તાજો વિવાદ આ વર્ષે એપ્રિલમાં થયો હતો.

જ્યારે એક જમણેરી ન્યૂઝ ચૅનલના રિપોર્ટર એક લોકપ્રિય રેસ્ટોરાંમાં દાખલ થયાં અને કર્મચારીઓ સાથે ચર્ચા કરતાં તેમણે નાસ્તાના એક પૅકેટ પર 'ઉર્દૂમાં કંઈક લખ્યું હોવાનો' મુદ્દો ઊઠાવ્યો હતો.

જોકે ખાદ્ય સામગ્રીની જાણકારી આપતું આ લેબલ અરબી ભાષામાં હતું. ઘણા લોકોએ તેને 'મુસ્લિમ સમાજનાં મૂળિયાંને ટકાવી રાખવાનો' એક પ્રયાસ ગણાવ્યો હતો.

ગત વર્ષે કપડાં બનાવતી બ્રાન્ડ 'ફૅબ ઇન્ડિયા'એ પોતાની એક જાહેરાત પરત લેવી પડી હતી, કારણ કે તેમના કૅમ્પેનનું મથાળું ઉર્દૂમાં લખાયેલું હતું.

દેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.

આ પહેલાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવનારા રાજનેતાઓને ઉર્દૂમાં શપથ લેતા રોકવામાં આવ્યા હતા, કલાકારોને ઉર્દૂ લખવાથી કે ચિત્રો દોરતા રોકવામાં આવ્યા છે.

શહેરો અને ગામનાં ઉર્દૂ નામોને પણ બદલી નાખવામાં આવ્યાં છે.

શાળાના પાઠ્યક્રમમાંથી ઉર્દૂ ભાષાના શબ્દોને હઠાવી નાખવા માટે અદાલતોમાં અરજીઓ કરવામાં આવી છે.

ઘણા લોકોને લાગે છે કે ભારતમાં રહેતી મોટા ભાગની મુસ્લિમ વસતીને હાંસિયામાં ધકેલી દેવાના ઉદ્દેશથી આ પ્રકારે ઉર્દૂ ભાષા પર હુમલાઓ કરવામાં આવે છે.

કતાર યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રોફેસર રિઝવાન અહમદનું કહેવું છે, "એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મુસ્લિમો સાથે જોડાયેલાં પ્રતીકો પર હુમલો કરવાની આ એક પ્રવૃત્તિ છે."

વિરોધનું કારણ શું છે?

ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે ભારતની જમણેરી પાર્ટીઓ દ્વારા દેશનો ઇતિહાસ ફરી લખવાના રાજકીય ઍજન્ડાના ભાગરૂપે આ તમામ ઘટનાઓ ઘટી રહી છે.

ઇતિહાસકાર આંદ્રે ત્રેસ્કીનું કહેવું છે કે, "ભારતીય ભાષાઓને ધર્મના આધારે ખતમ કરવા માટેના રાજકીય હેતુને આગળ વધારવાની આ એક રીત માત્ર છે. વર્તમાન ભારતને એના ઇતિહાસના એક મોટા ભાગથી અલગ કરી દેવા માટે આ રીત અપનાવાઈ રહી છે."

તેઓ કહે છે, "આ વર્તન હાલની સરકારના હિતમાં હોઈ શકે છે પરંતુ આ તમામ લોકોના વારસા સામે ખૂબ જ મોટું નુકસાન છે"

બીબીસીએ આ અંગે ભાજપના ત્રણ પ્રવક્તાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે જવાબ ન આપ્યો.

સમજવામાં સરળ અને હૃદયની ભાવનાઓને વ્યક્ત કરતી ઉર્દૂ ભાષા ભારતના અનેક જાણીતા શાયરો અને લેખકોની પસંદગીની ભાષા રહી છે.

ભારતના લોકપ્રિય લેખકોમાં સામલે સઆદત હસન મંટો અને અસ્મત ચુગતાઈ ઉર્દૂમાં લખતાં હતાં.

ઉર્દૂ ભાષાએ એની શાન અને સાદગીથી માત્ર જ્વલંત રાષ્ટ્રીય કવિતા જ નહી રોમૅન્ટિક ગઝલોને પણ પ્રભાવિત કરી છે.

ઉર્દૂ બોલીવૂડનું હૃદય ધબકતું રાખનારાં ગીતોની પણ ભાષા રહી છે.

આ ભાષાનો વિરોધ કરનારા લોકો કહે છે, "ઉર્દૂ માત્ર મુસ્લિમોની ભાષા છે જ્યારે હિંદુ માત્ર હિંદી બોલે છે પરંતુ ઇતિહાસ અને વાસ્તવિકતા આનાથી બિલકુલ અલગ છે."

ઇતિહાસની નજર

આજે આપણે જે ઉર્દૂ ભાષાને જાણીએ છીએ એનો ઇતિહાસ આપણને તુર્કી, અરબી અને ફારસી ભાષામાં મળે છે. આ તમામ ભાષાઓ વેપાર અને સૈન્યઅભિયાનોની સાથે અલગ-અલગ સમયે ભારતમાં આવી હતી.

ઇતિહાસકાર આલોક રાય કહે છે, "આ સામાન્ય ભાષા ભારતીય ઉપમહાદ્વીપમાં અલગ-અલગ સંસ્કૃતિઓના મિલનથી પેદા થઈ છે. અલગ-અલગ સમયમાં તેને હિંદવી, હિંદુસ્તાની, હિંદી, ઉર્દૂ અને રેખતા જેવાં નામ અપાયાં."

ડૉક્ટર રાયનું કહેવું છે, "ઉર્દૂને સામાન્ય બોલચાલની ભાષાથી અલગ કરવા માટે કેટલાંક અંશોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સિલસિલો મુઘલકાળના અંતિમ વખતમાં શરૂ થયો હતો."

ઉર્દૂને તે સમયમાં આજના સમયની જેમ મુસ્લિમોની ભાષા ગણવામાં નહોતી આવતી પરંતુ તેમાં સામાજિક સમુદાયની અલગ અમલવારી અને દખલગીરી હતી. આ એ ભાષા હતી જેને ઉત્તર ભારતનો એક વર્ગ ઉપયોગમાં લેતો હતો, જેમાં હિંદુઓ પણ સામેલ હતા.

જ્યારે બીજી બાજુ હિંદીની સાહિત્યિક શૈલી 19 અને 20 સદીના અંતમાં હાલના ઉત્તર પ્રદેશમાં તૈયાર કરવામાં આવી હતી.

અલબત્ત ઉર્દૂ ભાષાના ઘણા બધા શબ્દો ફારસી, જ્યારે હિંદી ભાષાના શબ્દો સંસ્કૃત અને પ્રાચીન હિંદુ લિપીઓમાંથી લેવામાં આવ્યા હતા.

ડૉક્ટર રાય કહે છે, "જોકે બંને ભાષાઓનો આધાર એક સમાન વ્યાકરણ છે પરંતુ હિંદી અને ઉર્દૂનાં રાજકીય કારણો પણ છે."

ભાષાના ભાગલા

ડૉક્ટર રાય કહે છે કે બંને ધર્મો સાથે સંબંધ ધરાવતા લોકો આ સામાન્ય ભાષાના દાવેદાર હતા પરંતુ પછી પોતાની વ્યક્તિગત ઓળખ સ્થાપિત કરવાના દબાણે તેમાં ભાગલા પાડી દીધા.

તેઓ કહે છે, "જો આ તમામ સંજોગોનું કમનસીબ પરિણામ ન આવ્યું હોત તો એ કંઈક અંશે અલગ હોત."

આ ભાગલા અંગ્રેજોના વખતમાં વધારે મજબૂત થયા. જેમણે હિંદીને હિંદુઓ અને ઉર્દૂને મુસ્લિમોની સાથે ઓળખાવવાની શરૂ કરી હતી પરંતુ જમણેરીઓ પોતાના નિવેદનોમાં ઉર્દૂને જે રીતે વિદેશી ભાષાના રૂપમાં રજૂ કરે છે તે કોઈ નવી વાત નથી.

પ્રોફેસર અહમદ કહે છે કે 19મી સદીના અંતમાં હિંદુ રાષ્ટ્રવાદીઓએ ઉત્તર ભારતમાં અદાલતોની સરકારી ભાષા તરીકે હિંદીને માન્યતા આપવાનો દાવો કર્યો.

અંગ્રેજોએ 1837માં ફારસીની જગ્યાએ ઉર્દૂને સરકારી ભાષા બનાવી દીધી હતી.

ડૉક્ટર રાયનું કહેવું હતું કે 1947માં ભારતના ભાગલા સમયે ઉર્દૂ પોતાના શીર્ષ સ્થાને પહોંચી ગઈ હતી. ભારત ત્યારે બે રાષ્ટ્રો - ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયું હતું.

ડૉક્ટર રાય કહે છે, "ઉર્દૂ ભાષા ભારતના મુસ્લિમો માટે અલગ દેશનું આંદોલન ચલાવનારી પાર્ટી મુસ્લિમ લીગ માટે મહત્વપૂર્ણ ભાષા હતી. આંદોલન અને પાકિસ્તાનની માગ માટે લોકોને એકઠા કરવાનું સાધન બની ગઈ હતી."

ઉર્દૂ ભાષા એક સરળ નિશાન તરીકે ઊભરી અને ઉત્તર પ્રદેશે પોતાની શાળામાં ઉર્દૂ પર પ્રતિબંધ મૂકી દીધો. ડૉક્ટર અહમદનું કહેવું છે કે એ વખતે ઘણા હિંદુઓ પણ ઉર્દૂ ભાષાથી દૂર થઈ ગયા.

ડૉક્ટર ત્રેસ્કીનું કહેવું છે કે જમણેરી પાર્ટીઓએ ઉર્દૂ ભાષાની સાથે એક એવા ઇતિહાસને જોડવાના પ્રયત્નો કર્યા જેનું કોઈ અસ્તિત્વ જ નથી.

તે કહે છે, "જો ઉર્દૂ ભાષાને માત્ર મુસ્લિમોની ભાષા માની લેવામાં આવે તો શું આપણે તે ઘણા હિંદુઓ વિશે વાત નહીં કરીએ જેમણે ઉર્દૂમાં લખ્યું છે? આપણી કેટલીક પ્રાચીન પાંડુલિપિઓને અરબી અને ફારસીમાં લખાઈ છે એનું શું??"

"આ સિવાય તે ઉર્દૂ શબ્દોનું શું જેને આપણે સામાન્ય બોલચાલની હિંદી ભાષામાં વાપરીએ છીએ?"

ડૉક્ટર અહમદ કહે છે કે "જેબ (ખીસું) શબ્દ ફારસી અને અરબી ભાષામાંથી આવ્યો છે અને હિંદીમાં આનો વિકલ્પ શું? કદાચ કોઈ નહીં."

ડૉક્ટર અહમદ કહે છે, "આ ભાષા હવે આસ્થાનું પણ પ્રતીક છે. જેમ કે ઉર્દૂ બોલનારા મુસ્લિમ લોકો હિંદુઓની સરખામણીમાં સૂર્યાસ્ત માટે મગરિબ શબ્દનો વધારે ઉપયોગ કરે છે. આ તેનાથી અલગ નથી કે કોઈ પ્રકારે ઊંચી જાતિના હિંદુઓની ભાષા એક જ ગામના નિચલી જાતિની વ્યક્તિની

કરતા અલગ જોવા મળે."

ડૉક્ટર રાય કહે છે કે હિંદીમાંથી ઉર્દૂ હઠાવવાના પ્રયાસોએ હિંદી ભાષાના ગૌરવને ઘટાડ્યું છે. આ હિંદી ભાષા સામાન્ય લોકોની ભાષા નથી. આ ખોખલી અને ભાવનાત્મક પડઘાથી વંચિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો