You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાજાજા, 55555, કકકકક: પારકી ભાષામાં હસવું કેવી રીતે
- લેેખક, બીબીસી મુન્ડો
- પદ, સાથે ઈવા ઓન્ટિવેરો
આ વાત હવે જગતભરમાં જાણીતી થઈ છે કે મૅસેજ કરતી વખતે લોકો હવે ઓછામાં ઓછા શબ્દો વાપરે છે, કેમ કે તેમને સમય અને ડેટા બગાડવા પરવડતા નથી.
તેના કારણે જ લોકો એવા અક્ષરો કે ચિહ્નો લખતા થયા છે, જેના ધ્વનિ પરથી અર્થ આવી જાય છે, જેમ કે બઝ, મૂ, ક્વેક.
ટૂંકમાં હાસ્ય વૈશ્વિક છે અને ટૂંકાક્ષરીમાં સમજ પડી જાય, બરાબર? કદાચ, એવું નથી.
આપણે હસીએ છીએ એક સમાન રીતે, પણ તેના માટેનો ધ્વનિ અક્ષરોમાં લખીએ તે જુદો જુદો હોય છે.
ક્યાંક હાહા લખાય, ક્યાંક હીહી લખાય. તમે આમાંથી કયા શબ્દો લખવાનું પસંદ કરશો: "હાહા" અથવા તો "બાપરે, મારું તો હસવાનું રોકાતું નથી!!!"?
1. Ha ha
ઑક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનરી પ્રમાણે હાસ્યને દર્શાવવા માટેની યોગ્ય રીત છે ha ha અથવા Ha ha ha! પરંતુ મૅસેજમાં લોકો હવે haha એવું ટૂંકુ ને ટચ લખી નાખે છે.
હસવા સાથે થોડું મોઢું મચકોડવા માગતા હો તો હાહાને બદલ હેંહેં hehe એવું લખી શકે, પણ તે બહુ પ્રચલિત નથી.
2. Kkkkkk
ગુજરાતીમાં આશ્ચર્ય દર્શાવવા એક જ હેં લખીએ તે રીતે પોર્ટુગીઝ અને કોરિયનમાં લોકો kkkkkk એમ પાંચ વખત ક્લિક કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોર્ટુગીઝમાં હાસ્ય માટેનો શબ્દ 'ક્જા' એવા ધ્વનિ સાથેનો છે એટલે કકકકક એવું લખી નાખવાનું.
હાસ્ય માટે બીજો શબ્દ risos છે એટલે તેનું ટૂંકુ કરીને rsrsrs પણ ઘણા લખી નાખતા હોય છે.
કોરિયન અને પોર્ટુગીઝ વચ્ચે આમ કોઈ સમાનતા નથી, પણ મોઢું વંકાવાની વાત આવે ત્યારે તેમના ધ્વનિ મળતા આવે છે.
કોરિયનમાં પણ હાસ્ય માટેનો શબ્દ છે તે પણ ક ધ્વનિને મળતા આવતા ઉચ્ચાર સાથેનો છે એટલે તે લોકો પણ કકકકક એવું લખે ત્યારે હાસ્યથી દાંત કકડતા હોય તેવું લાગે.
એ જાણીને આનંદ પણ થાય કે આનંદ વ્યક્ત કરવા માટેનો ધ્વનિ ઘણી બધી ભાષામાં સમાન હોય છે, જોકે ગુજરાતીમાં કકકકક ઉઊંધો અર્થ દર્શાવી શકે - કકળાટ કે કલબલાટ!
3. Xaxaxa
ગ્રીસના લોકો હાસ્ય દર્શાવવા માટે hahaha અથવા kkkkkk એવું લખતા નથી. ગ્રીક ભાષાના ધ્વનિશાસ્ત્ર પ્રમાણે હાસ્ય દર્શાવવા માટે xaxaxa એવું લખીને ધ્વનિ પ્રદર્શિત થાય છે.
4. Olololo
મજાની વાત એ છે કે રશિયામાં સાયરિલિક મૂળાક્ષરો ચાલે છે. આ લીપી લગભગ 50 જેટલી સ્લેવિક, તુર્કી અને પર્શિયન ભાષાઓમાં માટે વપરાય છે.
એટલે આ બધા પણ હાસ્યની ટૂંકાક્ષરી કરે ત્યારે તે хахаха અક્ષરોને મળતી આવે છે.
જોકે, કેટલાક લોકો પોતાની ભાષાને વળગી રહેવા માગતા હોય છે, તે લોકો સાયરિલિક લીપી પ્રમાણે Olololo (સાયરિલિકમાં олололо) એવું લખતા હોય છે. આપણી ગુજરાતીમાં એલેલેલે ચાલે કે નહીં?
5. Kiekie
ડીઆર કોંગો અને તેની આસપાસના દેશોમાં 80 લાખ લોકો બાન્ટૂ ભાષા બોલે છે.
તેમના માટે પણ હાસ્યનું નિરુપણ ક ધ્વનિથી થાય છે કીકી.
થોડુંક હાસ્ય હોય તો બે વાર કીકી લખવાનું અને ખડખડાડ હસવાની વાત હોય તો કીકીકી kiekiekie એવું લખી નાખવાનું!
6. Jajaja
આ શબ્દ જાજાજા એવું જોઈને આપણે જાકારો યાદ આવે, પણ હકીકતમાં તે સ્પેનિશ ભાષીઓ માટે હાસ્યનો જ પર્યાય છે.
અહીં પણ ઑક્સફોર્ડ ડિક્શનરીના ત્રણ છુટ્ટા હાની જેમ "Ja, ja, ja" છુટ્ટું લખવું જોઈએ, પણ એટલો ટાઇમ કોની પાસે છે. એટલે Jajaja જાય ભાગ્યું અને પેટ પકડીને હસવાનું હોય તો jajajajaaaa એમ ચાંપો દબાવ્યે રાખવાની!
થોડું મોઢું મચકોડીને કટાક્ષમાં હસવાનું હોય તો થોડો જ ફેરફાર કરવાનો. ja ધ્વનિને બદલે je એવું કરી નાખવાનું. સહમતી સાથે હાસ્ય હોય તો jijiji (આપણેય સહમતી માટે જીજીજી નથી કરતાં, હેં?) અને સાનંદાશ્ચર્ય વ્યક્ત કરવા માટે લખી નાખો jojojo!
7. mdr
ફ્રેન્ચ લોકો પણ હાસ્ય માટે મોટા ભાગે hahaha... લખે છે, પણ ફ્રેન્ચ ભાષાની બાબતમાં થોડા ચોખલિયા ખરા એટલે ઘણી વાર mdr એટલું પણ લખે.
આવું કેમ? તેનાં બે કારણ છે - એક તો આ ખડખડાડ હાસ્ય (mort de rire - હસતા હસતા મરી ગયો)નું ટૂંકુ સ્વરૂપ છે અને બીજું ઝડપથી ટાઇપ પણ થઈ જાય.
8. lwkmd
નાઇજીરિયામાં પણ હાસ્ય માટે મૂળ શબ્દની ટૂંકાક્ષરીનો ઉપયોગ થાય છે. માત્ર ઓછા અક્ષરો ટાઇપ કરવા પડે એટલા માટે નહીં, પણ તેના કારણે વધારે સારે રીતે હાસ્યનો ભાવ પ્રગટ થાય છે.
ફ્રેન્ચની જેમ હસતા હસતા મરી ગયો એવો અડધીપડધી અંગ્રેજીનો શબ્દપ્રયોગ નાઇજીરિયામાં પણ થાય છે - laugh wan kill me die. તેના પરથી જ lwkmd ટૂંકાક્ષરી બનાવીને લખવામાં આવે છે.
9. 555555
થાઇલૅન્ડના લોકો અક્ષરોની માથાકૂટમાં પડ્યા જ નથી. તે લોકો સીધા પાંચ પાંચડાં લખી નાખે છે. થાઇલૅન્ડમાંથી કોઈ તમને 555555 એવો મૅસેજ કરે તો બીજું કશું ના સમજવું - ખડખડાડ હાસ્ય સમજવું.
જોકે થાઈ ભાષામાં પાંચનો ઉચ્ચાર હા એવા ઉચ્ચારની નજીકનો છે. થાઈ ભાષા ક્રા-દાઈ ભાષાકૂળની છે, જે અગ્નિ એશિયાના દેશોમાં બોલાય છે. આપણા ઈશાન ભારતમાં પણ તે કૂળની ભાષાઓ બોલાય છે.
પણ હવે ચીનમાં હો ત્યારે સાવધાન રહેજો, કેમ કે ચીનમાં પાંચડાનો ઉચ્ચાર "wu" એવો થાય છે. ઉચ્ચાર પણ જુદો અને અર્થ પણ જુદો. "wu"નો અર્થ કલ્પાંત કરવો થાય છે.
10. H
લેટીન પછી સૌથી વધુ પ્રચલિત લીપી અરબી લીપી છે. ઇસ્લામ સાથે તે લીપી ફેલાઈ હતી અને તેના કારણે નવા પ્રદેશોની ભાષામાં પણ તે લીપી સ્વીકારાઈ હતી.
અરબી લીપીની વિશેષતા એ છે કે તેનો દરેક અક્ષર સ્વતંત્ર વ્યંજન વ્યક્ત કરે છે. તે વ્યંજનમાં સ્વર ભળેલો હોતો નથી.
ગુજરાતીમાં આપણે હ લખીએ ત્યારે તેમાં હ્ ઉપરાંત અ સ્વર ભળેલો છે. તેથી જ અરબી લીપીના લોકો વ્યંજનને સ્વતંત્ર રીતે લખવાની આદત પ્રમાણે માત્ર h એટલું જ લખે છે.
h સાથે સ્વર માટે a ઉમેરાતો નથી તેથી માત્ર hhhhhh એવું લખવાનું, જે અરબીમાં આ રીતે (ههههه) લખાય છે. ههههه
11. Www
જાપાનમાં હાસ્ય માટેનો શબ્દ છે વારાઇ ( 笑い ).
જાપાની પ્રમાણે તેને ટાઇપ કરવામાં ભારે જફા કરવી પડે તેથી અંગ્રેજી સ્પેલિંગ પ્રમાણે પ્રથમ અક્ષર લઈ લેવાનો - www. ખડખડાટ હાસ્ય દર્શાવવું હોય પણ તો તેમાં અક્ષરો ઉમેરો, સિમ્પલ - wwwww.
12. Ha3
મલેશિયાના લોકોએ વાતને તેનાથી પણ ટૂંકાવી નાખી છે.
તે લોકો બસ આટલું જ લખે: Ha.
ખડખડાડ હસવું છે તો પણ લાંબું ટાઇપ નહીં કરવાનું, પાછળ ત્રણ ઉમેરી દો: Ha3 (એટલે કે hahaha થઈ ગયું).
13. Ahahah
ઉપરનો શબ્દ જોઈને લાગ્યું હશે કે ટાઇપ કરવામાં ભૂલ થઈ લાગે છે.
હકીકતમાં ઇટાલિયનમાં h સાઇલન્ટ છે એટલે તેનો ઉચ્ચાર બરાબર કરવા માટે તે લોકોએ ટૂંકાક્ષરીના સ્પેલિંગમાં પણ આટલો ફેરફાર કરી નાખીને સ્વરથી શરૂઆત કરી છે.
બીજી રીતે પણ આવું કરવું જરૂરી હતું, કેમ કે ઇટાલિયનમાં એક ક્રિયાપદ છે ha, જેનો અર્થ થાય છે હોઉં. તેથી આગળ a ઉમેરીને ફેરફાર કરવો પડે નહીં તો વાતનું વતેસર થાય.
14. høhøhø
નોર્વેના લોકો શું કરતાં હશે, ભલા? આમ તો ત્યાં પણ બધા hahaha એવું જ લખે છે.
પરંતુ કેટલાક લોકો વળી આગવા એવા høhøhø... ઉપયોગમાં લાવે છે. ડેનિશ ભાષાના વધુ પ્રેમી હોય તો તેઓ વળી તેમાંય થોડો સુધારો કરીને લખે કે hæhæhæ (આ ટૂંકાક્ષરી hehehe ઉચ્ચારની નજીક છે).
તમને થયું હશે કે આટલી બધી ભાષાઓની ખણખોદ કેવી રીતે થઈ.
હકીકતમાં મેક્સિકોમાં લેખકો અને વિચારકોની એક પરિષદ Hay Festival Querétaro 2019 યોજાઈ હતી. તેની ડિઝિટલ એડિશન માટે આ લેખ તૈયાર કરાયો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો