You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ત્રણ કારણોથી ભારતની મહિલા હોકી ટીમનો નેશન્સ કપમાં વિજય મહત્ત્વપૂર્ણ છે
- લેેખક, મનોજ ચતુર્વેદી
- પદ, વરિષ્ઠ સ્પોર્ટ્સ રિપોર્ટર, બીબીસી હિન્દી
ભારતની મહિલા હોકી ટીમે પ્રથમ નૅશન્સ કપ જીત્યો છે અને એફઆઈએચ પ્રો લીગમાં રમવાનો અધિકાર મેળવી લીધો છે.
ભારતે સ્પેનને 1-0થી હરાવ્યું અને હવે 2023-24 પ્રો-લીગમાં રમશે. ડીપ ડિફેન્ડર દીપ ગ્રેસ ભારતની જીતની નાયિકા રહ્યાં.
ભારતે પહેલા જ પેનલ્ટી કૉર્નર પર પાંચમી મિનિટે ગોલ ફટકારીને લીડ મેળવી લીધી હતી. આ ગોલ ગુરજીત કૌરે કર્યો હતો.
ભારત આ લીડને અંત સુધી જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. એમાં ડિફેન્ડર દીપ ગ્રેસનાં સમજદાર બચાવે મહત્ત્વતપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સ્પેને છેલ્લાં ક્વાર્ટરમાં સ્કૉર બરાબર કરવા માટે રીતસર આક્રમણ શરૂ કર્યું હતું. ઘણી વખત ખતરનાક હુમલા કર્યાં હતા. પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પુનિયાની આગેવાનીમાં ડિફેન્સ તેમને ગોલ કરતા રોકવામાં સફળ રહી હતી.
ત્રીજા ક્વાર્ટરમાં એક ક્ષણ એવી આવી જ્યારે એવું લાગતું હતું કે ભારતીય ટીમનું સપનું ચકનાચૂર થઈ શકે છે.
નબળાઈ તાકાત બની
સ્પેન સામેની ફાઈનલ પહેલા સુધી એવું માનવામાં આવતું હતું કે ભારતીય ડિફેન્સ અમુક સમયે દબાણમાં વિખેરાઈ જાય છે.
પરંતુ ફાઇનલમાં ભારતીય ડિફેન્સ પહાડની જેમ ઊભી રહી. સ્પેનના આક્રમણ સમયે ભારતીય ડિફેન્ડર્સ તેમને ગોલ કરતાં અટકાવી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આટલું જ નહીં, ભારતીય ડિફેન્સે સર્કલમાં બૉલ ક્લિયર કરવામાં પણ કમાલ કરી દેખાડી, જેના કારણે સ્પેનને વધારે પેનલ્ટી કૉર્નર મળી શક્યા નહીં.
ફાઈનલ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે ફૉરવર્ડ લાઇન અને મિડફિલ્ડમાં સલીમા ટેટે, સોનિકા, નવનીત કૌર, નવજોત કૌર, વંદના કટારિયા અને બ્યૂટી ડુંગડુંગના સારા પ્રદર્શનને કારણે ટીમ સારો દેખાવ કરી રહી છે.
પરંતુ કોચ જાનકે શોપમેન ટીમનાં ડિફેન્સમાં વધુ સુધારો કરી શક્યાં નથી. ઘણી વખત જ્યારે વિપક્ષી ટીમ ઝડપી હુમલા કરે છે ત્યારે ડિફેન્સ દબાણ હેઠળ ભાંગી પડતી જોવા મળે છે.
પેનલ્ટી કૉર્નર પર ગોલે જીત અપાવી
ભારતને માથે જીતનો તાજ પહેરાવવામાં પ્રથમ પેનલ્ટી કૉર્નરમાંથી ડ્રૅગ-ફ્લિકર ગુરજીત કૌરના ગોલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગુરજીતની પ્રથમ તકને ગોલમાં પરિવર્તિત કર્યા બાદ એવું લાગી રહ્યું હતું કે ભારત હવે મૅચમાં આ ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કરશે. પરંતુ એમ ન થયું.
ત્યારપછીના પેનલ્ટી કૉર્નરને ભારત ગોલમાં બદલી શક્યું ન હતું. તેની આ નબળાઈ અગાઉની મૅચોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
વર્તમાન સમયમાં પેનલ્ટી કૉર્નર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણા ફૉરવર્ડ તો પેનલ્ટી કૉર્નર મેળવવામાં સફળ થઈ જાય છે. પરંતુ આપણી પાસે સ્પષ્ટપણે એવા ખેલાડીઓનો અભાવ છે જે આ પેનલ્ટી કૉર્નરને ગોલમાં બદલી શકે.
આયર્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતને 11 પેનલ્ટી કૉર્નર મળ્યા હતા પરંતુ તેમાંથી માત્ર એકને ગોલમાં ફેરવી શકાયો હતો. ગ્રુપ મૅચોમાં પણ આવી જ સ્થિતિ રહી હતી. પરંતુ તે મૅચોમાં આ ઊણપ બહુ ખટકી નહોતી. પરંતુ આ ક્ષેત્રે સુધારાની જરૂર છે.
એફઆઈએચ પ્રો લીગમાં રમવાના ફાયદા
વાસ્તવમાં આ નૅશન્સ કપનું આયોજન એફઆઈએચ પ્રો લીગના પ્રમોશન અને રેલીગેશન ટુર્નામેન્ટ તરીકે કરવામાં આવ્યું છે.
પ્રો લીગમાં છેલ્લા સ્થાને રહેલી ટીમને હટાવીને નૅશન્સ કપના વિજેતા માટે પ્રો લીગમાં પ્રમોશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટના માધ્યમથી એફઆઈએચ પ્રો લીગમાં સ્થાન મેળવનાર ભારત પ્રથમ દેશ છે.
આ વખતે નૅશન્સ કપમાં વિજેતા બનવાનું મહત્ત્વ વધુ છે. કારણ કે તેના વિજેતા 2023-24ની એફઆઈએચ પ્રો લીગમાં રમશે.
વર્ષ 2023માં 19મી એશિયન ગેમ્સ ચીનમાં 23 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર સુધી અને વર્ષ 2024માં પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાવાના છે. એટલા માટે પ્રો લીગમાં દિગ્ગજ ટીમો સાથે રમવાની તક મળતા વધુ સારી તૈયારી કરી શકાય છે.
ભારતીય ટીમ એફઆઈએચ પ્રો લીગ 2021-22માં ભાગ લઈ ચૂકી છે. પરંતુ તેમાં તેને ભાગ લેવાની તક કેટલીક ટીમો કોવિડને કારણે ન રમી તે કારણે મળી હતી. જોકે, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન મેળવીને પોતાની ક્ષમતા પૂરવાર કરી હતી.
પરંતુ આ પ્રો લીગમાં માત્ર રૅન્કિંગની પ્રથમ છ ટીમો જ સીધી ભાગીદારી માટે લાયક ઠરે છે અને ભારતીય ટીમનો રૅન્ક આઠમો છે અને એ જ કારણે તે નૅશન્સ કપમાં રમી છે. હવે તેને આવતા વર્ષે ફરી પોતાની ક્ષમતા બતાવવાની તક મળી છે.
સવિતાએ ફરીથી અદ્ભુત પ્રદર્શન કર્યું
ભારતીય ગોલકીપર સવિતા પુનિયાએ આ મૅચમાં તેમનાં શાનદાર બચાવ કર્યાં. આ પહેલાં પણ તેઓ ઘણી વખત ટીમને જીત અપાવી ચૂક્યાં છે. ફાઇનલમાં પણ તેઓ ગોલ પર દિવાલની જેમ ઊભાં રહ્યાં હતાં. બીજું કંઈ નહિ તો તેમણે ઓછામાં ઓછા ચાર પ્રસંગોએ શાનદાર બચાવ કરીને ભારતીય લીડ જાળવી રાખી હતી.
આ પહેલાં સેમીફાઈનલમાં આયર્લેન્ડ સામેની જીતમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી. નિર્ધારિત સમયમાં એક-એકથી બરોબરી બાદ મૅચ પેનલ્ટી શૂટ-આઉટમાં ડ્રો થઈ ત્યારે સવિતાનો શાનદાર બચાવ ફરી એકવાર જોવા મળ્યો હતો.
ભારત તરફથી લાલરેમસેમી અને સોનિકાએ ગોલ કર્યા હતા. તો સવિતાએ આયર્લેન્ડનાં હેન્ના મેકલોફલિનની સ્ટ્રાઇકને રોકી હતી.
આ સ્થિતિમાં આયર્લેન્ડનાં કેથરિન મુલાન પર બધી જવાબદારી આવી પડી હતી. પરંતુ સવિતાએ બનાવેલા દબાણમાં તેમણે પોતાનો શૉટ આઉટ કર્યો.
આ પહેલાં ભારતે ગ્રુપ બીમાં ચિલી, જાપાન અને દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ભારતીય ટીમે પ્રભાવિત કર્યા
ભારતીય મહિલા હોકી ટીમ છેલ્લાં કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે નૅશન્સ કપની આ જીત પણ આ શ્રેણીમાં સામેલ થઈ ગઈ છે.
ભારતીય ટીમ ભલે ટોક્યો ઓલિમ્પિકમાં પોડિયમ પર ચઢવાથી વંચિત રહી ગઈ હોય, પરંતુ તેણે કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
બ્રોન્ઝ મેડલ મૅચમાં ન્યુઝીલૅન્ડ સામે 1-1થી ડ્રો બાદ પેનલ્ટી શૂટ આઉટમાં ગોલકીપર સવિતાના જોરદાર બચાવને પગલે 2-1થી જીત મેળવીને મેડલ જીત્યો હતો.
એ અલગ વાત છે કે ભારતીય ડિફેન્સની ભૂલને કારણે જ આ મૅચ શૂટઆઉટ સુધી ખેંચાઈ હતી.
ભારતીય ટીમે રમત પૂરી થવાની એક મિનિટ પહેલા સુધી 1-0ની સરસાઈ જાળવી રાખી હતી. પરંતુ ડિફેન્સના ખોટા ટૅકલિંગને કારણે ન્યુઝીલૅન્ડે છેલ્લી ઘડીએ પેનલ્ટી કૉર્નરને ગોલમાં ફેરવીને મૅચમાં પરત ફરી હતી.