You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લિયોનલ મેસ્સી : બાળપણમાં ‘ગ્રોથ હોર્મોનની કમી’થી પીડાતા બાળકથી ‘વિશ્વવિજેતા’ ટીમના કપ્તાન સુધીની સફર
લિયોનલ મેસ્સી ફૂટબૉલ વર્લ્ડકપની નજીક ગયા, થોડું નમ્યા અને ધીરેથી ટ્રૉફીને ચૂમી લીધી. હવે જ્યારે વર્લ્ડકપ હાથમાં આવ્યો તો બોલ્યા, “હું આને સ્પર્શવા તલપાપડ હતો. મને લાગી રહ્યું હતું કે ઇશ્વર મને આ તક આપશે. આ મારી ક્ષણ છે.”
રવિવારે કતારના લુસૈલ સ્ટેડિયમમાં ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં લિયોનલ મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિનાની ટીમે રોમાંચક મુકાબલામાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સને હરાવ્યું.
આર્જેન્ટિનાએ ત્રીજી વખત આ વર્લ્ડકપ જીતી લીધો છે. ફાઇનલ મૅચમાં નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી થયો અને ચાર-બેથી આર્જેન્ટિના જીત્યું.
ટુર્નામેન્ટમાં સાત ગોલ કરીને ટીમને વિજેતા બનાવનાર મેસ્સી ‘પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’ બન્યા.
આ જીત બાદથી મેસ્સીનું નામ ચર્ચામાં છે. જે લોકોએ પહેલાં ફૂટબૉલની મૅચ નહોતી જોઈ કદાચ તેઓ પણ ગઈકાલની ફાઇનલ બાદ મેસ્સીના ‘પ્રભાવ’થી બાકાત નહીં રહી શક્યા હોય. પરંતુ મેસ્સી કોણ છે કેવી રીતે તેઓ ફૂટબૉલ વિશ્વના ‘ચર્ચિત નામ’ બની ગયા?
બીબીસી માટે લખેલ એક લેખમાં ભૂતપૂર્વ ઇંગ્લિશ ફૂટબૉલર ગૅરી લિનેકરે લિયોનલ મેસ્સીનું પ્રદર્શન અને તેમની રમતનું સુંદર વિશ્લેષણ કરી તેમની કાબેલિયતોની નોંધ લીધી છે.
નૅપકિન પેપર પર કરાર પછી બન્યા કરોડોના આસામી
24 જૂન 1987ના રોજ આર્જેન્ટિનાના રોઝારિયામાં જન્મેલ મેસ્સીનાં માતાપિતા મૂળ ઇટાલી અને સ્પેનનાં હતાં. તેમના પિતા જૉર્જ અ સિલિયા ક્યુટિનીનાં ચાર બાળકો હતાં. તે પૈકી ત્રીજા લિયોનલ મેસ્સી છે. જૉર્જ શહેરમાં એક સ્ટીલ ફેકટરીમાં મૅનેજર તરીકે કામ કરતા હતા અને સિલિયા એક મૅગ્નેટ મૅન્યુફૅક્ચરિંગ વર્કશોપમાં કામ કરતાં હતાં.
લિયોનલના ભાઈઓ ફૂટબૉલ રમતા, તેથી તેમણે પણ રમવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ચાર વર્ષની ઉંમરે ગ્રાન્ડોલી ક્લબ વતી રમવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા તેમને ત્યાં તાલીમ આપતા.પરંતુ તેમને પ્રૅક્ટિસ માટે તેમનાં દાદી લઈ જતાં. તેમનાં દાદીએ લિયોનલને ફૂટબૉલના શરૂઆતના પાઠ ભણાવવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી. તે બાદ તેમણે નેવેલ્સ ઑલ્ડ બૉય્ઝ ક્બલ માટે રમવાનું શરૂ કર્યું. આ ક્લબની યુથ ટીમ તરફથી રમતી વખતે તેમણે 500 ગોલ ફટકાર્યા હતા. હજુ પણ એ રેકૉર્ડ કાયમ છે.
જ્યારે તેઓ દસ વર્ષના હતા ત્યારે તેમની કારકિર્દી પર સદા માટે છાપ છોડી ગયેલ મુશ્કેલી આવી. મેસ્સી ‘ગ્રોથ હોર્મોનની કમી’થી પીડાતા હતા. તેની અસર એ થઈ કે તેમની ઊંચાઈ એક હદ પછી વધવાનું બંધ થઈ ગયું.
એ સમયે મેસ્સીને એ સમસ્યા માટે દરરોજ ઇન્જેક્શન લેવાં પડતાં. તે ખૂબ દર્દનાક સારવાર હતી.
જ્યારે તેમના પિતાને સ્પેનના બાર્સેલોનામાં નોકરી મળી ત્યારે તેમણે બાર્સેલોના ફૂટબૉલ ક્લબના ડિરેક્ટર ચાર્લી રિયુક્સની હાજરીમાં એક ટ્રાયલ ગોઠવી. પરંતુ એ સમયે ક્લબ આર્જેન્ટિનાના યુવાનને સાઇન કરવા માગતી નહોતી. જોકે રિયુક્સના આગ્રહના કારણે તે શક્ય બન્યું. તે પછી જે થયું એ ઇતિહાસ છે.
ક્લબ અને મેસ્સી વચ્ચેનો કરાર નૅપકિન પેપર પર થયો હતો. આ કોઈ બનાવટી કહાણી જેવું લાગી શકે પરંતુ તે હકીકત છે. એ સમયે ક્લબ જૉર્જ મેસ્સીને વાર્ષિક 40 હજાર યુરો આપવી રાજી થઈ ગઈ.
શરૂઆતમાં તેઓ ટેકનિકલ મુશ્કેલીના કારણે બાર્સેલોનાની એ ટીમ માટે નહોતા રમી શક્યા. એ સમયે તેઓ માત્ર 13 વર્ષના હતા. પરંતુ તે બાદ તેમનો રસ્તો સાફ થઈ ગયો.
ટીમમાં ભળવું તેમના માટે આસાન નહોતું. તેઓ મોટા ભાગે એકલા રહેતા. શરૂઆતમાં તો તેમને પાસ પણ ન મળતા. પરંતુ પછી ચિત્ર બદલાવા લાગ્યું.
જે લોકોએ તેમની રમત જોઈ તેમનું વલણ પણ તેમના પ્રત્યે બદલાયું. તેમની સારવાર પૂરી થયા બાદ તેઓ બાર્સેલોનાની ટીમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયા. ત્યારથી 18 વર્ષ સુધી તેઓ બાર્સેલોના સાથે જ જોડાયેલા છે.
બાર્સેલોના ક્લબે પોર્સાવાડા લિયોનલને લિયોનલ મેસ્સી બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
લિયોનલ મેસ્સી બાદમાં મુખ્ય ટીમનો ભાગ બની ગયા. તેઓ ‘ઝડપથી’ વિરોધીઓ પર ઍટેક કરવા માટે જાણીતા હતા. મૅચ દરમિયાન તેઓ મોટા ભાગે બૉલને કંટ્રોલમાં રાખતા.
પેનલ્ટી કિક અને ગોલકીપરને માત આપવામાં તેમની પ્રતિભા લાજવાબ છે.
સ્પેન અને આર્જેન્ટિના બંનેની નાગરિકતા ધરાવતા મેસ્સીને સ્પેન તરફથી રમવાની પણ ઑફર કરાઈ હતી. પરંતુ તેમણે પોતાના દેશ આર્જેન્ટિનાની ટીમ તરફથી રમવાનું ઠરાવ્યું. વિશ્વકપમાં જીત પહેલાં તેમણે કોપા અમેરિકામાં આર્જેન્ટિનાને જીત અપાવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
તેઓ ફૂટબૉલની દુનિયાનો બૅલન ડી’ઑર ઍવૉર્ડ સાત વખત મેળવી ચૂક્યા છે.
મેસ્સી અને બાર્સેલોનાની ટીમ એક સાથે 35 ચૅમ્પિયનશિપ મેળવી ચૂક્યાં છે. જેમાં દસ લા લીગા ટાઇટલ, સાત કોપા ડેલ રે ટાઇટલ અને ચાર યુએફા ચૅમ્પિયન્સ લીગ ટાઇટલ સામેલ છે. લા લીગામાં સૌથી વધુ 434 ગોલ કરવાનો રેકૉર્ડ પણ તેમના નામે છે.
બાર્સેલોનાની ક્લબ તરફથી રમતી વખતે સૌથી વધુ 672 ગોલ કરવાનો રેકૉર્ડ પણ તેઓ બનાવી ચૂક્યા છે. બાર્સેલોના અને આર્જેન્ટિના માટે રમતાં તેઓ 750 ગોલ નોંધાવી ચૂક્યા છે.
આ સિવાય આર્જેન્ટિનાની ટીમ માટે સૌથી વધુ મૅચો અને સૌથી વધુ ગોલ કરવાનો રેકૉર્ડ પણ તેઓ ધરાવે છે.
કૅપ્ટન તરીકે તેઓ આર્જેન્ટિનાને વિશ્વકપ ફાઇનલ સુધી ત્રણ વખત લઈ જઈ ચૂક્યા છે. આ સિવાય તેઓ આ રમતમાંથી એક બિલિયન ડૉલરની કમાણી કરી ચૂક્યા છે.
ગોલ અને તે માટે મદદ માટે બેમિસાલ
લિનેકરના મતે મેસ્સી ટુર્નામેન્ટમાં સૌથી અલગ ખેલાડી તરીકે જોવા મળ્યા છે. રમતના મેદાનમાં ઘણી વાર એવું જોવા મળ્યું છે કે તેમને ત્રણ-ચાર ખેલાડીઓએ ઘેરી રાખ્યા છે, તે સમયે એવું લાગે છે કે તેઓ આ ઘેરામાંથી નીકળી નહીં શકે પરંતુ તેઓ હંમેશાં આ ધારણાને ખોટી પાડીને બહાર નીકળી આવે છે.
લિનેકરના મત મુજબ મેસ્સી અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડી છે. આવું તેઓ તેમણે કરેલ ગોલની સંખ્યાને લીધે નથી કહેતા પરંતુ તેમના વિઝન, તેમની જાગૃતિ અને તેમની નિર્ણય લેવાની ક્ષમતાના કારણે કહું છું.
એવું લાગે છે કે તેઓ રમી નથી રહ્યા પરંતુ રમતને ઉપરથી જોઈ રહ્યા છે.
આ વર્લ્ડકપમાં પણ જ્યારેજ્યારે બૉલ તેમની નજીક આવ્યો, લોકોની નજરો તેમના પર ટકી જતી. લોકોને તેમના જાદુનો ઇંતેજાર હોય છે અને દરેક વખત તેઓ આશાઓ પર ખરા ઊતરે છે.
તેમને રમતા જોઈને તો ઘણી વાર શ્વાસ અટકી જાય છે. કંઈક આવો જ અનુભવ ત્યારે હતો જ્યારે તેમણે શાનદાર રીતે ડ્રિબ્લિંગ કરતાં નેધરલૅન્ડ્સ વિરુદ્ધ ગોલ કરવા માટે તેમણે સટીક પાસ આપ્યો કે પછી મૅક્સિકો વિરુદ્ધ ખૂબસૂરતી સાથે ગોલ કર્યો, આ ગોલથી જ આર્જેન્ટિનાની કિસ્મત વર્લ્ડકપ 2022માં બદલાઈ છે.
સેમિફાઇનલમાં તેમણે જુલિયન અલ્વારેઝને જે પ્રકારે ગોલ કરવા માટે પાસ આપ્યો, એ પણ અવિશ્વસનીય જ ક્ષણ હતી.
આંખના પલકારા જેટલા સમયમાં ન માત્ર મેસ્સી વિશ્વની સૌથી મજબૂત રક્ષાપંક્તિને ભેદે છે પરંતુ એ પણ વિચારી લે છે કે હવે આગળ શું કરવાનું છે અને બૉલ અલ્વારેઝ તરફ ધપાવી દે છે.
મેસ્સીનું એક્સ ફૅક્ટર
મેસ્સીએ પાછલાં ઘણાં વર્ષોમાં એવું સાબિત કર્યું છે કે તેઓ એક અવિશ્વસનીય ખેલાડી છે.
જો તમે એમને માત્ર આ જ વર્લ્ડકપમાં રમતા જોયા હોય તેમ છતાં પણ તમને એ વાતનો વિશ્વાસ આવી શકે છે કે તેઓ એક વિશિષ્ટ ખેલાડી છે અ આધુનિક સમયમાં તેમની આસપાસ કોઈ અન્ય ખેલાડી નથી.
જ્યારે કોઈ એક ખેલાડીની બીજા ખેલાડી સાથે તુલના કરવાની હોય છે ત્યારે આપણે માપદંડ તરીકે ગોલની સંખ્યા તરફ નજર દોડાવીએ છીએ. પરંતુ લિનેકર માટે મહાન ખેલાડીનો અર્થ કંઈક અલગ છે.
આજકાલ મેસ્સી વિરુદ્ધ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મુદ્દે પણ કંઈક આવી જ ચર્ચા જોવા મળી રહી છે. ગોલ કરવા મામલે બંને આસપાસ જ છે પરંતુ લિનેકર માને છે કે મેસ્સીમાં રોનાલ્ડો કરતાં વધુ ઍક્સ ફૅક્ટર છે.
રોનાલ્ડો ગમે ત્યારે શાનદાર ગોલ કરી શકે છે, કિલિયન ઍમબાપે વીજળીવેગે આ કારનામું કરી શકે છે પરંતુ જે મેસ્સી કરી શકે છે તે આ બંનેના ગજાની વાત નથી.
મેસ્સી આંખના પલકારા જેટલા સમયમાં ન માત્ર ચાર-પાંચ ડિફેન્ડરોને માત આપી શકે છે પરંતુ સારા એવા અંતરેથી પણ ગમે તે ખેલાડીને ગોલ કરવા માટે સટીક પાસ આપી શકે છે અને જો કોઈ આસપાસ ન હોય તો પોતાની જાતે જ બૉલને ગોલપોસ્ટમાં પહોંચાડી દે છે.
તેઓ પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન આ કારનામું કરતા આવ્યા છે અને કંઈક આવું જ તેમણે આ ટુર્નામેન્ટમાં પણ કર્યું છે.
જોકે અમુક વિશ્લેષકોએ તેમના ફૉર્મને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે પેરિસ સેન્ટ જર્મેન માટે રમતા તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા.
મોટા ભાગના ફૂટબૉલ ચાહકોને મેસ્સીને રમતા જોવાનું પસંદ છે.
એ વાત સત્ય છે કે હવે તેમનામાં પહેલાં જેવી ઝડપ નથી રહી પરંતુ હજુ પણ તેમનો કુદરતી અંદાજ જળવાયેલો છે, આટલા લાંબા સમયથી શિખર પર રહ્યા બાદ પણ રમત પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા જળવાયેલી છે.
ખેલાડી તરીકેની મેસ્સીની અન્ય એક ખાસિયત પર તમારી સૌની નજર હશે. મેદાનમાં જ્યારે તેઓ ઍક્શનમાં ન હોય, ત્યારે તેમને જુઓ.
બની શકે કે તમે તેઓ જે કરી રહ્યા છે એ જોઈને આશ્ચર્યચકિત પણ થઈ જાઓ – એવું લાગે છે કે તેઓ રમતનું આંકલન કરી રહ્યા છે કે પછી દરેક પૉઝિશન પર રમી રહેલ ખેલાડીઓને તપાસી રહ્યા છે કે પછી તેઓ એ ક્ષણોમાં આરામ કરી રહ્યા છે?
તેઓ હંમેશાં આવું કરતા જોવા મળે છે પરંતુ બાર્સેલોના તરફથી રમતાં જ્યારે તેઓ વધુ આક્રમક હતા, ત્યારથી તેઓ આવું કરતા વધારે જોવા મળ્યા છે.
વર્ષ 2022ની આર્જેન્ટિનાની ટીમમાં અન્ય જગ્યાઓએ ભલે વિશ્વસ્તરીય ખેલાડીઓ ન હતા પરંતુ ટીમ સમગ્રપણે સંગઠિત દેખાઈ રહી છે અને અલ્વારેઝ જેવા ખેલાડી પણ સામે આવ્યા છે.
મેસ્સી અને મૅરાડોનાની તુલના
ઑલ ટાઇમ ગ્રેટેસ્ટ ફૂટબૉલર પર ચર્ચા કરવી એ હંમેશાં મજેદાર હોય છે, કારણ કે દરેકનો પોતાનો એક મત હોય છે, પરંતુ તમે જે ખેલાડીઓને રમતા જોયા છે, તેમની અસર વધુ હોય છે.
ગૅરી લિનેકર માટે તો બે ખેલાડી જ આ યાદીમાં છે, મૅરાડોના અને મેસ્સી. બંને એક જ દેશના છે, બંને ડાબા પગથી રમનારા ફૂટબૉલર છે અને બંનેની ઊંચાઈ પણ ઝાઝી નહોતી.
ઓછી ઊંચાઈને કારણે જ બંને રમતના મેદાનમાં ઘણું બધું રસપ્રદ અંદાજમાં કરી શકે છે.
તેમ છતાં બે અલગઅલગ સમયગાળાના ખેલાડીઓની તુલના ન થઈ શકે, કારણ કે એ દરમિયાન રમત પણ બદલાઈ ચૂકી છે. મૅરાડોના સતત બૉલને કિક કરતા રહેતા.
પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે મૅરાડોના ફૂટબૉલની રમતમાં સાત વર્ષ સુધી જ તેમનું સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ રમી શક્યા, કારણ કે મેદાન બહારના પણ અમુક મુદ્દા હતા.
ફૂટબૉલર તરીકે લાંબા ગાળા સુધી સારું પ્રદર્શન કરવાની વાત જ એ માપદંડ છે જે જણાવે છે કે આ બંને પૈકી બહેતર કોણ છે.
ક્લબ ફૂટબૉલ અને ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં જેટલી સફળતા મેસ્સીએ હાંસલ કરી છે, તેમની આસપાસ કોઈ નથી.
ગૅરી લિનેકર અનુસાર તેઓ કતારમાં એટલા માટે પણ શાનદાર પ્રકારે રમી રહ્યા હતા, કારણ કે તેઓ આર્જેન્ટિના માટે 2021નો કોપા અમેરિકા કપ જીતી ચૂક્યા હતા, તેથી તેઓ ઝાઝું દબાણ મહેસૂસ નહોતા કરી રહ્યા.