આર્જેન્ટિના બન્યું ફિફા વર્લ્ડકપ ચૅમ્પિયન, ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું

ફૂટબૉલ વર્લ્ડકપ ફાઇનલમાં રસાકસીભર્યા મહામુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાનો વિજય થયો છે. એકસ્ટ્રા ટાઇમ સાથે રમતનો સમય પૂરો થયો ત્યાં સુધીમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ 3-3 ગોલની બરાબરી પર રહ્યા હતા.

આર્જેન્ટિના માટે મેસ્સીએ 23મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો, જ્યારે એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે ગોલ કર્યો હતો.

મૅચની 78મી મિનિટ સુધી આર્જેન્ટિના 2-0થી આગળ હતું. 79મી મિનિટે ફ્રાન્સને પેનલ્ટી મળી. જેમાં ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઇકર ઍમબાપેએ ગોલ કર્યો અને એ સાથે આર્જેન્ટિનાની લીડ ઘટીને 2-1 થઈ ગઈ હતી.

આર્જેન્ટિના વર્લ્ડકપની જીતની ઉજવણી કરે એ પહેલાં ફરી ઍમબાપે તેમની જીતની આડે આવ્યા અને પહેલા ગોલની બે મિનિટમાં જ બીજો શાનદાર ગોલ ફટકાર્યો અને સ્કૉર બરાબર કરી દીધો.

આ સાથે વર્લ્ડકપ ફાઇનલમાં રેકૉર્ડ ગોલનું બિરુદ પણ ઍમબાપેએ મેસ્સી પાસેથી છીનવી લીધું. સ્કૉર 2-2ની બરાબરી પર રહ્યો હતો.

આર્જેન્ટિના માટે મેસ્સીએ 23મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો હતો, જ્યારે એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે ગોલ કર્યો હતો.

એકસ્ટ્રા ટાઇમમાં મેસ્સીએ ટીમનો ત્રીજો અને પોતાનો બીજો ગોલ ફટકાર્યો અને આર્જેન્ટિનાને જીત તરફ અગ્રેસર કર્યું.

પરંતુ ફરી એક વાર ઍમબાપે જીતની આડે આવી ગયા અને તેમણે પોતાનો હેટ્રિક ગોલ ફટકાર્યો અને મૅચને ફરી 3-3ની બરાબરી પર લાવી દીધી હતી.

મૅચનો સમય પૂર્ણ થયો ત્યાં સુધીમાં મૅચ અનિર્ણાયક રહેતા પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં ગયું હતું. જેમાં આખરે મૅચ આર્જેન્ટિનાના પક્ષમાં રહી હતી.

આધુનિક ફૂટબૉલના દિગ્ગજોમાંના એક લિયોનલ મેસ્સી અને તેની આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડકપ ટાઇટલ માટે ફ્રાન્સ સામે ટકરાઈ હતી.

મેસ્સીએ બાર્સેલોના ક્લબ અને આર્જેન્ટિના માટે અનેક ટ્રૉફી જીતી છે, પરંતુ તેમની આગેવાનીમાં કોઈ વર્લ્ડકપ નથી જીત્યો. મેસ્સી અને તેમના સાથી ખેલાડીઓને આ મેણું ભાંગવાની તક મળી અને તેમણે એ કરી બતાવ્યું.

બીજી તરફ ફ્રાન્સની ટીમ સળંગ બીજો કપ જીતવા આતુર હતી. પરંતુ જીત વ્હેંત છેટી રહી ગઈ. 2018માં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

આ મૅચના આકર્ષણો હતા, સતત ગોલ માટે પ્રખ્યાત આર્જેન્ટિનાના પ્રભાવશાળી ખેલાડી લિયોનલ મેસ્સી અને ઍમબાપે વચ્ચેનો જંગ.

યોગાનુયોગ, મેસ્સી અને ઍમબાપે બંને પેરિસ સેન્ટ-જર્મન તરફથી રમે છે. કતાર સ્પૉર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પોતે આ ટીમમાં ભારે રોકાણ કર્યું છે.

પેલે, ડિએગો મૅરાડોના, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સાથે મેસ્સીનું નામ સર્વકાલીન મહાન ખેલાડીઓમાં લેવાય છે. તેમાંથી પેલેએ બ્રાઝિલ અને મેરાડોનાએ આર્જેન્ટિના માટે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે.

પોર્ટુગલના રોનાલ્ડોનું આ સપનું આ વર્ષે પૂરું થઈ શક્યું નથી. પરંતુ જીત સાથે મેસ્સીએ આ સપનું સાકાર કરી બતાવ્યું છે. મેસ્સી સામે ઍમબાપેના રૂપમાં આકરો પડકાર હતો. ફાઈનલમાં ગોલ ફટકારવામાં ઍમબાપે મેસ્સીથી આગળ નીકળી ગયા પરંતુ ફાઈનલની જીત આર્જેન્ટિનાના પક્ષે રહી.

મેસ્સી વિ. ઍમબાપે

ફાઇનલ પહેલા મેસ્સી અને ઍમબાપે આ વર્ષના વર્લ્ડકપમાં 5 ગોલ સાથે સંયુક્તરૂપે ટૉપ સ્કૉરર હતા. ઍમબાપે 2018માં ફ્રાન્સની વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતા. ફાઇલનના અંતે મેસ્સીના 7 ગોલ અને ઍમબાપેના 8 ગોલ રહ્યા છે.

23 વર્ષીય ઍમબાપે ટીમને જીતાડી તો ન શક્યા પરંતુ ટુર્નામેન્ટમાં ટૉપ સ્કૉરરને આપવામાં આવતો 'ગોલ્ડન બૂટ' ઍવૉર્ડ જીતવામાં સફળ થયા છે.

ફ્રાન્સની ટીમે છેલ્લા એક દાયકાથી ફૂટબૉલ જગતમાં પ્રભુત્વ જમાવ્યું હતું. આ જીત સાથે આર્જેન્ટિનાએ એ પ્રભુત્વ તોડ્યું છે.

ફ્રાન્સ અને આર્જેન્ટિના બંને ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાના પ્રયાસમાં હતા. 1998 અને 2018માં ફ્રાન્સ, 1978 અને 1986માં આર્જેન્ટિના.

મૅરાડોનાએ અકલ્પનીય પ્રદર્શન સાથે 1986માં આર્જેન્ટિનાની વર્લ્ડકપમાં આગેવાની કરી હતી. હવે આર્જેન્ટિનાને જીત અપાવવાની સંપૂર્ણ જવાબદારી મેસ્સીએ નિભાવી છે.

ફ્રાન્સ સામેની મૅચ મેસ્સીની વર્લ્ડકપ કારકિર્દીમાં 26મી મૅચ હતી. મેસ્સીએ ક્લબ અને વૈશ્વિક સ્તરની લગભગ દરેક સ્પર્ધા જીતી છે.

અત્યારસુધી વર્લ્ડકપનો ખિતાબ હંમેશાં તેમનાથી દૂર રહ્યો હતો. આઠ વર્ષ પહેલાં મેસ્સી અને આર્જેન્ટિના ફાઇનલમાં જર્મની સામે હારી ગયા હતા.

મેસ્સી એ પોતાની વર્લ્ડકપ કારકિર્દીના ખિતાબ સાથે કારકિર્દીનું સમાપન સૌભાગ્ય મેળવ્યું છે.

અગ્રિમ મોરચે કોણ કોણ છે?

બેન્ઝેમાની ગેરહાજરીમાં ઍમબાપે સાથે ઓલિવિયર ગીરોડ અને એન્ટોઈન ગ્રીઝમેને ફ્રાન્સના આક્રમણનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું.

યુવા મિડફિલ્ડર ઓરેલિયન ટિચોમેનીએ તેના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. એડ્રિયન રેબિઓટે પણ આકર્ષક રમતનું પ્રદર્શન કર્યું. સંરક્ષણમાં અનુભવી રાફેલ વરને અને થિયો હર્નાન્ડીઝ ચમક્યા છે.

આ વર્ષના વર્લ્ડકપમાંથી આર્જેન્ટિના માટે એક નવા સ્ટાર ખેલાડી જુલિયન અલ્વારેઝના રૂપમાં ઊભરી આવ્યા છે.

22 વર્ષીય અલ્વારેઝે મેસ્સી સાથે મળીને છ મૅચમાં ચાર ગોલ કર્યા છે.

તેમણે ક્રોએશિયા સામેની સેમિફાઇનલ મૅચમાં બે ગોલ ફટકારીને આર્જેન્ટિનાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આર્જેન્ટિનાની સફળતામાં ગોલકીપર એમિઆનો માર્ટિનેઝનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું છે.

તેમણે નેધરલૅન્ડ સામેની ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાને પેનલ્ટી શૂટઆઉટથી જીત અપાવી હતી અને ફાઈનલમાં પણ પેનલ્ટી શૂટઆઉટથી જીત અપાવી હતી.

આર્જેન્ટિના અને ફ્રાન્સ 6 મૅચમાં સામસામે આવ્યા તે પહેલા બંને ટીમોએ 3-3 મૅચ જીતી હતી. તેથી મૅચ બરાબરીની થશે તેમાં કોઈ શંકા નહોતી.