કિલિયન ઍમબાપે : ફૂટબૉલ વર્લ્ડકપ હારી ગયેલા ફ્રાન્સના એ ખેલાડીની કહાણી જેણે કરોડો ચાહકોના દિલ જીતી લીધા

    • લેેખક, જૂલિયન લૉરેન્ઝ
    • પદ, ફ્રાંસ ફૂટબૉલ પત્રકાર, બીબીસી માટે

હાલ મોટા ભાગે આખું વિશ્વ કિલિયન ઍમબાપેની પ્રશંસા કરી રહ્યું છે. રવિવારે ફૂટબૉલ વર્લ્ડકપમાં આર્જેન્ટિના સામે તેમની ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં હારી તે છતાં, ઍમબાપે હૅટ્રિક સાથે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.

23 વર્ષના ઍમબાપેએ ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં જે કરી બતાવ્યું તેના પર ઘણા સુપરસ્ટાર માત્ર ઈર્ષ્યા કરી શકે છે. ગમે તે ખેલાડી માટે વર્લ્ડકપની ફાઇનલમાં હૅટ્રિક નોંધાવવી એ સપના જેવું હોઈ શકે. ઍમબાપેએ એવું જ કર્યું છે.

બસ તેમની ટીમ જીતી ન શકી માત્ર એ એક કમી રહી ગઈ.

તો આખરે ઍમબાપેની કહાણી શું છે?

ફૂટબૉલ માટે તેમના ઝનૂનને સમજવા માટે આવો તેમના બાળપણથી શરૂઆત કરીએ.

ફ્રાન્સની દસ નંબરની જર્સી પહેરનારા ઍમબાપે પેરિસના ઉત્તરના એક નાના શહેર બૉન્ડીમાં પેદા થયા હતા. ઍમબાપેના પરિવારમાં તેમના સિવાય તેમના પિતા વિલ્ફ્રેડ, માતા ફૈઝા અને દત્તક લેવાયેલ ભાઈ કેંબો ઇકોકો છે.

આ પરિવાર બૉન્ડી ફૂટબૉલ ક્લબના ઘરેલુ મેદાનની ઠીક સામે રહેતો હતો. અહીં જ તેમના સૌથી નાના ભાઈ ઍથનનો જન્મ થયો હતો. ઍમબાપેને ફૂટબૉલ ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે માત્ર સડક ક્રોસ કરવાની રહેતી. તેઓ કલાકો સુધી મિત્રો સાથે માત્ર ફૂટબૉલ જ રમતા.

હર ઘડી મળ્યો પરિવારનો સાથ

તેમના પિતા વિલ્ફ્રેડ લૉકલ ક્લબો સાથે જોડાયેલા હતા. તેમણે ઘણી ટીમોને કોચિંગ પણ આપી હતી. એ વિસ્તારમાં તેમનું ઘણું માન હતું. પેરિસની ફૂટબૉલ ક્લબોમાં પણ તેમની શાખ હતી.

વિલ્ફ્રેડના દીકરા ઍમબાપેને ફૂટબૉલ સિવાય કશું પસંદ નહોતું. તેઓ તો માત્ર પોતાના પિતાની આસપાસ રહેતા અને જે ટીમોને પિતા કોચ કરતાં ત્યાં ફૂટબૉલ રમતા રહેતા.

ઘરમાં દરેક વસ્તુ ફૂટબૉલની આસપાસ ફરતી રહેતી, પછી ભલે તે ટીવી પરની મૅચ હોય, મિત્રો સાથે મૅચ હોય કે પછી સ્કૂલની ફૂટબૉલ ટીમ માટે રમવાનું હોય.

તેમના રૂમની દીવાલો પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં પોસ્ટર હતાં. રોનાલ્ડોને ઍમબાપે તેમના આદર્શ માને છે.

શરૂઆતથી જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ઍમબાપે પાસે ફૂટબૉલની ગિફ્ટ છે.

ઘણી જલદી તેમની પ્રતિભાની ચર્ચા પેરિસમાં ફેલાવા લાગી. ફ્રાન્સની દરેક ક્લબ અને ઘણી મોટી યુરોપિયન ટીમોના સ્કાઉટ પણ ઍલર્ટ પર હતા.

પરંતુ ઍમબાપે તો એક યોજના પર કામ કરી રહ્યા હતા. પરિવાર પણ ઇચ્છતો હતો કે કિલિયન આવનારાં અમુક વર્ષો સુધી ફ્રાન્સમાં જ રહે. જોકે, આંતરરાષ્ટ્રીય ઍક્સપોઝરને નકારવાનું સરળ નહોતું.

તો પરિવારે અંતે 11 વર્ષના ઍમબાપે માટે ઇંગ્લૅન્ડની ચેલ્સી ક્લબની ઑફર સ્વીકારી લીધી. ચેલ્સી કિલિયનને એક અઠવાડિયાની ટ્રેનિંગ માટે સાથે લઈ ગઈ. તે બાદ કિલિયને 12 વર્ષની ઉંમરે રિયલ મેડ્રિડ સાથે પણ એક અઠવાડિયું વિતાવ્યું.

યુરોપની આ બંને મોટી ક્લબોએ કિલિયનનાં માતાપિતાને મનાવાની કોશિશ કરી પરંતુ તેઓ ન પોતાના દીકરાને લંડન મોકલવા માગતાં હતાં ન મેડ્રિડ. જોકે, આ ક્લબો મોં માગી રકમ આપવા તૈયાર હતી.

દરેક ક્લબ ઍમબાપેને તેમની ટીમમાં લેવા માગતી હતી

પરંતુ પરિવારે પોતાના સિતારા પર હજુ કામ કરવાનું હતું. તેઓ જ્યાં પણ ગયા, સૌથી બહેતરીન સાબિત થયા. પેરિસની અભિજાત એકેડમી ક્લોયરફોંતેમાં પણ તેઓ સૌથી સારા ખેલાડી સાબિત થયા.

સેંકડો 13 વર્ષીય બાળકોમાંથી પસંદ થઈને આવેલા ખેલાડી આ લબ્ધપ્રતિષ્ઠિત એકેડમીમાં બે વર્ષ પસાર કરતા હતા. અને વીકેન્ડમાં નાની-મોટી ક્લબો સાથે મૅચ રમાતી. ઘણી વાર પ્રૉફેશનલ ક્લબ પણ આવતી. તેમને કોઈ ખેલાડી પસંદ આવે તો તેની કારકિર્દી ચમકી જતી.

આ એકેડમીમાં ઍમબાપેનું કૌશલ્ય જોઈને ઘણી ક્લબો તેમની પાછળ પડી ગઈ. પરંતુ તેમનો ઇરાદો એકેડમીમાં પૂરાં બે વર્ષ પસાર કર્યા બાદ જ આગળ શું કરવું એ નક્કી કરવાનો હતો.

સેએન ક્લબને એક વાર લાગ્યું કે ઍમબાપે તેમની પાસે આવી રહ્યા છે, પરંતુ અંતિમ સમયે તેમણે મોનાકો પર પસંદગીની મહોર મારી. મોનાકોએ વાયદો કર્યો હતો કે તેમને ટૂંક સમયમાં મુખ્ય ટીમમાં રમાડવામાં આવશે. 15 વર્ષના ઍમબાપેને બીજું શું જોઈતું હતું. ફૂટબૉલ માટે તેમનું ઝનૂન બેહદ હતું.

મોનાકોમાં તેઓ યુવા ટીમમાં સામેલ થવા લાગ્યા હતા. પરંતુ તેમનું સ્વપ્ન તો પોતાના આદર્શ એટલે કે રોનાલ્ડોની જેમ ચૅમ્પિયન્સ લીગમાં રમવાનું હતું.

ઍમબાપેને મળેલી અપાર સફળતાને સમજવા માટે તેમના પરિવારને સમજવો પડશે. આખો પરિવાર હંમેશાં તેમની સાથે રહ્યો. ઍમબાપે મોનાકો ગયા તો તમામ ત્યાં જતા રહ્યા.

જ્યારે બહેતરીન રમત બાદ પણ તેમને મોનાકોમાં પુખ્ત ટીમમાં તક ન અપાઈ તે વાતનો તેમણે તેનો પૂરજોર વિરોધ કર્યો.

આખરે 2015માં મોનાકો ફૂટબૉલ ક્લબના કોચ લિયોનાર્ડો જાર્ડિમે ઍમબાપેને તક આપી. 16 વર્ષ 347 દિવસની ઉંમરે મોનાકો માટે રમીને તેમણે થૉરી ઑનરીનો સૌથી ઓછી ઉંમરના ક્લબ ખેલાડી હોવાનો રેકૉર્ડ તોડી નાખ્યો.

જલદી જ તેમણે મોનાકો ક્લબ માટે સૌથી યુવા ગોલ સ્કોરર બનવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કરી લીધો.

તે બાદ તેમને કોઈ રોકી ન શક્યું. પહેલી વખત 15 માર્ચ 2017ના રોજ, 18 વર્ષ 95 દિવસની ઉંમરે તેમને ફ્રાન્સની રાષ્ટ્રીય ટીમમાં રમવાની તક મળી. આગામી મૅચમાં ઍમબાપેએ પ્રથમ ગોલ કરી દીધો.

તે બાદ તો સમગ્ર યુરોપની ક્લબોમાં તેમને સાઇન કરવાની હરીફાઈ થવા લાગી.

રિયાલ મેડ્રિડે તો ઍમબાપેને સામેલ કરવાની ઘણી કોશિશ કરી. ક્લબે ઘણી ટ્રાયલો કરાવી, ફ્રેન્ડલી મૅચો રમાડી, ઝિડાન અને રોનાલ્ડો સાથે મુલાકાતો કરાવી, ક્લબે તેમને ઘણી લલચામણી ઑફરો આપી પરંતુ કશું કામ ન લાગ્યું.

અંતે એમબાપેએ ફ્રાન્સની પ્રતિષ્ઠિત ક્લબ પીએસજી પર પસંદગી ઉતારી. 13 કરોડ પાઉન્ડની આ ડીલ બાદ, પીએસજીએ ચારથી પાંચ લીગ વન ટાઇટલ જીત્યા છે.

અને જેમ અંગ્રેજીમાં કહેવાય છે- ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.